મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 28
ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે બીજાં દિવસે રાતે રસ્તો ખોલીને નીચે ગુફામાં પ્રવેશ કરે છે.. જ્યાં થોડું ચાલ્યાં બાદ એ લોકો સૂર્યપ્રકાશ નજરે પડતાં ઝડપથી આગળ વધે છે.
સાંકડો રસ્તો પાર કરીને એ લોકો એવાં ખુલ્લાં ભાગમાં આવે છે ત્યાં એ લોકોની આંખો કુદરતની કરામત ને જોઈને ફાટીની ફાટી રહી જાય છે.. એ ખુલ્લા ભાગની વચ્ચે એક વેદી હતી.. મતલબ કે એક ઊંચું ઓટલાં જેવું સ્થાનક હતું જેની ઉપર શિયાળ નાં મોંઢા અને માનવ શરીર ધરાવતી મૂર્તિ હતી.. આ મૂર્તિ જે ઓટલાં ઉપર હતી એની નીચેથી એક નાનકડી સમાંતર ક્યારી જેવી જગ્યા હતી જે સમગ્ર ખુલ્લાં ભાગને સમાંતર ફરીને એક વર્તુળ બનાવતી હતી.
આ ક્યારીમાં પાણી એકધારું વહી રહ્યું હતું.. આ પાણી ખુલ્લાં ભાગની જમણી તરફની દીવાલમાંથી આવી રહ્યું હતું.. ખુલ્લાં ભાગનું ક્ષેત્રફળ લગભગ એક ક્રિકેટ નાં મેદાન જેટલું તો હતું જ.. સૌથી વિચિત્ર બાબત હતી ઉપરથી આવી રહેલો સૂર્યપ્રકાશ.. ઉપર બનેલાં ગુંબજ જેવાં ભાગમાં બનેલાં મોટાં છિદ્રોમાંથી આવતો સૂર્યપ્રકાશ સમગ્ર ખુલ્લાં ભાગને પ્રકાશિત કરી રહ્યો હતો.
પૂરતાં પાણી અને સૂર્યપ્રકાશ ની જરૂરી માત્રા હોવાથી ત્યાં હરિયાળી જ હરિયાળી હતી.. કોઈએ સ્વપ્નમાં પણ કલ્પના ના કરી હોય એવાં છોડ, વૃક્ષ અને વેલાઓ અહીં રણપ્રદેશમાં મોજુદ હતાં.
"અદભૂત.. અવર્ણનિય.. "કુદરતની અપ્રિતમ સુંદરતા ને જોઈ બધાંનાં મુખેથી ઉદગાર સરી પડ્યાં.
"જંબુક દેવની મૂર્તિ.. "વેદી પર મોજુદ શિયાળ નાં મુખ વાળી પ્રતિમા ને જોતાં અબુ શીશ ઝુકાવી બોલ્યો.
"જંબુક દેવ..? "અબુનાં મુખેથી જંબુક દેવ નું નામ સાંભળી ડેની, સાહિલ અને માઈકલ એક સાથે બોલી પડ્યાં.
"હા.. જંબુક દેવ.મિસર ની સંસ્કૃતિમાં વિવિધ એવાં દેવતાઓ છે જે અર્ધ મનુષ્ય હોય અને અર્ધ પ્રાણી કે અર્ધ પક્ષી.. જંબુક દેવની ગણતરી બુદ્ધિનાં દેવતા તરીકે થાય છે.. "જંબુક દેવ વિશે પરિચય આપતાં અબુ બોલ્યો.
"દોસ્તો.. તમે અહીં બેસો.. ત્યાં સુધી હું થોડે દુર દેખાય એ ખજૂરી પરથી થોડી ખજૂર લેતો આવું.. "કાસમ થોડે દુર ઉગેલી ખજૂરી તરફ આંગળી કરતાં બોલ્યો.
કાસમ ત્યાંથી ખજૂરી તરફ ગયો એટલે માઈકલ, ડેની અને સાહિલે જંબુક દેવની મૂર્તિ જોડે સ્થાન લીધું.જ્યારે વિરાજ અને અબુ ખાલી થઈ ગયેલી પાણીની બોટલ ભરવા ગયાં.
થોડીવારમાં કાસમ ઘણી બધી ખજૂરની લુમો હાથમાં લઈને આવ્યો એટલે એ લોકોએ ત્યાં બેસી પહેલાં તો ખજૂર ખાધી અને પછી ત્યાંજ થોડો આરામ કરવાં રોકાયાં.. કલાક જેટલું ત્યાં ઠંડકભર્યા વાતાવરણમાં બેસ્યાં અને પછી આગળની સફર માટે તૈયાર થયાં.
