The ring - 22 - Last Part in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 22 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ધ રીંગ - 22 - છેલ્લો ભાગ

The ring

( 22 )

છેલ્લો ભાગ

હનીફ રિમાન્ડ દરમિયાન કબૂલ કરે છે કે અપૂર્વ નાં કહેવાથી જ એને આલિયા ની હત્યાની કોશિશ કરી હતી.. ગોપાલ પોતાની બુદ્ધિમત્તાથી એ જાણી લે છે કે અપૂર્વ અત્યારે અમનનાં ઘરે હાજર હતો.. અપૂર્વ રીના ને મુંબઈ છોડી દેવાની વાત કરે છે ત્યારે રીના અપૂર્વ સાથે એમ કહી તકરાર કરે છે કે એનાં લીધે જ આ બધું થઈ રહ્યું છે.. ગુસ્સામાં અપૂર્વ રીનાની હત્યા કરવાં આગળ વધે છે.

અપૂર્વ પોતાની હત્યા કરવાની મેલી મુરાદ સાથે એની તરફ આગળ વધી રહ્યો હતો એ વાતથી બેખબર રીના માથું નીચું કરી સોફા પર બેસી રહી હતી.. અપૂર્વ છેક રીનાની નજીક આવ્યો ત્યારે એનાં પગમાં કાર્પેટ આવી અને એ ગડથોલિયું ખાતાં માંડ બચ્યો.. પણ આમ થવાથી જે અવાજ પેદા થયો એનાં લીધે રીનાનું ધ્યાન પોતાની તરફ છરી લઈને વધી રહેલાં અપૂર્વ પર પડ્યું.

અપૂર્વનાં ચહેરા પર ઉભરી આવેલો ક્રોધાઅગ્નિ અને એનાં હાથમાં રહેલી છરી જોઈ રીના અપૂર્વનાં મનમાં ચાલતી મેલી મુરાદ સમજી ગઈ હતી.. રીના સોફામાંથી ઉભી થતાં અપૂર્વને ઉદ્દેશીને બોલી.

"તું શું કરી રહ્યો છે..? તું ત્યાં જ ઉભો રહે.. આગળ ના આવતો.. "

"તારાં લીધે મેં અમનની હત્યા કરી અને હવે તું એમ કહે છે કે તું બધું પોલીસને જણાવી દઈશ.. "રીનાની તરફ ધીરે-ધીરે અગ્રેસર થતાં અપૂર્વ બોલ્યો.

"તું મને કંઈ નહીં કરે.. હું તારી બધી વાત માનીશ.. "અપૂર્વનાં રૂપમાં પોતાની સમક્ષ સાક્ષાત યમરાજ આગળ વધી રહ્યાં હતાં એવું લાગતાં રીના હાથ જોડી કરગરતાં બોલી.

"હવે તને જીવતી મુકવી એ મારાં મહામુસીબત બની જશે.. તારી અસલિયત મારી સામે આવી ચૂકી છે... જે પોતાનાં પતિની ના થઈ એ મારી શું થશે..? હવે તારું કામ તમામ કરીને જ હું મુંબઈ છોડીશ.. "રીના ની છેક નજીક પહોંચી ચુકેલો અપૂર્વ બોલ્યો.

પોતાનાં ડગ પાછળની તરફ માંડતી રીના છેક દીવાલ ને ટેકે આવીને ઉભી રહી ગઈ.. હવે પાછળ જવાનો કોઈ રસ્તો ન હોવાથી એને ઘરનાં મુખ્ય દરવાજાની તરફ દોટ મુકી.. પણ અપૂર્વ વીજળીવેગે દોડીને રીનાનો રસ્તો રોકી ઉભો રહી ગયો.

"પ્લીઝ અપૂર્વ મને જવાં દે.. હું કોઈને કંઈ નહીં કહું.. "વિનંતીનાં સુરમાં રીના બોલી.

