મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 29
ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે. વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે ગુફામાં આગળ વધે છે જ્યાં એ લોકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે આગળની સફર માટે.. માઈકલ ની ટુકડીને જોહારી વિચિત્ર સ્થિતિમાં મળે છે જ્યારે વિરાજની ટુકડીને મળેલો ગુરુ આગળ કોઈ મહામુસીબત ની વાત કરે છે.
ગુરુ જે મહામુસીબત આગળ જતાં એમનાં રસ્તામાં વિઘ્ન બનીને મોજુદ છે એ વિરાજ, કાસમ અને ડેનીને બતાવે છે.એ ત્રણેય તો ગુરુએ બતાવેલું દ્રશ્ય જોઈ આભા જ બની જાય છે. એ લોકોને આગળ વધવા એક ઢોળાવવાળો રસ્તો પાર કરવો જરૂરી હતો.. આ ઢોળાવ કોઈ તળાવ જેટલા આકારનો હતો.પણ આ તળાવ પાણીથી નહીં પણ સાપો થી ભરેલું હતું.
હા, સાપો થી ભરેલું તળાવ જેની અંદર લગભગ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં સાપ હતાં.. સાપો નાં ટોળે ટોળાં એકબીજા સાથે લપેટાઈને આ તળાવમાં પડ્યાં હતાં.. સારું હતું કે લગભગ દસેક ફૂટની સીધી સપાટી નાં લીધે એ સાપ બહાર નહોતાં આવી શકતાં.નહીં તો આખી ગુફામાં ફક્ત સાપ જ નજરે પડત.
"ગુરુ, આ તો મહામુસીબત નો પણ બાપ છે.. "ગળેથી થૂંક નીચે ઉતારતાં ડેની બોલ્યો.
"એમાં પણ આ સાપો નાં ટોળામાં મોટાં ભાગનાં જે સાપ છે એ બ્લેક મામ્બા નામની આફ્રિકન પ્રજાતિનાં સાપ છે.. "બ્લેક મામ્બા શબ્દ પર ભાર મુકતાં કાસમ બોલ્યો.
"બ્લેક મામ્બ..? આ સાપ વિશે મેં સાંભળેલું છે."કાસમની વાત સાંભળી આશ્ચર્ય સાથે વિરાજ બોલી પડ્યો.
"કિંગ કોબ્રા પછી દુનિયાનો બીજાં નંબરનો સૌથી વધુ ઘાતક સાપ આ બ્લેક મામ્બ છે.. એ જ્યારે મોં ખોલે ત્યારે મોં ની અંદર નો રંગ કાળો નજરે પડે છે એટલે એનું નામ બ્લેક મામ્બ પડ્યું.. એ સિવાય આ સાપ પોતાનાં શરીરની લંબાઈ નાં ત્રીજા ભાગની લંબાઈ જેટલો ઊંચો થઈ શકે છે.. આનું ઝેર શરીરનાં લોહીને જમાવી મૂકે છે જેનાં લીધે જો ઝેર વિરોધી રસી સમયસર ના મળે તો વ્યક્તિ એક કલાકથી પણ ઓછાં સમયમાં મૃત્યુ પામે છે.. "બ્લેક મામ્બ વિશે સવિસ્તર જણાવતાં કાસમ બોલ્યો.
"તો તો પછી સાપો થી ભરેલું આ તળાવ પાર કરીને સામે જવું ત્યારે જ શક્ય છે જ્યારે હવામાં ઉડવાની શક્તિ મળે..."ડેની મજાકીયા મૂડમાં બોલ્યો.
"સીધી ભાષામાં કહીએ તો હવે અહીંથી આગળ વધવું અશક્ય જ છે.. હું ગઈકાલનો અહીં બેઠો બેઠો એજ વિચારતો હતો કે આગળ કેમ વધવું.. પણ કોઈ ઉપાય ના મળતાં આખરે એ નિર્ણય પર આવ્યો કે પાછું વળી જવું.. પણ ત્યાં તમે મળી ગયાં.. "ગુરુ નંખાયેલાં સ્વરે બોલ્યો.
"દુનિયાનું કોઈ કામ અશક્ય નથી.. કંઈક વિચારવામાં આવે તો આ સાપોની વચ્ચેથી પણ રસ્તો કરી શકાય છે.. "વિરાજ મક્કમ અવાજે બોલ્યો.