ખુલ્લો ભાગ પસાર કરીને એ લોકો જેવાં આગળ વધ્યાં એ સાથે જ એ લોકો સમક્ષ એક નવો પ્રશ્ન મોજુદ હતો.. કેમકે હવે આગળનો રસ્તો બે ફાંટા માં વહેંચાતો હતો.. બે ભાગમાં વિભાજીત થતાં રસ્તાનાં છેડે ઉભાં રહી એ છ જણા હવે આગળ કઈ રીતે વધવું એ અંગે વિચારવા લાગ્યાં.
"દોસ્તો, હવે આગળ તો રસ્તો બે ભાગમાં વિભાજીત થાય છે.. તો આગળ કયાં રસ્તે જઈશું..? "ડેની એ માથું ખંજવાળતાં કહ્યું.
"બધાં એકજ રસ્તે આગળ વધીએ.. એમાં વિચારવાનું શું..? "ડેની નાં સવાલનાં જવાબમાં અબુ બોલ્યો.
"ના ભાઈ.. આપણે એવું નહીં કરીએ.આપણે ત્રણ-ત્રણ ની બે ટુકડીઓમાં વિભાજીત થઈ જઈશું.. અને અલગ-અલગ રસ્તે આગળ વધીશું.. કેમકે આપણો પહેલો મકસદ છે જોહારી તથા ગુરુની ભાળ મેળવવી.. અને આપણાંમાંથી કોઈને ખબર નથી એ બંને કયાં રસ્તે ગયાં હશે.. "અબુની વાત નો છેદ ઉડાવતાં વિરાજ બોલ્યો.
વિરાજની વાતમાં વજન હોવાનું લાગતાં બાકીનાં બીજાં પણ એની વાત સાથે સહમત થઈ ગયાં.. વિરાજનાં કહ્યાં મુજબ એ લોકો ત્રણ-ત્રણ ની બે ટુકડીઓમાં વહેંચાઈ ગયાં.. જેમાં એક ટુકડીમાં વિરાજ, ડેની અને કાસમ રહ્યાં જ્યારે બીજીમાં અબુ, માઈકલ અને સાહિલ.. માઈકલે કહ્યું કે એમની ટુકડી જમણી તરફ જશે જ્યારે વિરાજની ડાબી તરફ.
"સારું.. દોસ્તો તમે સાચવીને આગળ વધજો.. આ રસ્તા આગળ જઈને ક્યાંક તો મળતાં જ હશે.. અને જો એવું ના હોય તો આપણામાંથી જે પહેલું અહીં પાછું આવી જાય એ આ ફાંટા જોડે પાણીની ખાલી બોટલ રાખી દેશે.. જેથી ખબર પડે કે બીજાં લોકો પહેલાં બહાર આવી ચુક્યાં છે"જતાં જતાં વિરાજ બોલ્યો.
"સારું ત્યારે જલ્દી મળીએ.. "માઈકલે વિરાજને ઉદ્દેશીને કહ્યું અને પછી સાહિલ અને અબુ સાથે જમણી તરફનાં રસ્તે ચાલી નીકળ્યો.
વિરાજ પણ ડેની અને કાસમ ની સાથે ડાબી તરફનાં રસ્તે આગળ વધી નીકળ્યાં.. અત્યાર સુધી તો એ લોકોની સફર સીધી અને સરળ રહી હતી પણ હવે અલગ-અલગ ભાગમાં વહેંચાયેલા એ લોકો સમક્ષ અવનવી મુસીબતો આવવાની શરૂ થવાની હતી.
***
સાહિલ, માઈકલ અને અબુ ની ટુકડી જેવું જ અડધો કલાક જેટલું ચાલી હશે ત્યાં એમની નજરે એક માનવઆકૃતિ પડી.. અબુ એ વ્યક્તિ કોણ હતો એ જોતાં જ ઓળખી ગયો અને ઉત્સાહમાં આવી અબુએ મોટેથી એ વ્યક્તિને અવાજ આપતાં એની તરફ દોટ મૂકી.. સાહિલ અને માઈકલ પણ એની પાછળ દોડવા લાગ્યાં.
