( આપણે અગાઉ જોયુ એમ રહેમાન મલિકને જોઈ લક્ષ્ય અને એના સાથીદારો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે રહેમાન મલિક અને એના સાથીદારો આગળ શું કરશે એની વાટ જોતા તેઓ એના ઘરની સામેની હોટેલમાં ઉતારો લે છે ...હવે આગળ )
સવારે સૌથી પહેલા માઈકલ અને એના સાથીદારો બહાર આવ્યા. તેઓ આસપાસ જાણે ફાંફા મારી રહ્યા હતા, જાણે કે તપાસી રહ્યા હોય કે કોઈ છે કે નહિ. થોડીવારમાં એને અંદરથી કોઈકને બહાર આવવાનો ઈશારો કર્યો. એ વ્યક્તિએ ભૂરા રંગનુ શર્ટ અને ખાખી રંગનુ પેન્ટ પેહર્યુ હતુ. થોડીવાર તો અમારામાંથી કોઈ એને ઓળખી ન શક્યુ. પણ પછી ઝીણવટપૂર્વક જોતા એ સાબિત થઈ ગયુ કે એ રહેમાન જ હતો. વેશપલટો કરીને બહાર નીકળ્યો હતો. અમે અમારો સામાન લઈ ઝડપથી નીચે ઉતરી ગયા. તેઓ બે ટેક્સીમાં ગોઠવાયા અને જવા લાગ્યા , અમે પણ ટેકસીમાં બેસી એમની પાછળ હંકારી મુક્યુ.
લગભગ ત્રણથી-ચાર કલાકની મુસાફરી બાદ મેં ડ્રાઇવર સાથે વાતચીત કરી કે એને કંઈ અંદાજ હોય કે આ લોકો કઈ તરફ આગળ વધી રહ્યા છે. એને કહ્યુ કે ચોક્કસપણે તો નહિ પણ રખેને આ લોકો ફ્લોરિડા અથવા મિયામી તરફ આગળ વધી રહ્યા હતા.જોકે એ એકદમ ચોક્કસ તો કંઈ પણ કહી શકે એમ નહોતુ. મેં મારી પાસેનો અમેરિકાનો નકશો તપાસી લીધો. મિયામી પછી તરત જ દરિયાકિનારો આવે છે. એટલાન્ટિક મહાસાગર.તો શું આ લોકો દરિયાના માર્ગે રહેમાનને લઈને ભાગવા માંગતા હતા. આ વાત શક્ય હતી કારણકે દરિયાના માર્ગે ભાગવુ સહેલુ હતુ અને એમાં જોખમ પણ ઓછુ હતુ.
મેં દેવ અને એલ સાથે વાત કરી. બંને આ તર્ક સાથે સહેમત હતા. એનો અર્થ એ થયો કે અમારે એક દરિયાની સફર ખેડવા તૈયાર રહેવાનુ હતુ.અમે તો માનસિક રીતે તૈયારી કરી લીધી હતી. પણ કહેવાય છે ને કે આવનાર તોફાન પહેલા હંમેશા શાંતિ જ હોય છે. વિશ્વના સૌથી ભયાનક અને રહસ્યમયી દરિયામાં અને પ્રવેશવાના હતા. એક એવી મુસાફરી અમારી રાહ જોઈ રહી હતી કે જેના વિશે વાંચ્યુ તો ઘણુ હતુ પણ જાણકારી ઝાઝી નહોતી.પણ આવા તો વિચારસુદ્ધા અમારા મગજમાં નહોતા.અમારે તો બસ એને રંગે હાથે પકડવો હતો અને એના ખરાબ મનસૂબાને નાકામ કરવા હતા. અજ્ઞાત અને ભયંકર ઘટનાઓ અમારી રાહ જોઈ રહી હતી અને એક ભેદ પણ "બર્મુડા ટ્રાયંગલ" !!!!
અમે લગભગ દસેક કલાકની મુસાફરી બાદ મિયામી ઉતર્યા. અમારો અંદાજ બિલકુલ સાચો હતો.અને જો એ જ પ્રમાણે હશે તો આ લોકો અહીંથી એકાદ નાનકડુ જહાજ અથવા બોટ લેશે. અને એમને એમ જ કર્યુ. હવે લગભગ બધુ સાફ થઈ ગયુ હતુ. એમેઝોનના જંગલોમાંથી હીરા મેળવી , એના વડે આર્થર પાસેથી હાયડ્રોજન બોમ્બ બનાવવાની રીત મેળવી અંતમાં રહેમાનને પાકિસ્તાન સહી-સલામત પાછો મૂકી આવવાનો પૂરો તખ્તો ગોઠવાઇ ગયો હતો.
હવે અમારે તો માત્ર એટલુ જ જોવાનુ હતુ કે આ લોકો એને લઈને પાકિસ્તાન જ જાય છે ને !! દેવ હવે વધુ ધુંધવાયો હતો કારણ કે અમારી પાસે હવે પૈસા નહોતા અને છેલ્લા કેટલાય દિવસથી અમે એમનો પીછો જ કરી રહ્યા છે એ વાત હવે એના ગળે ઉતરતી નહોતી. છતા જ્યારે મેં એને એમ કહ્યુ કે અમારી પાસે પૈસા હતા ત્યારે એ જાણીને એ ચોંકી ઉઠ્યો કે હજુ પણ અમારી પાસે પૈસા કેમ બાકી હતા !! છતા એ સમયે તો અમારે એમનો જલ્દીથી પીછો કરવો જોઈએ એમ કહી મેં એની વાત ટાળી દીધી. પણ હવે જલ્દી એને સત્ય કહેવુ પડશે એ હું જાણતો હતો !!
અમે એક સેટેલાઇટ ફોન ખરીદી લીધો. જો આ લોકો એને પાકિસ્તાન તરફ જ લઈ જતા હોય તો ભારતીય નૌકાદળને પહેલાથી જાણ કરી શકાય. એમ પણ મધદરિયે કંઈ પણ અનિચ્છનીય ઘટના થાય તો તુરંત આસપાસ કોઈ જહાજનો પણ આનાથી સંપર્ક થઈ શકે એમ હતુ. અમે પણ એક નાનકડુ જહાજ ખરીદી લીધુ.કારણ કે અહીં ભાડે કશુ મળતુ નહોતુ. અમારો કપ્તાન સ્ટેફન નામનો એક ઘરડો વ્યક્તિ હતો. આ એની લગભગ ૭૮મી દરિયાની સફર હતી. એટલે અનુભવ એની પાસે ઘણો હતો. અમે એને બરાબર સમજાવી દીધુ કે અમારે પેલા આગળ વાળા જહાજથી સલામત અંતર જાળવી એનો પીછો કરવાનો હતો. એ બરાબર સમજી ગયો અને અહીં શરૂ થઈ ગયો અમારી સફરનો અંતિમ પડાવ !!!!
( તો શું લક્ષ્ય અને એના સાથીદારો ખરેખર રહસ્યમયી " બર્મુડા ટ્રાયંગલ " તરફ આગળ વધી રહ્યા હશે ? કેવી રહેશે એમની આગળની સફર... વધુ આવતા અંકે )