લાઇમ લાઇટ
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૩૨
રસીલીના ઘરેથી નીકળ્યા પછી કામિનીએ નક્કી જ રાખ્યું હતું કે પોતાના ઘરે જવાને બદલે ફાઇનાન્સર રાજીવ ગોયલના ઘરે જશે. તેણે પોતાના પહોંચવાની જાણ કરતો મેસેજ અગાઉથી જ રાજીવને કરી દીધો હતો. ઘણા દિવસોથી રાજીવ સાથે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી. કામિની રસીલીના ફ્લેટના વિસ્તારમાં પહેલી વખત આવી હતી. ત્યાંથી રાજીવના ઘરનો રસ્તો તેને ખ્યાલ આવે એવો ન હતો. એટલે કારમાં બેસી રાજીવના ઘરનું લોકેશન મૂકી તેની બિલ્ડિંગ પાસે પહોંચી ગઇ. રાજીવનું રહેવાનું આ સાચું ઘર ન હતું. તેણે રોકાણ માટે લઇ રાખેલો ફ્લેટ હતો. જે ખાલી જ રહેતો હતો. રાજીવે કામિની સાથે મુલાકાત કરવા આ ફ્લેટનો ઉપયોગ શરૂ કર્યો હતો. રાજીવ ગોયલ કામિનીની કાગડોળે રાહ જોઇને જ બેઠો હતો. કામિની જેવી દરવાજે આવી કે એને ઝડપથી અંદર ખેંચીને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને તેના પર ચુંબનવર્ષા કરી દીધી. કામિની રાજીવના અનરાધાર પ્રેમથી ગૂંગળાઇ ગઇ. તેને દૂર કરતાં માંડ માંડ બોલી:"રાજ..રાજ...મને શ્વાસ તો લેવા દે...."
રાજીવે તેને બંધનમુક્ત કરી કહ્યું:"તું તો મારા શ્વાસમાં છે...મારી ધડકનમાં છે...મારી રાની!"
"ચાલ હવે તારી ડાયલોગબાજી ઓછી કર. અને કહે કે કેમ બોલાવી છે?" કામિનીને જવાની ઉતાવળ હતી.
રાજીવ ઘરમાં ગયો અને સોફા પર પોતાની બાજુમાં કામિનીને બેસાડી તેના બંને હાથ પોતાના હાથમાં લઇને કહ્યું:"ડાર્લિંગ, મારા લગ્નનો પ્રસ્તાવ હવે સ્વીકાર કર. તું હવે આઝાદ છે...."
કામિની શરમાઇ ગઇ અને બોલી:"રાજીવ, હું પણ તારી સાથે સહજીવન શરૂ કરવા ઉતાવળી છું. પણ પ્રકાશના મૃત્યુના બે સપ્તાહની અંદર આપણે લગ્ન કરી લઇશું તો કેવું લાગશે? જાતજાતના તર્ક-વિતર્ક થશે. તને તો ખબર છે કે હવે આપણા મિડિયામાં પણ પાપારાઝી વધી ગયા છે. જે સેલીબ્રીટીના ઘર સુધી નહીં બેડરૂમમાં પણ ઘૂસી જાય એવા છે. જાહેરમાં તો આપણું ફરવું બંધ જ કરી દીધું છે....."
"તું એ બધી ચિંતા છોડી દે. મેં બધું આયોજન કરી દીધું છે. જો, કાલે આપણે ખાનગી રીતે એક કોર્ટમાં મેરેજ કરી લઇશું. એ વાતની કોઇને ખબર ના પડે એનું આયોજન કર્યું છે. અને પરમ દિવસે બંને અલગ-અલગ ફ્લાઇટમાં દુબઇ જતા રહીશું. બે-ત્રણ મહિના સુધી ત્યાં જ રહીશું. પછી આવીને જાહેરાત કરીશું. ત્યાં સુધીમાં પ્રકાશચંદ્રના મોતની વાત જૂની થઇ ગઇ હશે. તું હવે ફિલ્મોમાં કામ કરતી નથી એટલે મિડિયાને તારામાં એટલો રસ પડવાનો નથી. પછી આપણું જીવન સામાન્ય રીતે ગોઠવાઇ જશે...." કહી રાજીવ કામિનીની વધુ નજીક સરક્યો.
"અહં....આજે દૂર જ રહેજે...હનીમૂન પહેલાં હવે કંઇ નહીં! આજે તને માત્ર મળવા જ આવી છું. તારું આયોજન સરસ છે. આ બધી ઝંઝટમાંથી હવે હું છૂટી જઇશ. કેટલાં વર્ષથી હું એક અદ્રશ્ય પીડામાં પીસાતી હતી? મેં કલ્પના પણ કરી ન હતી કે રેતાળ વિસ્તારમાં અચાનક હેલી આવે એમ તું મારા જીવનમાં આવીશ અને એને નંદનવન બનાવી દઇશ. જંગલમાં ભટકતી એકલી આત્માની જેમ હું મારું જીવન જીવી રહી હતી...." કામિની ભાવસભર સ્વરે કહી રહી હતી.