"જોહારી.. મારાં ભાઈ.. ઉભો થા.. "એ લોકોએ ત્યાં પહોંચી ટોર્ચ નાં પ્રકાશમાં જોયું તો જોહારી અત્યારે એક પથ્થર ઉપર બેઠો હતો પણ એ ત્યાંથી થોડું ઘણું પણ નહોતું હલનચલન કરી રહ્યો.
"ભાઈ હું અહીંથી થોડું પણ હલવાની સ્થિતિમાં નથી.. છેલ્લાં બાર કલાકથી પણ વધુ સમયથી હું એકધારું અહીં આમ જ બેઠો છું."જોહારી મોંઢા પર વિવશતા સાથે બોલ્યો.
"પણ કેમ આવું..? "જોહારીની વાત સાંભળી વિસ્મય સાથે સાહિલે પૂછ્યું.
"ભાઈ.. હું જે પથ્થર પર બેઠો છું એ કોઈ તકનીકી કળ સાથે જોડાયેલો છે.. હું થાકીને આ પથ્થર પર થોડો સમય બેઠાં બાદ ઉભો થવાં ગયો તો ઉપર ગુફાની છતમાંથી પથ્થર પડવા લાગ્યાં.. હું ડરથી માથે હાથ મૂકી જેવો આ પથ્થર પર બેસી ગયો એ સાથે જ બધુ પૂર્વવત થઈ ગયું.. મને એ સમયે લાગ્યું કે નક્કી આ પથ્થર નો સંબંધ ઉપરથી પડતાં પથ્થરો સાથે છે એટલે મેં બે વખત સહેજ ઉભાં થઈ એ વાતની ખાતરી કરી જોઈ.. "સાહિલનાં સવાલનાં જવાબમાં પોતાનાં ત્યાંથી રતીભાર પણ ના હલવાનું કારણ આપતાં જોહારી બોલ્યો.
"મતલબ કે તું જો આ પથ્થર પરથી ઉભો થાય તો ઉપરથી પથ્થરોની વર્ષા થશે.. જેનાં લીધે આપણે બધાં દટાઈ મરીશું અને આ રસ્તો પણ બંધ થઈ જશે.ચિંતાતુર અવાજે માઈકલ બોલ્યો.
"તું અહીં છે તો ગુરુ ક્યાં.. એને ક્યાંક કંઈ થયું તો નથી ને..? "અચાનક ગુરુની યાદ આપતાં સાહિલે પૂછ્યું.
"મને નથી ખબર હાલ એ ક્યાં હશે.. આગળ જે રસ્તો બે ભાગમાં વહેંચાય છે ત્યાંથી અમે બંને અલગ-અલગ રસ્તે આગળ વધ્યાં.. હું તો માંડ થોડું ચાલ્યો અને આ પથ્થર પર બેસવાની ભૂલ કરી બેઠો.. "દુઃખી સ્વરે જોહારી બોલ્યો.
"ભાઈ.. તું દુઃખી ના થઈશ અમે કંઈક તો રસ્તો કાઢી લઈશું.. 'જોહારી નાં ખભે હાથ મુકી એને સાંત્વનાં આપતાં અબુ બોલ્યો.
અબુ એ બોલતાં તો બોલી દીધું હતું પણ હવે જોહારીને કઈ રીતે બચાવીશું એની યુક્તિ બધાં શોધવા લાગ્યાં.
***
એકતરફ જ્યાં સાહિલ, માઈકલ અને અબુનો ભેટો વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયેલાં જોહારી સાથે થયો હતો ત્યાં વિરાજ, કાસમ અને ડેની સતત બે કલાક સુધી ચાલવા છતાં કોઈ યોગ્ય મુકામ સુધી નહોતાં પહોંચ્યા.
"કાસમ, તને શું લાગે છે એ ગુફાઓમાંથી આપણે સહી -સલામત બહાર આવી શકીશું..? "વિરાજે સમય પસાર કરવાનાં ઉદ્દેશથી કાસમને પૂછ્યું.
"એતો હવે પરવરદિગાર જાણે કે આપણે અહીંથી જીવિત નિકળીશું કે નહીં.. બાકી મેં તો અત્યાર સુધી જેટલી પણ સફર કરી છે એ જાણે જીંદગીની આખરી સફર હોય એવું માનીને જ દરેક સફર પર નીકળતો.. "કાસમ બોલ્યો.
