Man Mohna - 13 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૧૩

Featured Books
Categories
Share

મન મોહના - ૧૩

મન અને ભરત બંને ઢાબામાં બેઠાં બેઠાં નિમેશની વાતો સાંભળીને ઉદાસ થઈ ગયા હતાં. મનને મોહના વિશે વિચારીને ખૂબ દુઃખ થયું. એના માટે મોહનાની ખુશીથી વધારે બીજું કંઈ મહત્વનું ન હતું... એટલે જ જ્યારે બીજા દિવસે મોહનાને મળવાનો પ્લાન નિમેશ સમજાવી રહ્યો હતો ત્યારે એ ખુશ થઈ ગયો.

આજે રાત્રે ફરી મનનો ઊંઘ સાથે મેળાપ ન થયો. આજે એ કંઈ જુદું જ વિચારી રહ્યો હતો. સ્કૂલના સમયે મોહનાને એણે એના મનની વાત નહતી કરી કારણકે મોહના વિવેકને ચાહતી હોય એવું એને લાગેલું. એ અહીં પાછો આવ્યો ને જાણ્યું કે મોહનાના લગ્ન થઈ ગયા છે ત્યારે, જરીકે અવાજ ન થાય એમ એનું દિલ તૂટ્યું હતું! એનો ભુક્કો બોલાઈ ગયો હતો! આજે જ્યારે સાચી વાતની એને ખબર છે ત્યારે એના રોમે રોમમાં વસેલો મોહના માટેનો પ્રેમ ફરી જાગ્રત થઈ ગયો છે. એનું દિલ ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહ્યું, મોહના તારી જ છે દોસ્ત! આ વખતે ગમે તે થાય એને કોઈ બીજાના હાથમાં ના સોંપતો! એ એકલી છે, દુઃખી છે એને અત્યારે જ તારા પ્રેમની, તારી લાગણીઓની સૌથી વધારે જરૂર છે! મને નિશ્ચય કર્યો આ વખતે એ મોહનાથી દૂર નહિ ભાગે...

બીજે દિવસે બપોરે એક વાગે મન શહેરની લાયબ્રેરીમાં બેઠો હતો. એ વાંચવા જરૂર આવ્યો હતો પણ ચોપડી નહિ, મોહનાની આંખો! નિમેશ જ આ મુલાકાતનો સૂત્રધાર હતો. એને ખબર હતી મોહના આજે અહીં આવવાની છે. એટલે જ એણે મનને પહેલાં જ અહીં ગોઠવી દીધો તો.

મનને એક મોટું બગાસું આવી ગયેલું. બે દિવસથી એ સૂતો નહતો! મોહનાને ફરીથી મળવાની ખુશીમાં એ મનોમન ખુશ થતો હતો. હોલમાં એ અને બીજા બે લબરમુછીયા છોકરા સિવાય કોઈ નથી એમ જોતાં એણે મગર જેવું મોટું મોં ફાડીને, અવાજ કરીને કંઇક અંશે લાં...બુ બગાસું ખાધું અને ત્યારે જ કોઈ યુવતીનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. મને ચોંકીને જોયું તો એની બાજુમાં જ મોહના ઊભી ઊભી હસી રહી હતી. મનના મોંઢા પર શરમના શેરડા પડ્યા!

“ઑય હોય તું તો શરમાઈ રહ્યો છે!” મોહના પાછી હસી પડી. એને આમ હસતી જોઈને મનને ખૂબ સારું લાગ્યું.

“અહીં શું કરે છે?” મોહના એની સામેની ખુરસી પર બેસી.

“અમ.. એક બુક જોઈતી હતી એટલે આવેલો પણ ના મળી!” મને ભરતે શીખવાડેલું જૂઠ કહ્યું.

“કઈ બુક?"

“નિયતિ... કોઈ નિયતી કાપડિયાએ લખી છે. લવ સ્ટોરી છે. ભરતે કહેલું એ બહું સરસ લખે છે હું એની આ બુક જરૂર વાંચું!” મને ભરતને મનોમન થેંક યું કહ્યું. એણે શીખવાડેલું બરોબર કામ આવી રહ્યું હતું.