"કામિની, તું જ્યારે "લાઇમ લાઇટ" માટે મારી મદદ માગવા આવી ત્યારે ખરેખર મારા મનમાં તારા માટે વાસના નહીં પણ પ્રેમ જ હતો..." રાજીવે તેની આંખમાં આંખ નાખી પ્રેમાળ સ્વરે કહ્યું.
"રાજીવ, મેં ક્યારેય એમ કહ્યું કે તું મને પ્રેમ કરતો નથી? પણ પહેલી વખત તેં જ્યારે "લાઇમ લાઇટ" ને ફાઇનાન્સ પૂરું પાડવા માટે મારી સાથે સોદાબાજી કરી ત્યારે મને એવું જ લાગ્યું હતું કે તું મારી મજબૂરીનો લાભ ઊઠાવી રહ્યો છું. પણ હું પહેલી વખત તને સમર્પિત થવા આવી ત્યારે તારું વર્તન મને નવાઇ પમાડી ગયું હતું. તું મારા પ્રેમમાં હતો એની મને કલ્પના જ ન હતી. તેં સોદાબાજી તો નામ પૂરતી કરી હતી. મારું માત્ર શરીર નહીં મારો પ્રેમ પામવાનો મકસદ હતો. હું પણ દિલ અને શરીરથી પ્રેમની ભૂખી હતી. અને આપણે સાચા પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા હતા....." કામિની રાજીવ સાથેની પહેલી મુલાકાતને યાદ કરતાં બોલી.
"કામિની, હું તારી ફિલ્મો માટે ફાઇનાન્સ કરતો હતો ત્યારથી જ તારા પ્રેમમાં હતો. જો તેં પ્રકાશચંદ્ર સાથે લગ્ન ના કર્યા હોત તો હું જ તારો હાથ પકડવાનો હતો. ખેર, નસીબમાં લખ્યું હોય એ વહેલું કે મોડું આખરે મળે છે. હું તારા સિવાય બીજા કોઇને ચાહી શક્યો નહીં. એટલે બીજા કોઇ સાથે લગ્ન પણ ના કર્યા. હવે થોડા અલગ સંજોગોમાં આપણે નવું જીવન શરૂ કરી રહ્યા છે..." એમ કહી રાજીવે તેને બાથમાં લીધી.
થોડી ક્ષણો બંને એકબીજાને ભેટીને આંખો બંધ કરીને બેસી રહ્યા. અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ કામિની રાજીવથી અળગી થતાં બોલી:"રાજીવ, હું જાઉં, મારે ઘણી તૈયારી કરવાની છે. તારો આટલો મોટો અને ઉતાવળીયો પ્લાન હશે એની મને કલ્પના જ ન હતી. હવે આપણી પાસે અહીં બહુ સમય નથી....પછી દુબઇમાં આનંદ અને પ્રેમ જ છે!"
રાજીવે તેને વધારે રોકી નહીં.
કામિની આમતેમ નજર કરતી લિફ્ટમાં નીચે ઉતરી અને ઝડપથી પોતાની કારમાં બેસી કારને હંકારી મૂકી. ત્યારે પણ દૂર ઊભેલી એક વ્યક્તિની નજર કામિની પર જ હતી એનો કામિનીને અંદેશો પણ ન હતો.
કામિનીએ રસ્તામાં બધા વિચાર કરી રાખ્યા હતા. એ મુજબ ઘરે જઇને પહેલું કામ રસીલીને ફોન કરવાનું કર્યું. રસીલી તેને કોઇ ખાસ વાત કહેવાની હતી. કામિનીને તેની પાસેથી એ વાત જાણવાની ચટપટી લાગી હતી. તેને કાલે જ બોલાવી લેવી પડે એમ હતી. પોતે પરમ દિવસે તો દુબઇ ઊપડી જવાની છે. પછી મહિનાઓ સુધી રૂબરૂ મળી શકાશે નહીં અને વાત થઇ શકશે નહીં.
રસીલીએ ઘણી રીંગ વાગ્યા પછી ફોન ઉપાડી લીધો એટલે કામિની ખુશ થઇ અને બોલી:"રસીલી, તું મને મળવા આવવાની છે ને? તો કાલે આવી જ જજે. હું પછી થોડા દિવસ સામાજિક કામે બહારગામ જવાની છું..."
