Jaane-ajane - 19 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (19)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (19)

વંદિતા એ બોલવાનું શરૂ કર્યું " રચનાદીદી પહેલાં આવી નહતી. તેમનો સ્વભાવ સરળ અને ઉમદા હતો. દરેક સાથે હસીને વાત કરતાં. ગુસ્સો કરવો, કોઈને સાથે ખરાબ કે ઉંચા અવાજે વાત કરવું એ તો જાણે આવડતું જ નહતું. તમે કોઈ દિવસ પૂછ્યું નથી કે અમને અંગ્રેજી કેવી રીતે ખબર પડે છે?.. કે અમે ગામમાં રહેવા છતાં આટલી શુધ્ધ વાતો કેવી રીતે કરી શકીયે છે! ... પણ હું કહીં દઉં કે અમારાં ગામમાં 10 ધોરણ સુધીની જ શાળા છે. અને આગળ ભણવા બહારનાં શહેરોમાં જવું પડે. અને એટલે અહીંયા 10 સુધી તો છોકરીઓને ભણાવવામાં આવે પણ કોઈ માં- બાપ તેમની છોકરીઓને બહાર ભણવા જવાં ના દે. પણ રચનાદીદી થોડી વધારે નસીબ વાળા હતાં. કેમકે તેમનાં પિતા ઘણાં ખુલ્લા વિચારોના હતાં. અને રચનાદીદી તેમની એકનીએક સંતાન એટલે પુરેપુરો પ્રેમ તેમને મળતો. દીદી એ 10 ધોરણ તો ભણી લીધાં. પણ તેમને વધારે આગળ ભણવું હતું. તે પહેલે થી જ હોશિયાર હતાં. એકવાર સમજાવેલી વસ્તુ તેમને તરત યાદ રહો જતી. અને આ વાતને જોઈ તેમનાં પિતાએ તેમને આગળ ભણવાની પરવાનગી આપી. આ જોઈ ગામનાં ઘણાં લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પણ તેમનાં પિતાએ કોઈની વાત સાંભળી નહીં. બસ રચનાદીદી ની ખુશી જોઈ. અને દીદી તેમનાં પપ્પાને બહું જ પ્રેમ કરતાં હતાાં એટલે તેમનું અભિમાન બનવાની હંમેશા કોશિશ કરતાં રહેતાં. ગામની નજીકનાં એક શહેરમાં તેમનું એડમિશન થયું. રચનાદીદીની જિંદગી એકદમ સારી ચાલી રહી હતી જ્યાં સુધી વિનયનો પરિચય દીદીનાં જીવનમાં નહતો થયો. "
રેવા બધું કાન માંડીને સાંભળી રહી હતી. અને વિનયનુ નામ સાંભળી આતુરતાથી પુછ્યું " કોણ વિનય?... અને એક છોકરાને લીધે શું પ્રોબ્લેમ? "... વંદિતા એ વાત આગળ વધારી " વિનય અમારાં પાડોશી ગામનો સરપંચ નો છોકરો છે. વર્ષોથી તે જ ગામનાં સરપંચ છે. તેમને મળતાં સન્માન ને લીધે નહીં પણ તેમની બીકને લીધે કોઈ તેમની સામે ઉભું નથી રહેતું. વિનયનાં પપ્પા તેને ભાવી સરપંચના રૂપમાં જ જોતાં. એટલે તેને એટલો યોગ્ય બનાવવો હતો કે જેથી કોઈપણ ગામવાસીઓ વિનયનાં સરપંચ બનવા પર પ્રશ્ન ના ઉઠાવી શકે. એટલે તેને પણ બહાર ભણવા મુક્યો. અને કમનસીબે કહો કે સદ્દભાગ્યે વિનય રચનાદીદીનાં જ સ્કુલમાં 11-12 નું ભણવા માટે ગયો. અને એક ક્લાસમાં હોવાને લીધે તે બંને થોડાં સમયમાં સારાં મિત્રો બની ગયા હતાં. રચનાદીદી તેને બધી રીતે મદદ કરે. બધું સમજાવે અને પરીક્ષા સમયે તેને બધું તૈયાર પણ કરાવે .
જેમ જેમ સમય વિતતો ગયો તેમ રચનાદીદી અને વિનય એકબીજાને વધું મળવા લાગ્યા અને કંઈક ને કંઈક તેમનાં મનનાં તાર જોડાવા લાગ્યાં. વિનય પણ રચનાદીદીનું વધું ધ્યાન રાખતો. તેને બધી મુશ્કેલીઓથી બચાવતો. તેનું રક્ષણ કરતો. ધીમે ધીમે રચનાદીદી ને તેની સાથે એક અલગ જ હૂંફ ની અનુભૂતિ થવાં લાગી. બંન્ને ને એકબીજા ની મનની વાત ખબર પડી એટલે તેમણે પોતાના ઘેર તેમનાં વિશે વાત કરવાનું નક્કી કર્યું. અને તે સમયે તેમનું 12 મું ધોરણ પણ પૂરું થવાનું હતું. એટલે હવે ઘેર જ જવાનું હતું. જ્યાં સુધી કૉલેજમાં એડમિશન ના થાય ત્યાં સુધી. વિનય અને રચનાદીદી પરીક્ષા પતાવી પોતાની ઘેર આવ્યાં. અને રચનાદીદી એ તેમનાં પપ્પાને આ બધી વાત સાચી સાચી કહી દીધી. દીદીનાં પપ્પા એ ઘણું વિચાર્યા પછી રચનાની વાત માની વિનયનાં ઘેર રચનાદીદીની લગ્નની વાત કરવાં ગયાં. પણ ત્યાં પહોચી ને કાકાને( રચનાનાં પપ્પાને) ખબર પડી કે વિનયે રચનાદીદી વિશે તેનાં પપ્પાનેં નથી કહ્યું. અને જ્યારે કાકાએ બધી વાત કહી તો વિનય પોતાની વાતથી ફરી ગયો. અને બોલ્યો કે તેણે રચનાને આવું કશું કરવા નહતું કહ્યું અને તે રચનાને પ્રેમ પણ નથી કરતો. આ સાંભળી કાકા વિનય પર ગુસ્સે થઈ ગયાં. પણ વિનયનાં પપ્પા સરપંચ હોવાથી તેમને ઘરની બહાર કાઢી મૂકવાં માં આવ્યાં. અને વિનય અને રચનાદીદી બંનેનાં પિતા વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. અને...." વંદિતા બોલતાં બોલતાં રડી પડી. થોડીવાર કશું બોલાયું નહીં. અનંતની આંખો પણ ભીની થઈ ગઈ.