રીના નાં આમ વિનંતી કરવાં છતાં હવે અપૂર્વને કોઈ ફરક ના પડતો હોય એમ એ રીનાની જોડે આવ્યો અને છરી વડે એનાં પેટમાં બે-ત્રણ વખત પ્રહાર કરી દીધાં.. આ સાથે જ એક કારમી ચીસ સાથે રીના નીચે ફર્શ પર ઢળી પડી.. નીચે ફર્શ પર પડેલી રીનાની નજર આ સાથે જ દીવાલ પર ટીંગાવેલી અમનની તસવીર પર પડી.. પોતે અમન જેવાં સીધાં માણસની સાથે જે કંઈ કર્યું હતું એનું પરિણામ આવું જ હોઈ શકે એવું રીના ને પોતાનાં અંતિમ સમયમાં સમજાઈ ગયું હતું.

સાચો પ્રેમ ફક્ત પોતાની જરૂરીયાતો અને ઈચ્છાઓ સુધી સીમિત નથી હોતો.. પણ જ્યારે કોઈ તમને ખરાં દિલથી ચાહે, તમારી સંભાળ રાખે, તમારી દરેક વાત વગર બોલે સમજી જાય એવાં વ્યક્તિની લાગણીની કદર કરી એને પણ સામે એટલો જ પ્રેમ આપવો એ પણ સાચો પ્રેમ જ કહેવાય.. આમ પણ લગ્નેતર સંબંધોમાં છેલ્લે તો ગંભીર પરિણામ જ ભોગવવાનું હોય છે જે વાત રીના જોડે જે કંઈપણ બન્યું હતું એ જોઈ સમજી શકાય એમ હતી.

રીના હજુ જમીન પર લોહીલુહાણ હાલતમાં તરફડીયા ખાઈ રહી હતી.. પોતે જે યુવતીને ખુબ જ પ્રેમ કરતો હતો અને પોતાનાં જ હાથે મોત ને ઘાટ ઉતારવાની નોબત આવીને ઉભી હતી એ માટે પોતાનાં કરેલાં કર્મો જવાબદાર હતાં એ જાણતો હોવાં છતાં અપૂર્વ જોડે પસ્તાવો કરવાનો પણ સમય નહોતો.

હજુપણ અપૂર્વનો ક્રોધ ઓછો થયો નહોતો.. રીના હજુ પણ શ્વાસ લઈ રહી હતી એ જોઈ અપૂર્વ એની તરફ ગયો અને એનાં પેટમાં છરીનો પ્રહાર કરવાં જ્યાં હાથ ઊંચો કર્યો ત્યાં એક જોરદાર ધડાકો થયો અને એક ગોળી અપૂર્વની ખભાની આરપાર નીકળી ગઈ.. આમ થતાં જ અપૂર્વનાં હાથમાં રહેલી છરી છૂટીને દૂર પડી.. અપૂર્વએ પોતાની ગરદન ગુમાવી ગોળી છૂટવાનો અવાજ આવ્યો હતો એ તરફ નજર કરી તો ત્યાં ઉભેલાં ઇન્સપેક્ટર ગોપાલ અને આલિયા ને જોઈ અપૂર્વ અવાચક બની ગયો.

"Mr. અપૂર્વ અગ્નિહોત્રી.. કોઈપણ જાતની હરકત કર્યાં વગર ચુપચાપ ઉભાં થઈ જાઓ.. હવે હો કંઈપણ નાની અમથી પણ હરકત કરી છે તો હવે બંદૂકમાંથી નીકળેલી ગોળી સીધી તારી છાતી સરસી ઉતરી જશે.. "ઘરની અંદર પ્રવેશ કરતાં કરડાકીભર્યા સુરમાં ગોપાલ અપૂર્વને ઉદ્દેશીને બોલ્યો.