"બહેન, ચોક્કસ હું કાલે સાંજે આવી જઇશ. સવારે મારે એક ફિલ્મનું ડબિંગ કરવાનું છે. સાંજે વધુ સમય મળશે. હું ફોન કરીને આવીશ...." કહી રસીલીએ ફોન મૂકી દીધો.
રસીલીએ વધુ સમયની વાત કરી એટલે કામિનીને વધારે નવાઇ લાગી. એવી તે કેટલી વાત હશે? અને કોના વિશે વાત કરવાની હશે? કામિનીને થયું કે પોતાના માટે એક આખો દિવસ કાઢવાનું મુશ્કેલ બની જવાનું છે. એક વાર તો એવું થયું કે તે રસીલીને આજે જ બોલાવી લે. કોઇ ડર મનમાં ઘર કરી રહ્યો હોય એમ તેના દિલની ધડકન વારે વારે વધી જતી હતી. પછી તેનું જ મન સમાધાન શોધી કાઢતું હતું કે રસીલી તો તેને હંમેશા મદદરૂપ થઇ છે. એ મારું શું બૂરું કરવાની હતી કે ઇચ્છવાની હતી? રસીલીની મુલાકાતની વાત મનમાંથી ખસેડવા તેણે દુબઇની તૈયારી કરવા માંડી. કેટલીક જરૂરી વસ્તુઓની યાદી બનાવી લીધી. તેમાંની ખરીદી કરવા તેણે અત્યારે જ એક આંટો મારી આવવાનું નક્કી કર્યું. તેની પાસે હવે દિવસો ન હતા. તે પોતાની કાર લઇને બજારમાં નીકળી. અને જલદી કોઇ પોતાને ઓળખે ના એ માટે ઘણી વખત ઓઢણી દાંત નીચે લેતી રહી. તેણે ફટાફટ ખરીદી થાય એટલી કરી લીધી અને ઓનલાઇન જમવાનો ઓર્ડર આપી કારને ઘર તરફ મારી મૂકી.
કામિની ઘરથી નીકળી અને જ્યાં જ્યાં ફરી એ બધી જ જગ્યાએ એક વ્યક્તિ તેનો પડછાયાની જેમ પીછો કરી રહી હતી એ વાતનો કામિનીને અંદાજ ન હતો.
કામિની ઘરે પહોંચી એ પછી તરત જ તેનું જમવાનું આવી ગયું. જમીને તરત તેણે રાજીવને ફોન કર્યો.
તેનો નંબર જોઇ રાજીવે તરત જ ફોન ઊપાડી કહ્યું:"લાગે છે કે આજની રાત અમારા રાણીને ઊંઘ નહીં આવે!"
"ઓહો! તમારા રાણીની બહુ ચિંતા છે ને?" કહી કામિની હસી પડી પછી ગંભીર થઇ બોલી:"રાજીવ, અમુક ખરીદી કરી લીધી છે. આપણી ફ્લાઇટ બુક થઇ ગઇ ને?"
"તું ખરીદી શું કામ કરે છે. ત્યાં બધું જ મળી રહેશે. હવે તું મારી છે. તારે કોઇ ખર્ચ કરવાની જરૂર નથી. કાલથી તું મારી પત્ની બની જઇશ. હવે બધી ચિંતા મારા પર છોડી દે. તું આરામથી સૂઇ જા અને મારા સપનાં જો!" કહી રાજીવ હસી પડ્યો. અને "ગુડ નાઇટ" કહી ફોન મૂકી દીધો.
રાજીવ સાથે વાત કરીને કામિનીના મનમાં જાગેલી એક શંકા ઉગતા પહેલાં જ દબાઇ ગઇ. તેને એક વખત એવો ડર લાગ્યો કે રાજીવ પોતાની સાથે દગો તો નહીં કરે ને? પોતાને સપનાં બતાવી દુબઇમાં એશ કરી છોડી તો નહીં દેને? પણ પછી લાંબો વિચાર કરતાં એ તર્ક પાયા વગરના લાગ્યા. એવું જ હોત તો દુબઇ જતાં પહેલાં લગ્ન કરી લેવાનું નક્કી ના કર્યું હોત. તે જાતજાતના વિચારો કરતી આખરે ઊંઘી ગઇ.
*
પોતાના ઘરેથી ગયા પછી થોડા જ સમયમાં ફોન કરીને આવતીકાલે મળવાની વાત કરી એ પરથી રસીલી સમજી ગઇ હતી કે કામિનીને પોતાની વાત જાણવાની ઉત્સુક્તા વધી ગઇ છે. રસીલીને થયું કે પોતે જે વાત કરવા માગે છે તે અહીં કરી શકી હોત. પણ પ્રકાશચંદ્રના ઘરમાં જ કામિની સાથે વાત કરવાનું વધારે ઔચિત્ય હતું.