પણ વાત પુરી કરતાં વંદિતા બોલી " અને પછી સમાચાર આવ્યાં કે રચનાદીદીનાં પિતાનું અવસાન થઈ ગયું છે. રચનાદીદી અને દિવાળી કાકી તો પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા હતાં. પોતાનાં ઘરનું ધારણ જ છીનવાઈ ગયું હતું. રડી રડીને ખરાબ હાલત હતી. પોતાની માં ને વિધવાની રૂપમાં જોતાં જાણે રચનાદીદી ને પોતાની મોતનો અહેસાસ થતો. આ દરેક વાત માટે રચનાદીદી આજ સુધી પોતાને દોષી માને છે. અને ત્યારથી લઈને આજ સુધી દીદીએ ના વિનયનું નામ બોલ્યાં છે કે ના પોતાનાં સરળ સ્વભાવમાં આવી શક્યાં. આ વાતને ત્રણ ચાર વર્ષ વિતી ગયા હશે પણ આજ સુધી તેનો અસર દીદીની વાતો અને વ્યવહારમાં ચોખ્ખો દેખાય છે. અને એટલે જ કદાચ તેમની કોઈ વાતથી અમે દુઃખી નથી થતાં. તેમનાં કડવાં સ્વભાવ પાછળ પણ અમને તેમનું દુઃખ દેખાય છે. "

વંદિતાની વાત સાંભળી રેવા પોતાને રોકી ના શકી અને રડી પડી. આ દુઃખ, દર્દનો અહેસાસ તેને અજાણ નહતો લાગી રહ્યો. જાણે પહેલાં પણ પોતાની બહેનનું જીવન તેણે આવાં જ દુઃખ માં જોયું હોય તેમ તેનું મન ભરાઈ રહ્યું હતું. રેવા અને નિયતિનાં પગલાં જોડાઈ રહ્યાં હતાં. પણ ખબર ના રેવાને હતી કે ના વંદિતા કે અનંત. રેવા એ કહ્યુ " મને નહતી ખબર કે દીદી આટલું બધું મનમાં ભરીને બેઠાં છે. હું તો તેમનાથી ક્યારેય નારાજ નહતી. બસ થોડી વાર માટે ખબર નથી શું થઈ ગયું હતું... મને માફ કરી દો વંદિતા અને અનંત... મારે જ સમજ્યા વિચાર્યા વગર કશું નહતું બોલવું જોઈતું. "