“હા.. મેં પણ એ નોવલ વાંચી છે. એક છોકરીના મનની વાત, એની અંદરનો વલોપાત જ્યારે એ લગ્ન માટે કોઈને પસંદ કરતી હોય, એ એમાં લેખિકાએ સરસ રીતે દર્શાવ્યો છે" થોડીવાર ચૂપ રહીને એ ફરીથી બોલી, “આ લેખકો એમની વાર્તામાં જેવા પાત્રો આલેખે, જેવો ઉત્કટ પ્રેમ દેખાડે એવું વાસ્તવમાં હોય છે ખરું?”

મનને થયું કે એ કહી દે કે, હા, હોય છે એવા પાત્રો, એવા પ્રેમીઓ વાસ્તવમાં પણ. હું પોતે જ છું એવો પ્રેમી. વરસોથી દિલના ખૂણે મેં એક છબી સાચવી રાખી છે, એને હું દિલોજાનથી ચાહું છું! એના માટે હું કંઈ પણ કરી શકું છું!

“તે જવાબ ના આપ્યો?” મોહનાએ મનને ચૂપ રહેલો જોઈને પૂછ્યું. “ઓહ..તને એમતો નથી થતું ને આ વળી કેવા સવાલો પૂછે છે!”

“ના..ના. જરાય નહીં.” મનને થયું હિંમત કરવી જ પડશે, હવે પહેલાંની જેમ મુંગોમાંતર બની રહે નહિ ચાલે! એણે એક ઊંડો શ્વાસ લઈ કહ્યું, “હું પ્રેમમાં વિશ્વાસ કરું છું! જેને તમે સાચો પ્રેમ કરતાં હોય, ખરાં દિલથી ચાહતા હોય એના સુંધી તમારી લાગણી પહોંચે જ છે. એ ભલે ચૂપ રહે કંઈ ના બોલે પણ તમારા દિલનો અવાજ એનેય બેચેન કરતો જ હોય છે! પ્રેમ મૂશળધાર વરસતા વરસાદ જેવો છે, ભલે કોઈ ગમે એટલાં પ્રયત્ન કરીલે પોતાને બચાવવાના, એ થોડોક તો ભીંજાવાનો જ! પ્રેમના વરસાદ આગળ કોઈ સાવ કોરું નથી જ રહી શકતું.”

“વાહ...!” મોહના બે હાથે તાળી પડતા બોલી, “ગજબનું કહ્યું તે! પ્રેમ એટલે મૂશળધાર વરસતો વરસાદ! મને તો એમ કે આવું બધું વિવેક જ બોલી શકે!”

મનને એક ઠેસ લાગી. એણે પોતાના હાવભાવ પર કાબૂ રાખી મોહનાને એ જણાવા ના દીધું. આ બધું એ કઈ રીતે બોલી ગયો એની એને ખુદને ખબર ન હતી. કદાચ એના દિલમાંથી આ અવાજ આવેલો! કદાચ એને નિયતિ વિશે કહેતા ભરત આવું બોલેલો!

“વિવેક...? આપણી આગળના ક્લાસમાં ભણતો હતો એ?” મનને એ સારી રીતે યાદ હતો છતાં પૂછ્યું.

“હા, એ જ. એનું સાચું નામ તો મનોજ હતું. પણ પેલી નેહાને ખુશ કરવા જ એણે એનું નામ વિવેક રાખી લીધેલું. નેહાને મનોજ નામ બહુ જૂનું લાગતું હતું!” મોહનાએ મોઢું મચકોડી કહ્યું.

મનને હસવું આવી ગયું, છતાં પોતાના પર સંયમ રાખી પૂછ્યું, “નેહાને તો કોઇ અગમ ગમતો હતો એવું સાંભળેલું!”


“હા. નેહાને મનોજ જરાય પસંદ ન હતો પણ તોય એ એની આગળ પાછળ ફરતો રહેતો.”

“તું વિવેકને એટલે કે મનોજને પસંદ કરતી..” મન ચૂપ થઈ ગયો. એને ખૂબ અફસોસ થયો. આ શું બોલી નાખ્યું એણે.. આવું નહતું બોલવાનું. એણે દાંત વચ્ચે જીભ દબાવી.