બીજા દિવસનો સમય ફિલ્મના ડબિંગમાં અને એક ફિલ્મની વાર્તા સાંભળવામાં વીતી ગયો. સાંજ ક્યારે પડી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો. રસીલીનો આજે પ્રકાશચંદ્રના ફ્લેટમાં છેલ્લો દિવસ હતો. તે હવે સાકીર ખાને લઇ આપેલા ફ્લેટમાં રહેવા જવાની હતી. રસીલીએ આજે કામિની સાથે ઘણી બધી વાતો કરવાની હતી. તેણે કામિનીને મેસેજ કરીને કહી દીધું કે તે નીકળી રહી છે.
રસીલી જ્યારે કામિનીના ઘરે પહોંચી ત્યારે તે તેની રાહ જોતી હોય એમ ડોરબેલ વાગતાની સાથે જ દરવાજા પર પહોંચી ગઇ. કામિનીએ કામવાળીને એક અઠવાડિયા પહેલાં જ રજા આપી દીધી હતી. તે નહોતી ઇચ્છતી કે તેની કોઇપણ હલચલની ખબર કોઇને થાય. કામિનીએ રસીલીને આવકાર આપ્યો. અને હોલમાં સોફા પર બેસવા ઇશારો કર્યો.
પણ રસીલી બોલી:"બેન, આપણે પ્રકાશચંદ્રના રૂમમાં બેસીએ તો કેવું? મેં તો ક્યારેય તમારા ઘરમાં પગ મૂક્યો નથી. એમના રૂમમાં ફોટો તો હશે ને? છેલ્લા દર્શન કરી લઉં?"
રસીલીની વાત અને વર્તનથી કામિની નવાઇ પામવા સાથે નર્વસ થઇ રહી હતી. તેને રસીલીની લાગણી જોતાં ના પાડવાનું યોગ્ય ના લાગ્યું. તે રસીલીને પ્રકાશચંદ્રના રૂમમાં દોરી ગઇ. પ્રકાશચંદ્રએ જે રૂમમાં આત્મહત્યા કરી હતી એ રૂમમાં રસીલીએ ચારે તરફ નજર નાખી. દિવાલ પર સુખડનો હાર પહેરાવેલી પ્રકાશચંદ્રની હસતી તસવીર હમણાં બોલી ઉઠશે એવું લાગતું હતું. રસીલી થોડી ક્ષણો પ્રકાશચંદ્રની તસવીર સામે જ જોઇ રહી. કામિનીને રસીલીનું વર્તન ભેદી લાગી રહ્યું હતું. શું બોલવું એ જ સમજાતું ન હતું. તેણે પોતાની ઉત્સુક્તા પર કાબૂ રાખ્યો. તે રસીલી તરફ વિચિત્ર ભાવથી જોઇ રહી હતી.
રસીલીએ પ્રકાશચંદ્રની તસવીર તરફ જોતાં જ કહ્યું:"બહેન, પ્રકાશચંદ્રનો આ ચહેરો હસતો દેખાય છે, પણ જો આ તસવીર જીવંત થઇ જાય તો એ બોલી ઊઠે કે મારી હત્યા કેમ કરવામાં આવી.....?"
રસીલીના શબ્દોથી જાણે એટમબોમ્બ ફૂટ્યો હોય એમ કામિની નખશીખ ધ્રૂજી ઊઠી. રસીલીના શબ્દો પર જાણે વિશ્વાસ ના બેસતો હોય એમ મહાપ્રયત્ને બોલી:"હત્યા.....?" પછી તેના સૂકા ગળામાંથી બંદૂકમાંથી છૂટતી ગોળીઓની જેમ પ્રશ્નો નીકળ્યા: કોણે કરી હત્યા? ક્યારે કરી? કેવી રીતે કરી?"
વધુ આવતા સપ્તાહે...
*
મિત્રો, ૫૩૦૦૦ થી વધુ વ્યુઝ ધરાવતી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં રસીલીએ પ્રકાશચંદ્રની હત્યાની વાત કરી એ ખરેખર સાચી હશે? કે પછી રસીલીની કોઇ યોજના હતી? કામિનીનો સતત પીછો કરતી વ્યક્તિ કોણ હતી? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!
*
મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તેના ૩ લાખથી વધુ વ્યુઝ તથા ૧૩૨૦૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૯૦૦ રેટીંગ્સ લોકપ્રિયતાના પુરાવા છે. એક અતિ સ્વરૂપવાન અને માદક યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તાનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણી "આંધળો પ્રેમ" પણ આપને વાંચવી ગમશે.
***