વંદિતા અને અનંત પોતાનાં આંસુ લૂછી રેવાને પોતાની કોઈ ભૂલ ના હોવાં માટે સમજાવવા લાગ્યા અને તેને રચના જોડે લઈ જવાં લાગ્યાં એટલે રેવાએ કહ્યું " હા તમે જાઓ. હું તમને સાંજે મળું. આરતીનાં સમયે. " અને તે ત્યાંથી પોતાનાં ઘેર ચાલી ગઈ. વંદિતા અને અનંત પણ પોતાનાં કામે લાગી ગયાં. રેવા કંઈક વિચારો રહી હતી. તે રચનાને પોતાની દીદી માનતી હતી એટલે આટલી મોટી વાત સાંભળી ચુપ બેસી રહે તે શક્ય નહતું. અને જે દુઃખ રેવા બનવા પહેલેથી જ તેનાં મનમાં ઘર કરી ગયું હતું તેને કંઈકને કંઈક બહાને હળવું થવાનો અવસર હતો .... પણ પ્રશ્ન એ હતો કે રેવાનાં મનમાં શું વિચારો ચાલતાં હતાં. અને ચાર વર્ષ જુની સંબંધની ગાંઠો ખોલવી કેવી રીતે?!......

શું કરવાની હતી રેવા?....

રોજની માફક સાંજ થતાં બધા આરતી માટે મંદિરે પહોંચવા માંડ્યા હતાં. વંદિતા, અનંત, રચના , પ્રકૃતિ અને કૌશલ પણ મંદિરે આવ્યાં. રેવાનાં કહ્યાં પ્રમાણે વંદિતા બધાને ભેગા કરી રહી હતી. પણ તેણે કોઈને રચના વિશેની બધી વાત રેવાને જણાવી છે તે કહ્યું નહતું. તેને ખબર હતી કે જ્યારે બધાને તેનાં આ કામની ખબર પડશે ત્યારે બધાં તેને ખરું- ખોટું સંભળાવશે. પણ છતાં હવે જે થશે એ તેમ વિચારી તેણે હીંમત ધરી હતી. આરતી શરૂ થઈ ગઈ છતાં રેવા આવી નહીં. વંદિતાને હવે બીક લાગી રહી હતી. અનંત પણ ગભરાઈ રહ્યો હતો. કેમકે તેને ખબર હતી કે કોઈપણ પગલું રેવાને મુસીબતમાં મુકી શકે છે. હવે તો બસ ભગવાનને પ્રાર્થના જ થઈ શકે તેમ છે એમ વિચારી વંદિતા અને અનંત આંખો બંધ કરી પ્રાર્થના માં જોડાઈ ગયાં. આરતી પુરી થઈ અને પાછળ વળીને જોયું તો રેવા આવી ચુકી હતી. વંદિતા ને તો શાંતિ મળી પણ અનંત ભવિષ્ય નું વિચારીને હજું ગભરાઈ રહ્યો હતો. રચનાને માંજીએ જેવી જ આરતી પૂરી થઈ તો બોલાવી ગયાં. તેમને કામમાં મદદ જોઈતી હતી એટલે. રેવાને આ જોઈ ખુશી થઈ કેમકે તે જાણતી હતી રચનાને ખબર પડતી તો તે ક્યારેય આવું કશું કામ કરવાં ના દેતી. મંદિરની બહાર એક ખૂણે રેવાએ બધાને રોક્યા. અને વાત શરૂ કરી,

રેવા: કૌશલ, પ્રકૃતિ તમને કદાચ આ વાત જાણીને ધક્કો લાગશે. પણ મારે તમને આ વાત કરવી જ છે. અને હું જે બોલું તે તમેં પહેલાં સાંભળી વિચારીને પછી જ કંઈક કહેજો.

પ્રકૃતિ (આશ્ચર્યથી) : શું વાત છે રેવા? તું આવું કેમ બોલે છે?... કશું થયું?... જલદી બોલ મને ગભરામણ થાય છે...

રેવા: હા થયું તો હતું પણ આજે નહીં ત્રણ ચાર વર્ષ પહેલાં...

કૌશલ: શું થયું તને તારાં વિશે કશું યાદ આવ્યું છે કે શું? .... અને અનંત અને વંદિતા તમે આમ ચુપચાપ કેમ ઉભા છો?

રેવા: કૌશલ મને ખબર છે તને ગુસ્સો જલદી આવે છે. અને અત્યારે હું જે કહીશ તે તને જરાં પણ ગમશે નહીં. પણ તે મારાં વિશે નથી...