ગોપાલની ધમકીની અસરરૂપે અપૂર્વ ચૂપચાપ હાથ ઉપર કરીને ઉભો રહી ગયો.. અપૂર્વ સમજી ચુક્યો હતો કે હવે એનું કામ તમામ થઈ ચૂક્યું છે.. ગોપાલ હાથમાં રિવોલ્વર લઈને અપૂર્વની તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એને દર્દથી કરાહતી રીનાનો અવાજ સંભળાયો.. જેમાં રીના પોતાને જ અવાજ આપી રહી હોય એવું લાગતાં અપૂર્વ ને એકતરફ હાથ ઊંચા કરી ઉભાં રહેવાનું કહી ગોપાલ રીનાની તરફ આગળ વધ્યો.

"તમે કોણ છો..? "રીનાની નજીક પહોંચી ઘૂંટણિયે બેસી ગોપાલ હજુ આટલું બોલ્યો ત્યાં એની નજર રીના નાં હાથ પર મોજુદ ટેટુ ઉપર પડી જેની ઉપર અમન લખ્યું હતું.

"મારું નામ રીના વર્મા છે.. અને હું અમન વર્માની પત્ની છું.. "ત્રુટક શબ્દોમાં રીના બોલી.. રીના ની હાલત જોઈ એનો અંતિમ સમય આવી ચુક્યો હતો એ સમજી ગયેલી આલિયા એ ફટાફટ પોતાનો મોબાઈલ નીકાળ્યો અને રીના ની વાત રેકોર્ડ કરવાં લાગી.

"આલિયા પર હોસ્પિટલમાં જીવલેણ હુમલો કરવાં આવનાર તમે જ હતાં..? "રીના ની તરફ જોતાં ગોપાલે સવાલ કર્યો.

"હા એ હું જ હતી જે એ આલિયા નામની બેકસુર યુવતી પર હુમલો કરવાં આવી હતી.. અને મેં જ તમારાં ઉપર સિઝર વડે હુમલો કર્યો હતો.. "રીના સત્ય કબુલતાં બોલી.

"પણ આમ કરવાનું કોઈ ખાસ કારણ..? "ગોપાલ નાં સવાલો ચાલુ જ હતાં

"કારણ હતું અને એ પણ ઘણું મોટું.. આ છોકરી આલિયા અપૂર્વની ઓફિસ આવી હતી અને મારાં મૃત પતિ અમન વિશે સવાલો કરતી હતી.. અમનની હત્યાને એક્સિડન્ટ નું સ્વરૂપ આપવાનું જે ષડયંત્ર અમે રચ્યું હતું એની આલિયા ને કોઈ રીતે ખબર પડી ગઈ હતી એવું અમને લાગ્યું.. સાથે-સાથે આલિયાએ અપૂર્વનો પીછો પણ કર્યો અને પોલીસ સ્ટેશનમાં તમને મળવા પણ આવી.. આ બધાં પછી આલિયા અમારાં માટે ખતરારૂપ પુરવાર થઇ રહી હતી.. "દર્દથી ઉંહકારો ભરતાં રીના બોલી.

"શું કહ્યું અમન મૃત્યુ પામ્યો છે.. પણ એવું કઈ રીતે બને..? હું અમનને મળી હતી અને એ મારી મમ્મીની આપેલી રિંગ લઈને ફરાર થઈ ગયો હતો.. એને મને એક વિઝીટિંગ કાર્ડ આપ્યું હતું જેની ઉપર અપૂર્વની ઓફિસનું એડ્રેસ હતું એટલે હું અમન વિશે પૂછતાજ કરતાં ત્યાં પહોંચી. અપૂર્વ અમનને ઓળખતો નથી એવું તો મને એને જણાવ્યું હતું પણ અપૂર્વ કંઈક છુપાવી રહ્યો હોવાનું એનાં ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું.. વધારામાં અમન અને અપૂર્વનાં ફોટોગ્રાફ મળતાં હું એ બાબતે સ્યોર થઈ ગઈ કે અપૂર્વ નક્કી અમનને ઓળખે છે.. માટે મેં એનો પીછો કર્યો અને એનાં વિરુદ્ધ ફરિયાદ કરવાં ગોપાલને મળવાં ગઈ.. "રીના દ્વારા અમન મૃત પામ્યો છે એવો ઉલ્લેખ સાંભળી આશ્ચર્ય પામેલી આલિયા પોતે કેમ અમનને શોધતી હતી અને કઈ રીતે અપૂર્વની ઓફિસ સુધી પહોંચી હતી એ વિશે ની વિગત આપતાં બોલી.

