Niyati - 31 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૩૧

Featured Books
Categories
Share

નિયતિ - ૩૧

“ શું? ક્રિષ્ના અને પ્રેગ્નનસી ? ” 

પાર્થની વાત સાંભળી મુરલીનું માથું ભમી ગયું. પાર્થની એકે વાત એના પલ્લે ન પડી...,“ હાલ એ ક્યાં છે ?”

“ મને શું ખબર ? એતો તારી પાસે આવી હતી !”  

હવે ચોંકવાનો વારો પાર્થનો હતો. “ એ ત્યાં, તારી પાસે નથી ?”

“ના....એ મારી પાસે આવી જ નથી. અને તને કેવી રીતે ખબર કે એ, ” આગળ મુરલી ના બોલ્યો છતાં પાર્થ સમજી ગયો.

“ એને બે વખત ચક્કર આવેલા એટલે મને એવું લાગ્યું. ” પાર્થ ધીરેથી બોલ્યો, “ ઠીક છે, મારાથી જો ભૂલ થઈ ગઈ હોય તો તેણે કહેવું ના જોઈએ. એતો હસવા લાગેલી ! મને એની પર એટલો ગુસ્સો આવી ગયેલો. ઘરે જઈને મમ્મીને પણ કહી દીધું કે મારા માટે બીજી છોકરી જોઈ લેજે ! એ લોકો અમદાવાદ છોડીને જઇ રહ્યા હતા ત્યારે પણ હું એને મળવાં ના ગયો. ” પાર્થને ઘણા દિવસે એના મનમાં છુપાવીને રાખેલા રાજને બીજા કોઈ આગળ કહેવાનો મોકો મળેલો. એ ભાવાવેશમાં આવીને બોલેજ જતોતો....મુરલીનો હસવાનો અવાજ સાંભળીને એ ચૂપ થયો.


“ એક મિનિટ હું આટલી સીરીયસ વાત કરું છું ને તું હસી રહ્યો છે ?”


“ હસુ નહિ તો શું કરું ? તારા  જેટલો બેવકૂફ માણસ મેં આખી જિંદગીમાં નથી જોયો. ”


“ એય...બેવકૂફ કોને કે છે ?”


“ તને કહું છું, લાલા ! હવે સાંભળ ચક્કર આવવાં એતો સાવ સામાન્ય વાત છે. ગ્લુકોઝ લેવલ ઘટી ગયું હોય, એને ઉપવાસ હોય તોય ચક્કર તો આવી જાય. ચક્કર શું ઉલટી કે ઊબકા પણ આવે એનો મતલબ એ નથી કે એ...હમમ ! ”

“ મતલબ કે મેં જ ભૂલ કરી. ”

“ બહું મોટી ભૂલ ભાઈ ! અને એ માટે હું નિયતિનો હંમેશા  આભાર માનીશ. તું જ બધા પ્રૉબ્લેમની જડ હતો. સારું થયું કે હટી ગયો. હવે મારો રસ્તો સાફ થઈ ગયો. ” મુરલી પાછો હસી પડ્યો. પાર્થની મૂર્ખામી પર એને હસવું આવી રહ્યું હતું તો હવે ક્રિષ્ના એને ના નહિ પાડે એ વિચારી ડબલ ખુશી મહેસૂસ કરી રહ્યો.


“ આવું મારા મોં પર કહેતા તને જરાક પણ શરમેય નથી આવતી, રાઇટ ?”

“ ૧૦૧ પર્સેન્ટ !”

“ હસીલે આજે તારો દિવસ છે પણ, ક્રિષ્ના ક્યાં ?"

“ એને હું શોધી લઈશ. ”

“ હું પણ અહીં ટ્રાય કરું છું. તને એ મળી જાય તો મને કહેજે. ”

“ કહીશ જ ને મારા અને ક્રિષ્નાના લગ્નમંડપમાં તું સૈાથી પહેલો આવજે.”

“ ચાલ હવે, વધારે ઉડવાનું રહેવા દે.”

ફોન મુકાઈ ગયા. ક્રિષ્ના ક્યાં ગઈ હશે ? મુરલી વિચારી રહ્યો ત્યાંજ એના હંમેશા ખુલ્લા રહેતા બારણામાંથી કોઈ અંદર આવ્યું.

“ એ ભાઈ આ કોઈ ધરમશાળા નથી. કોઈને પૂછ્યા વગર સીધા અંદર ક્યાં ચાલ્યા આવે છો ?”

સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ, સારી  ઊંચાઈ ધરાવતા એ ગૌર યુવાને મુરલી તરફ જોઈ હસતાં કહ્યું, “ મને તો એમ કે તું દેવદાસની જેમ બેવડો થઈને કોઈ ખૂણામાં પડ્યો હોઈશ !” એને આગળ વધીને મુરલીને ખભે પોતાના બંને હાથ મૂકીને હળવું આલિંગન આપ્યું.

“ તું છે કોણ ?” મુરલીને એ માણસ પરિચિત હોય એમ લાગ્યું પણ એ તેને પહેલીવાર જોતો હતો એ વાતે એ ચોક્કસ હતો.

“ હમણાં બે કલાક પહેલાં જ એક છોકરાએ ફેસબુક પર મને મેસેજ કરેલો કે મુરલીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.”

“ કમાલ છે આ દેશમાં ! આટલી જલ્દી ન્યૂઝમાં આવી ગયું. હા પેલો તણપો જ હશે. મને પાણીમાંથી બહાર કાઢનાર. તમે કોણ ?”