"ખરી વાત છે દોસ્ત.. જીંદગી જીવવાની ખરી મજા ત્યારે જ છે જ્યારે દરેક દિવસ છેલ્લો દિવસ હોય જીંદગીનો એમ માનીને જીવવામાં આવે.. "કાસમ ની વાત માં સુર પરોવતાં વિરાજે કહ્યું.
"પણ તમારે હજુ ઝાઝું જીવવાનું છે દોસ્તો.. "અચાનક એ લોકોની સમક્ષ કોઈ આવીને ઉભું રહેતાં બોલ્યો.
"ગુરુ.. "અવાજ ઉપરથી એ વ્યક્તિને ઓળખી જતાં વિરાજ ખુશ થઈને બોલ્યો અને દોડીને ગુરુને ભેટી પડ્યો.. ડેની અને કાસમે પણ ગુરુને ત્યાં જોઈ ઘણી રાહત અનુભવી.
"તું અહીં છે તો પછી જોહારી ક્યાં..? "અચાનક જોહારીની યાદ આવતાં કાસમે ગુરુને સવાલ કર્યો.
"તમે લોકો અહીં આવ્યાં તો ખુલ્લાં ભાગ પછી બે રસ્તા પડે છે એતો તમે જોયું હશે તો એમાંથી એક રસ્તે હું આવ્યો અને બીજાં રસ્તે જોહારી આગળ ગયો.. પણ અહીં તમે ત્રણ જ કેમ.. બાકીનાં બધાં..? "કાસમ નાં પ્રશ્નનો ઉત્તર આપ્યાં બાદ સામો સવાલ કરતાં ગુરુએ પૂછ્યું.
"તમારી જેમ અમે પણ અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઈને આગળ વધ્યાં છીએ.. એ લોકો જોહારી જે રસ્તે ગયો એ રસ્તે જ ગયાં છે."ગુરુનાં સવાલનો જવાબ આપતાં વિરાજ બોલ્યો.
"ચલો તો હવે અહીં સમય વ્યતિત કરવાનાં બદલે આગળ વધીએ.. બંને રસ્તા આગળ ક્યાંક મળતાં હશે જ્યાં બાકીનાં બધાં પણ મળી જશે.. "ડેની બોલ્યો.
"હા, ભાઈ હવે તો ગુરુ પણ જોડે છે.. તો ઝટ આગળ વધીએ.. "વિરાજ ઉત્સાહમાં આવી બોલ્યો.
"પણ તમે લોકો આગળ નહીં વધી શકો...આગળ એક મોટી મુસીબત છે.. એ મુસીબત ના હોત તો હું પણ ક્યારનોય આગળ વધી ગયો હોત.. ના કે દસ કલાક સુધી અહીં બેસી રહેત."વિરાજનાં ઉત્સાહને ઠંડો પાડતો હોય એમ ગુરુ બોલ્યો.
"મોટી મુસીબત.. તું કઈ મુસીબત ની વાત કરે છે..? "કાસમ થોડાં રઘવાટ સાથે બોલ્યો.
"ચલો મારી સાથે.. તમે નજરે જ નિહાળી લો લે એ મહા મુસીબત કઈ છે.. "કસમને જવાબ આપતાં ગુરુ એ કહ્યું.
ત્યારબાદ કાસમ ની પાછળ-પાછળ ધ્રુજતાં હૈયે કાસમ, વિરાજ અને ડેની હાલી નીકળ્યાં એ મુસીબત ને જોવાં જેનાં ગુરુ જેવો બાહોશ અને સાહસિક વ્યક્તિ પણ ડર અનુભવે.. અને એ મુસીબતથી છૂટવાનો કોઈ માર્ગ પણ ના શોધી શકે.
પાંચેક મિનિટ જેટલું થોડું સીધું ચાલ્યાં બાદ જેવાં એ લોકો જમણી તરફ સહેજ વળ્યાં ત્યાંનો નજારો આંગળી વડે દર્શાવતાં ગુરુએ કાસમ, વિરાજ અને ડેની તરફ જોતાં કહ્યું.
"છે ને મહામુસીબત..?
એ લોકોની સામે અત્યારે એવી વસ્તુ મોજુદ હતી જેનાં માટે મહામુસીબત શબ્દ પણ શાયદ નાનો હતી એટલે ફાટી આંખે એ ગુરુનાં કહેવા મુજબની મહામુસીબત જોયાં વગર કોઈ ચારો જ નહોતો.
★★★
વધુ નવાં ભાગમાં.
શું હતી મહામુસીબત..? એ લોકો જોહારીને કઈ રીતે બચાવશે? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***