આલિયા જ્યારે કહેવામાં આવ્યું કે એ પોતાની મમ્મી ની આપેલી એક રિંગ શોધવા એ લોકો સુધી પહોંચી છે તો રીના અને અપૂર્વને જોરદાર આંચકો લાગ્યો.. એમને તો અત્યાર સુધી એવું હતું કે આલિયા ને કોઈક રીતે એવી જાણ થઈ ગઈ છે કે અમનની મોત પાછળ એમનો હાથ છે માટે એ અમન વિશે ની તપાસ કરી રહી હતી.. પણ એક બે-ચાર લાખની રિંગ નાં લીધે અત્યારે રીના મૃતપાય હાલતમાં પહોંચી ગઈ હતી અને અપૂર્વ બે-બે હત્યાઓનાં અને એક હત્યાનાં પ્રયાસના કેસમાં પોલીસનાં હાથે પકડાયો હતો.. અને નક્કી એની બાકીની જીંદગી જેલમાં જવાની હતી.. એ વિશે વિચારતાં જ રીના અને અપૂર્વ આઘાત સાથે એકબીજાનો ચહેરો તકી રહ્યાં.

"અમન જીવિત નથી.. અપૂર્વ એ હનીફને મોકલી એની કારની બ્રેક ફેઈલ કરી હતી.. અને મેં જાણે-અજાણે એનાં આ પાપમાં એનો સાથ આપીને જે ગુનો કર્યો એની મને સજા મળી ગઈ છે.. "દીવાલ પર લટકતી અમનની તસ્વીર તરફ આંગળી ચીંધી રીના મહાપરાણે પોતાની જીંદગીના છેલ્લાં શબ્દો બોલી અને એક આંચકી સાથે છેલ્લો શ્વાસ લીધો.

રીના દ્વારા જે તરફ આંગળી કરવામાં આવી હતી ત્યાં મોજુદ સુખડનો હાર પહેરાવીને દીવાલ પર લટકતી અમનની તસ્વીર જોઈને આલિયા ની આંખો પહોળી થઈ ગઈ.. ગોપાલ પણ રીના ની આંખો ને બંધ કરી ઉભો થતાં એકધાર્યું અમનની તસ્વીર ને નીરખી રહ્યો હતો.

"આ કઈ રીતે શક્ય છે..? "વિસ્મય ભરી નજરે અમનની તસ્વીર ને નિહાળતાં ગોપાલ અને આલિયા એકસાથે બોલી પડ્યાં.

"તું આ જ વ્યક્તિને મળી હતી..? "ગોપાલે આલિયાની તરફ જોઈને સવાલ કર્યો.

"હા ગોપાલ.. આ એજ વ્યક્તિ છે જેને મને કારમાં મારાં કોટેજ સુધી લિફ્ટ આપી હતી.. પછી મારી સાથે જ રાત રોકાયાં બાદ સવારે મારી મમ્મી ની આપેલી ડાયમંડ રિંગ લઈને પલાયન થઈ ગયો.. "દુનિયાભરનું આશ્ચર્ય પોતાની નજરો સામે નિહાળી રહી હોય એવાં ભાવ સાથે આલિયા બોલી.

"આલિયા.. મેં પણ આ વ્યક્તિને જોયો છે.. "આલિયા ની નજીક ઉભાં રહી અમનની તસ્વીર નિહાળતાં ગોપાલ બોલ્યો.

"શું કહ્યું તે પણ આ વ્યક્તિને જોયેલો છે.. પણ ક્યારે..? "ગોપાલની વાત સાંભળી આલિયા આશ્ચર્ય સાથે બોલી.