“થોડો થોડો કરતી હતી, શરૂઆતમાં મને એના તરફ આકર્ષણ જેવુ થયેલું પણ જે ઘડીએ ખબર પડી કે એ નેહાનો દીવાનો છે મેં એને મારા દિલમાંથી નીકાળી દીધો.” મોહના બેધડક બોલી ગઈ, “મને એવો છોકરો ગમે જે મને અને ફક્ત મને જ ચાહતો હોય.” મોહના થોડી ઉદાસ થઈ પછી મનની આંખોમાં જોતા બોલી, “હશે? ક્યાંય કોઈ એવો છોકરો...? એટલે જ તો કહ્યું આવું બધું વાર્તાઓમાં જ બને. એય... પણ તે કઈ રીતે જાણ્યું કે હું મનોજને લાઈક કરતી હતી? આ વાત તો મેં કોઈને નથી કરી. મારી બેસ્ટ ફ્રેન્ડને પણ નથી કહ્યું!”

“મેં એ તારી આંખોમાં વાંચેલું.” મન જાણે સ્વગત બબડતો હોય એમ બોલી ગયો. એની જીભ ઉપર આવી ગયું, કે એવો છોકરો છે મોહના, તારી સામે જ છે જેણે જ્યારથી પ્રેમ નો મતલબ સમજ્યો ત્યારથી ફક્ત તને ચાહી છે... ફક્ત તને જ! પ્રેમનું ત્રીજુ લખ્ખણ, જીભ ઉપર આવી જાય એ શબ્દો હોઠોંથી બહાર ના આવે! અંદરથી દિલ ખળભળી ઉઠે, ગુસ્સો આવે, બેચેની વધે પણ પોતાના પ્રિય પાત્રની સામે અમુક શબ્દો ના બોલાય તે ના જ બોલાય!

“તે મારી આંખોમાં વાંચેલું! ક્યારે? હું બેવકૂફ શું કરતી હતી એ વખતે?” મોહના હજી મનની આંખોમાં જોઈ રહી હતી. મનની આંખો મોહનાની આંખોનો સામાનો ના કરી શકી. મને નજર ઝુકાવી લીધી. બંને છેડે થોડીવાર ખામોશી છવાયેલી રહી.

“તું સારો છોકરો છે. થોડો શરમાળ છે પણ સારો છે!” મોહના મીઠું હસી. એની સામે જોઇને મન પણ હસ્યો.

“આપણે આ લોકોને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. ચાલ બહાર જઈએ.” મોહના ઉઠી એની પાછળ મન પણ ઊભો થયો અને બંને બહાર નિકળ્યા.

“મન ટોઇલેટમાં આવ.” મનના કાનમાં ભરાયેલા યંત્રમાંથી નિમેનોશ અવાજ આવ્યો. મનને જરાય ઈચ્છા ન હતી મોહનાને છોડીને જવાની. માંડ તો એના નીરસ જીવનમાં આ સોનેરી ઘડી આવી હતી.

“તું ગાડી લઈને આવ્યો છે?” મોહનાએ પાર્કિગમાં પડેલી સફેદ સ્વિફ્ટ કાર જોઈ પૂછ્યું.

“હ..હા.” મનને યાદ આવ્યું એ અહીં નિમેશ સાથે આવેલો, ગાડી નિમેશ ચલાવતો હતો અને ગાડીની ચાવી પણ એની પાસે જ હતી. “હું એક મિનિટમાં આયો!” મને એની ટચલી આંગળી ઊંચી કરી અને ભાગ્યો.

એ અંદર ગયો ત્યારે નિમેશ એની જ રાહ જોઈ રહ્યો હતો.
“વાહ... તારી તો નીકળી પડી! હવે શું કરવાનું છે? અત્યાર સુધી બધું મેં નક્કી કર્યું એમ જ ચાલતું હતું હવે તું તારી જાતે સંભાળી શકીશ?”

“હા...!"

મનને અત્યારે નિમેશના સવાલ ના ગમ્યા. એ મોહના સાથે વખત ગુજારી એને ખુશ કરવાં માંગતો હતો જ્યારે નિમેશ એને એની જૂની યાદોમાં લઈ જઈ અમરના ખૂનનું રહસ્ય ઉકેલવા માંગતો હતો.