કૌશલ : તો?...

અનંત: રચના વિશે વાત કરે છે.. રેવાને આજે રચનાનાં અતીત વિશે બધું ખબર પડી ગઈ છે...

આ સાંભળી પ્રકૃતિ અને કૌશલનાં હાવભાવ બદલાવા લાગ્યાં અને તે આ સાંભળી એકદમ સ્તબ્ધ થઈ ગયાં.

કૌશલ: કેવી રીતે?.. કોણે કહ્યું તેને?... આપણે નક્કી કર્યું હતું ને કે તે વાત ક્યારેય કોઈ નહીં બોલે!.. તો પછી ?....

રેવા: કોણે કહ્યું એ મહત્વનું નથી. હવે મને ખબર છે તો હું ચુપ નહીં બેસી શકું. મારે રચનાદીદી માટે કશુંક કરવું છે જેથી તેમનું જીવન સુધરી જાય. અને તે આપણી જવાબદારી પણ છે.

પ્રકૃતિ : રેવા... ચુપ થઈ જા... રચનાદીદી સાંભળશે તો ગુસ્સાથો આપણને કોઈ નહી બચાવી શકે. અને તને શું લાગે છે અમે પ્રયત્ન નહતો કર્યો?... પણ તે છોકરો વિનય કશું માનવા જ તૈયાર નહતો.

કૌશલ: રહેવા દે પ્રકૃતિ એ બધી વાત જુની થઈ ગઈ છે અને રેવા તને પહેલી ને છેલ્લીવાર સમજાવું છું. છોડી દે આ જીદ અને આ વાત.

રેવા: એ તો ક્યારેક નહીં થાય. મારી જોડે એક રસ્તો છે. આપણઃ એકવાર ફરી પ્રયત્ન કરવો જોઈએ... હોય શકે..

કૌશલ (વાત અટકાવતાં ગુસ્સામાં) : ના.. કોઈ જરૂર નથી. આ વાત અહીંયા જ પતાવી દે. અને પોતાનાં ઘેર જા અંધારું થવાં આવ્યું છે..

રેવા: પણ કૌશલ સાંભળી તો લે..

કૌશલ: ના.. નથી સાંભળવું... ચાલ પ્રકૃતિ ઘેર જવાનું છે..

કૌશલનો ગુસ્સો વધી રહ્યો હતો. પ્રકૃતિ ને પણ કૌશલની વાત સાચી લાગી તેણે પણ રેવાને સાથ ના આપ્યો. અને ચાલી ગઈ.

અનંત: મેં કહ્યું હતું ને.. આ વાત ના ઉપાડશો.. પણ તમેં તો.. ચલો છોડો હવે અને ચાલો ઘેર...

અનંત પણ ચાલવા લાગ્યો. રેવા નિરાશ થઈ ગઈ. કોઈએ તેની વાત સાંભળી નહીં અને ધીમેથી ઉંડી શ્વાસ ભરી નિરાશામાં ઘર તરફ જવાં માંડી એટલે ચુપ બેઠેલી વંદિતા એ તેને પાછળ થી રોકી અને કહ્યું " રેવાદીદી.. Thank you.. તમેં મારું નામ ના લીધું. પણ આમ આશા નાછોડશો. આજે ઘણાં સમય પછી કોઈ આશાની કીરણો દેખાઈ છે. રચનાદીદી નું જીવન સુધરી જશે. એક પ્રયત્ન તો કરો. કોઈ તમારો સાથ આપે કે ના આપે હું તમારી સાથે છું. મને કહો હું તમારી શક્ય મદદ કરીશ. "

આ સાંભળી રેવાની આંખોમાં ચમક આવી અને તરત બોલી " વંદિતા તું બિલકુલ ચિંતા ના કરીશ. હું એક પ્રયત્ન તો જરુર કરીશ. અને મને વિશ્વાસ છે આપણે સફળ થઈશું. હું તને કહું તેમ કર. અને આ વાત આપણાં બન્નેની વચ્ચે જ રાખજે. કેમકે આજે જે અનુભવ થયો તેનાં પછી મને નથી લાગતું કોઈ આપણને કશું કરવા દેશે. " વંદિતા નાની હતી પણ તેનાં નિર્ણયો એકદમ પાક્કા હતાં. પણ જેટલું સરળ લાગતું હતું તેટલું સરળ કામ હતું નહીં. જે વાત રેવા અને વંદિતા બંનેને ખબર હતી...

છતાં રેવાએ હીંમત કરી હતી શું થશે આ હીંમત નું પરિણામ?..


ક્રમશઃ