"હા મેં આ તસ્વીરમાં મોજુદ વ્યક્તિને નજરે નિહાળ્યો છે.. જ્યારે હું હનીફનો પીછો કરી રહ્યો હતો અને ભીડનો ઉપયોગ કરી હનીફ લગભગ ભાગી છૂટવાની અણી ઉપર હતો ત્યારે તસ્વીરમાં દેખાતાં વ્યક્તિએ પોતાનો પગ વચ્ચે લાવતાં હનીફ નીચે પડી ગયો.. હનીફ ને આમ સરળતાથી પકડવામાં મદદ કરનાર એ વ્યક્તિ આ અમન જ હતો એ બાબતે હું ચોક્કસ છું.. "ગોપાલ નવાઈનાં ભાવ સાથે બોલ્યો.

"પણ આ કઈ રીતે શક્ય હોય કે એક મૃત વ્યક્તિ બે અલગ-અલગ સમયે આપણે બંને ને મળે એનું કારણ સમજાતું નથી..? "ગોપાલની વાત સાંભળી આલિયા ગોપાલની તરફ જોતાં બોલી.

આલિયા નાં સવાલનો શું જવાબ આપવો એ ના સમજાતાં ગોપાલ નિરુત્તર આલિયા ની જોડે પહોંચી એનો હાથ પકડી ઉભો રહી ગયો.

અમન મૃત હતો તો એમને કઈ રીતે મળ્યો એ સવાલ નો જવાબ શોધવાની પળોજણમાં ગોપાલ અને આલિયા અપૂર્વ તરફ ધ્યાન આપવાનું ભૂલી જ ગયાં.. અને આ તકનો લાભ લઇ અપૂર્વ ચુપચાપ દરવાજો હળવેકથી ખોલી પોતાની કાર સુધી જઈ પહોંચ્યો.

અપૂર્વ એ જેવી કાર સ્ટાર્ટ કરી એ સાથે જ કારનું એન્જીન ચાલુ થવાનો અવાજ સાંભળી ગોપાલ અને આલિયા અમનનાં વિચારોમાંથી બહાર આવ્યાં અને પાછળ ફરીને જોયું.. અપૂર્વ ના દેખાતાં એ બંને સમજી ગયાં કે નક્કી એ ત્યાંથી ફરાર થવાની વેતરણમાં હતો.. ગોપાલ અને આલિયા બહાર પહોંચ્યાં ત્યાં તો અપૂર્વ કાર ને મેઈન રોડ તરફ હંકારવા લાગ્યો.

અપૂર્વને રોકવા ગોપાલે પોતાની રિવોલ્વર નીકાળી અને કારનાં ટાયરનું નિશાન લઈ ગોળી છોડવા જ જતો હતો એ સમયે અપૂર્વની કાર રોડ ઉપર આમ-તેમ દોડવા લાગી જાણે કાર નું સ્ટેયરિંગ અપૂર્વનાં કંટ્રોલમાં જ નહોતું.. એટલામાં સામે આવતી ટ્રક સાથે અપૂર્વની કાર ધડાકાભેર અથડાઈ.. ટ્રક નાં ડ્રાઈવરે બ્રેક મારી પણ અપૂર્વની કાર તો પુરપાટ ગતિમાં ટ્રક માં ઘુસી જ ગઈ.

આ જોઈ લોકોનું મોટું ટોળું ત્યાં એકત્રિત થઈ ગયું.. ગોપાલ દોડીને ત્યાં પહોંચ્યો ત્યારે એને જોયું કે અપૂર્વનું માથું ફાટી ગયું હતું અને એનું સ્થળ ઉપર જ મોત થઈ ગયું હતું.. ગોપાલે તાત્કાલિક કંટ્રોલ રૂમ ફોન કરી પોલીસ ની એક ટીમ અને ફોરેન્સિક ટીમને ત્યાં આવી જવાં જણાવ્યું.