"ભાઈ.. તારી વાત સાચી પણ આટલી મોટી માત્રામાં સાપો ને જોઈ મારી વિચારવાની શક્તિ તો બહેર મારી ગઈ છે.. "વિરાજ ની વાત સાંભળી સાપોનાં ભરેલાં તળાવની તરફ જોતાં કાસમ બોલ્યો.
"આ સાપો વચ્ચેથી રસ્તો કરી આગળ વધવામાં એક વસ્તુ આપણી મદદ કરી શકે છે એ વસ્તુ છે આગ.. "આંખો બંધ કરીને ગહન વિચારતાં વિરાજ બોલ્યો.
"આગ.. પણ કઈ રીતે..? "વિરાજની વાત સાંભળી ગુરુ ચમકીને બોલ્યો.
"દરેક સરિસર્પ નું શરીરનું લોહી એક સસ્તન વર્ગનાં સજીવ કરતાં હમેશાં ઘણું ઓછું જ હોય છે.. એટલે જ એ લોકો સીધાં તડકાંથી બચી શકે એ રીતે પાણી માં કે દરમાં જીવે છે.. હા અમુક વાર મગરમચ્છ જેવાં સરિસર્પ શરીરનું લોહી વધુ ઠંડુ થઈ જતાં સૂર્યપ્રકાશ લેવાં બહાર જરૂર આવે છે.. પણ બીજાં બધાં સરિસર્પ મોટાં ભાગે ઠંડક પસંદ કરે છે.. માટે આગ ની ગરમી એમને આપણાંથી દુર રાખવામાં કારગર નીવડી શકે છે.. "વિરાજે પોતે શું કરવાં માંગતો હતો એ જણાવતાં કહ્યું.
"પણ એ કરીશું કેવી રીતે.. આપણી જોડે એવાં કોઈ સાધનો તો છે નહીં.. "વિરાજની વાત સાંભળી કાસમ બોલ્યો.
"હા એ વાત તો છે.. જો માઈકલ આપણી જોડે હોત તો આપણું કામ સરળ બનત.. કેમકે એની જોડે ડાયનમાઈટ હતાં જેનો ઉપયોગ આપણે રસ્તો બનાવવામાં કરી શકત.. "અફસોસ કરતો હોય એમ વિરાજ બોલ્યો.
"અરે, માઈકલ નથી તો શું થયું એની બેગ તો આપણી જ જોડે છે ને.. "ડેની એ વિરાજની તરફ જોઈને કહ્યું.
ડેની ની વાત સાંભળી વિરાજે પોતાનાં ખભે લટકાવેલી બેગ તરફ ગરદન ઘુમાવીને જોયું.. અને ખુશ થતાં બોલ્યો.
"હા યાર.. મેં ભૂલથી ઉતાવળમાં મારી બેગ માઈકલને આપી દીધી.. "
"તો જલ્દીથી માઈકલ ની બેગમાં ચેક કરી અંદરથી ડાયનમાઈટ નીકાળી એને સળગાવી ને તળાવની અંદર ફેંક.. જેથી થોડો સમય માટે બધાં સાપ એની પ્રચંડ ગરમીનાં લીધે એક તરફ ખસી જાય અને એ સમયગાળામાં આપણે ઝડપથી દોડીને સામેની તરફ પહોંચી જઈએ.. "કાસમ અધીરાઈ સાથે બોલ્યો.
કાસમનાં આમ બોલતાં જ વિરાજે પોતાનાં બંને હોઠ બીડાવી ગરદન ને હકારમાં હલાવી અને ખભેથી માઈકલની બેગ નીચે ઉતારી.. અંદર હાથ નાંખી શોધતાં વિરાજનાં હાથ બે ડાયનમાઈટ લાગ્યાં.. ડાયનમાઈટ બહાર કાઢી નીચે મુકતાં વિરાજ બોલ્યો.
"આપણે એક ડાઈનામાઈટ શોધતાં હતાં અને બે મળી ગયાં.. હવે તો સાપો નાં તળાવ વચ્ચેથી સરળતાથી રસ્તો બની જશે.. "ચહેરા પર મુસ્કાન સાથે વિરાજ બોલ્યો.
"તો પછી નેકી અને પૂછ પૂછ.. આ ડાઈનામાઈટ ને સળગાવ અને ફેંક તળાવની વચ્ચે.. હવે વધુ સમય બગાડવો પોષાય એમ નથી.. "ડેની વિરાજને ઉદ્દેશીને બોલ્યો.
ડેની નાં આમ બોલતાં જ વિરાજે પોતાનાં ખિસ્સામાંથી લાઈટર નિકાળ્યું અને ડાઈનામાઈટ સળગાવવાની તૈયારી આરંભી.