“ ચલ એક છેલ્લો કલું આપુ,” પેલા યુવાને એની બેગમાથી એક માસ્ક નીકાળીને એના મોં પર પહેર્યું.

“ અબે સીધી રીતે બોલને...,” મુરલી એક પળ ચૂપ રહી એ માસ્ક તરફ જોઈ રહ્યો. વાંદરાના ફોટાવાળું એ માસ્ક એને યાદ હતું. એ હસી પડ્યો અને ચપટી વગાડતા બોલ્યો, “ નટખટ વાંદરું ! મારો ફેસબુક મિત્ર !”


“ હવે બરોબર !”

બંને જણા ફરીથી ગળે મળ્યા.

“ મારી હમણાંની એક પોસ્ટમાં મે લખેલું કે જો કોઈ તમારી આસપાસની વ્યક્તિ કે તમે પોતે ઉદાસ હોઉં કે આત્મહત્યા કરવાનું વિચારતા હોય તો મને સંપર્ક કરો. હું કોઈને મરવા નહિ દઉં. ” નટખટ બોલી રહ્યો, “ એટલે જ જેવો મને મેસેજ મળ્યો હું મારું બધું કામ છોડીને મારા જંગલમાંથી તારા જંગલમાં આવી ગયો. તું ઉદાસ તો લાગે જ છે. હમણાંનો ફેહબુકની મારી ડાળીએ દેખાતોય નથી. તારી ડાળી પર હોતો નથી. વાત શું છે ? ”

“ બધું કહીશ. આમેય મને આ વખતે તારા જેવા દોસ્તની ખૂબ જરૂર હતી. સારું કર્યું તું આવી ગયો. ” મુરલી થોડો ભાવુક થઈ ગયો.

“ ખાલી વાતોથી પેટ નહિ ભરાય આ વાંદરાને કંઇક ખાવાનુંય આલવું પડશે ને સાથે ખાવુંય પડશે, બહું ભૂખ લાગી છે. ” 

મુરલી એની વાત અને ચાલાકી જોઈને હસી પડ્યો.  પોતે જમ્યો ન હતો એ નટખટ ટીપાઈ પર પડેલું ઢાંકેલું ખાવાનું જોઈને સમજી ગયેલો ! બંને જણાએ સાથે મળીને પેટપૂજા કરી અને પછી મુરલીએ એની બધી વાત કરી. ક્રિષ્નાનો પત્તો કેવી રીતે લગાવવો એ વાત પર આવીને બંને અટક્યા હતા.

“ એક આઈડિયા છે. તું ક્રિષ્નાનો ફોટો આપણા ખાસ દોસ્તોને મોકલી આપ. જો એમણે એને ક્યાંય જોઈ હોય કે હવે પછી જુએ તો તરત તને જણાવે.” નટખટ માથું ખંજવાળતા બોલેલો.

મુરલીએ એમ પણ કરી જોયું હતું. આજે બે દિવસ પૂરા થઈ ગયા હતા છતાં, કોઈએ સારી ખબર નહતી આપી. જો કે નટખટનો આ વિચાર કામ જરૂર આવેલો. ચેન્નઈમાં બેઠેલા ભરતભાઈએ એ ફોટો જોયેલો. ક્રિષ્ના મુરલી સાથે એક મિત્રના ઘરે પૂજામાં સાડી પહેરીને ગઈ હતી. ત્યારે મુરલી એનો ફોટો લીધેલો. એજ ફોટો એણે એના ખાસ દોસ્તોને મોકલાવેલો.  એમાં ક્રિષ્ના ખૂબ જ ખુશ હતી, ખૂબ સુંદર ! ભરતભાઈના જ ઘરે મુંબઈમા ક્રિષ્ના રાત રોકાયેલી અને એટલેજ એમને થયેલું, આ છોકરીને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે?



સવારે મુરલી વહેલો ઉઠી ગયેલો. એ પરવારીને નીચે ગયો અને રોઝીને નાસ્તામાં કંઇક સરસ બનાવવાનું કહેલું. રોજ તો એ ઈડલી સંભાર કે મેંદુવડા બનાવી નાખતી. મુરલી કદી કોઈ ફરમાઈશ ના કરતો પણ, આજે એનો દોસ્ત નટખટ એની સાથે નાસ્તો કરવાનો હતો એટલે એણે રોઝીને ભલામણ કરેલી. 

નટખટ અને મુરલી બંનેએ સાથે મળીને ગરમા ગરમ દાળવડા અને મસાલાવાળી ચાની મજા લઇ રહ્યા હતા. બંને હવે આગળ શું કરી શકાય છે એમ છે એની જ ચર્ચા કરતા હતા ત્યારે મુરલીના ફોન પર મેસેજનો બેલ વાગ્યો....

“ અરે વાહ ! આતો મેં જે નવું એપ બનાવ્યું એના પરથી કોઈએ મનેજ મેસેજ  મોકલ્યો છે. ” ચાનો કપ નીચે મૂકી મુરલીએ ફોન હાથમાં લીધો. “ જોઈએ કોણ મને મેસેજ કરવા નવરૂ છે !”

મુરલીએ મેસેજ પર ક્લિક કર્યું અને એના ચહેરાની સ્મિતની રેખાઓ વિલાઈ ગઈ, એની જગા આશ્ચર્યએ લીધી. નટખટની સમજમાં હજી કંઈ નહતું આવ્યું. મુરલીએ કહ્યું, 

“ક્રિષ્નાનો મેસેજ છે.”