પોતે જે અપૂર્વ અને રીનાને આલિયા પર જીવલેણ હુમલો કરવાનાં કેસમાં જીવિત પકડવા આવ્યો હતો એ બંને અલગ-અલગ સંજોગોમાં મોત ને ભેટયા હતાં એ જોઈ ગોપાલ કુદરતનાં સમયચક્ર ને મનોમન નતમસ્તક થઈ વંદન કરતો રહી ગયો.. અપૂર્વ અને રીનાને તો એમનાં કરેલાં કર્મોની સજા મળી ગઈ હતી પણ અમન જો અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો તો પોતાને અને આલિયાને મળેલો વ્યક્તિ હકીકતમાં કોણ હતો એ સવાલ ગોપાલનું મગજ ભમાવી રહ્યો હતો.

થોડીવારમાં પોલીસની એક ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટ ત્યાં આવી પહોંચ્યા.. રીના ની હત્યામાં વપરાયેલ છરી પર મોજુદ ફિંગરપ્રિન્ટ અને જરૂરી ફોટો લીધાં બાદ ફોરેન્સિક ટીમ રવાનાં થઈ ગઈ.. ફોરેન્સિક ટીમનાં એક સભ્ય એ અપૂર્વની કાર ની તપાસ કરતાં એમ પણ જણાવ્યું કે એની કારની બ્રેક ફેઈલ હતી.. પોલીસ ની ટીમ દ્વારા રીના અને અપૂર્વનાં મૃતદેહ ને હોસ્પિટલમાં પહોંચાડવાની જરૂરી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો.

બે કલાક જેટલી કાયદાકીય પ્રક્રિયા બાદ ગોપાલ અને આલિયા સ્થળ મુકતાં પહેલાં અમનની તસ્વીર ને ફરીથી નિહાળવા ગયાં.. અમન આખરે સાચેમાં એ બંને ને મળ્યો હતો કે પછી એ બંને ની કોઈ કલ્પના હતી એ સવાલો ને અધૂરાં જ મૂકી આલિયા અને ગોપાલ અમનનાં ઘરમાંથી નીકળવા જતાં હતાં ત્યાં જ અમનની તસ્વીર જોડે રાખેલ તાંબાનો અસ્થિકળશ નીચે જમીન પર પડ્યો.

અસ્થિકળશ પડવાનો અવાજ સાંભળી ગોપાલ અને આલિયા એ તરફ આગળ વધ્યાં.. અમનની મોત બાદ એની અસ્થિઓનું પણ વિસર્જન નથી કરવામાં આવ્યું એ ગોપાલ સમજી ગયો હતો.. ગોપાલ નીચે બેસી અમનની અસ્થિઓને પુનઃ કળશની અંદર ભરવા લાગ્યો.. અચાનક ગોપાલનાં હાથમાં કંઈક વસ્તુ આવી.

ગોપાલે એ વસ્તુને હાથમાં લીધી અને એની ઉપર લાગેલી રાખ દૂર કરી ધ્યાનથી જોયું તો એનાં મોંઢે આશ્ચર્યનાં ઉદગાર સાથે સરી પડ્યું.

"રિંગ.. "

ગોપાલનાં આમ બોલતાં જ આલિયા નું ધ્યાન એનાં હાથમાં મોજુદ રિંગ તરફ ગયું.. આ સાથે જ ગોપાલનાં હાથમાં રહેલી રિંગ ને પોતાનાં હાથમાં લઈ આલિયા ઉત્સાહિત થતાં બોલી.