***
એક તરફ જ્યાં વિરાજ, કાસમ, ડેની અને ગુરુ સાપો ભરેલાં તળાવને પાર કરવાની વેતરણમાં હતાં ત્યાં બીજી તરફ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયેલાં જોહારીને કઈ રીતે સલામત બચાવવો એની વેતરણમાં માઈકલ, સાહિલ અને અબુ લાગેલાં હતાં.
"ભાઈ.. તું ચિંતા ના કર અમે તને કોઈપણ રીતે બચાવી લઈશું.. "સાહિલ ગભરાયેલાં જોહારીને સાંત્વનાં આપતાં બોલ્યો.
"પણ સાહિલ આપણે કરીશું શું..? "સાહિલે જોહારીને ધીરજ તો આપી પણ એની જોડે કોઈ ચોક્કસ ઉપાય હતો કે નહીં એ વિશે સવાલ કરતાં અબુએ પૂછ્યું.
"મેં કંઈક વિચાર્યું છે.. "આટલું કહી સાહિલે નીચે પડેલાં બે પથ્થર હાથમાં લીધાં અને પોતે શું કહેવા માંગતો હતો એ જણાવતાં બોલ્યો.
"જોવો આ પથ્થર છે એ જોહારી છે અને આ જગ્યા છે એ જોહારી બેઠો છે એ જગ્યા માની લો.. જો જોહારી ઉભો થાય તો ઉપરથી પથ્થરો પડવા લાગે પણ જેવો જોહારી બેસી જાય તો બધું ઠીક થઈ જાય.. "એક પથ્થરને ઊંચો કરી પાછો ત્યાં મુકતાં બોલ્યો.
"હવે જો જોહારી જેટલું જ વજન ધરાવતો પથ્થર જો એ જ્યાં બેઠો છે ત્યાં મુકવામાં આવે તો એવું જ રહેશે જેવું જોહારી નાં બેસી રહેવાં પર થયું.. "બીજાં પથ્થરને પ્રથમ પથ્થરનાં સ્થાને મુકતાં સાહિલ બોલ્યો.
સાહિલની વાત સાંભળી માઈકલ અને અબુ અમુક સમય સુધી કંઈક વિચારતાં રહ્યાં.. એમને સાહિલની વાત યોગ્ય તો લાગી હતી પણ એ વિશે હજુપણ થોડો સંશય મનમાં હોવાથી માઈકલ સંદેહ સાથે બોલ્યો.
"પણ જો સાહિલ તું કહે એમ ના થયું તો..? "
"જો એવું ના થાય તો આપણે જોહારીને પાછો એ જગ્યાએ બેસાડી દઈશું.. પણ એક વાર કોશિશ તો કરવી જ રહી.. "સાહિલ મક્કમ ઈરાદા સાથે બોલ્યો.
"સારું તો એ માટે પહેલાં જોહારી નાં વજનની આસપાસ ની કોઈ વસ્તુ શોધવી પડશે.. અને અહીં એવી એક જ વસ્તુ હશે ગુફાની સપાટીથી છૂટી પડેલી કોઈ શીલા.. "સાહિલ ની તરફ જોઈ અબુ બોલ્યો.
"તો પછી લાગી જઈએ એવી કોઈ મોટી શીલા ને શોધવામાં.. "સાહિલે માઈકલ અને અબુને સંબોધતાં કહ્યું.
સાહિલે જે યુક્તિ અજમાવવાની વાત કરી હતી એ સાચી ઠરે અને પોતે આ વિકટ પરિસ્થિતિમાંથી છૂટી જાય એવી પ્રાર્થના જોહારી પોતાનાં ઈષ્ટદેવ ને કરવાં લાગ્યો.
દસ મિનિટની શોધખોળ બાદ અબુ એ માઈકલ અને સાહિલને અવાજ આપી પોતાની જોડે આવવાં કહ્યું.. અબુનો સાદ સાંભળી સાહિલ અને માઈકલ અવાજની દિશામાં આગળ વધી અબુ જોડે જઈ પહોંચ્યા.
"આ રહી આપણે શોધતાં હતાં એ મુજબની શીલા.. "પોતાની જોડે પડેલાં મોટાં કદનાં પથ્થર ને બતાવતાં અબુ બોલ્યો.
સાહિલે નીચાં નમી પોતાનાં હાથનાં સ્પર્શ વડે એ પથ્થરની કઠોરતા ચકાસી જોઈ અને પછી બોલ્યો.