“જો તારું સેટિંગ કરતો રહેજે પણ જે કામ માટે મેં તને મોહના પાસે મોકલ્યો છે એ ભૂલી ના જતો.” નિમેશ એના હાથમાં ગાડીની ચાવી મૂકતા બોલ્યો

નિમેશની વાતનો જવાબ આપ્યા વગર મન ચાવી લઈને જતો રહ્યો. એ બહાર ગયો તો મોહના ત્યાં ન હતી. એ કંપાઉન્ડની બહાર જઈ રોડની બંને તરફ જોઇ આવ્યો. મોહનાની ગાડી ક્યાંય ન દેખાઈ. મનના મનમાં ફફડાટ થયો ક્યાંક મોહના બધું જાણીતો નહિ ગઈ હોય. પોતે નિમેશના કહેવા પર એને મળે છે એ મોહના જાણી જાય તો..? આટલે આવ્યાં પછી હવે મન પાછો હટવાં નહતો માંગતો.

“શું થયું? તું અહીં કેમ ઊભો છે?” નિમેશ મનને એકલો જોઈ એની પાસે આવી બોલ્યો.

“એ ચાલી ગઈ.” મન ઉદાસ થઈ ગયો. નિમેશ હસ્યો હતો થોડુંક.

એ રાત્રે ભરત અને નિમેશ જ્યારે હાઇવે પર આવેલી હોટલે મળ્યાં તો મન ત્યાં ન હતો.

“આ મન ક્યાં રહી ગયો? હજી આવ્યો નહિ!” નિમેશ પૂછી રહ્યો.

“એ આજ નહિ આવે.” ભરતે કહ્યું.

“કેમ? કોઈ કામમાં છે?”

“હા. કામ જ કરી રહ્યો હશે!” ભરતના મોંઢા પર એક અજીબ સ્મિત હતું. “એનું નસીબ ઊઘડી ગયું!"

“મને કેમ એમ લાગે છે કે કોઈ ગરબડ છે!” નિમેશ ભરતને ધૂરી રહ્યો.

“તને તો બધામાં ગરબડ જ લાગે છે, એટલે જ તને ના જણાવ્યું. મન તો ગયો છે મોહના પાસે. એણે જ સામેથી ફોન કરીને બોલાવેલો."

“આ તું શું કહે છે? મને તો આ વિશે કંઈ ખબર નથી.” નિમેશ થોડો ચિંતામાં આવી ગયો. ભરતે એક આંખ મારી અને હસવા લાગ્યો.

“અરે બેવકુફો મને જાણ તો કરવી હતી. મનનો જીવ જોખમમાં છે. એ કઈ જગ્યાએ ગયો છે?”

“મનનો જીવ જોખમમાં? એ કેવી રીતે?” ભરત ગંભીર થઈ ગયો.

“મેં એક વાત તમારાથી છુપાવેલી,” નિમેશ નીચું જોઈ બોલ્યો. “અમરના ગળા પર દાંતના નિશાન હતાં. કોઈએ એને ત્યાં બચકું ભરી એનું લોહી પીધું હતું. આખા શરીરની એની ચામડી હાડકા સાથે ચોંટી ગયેલી”

“શી વાત કરે છે, ગધેડાં! જો આ મજાક હશે ને તો..”

“આ મજાક નથી. એના પછી બીજી બે લાશ મળી એ બંને કોઈ ને કોઈ રીતે મોહના સાથે સંકળાયેલી હતી, એમની ગરદન પર પણ દાંતના નિશાન હતાં!” નિમેશ બોલવાનું પૂરું કરે એ પહેલાં જ એના ગાલ પર ભરતની થપ્પડ પડી ગઈ.

“તું તે સાલા દોસ્ત છે કે કોણ? હાથે કરીને પેલાને બિચારાને," ભરતે ગુસ્સાથી કહ્યું.

“આ બધું પછી. પહેલા એ કહે મન ક્યાં ગયો છે! આપણે એને કંઈ નહિ થવા દઈએ..."

બીજી જ મિનિટે નિમેશની બાઈક પાછળ ભરત બેઠો હતો અને બંને જઈ રહ્યાં હતાં શહેરથી દુર આવેલા રિસોર્ટ પર જ્યાં મન ગયો હતો મોહના સંગ...