"આ તો મમ્મી એ મને આપેલી રિંગ છે.. જે અમન મળ્યો એ રાતથી ગાયબ હતી.. પણ આ રિંગ અહીં આ અસ્થિકળશ માં..? "

આલિયા નાં આ સવાલનો જવાબ શું આપવો એ ગોપાલ વિચારતો હતો ત્યાં એની અને આલિયા ની નજર દરવાજાની જોડે ઉભેલાં એક વ્યક્તિ તરફ પડી.. જે ચહેરા પર સ્મિત સાથે ગોપાલ અને આલિયાની તરફ જોઈ રહ્યો હતો.. એ અમન જ હતો.. એને જોતાં જ આલિયા અને ગોપાલ એની તરફ દોડ્યાં.. પણ અમન દરવાજો વટાવી બહાર નીકળી ગયો.

આલિયા અને ગોપાલ દરવાજો વટાવી બહાર આવ્યાં પણ ત્યાં એમને કોઈ ના દેખાયું.. અમનનું એમને આમ ઓચિંતું દેખાવું એ હવે ઘણાં એવાં સવાલોનાં જવાબ આપી ગયું હતું જેનો અર્થ એક જ નીકળતો.. કુદરતની અપાર લીલા.

"આલિયા, અમન નક્કી પોતાની મોત માટે જવાબદાર રીના અને અપૂર્વને એમનાં અંજામ સુધી પહોંચાડવા આવ્યો હતો.. એની અસ્થિઓનું પણ વિસર્જન નથી થયું એટલે એને મુક્તિ નહીં મળી હોય.. હવે તો રીના અને અપૂર્વ બંને ને એમનાં કર્યાંની સજા મળી ગઈ છે તો આપણે મળીને અમનની અસ્થિઓનું વિસર્જન કરવાનું પુણ્યનું કામ કરીશું.. "આલિયા ની તરફ જોઈ ગોપાલ બોલ્યો.

"હા, ગોપાલ... આ કુદરત ની એવી એક કરામત છે જે એજ વ્યક્તિ સમજે જે આને અનુભવી ચુક્યો હોય.. અમન પોતાની મુક્તિનો માર્ગ તો મોકળો કરતો જ ગયો.. પણ સાથે-સાથે મને મારાં સાચાં પ્રેમ સુધી પહોંચાડવનું કામ પણ કરતો ગયો.. "ગોપાલ નાં હાથમાં હાથ પરોવી આલિયા બોલી.

"અને મને મારી કિસ્મત અને જીંદગી સમાન વ્યક્તિ સુધી પહોંચાડવાનું.. "આલિયાનાં કપાળને ચુમતાં ગોપાલ બોલ્યો.

ગોપાલ ની વાત સાંભળી આલિયા ની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ગયાં.

"લે આ રિંગ તું તારાં હાથે જ મને પહેરાવી દે.. શાયદ આ રિંગ ને મારાં જોડેથી લઈ જવા પાછળ અમનનો આ જ ઉદ્દેશ હોય.. "પોતાની મમ્મી ની આખરી યાદગીરી સમાન રિંગ ગોપાલ ની તરફ ધરતાં આલિયા બોલી.

આલિયા નાં હાથમાંથી રિંગ લઈ ગોપાલે પોતાનાં હાથે એ રિંગ આલિયા ને પહેરાવી દીધી.. અને આલિયા ની આંખોમાં જોઈ એને 'I LOVE YOU' કહી એનાં અધર પર પોતાનાં અધર રાખી દીધાં.. !!

★★★

સમાપ્ત

તો દોસ્તો આ સાથે જ આ નોવેલને અહીં પૂર્ણ જાહેર કરું છું.. તમારાં વાંચકો નો અકલ્પનીય પ્રેમ અને પ્રતિસાદ આ નોવેલને મળ્યો એ જોઈ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.. સર્વે વાંચકોનો દિલથી આભાર.

આ નોવેલમાં અમુક એવી વાતો છે જે મેં કહેવી ઉચિત નથી સમજી.. એનું એક ઉદાહરણ આપું તો હનીફ જોડે છેલ્લે શું થયું..? .. હવે તમે વાંચકો એટલાં તો સમજણા છો જ કે દરેક વસ્તુને ક્લિયર કરવાની મને જરૂર નથી લાગતી.. તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ: એક અભિશાપ..

હવસ: IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***