"આકાર ઉપરથી તો એવું લાગે છે કે આનું વજન જોહારી જેટલું તો ચોક્કસ હશે.. આમ પણ જોહારી સુકલકડી જ છે.. "
"તો પછી તમે બે મદદ કરો એટલે આપણે આ શીલા જોહારી જ્યાં ફસાયો છે ત્યાં લઈ જઈએ.. "અબુ એ માઈકલ અને સાહિલને સંબોધતાં કહ્યું.
અબુની વાત સાંભળી માઈકલ અને સાહિલે પણ પોતાને કમરથી ઝુકાવી નીચે પડેલી મોટી શીલાને ઊંચકવામાં અબુની મદદ માટે હાથ લંબાવ્યો.. ખરેખર એ શીલા સહેજે 60 કિલો ની આસપાસની તો હતી જ.. આ શીલા સાહિલે બતાવેલી યુક્તિ સાથે બરાબરનો મેળ ખાતી હતી.
માઈકલ, અબુ અને સાહિલ સારી એવી મહેનત બાદ એ ભારે ભરખમ શીલાને જોહારી જ્યાં બેઠો હતો એ તરફ લઈને આવ્યાં.. ત્યાં પહોંચતાં જ સાહિલે જોહારી ને ઉદ્દેશતાં કહ્યું.
"જોહારી જલ્દીથી તું મારાં એક, બે અને ત્રણ બોલવા પર ઉભો થઈ જજે.. મને વિશ્વાસ છે કે મારી યુક્તિ કારગર નીવડશે પણ જો એવું ના થાય તો દોસ્ત તારે પાછું ઉતાવળાં અહીં બેસી જવું પડશે.. નહીં તો અમે ત્રણ પણ તારી સાથે અહીં જ દફન થઈ જઈશું.. "
સાહિલનાં આમ બોલતાં જોહારી એ પ્રતિભાવમાં ડોકું હલાવ્યું.. એ લોકો જોહારી બેઠો હતો એ પથ્થરની બિલકુલ નજીક પહોંચી ગયાં એટલે સાહિલે મોટેથી ગણતરી કરતાં કહ્યું.
"એક.. બે...અને ત્રણ.. "
સાહિલનાં આટલું બોલતાં જ જોહારી પોતાની જગ્યાએથી ઉભો થઈ ગયો.. આ સાથે જ માઈકલ, અબુ અને સાહિલે પોતાનાં હાથમાં મોજુદ શીલાને એ પથ્થર પર ગોઠવી દીધી જ્યાં જોહારી બેઠો હતો.. જોહારીનાં ઉભાં થતાં જ ગુફાની છતમાંથી બે-ચાર કાંકરીઓ જરૂર પડી પણ બીજી જ ક્ષણે બધું શાંત થઈ ગયું.
આમ થતાં જ માઈકલ, અબુ અને સાહિલે રાહતનો શ્વાસ લીધો.. જોહારીનાં તો જીવમાં જીવ આવી ગયો હોય એવું એનો ચહેરો જોઈને લાગતું હતું.જોહારીએ એક પછી એક બધાં ને ગળે લગાવી બધાંનો આભાર માન્યો.
"ચલો તો હવે આગળ વધવાનું વિચારીએ.. નકામો સમય બગાડીને કોઈ ફાયદો નથી.. "માઈકલે બાકીનાં દરેકની તરફ જોતાં કહ્યું.. માઈકલ નાં અવાજમાં વહેલી તકે એ લોકો જે મકસદ માટે ત્યાં આવ્યાં હતાં એ પૂરું કરવાની બેતાબી દેખાતી હતી.
"સારું ચલો ત્યારે.. "અબુ, જોહારી અને સાહિલ એકસુરમાં બોલ્યાં.
આ સાથે જ જોહારી ને સહી સલામત બચાવ્યાં બાદ એ ચારેય લોકો ગુફામાં આગળની તરફ આગળ વધ્યાં.. જ્યાં ઘણી બધી રહસ્યમય વાતો એમની રાહ જોઈને બેઠી હતી.. કોની સફર ક્યાં પુરી થઈ જવાની હતી એ હવે આગળ થોડાં સમયમાં જ માલુમ પડી જવાનું હતું.. !!
★★★
વધુ નવાં ભાગમાં.
વિરાજ અને એનાં દોસ્તો સાપોથી ભરેલું તળાવ સહી સલામત પાર કરી શકશે? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***