પ્રેમ કે પ્રતિશોધ-24
(આગળના ભાગોમાં જોયું કે અજયની પણ શિવાનીની જેમ હત્યા કરવામાં આવી હતી. તેને પણ મારી અને આત્મહત્યા કરી હોય તેવો સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી હતી. અને અર્જુનને વિનય અને રાધી દ્વારા પ્રેમ વિશે જાણવાં મળે છે.)
હવે આગળ.......
અર્જુન સામે અત્યારે ઘણા બધા પ્રશ્નો હતા. શિવાની અને અજયની હત્યામાં કદાચ પ્રેમ સામેલ હોઈ શકે એમ વિચારી અર્જુને તપાસ આગળ વધારવાનું વિચાર્યું.
પોલીસ સ્ટેશને પહોંચી તેણે રમેશને કેબિનમાં બોલાવીને વિનય સાથે થયેલ વાતચીત વિગતે જણાવી.
“પણ સર, આ ખાલી રાધીનો વહેમ પણ હોઈ શકે ને?"રમેશે કહ્યું.
અર્જુને કહ્યું,“હા પણ આપણે એક વખત ચકાસવું પડશે. આ પ્રેમ અત્યારે ક્યાં છે? શું કરે છે? વગેરે"
“ok, સર."
“સૌથી પહેલા તો છેક શિવાનીના મર્ડરથી અત્યાર સુધી આપણી તપાસ ક્યાં પહોંચી તેની રિપોર્ટ બતાવ અને અજયની પી.એમ.રિપોર્ટ અને શિવાનીની પી.એમ. રિપોર્ટ લઈ આવ"
“યસ, સર"રમેશ આટલું કહી એક ફાઈલ લઈને અર્જુનના ટેબલ પર મૂકે છે.
“શિવાની અને અજય બંનેના મર્ડરમાં ઘણી બધી સમાનતાઓ છે. જેમ કે એક જ પ્રકારનું પોઇઝન પોટેશિયમ સાઈનાઈડ, બંને મર્ડર નહીં પણ આત્મહત્યા હોઈ તે દર્શાવવાનો પ્રયાસ, ટાઈપ કરેલ મેસેજ, અને બધાથી ઈમ્પોર્ટન્ટ બંને એક જ કોલેજમાં એક જ ગ્રુપના સ્ટુડન્ટસ તેમજ બંને મર્ડરમાં અજ્ઞાત બુર્ખાધારી મહિલા....."અર્જુને બધી ફાઈલો ખોલી ટેબલ પર મૂકી નિરીક્ષણ કરતાં કહ્યું.
“હા, સર પણ આપણે ફરી ફરી ને પેલી બુર્ખાધારી મહિલા પાસે આવીને અટકી જઈએ છીએ...."રમેશે નિરાશાજનક સ્વરે કહ્યું.
“હમ્મ"અર્જુન કઈક ગહન મનોમંથન કરી રહ્યો હતો.
“તો સર, હવે આગળ શું કરવાનું છે?"રમેશે પુછ્યું
અર્જુને જવાબ આપતાં કહ્યુ,“આ પોઇઝન વિશે તપાસ કરો ક્યાં ક્યાં મળે છે? અજયના કોલ અને વોટ્સએપ રેકોર્ડસ ચેક કરો? અને બાકીના પર નજર રાખો અને હા તેમને ખબર ના પડે એ રીતે..... મારે આ પ્રેમ વિશે પૂરતી જાણકારી મેળવવી પડશે એટલે હું કોલેજેથી એનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લઈ અને એનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરુ છું."
“ok, સર"રમેશ આટલું કહી અર્જુનની પરવાનગી લઈ કેબીન બહાર ચાલ્યો ગયો.
થોડીવારમાં અર્જુન પણ કેબીન બહાર આવ્યો તેણે રમેશને કોલેજે આગળ તપાસ કરવા જાય છે એમ કહી અને કોલેજ તરફ જીપ દોડાવી....
અર્જુન કોલેજે પહોંચીને સીધો પ્રાધ્યાપકની ઓફીસમાં પ્રવેશ્યો. અર્જુનને આવતો જોઈ પ્રાધ્યાપકના ચહેરાના ભાવ પલટાયા તેઓ જાણતાં હતા કે અર્જુન કોઈ કારણ વગર અચાનક આવે નહીં કમને પોતાની ખુરશી પરથી બેઠા થઈને અર્જુનનું અભિવાદન કરતાં કહ્યું,“આવો ઓફિસર, કેમ અચાનક કોલેજે..."
અર્જુને પ્રત્યુત્તર આપતાં કહ્યું,“શિવાની અને અજયનો કાતિલ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી તો આપને થોડી તકલીફ આપીશ........ આઈ હોપ તમે પણ પૂરતો સહકાર આપશો....."
“જી બિલકુલ, અમે પણ એમ જ મનોકામના કરીયે કે તમે એ હત્યારાને પકડીને એને યોગ્ય સજા અપાવો. તેમાં તમને અમારા તરફથી પૂરતો સહકાર મળશે."
“આભાર આપનો, હવે મુદ્દાની વાત પર આવું તો.... વિનયના ગ્રુપમાં એક છોકરો હતો. પ્રેમ... તમને તો યાદ જ હશે"
અર્જુન પ્રેમ વિશે આમ અચાનક પ્રશ્ન કરશે તેવી અપેક્ષા ન હોવાથી એકાદ મિનિટ માટે તો પ્રાધ્યાપક મેડમ અવાચક રહી ગયા. અનાયાસે જ તેમનાથી કહેવાયું,“પ્રેમ.....?"
“હા પ્રેમ, કેમ પ્રેમનું નામ સાંભળીને આમ વિચારમાં પડી ગયા....?"
“અરે ના ના ઓફિસર, હું તો બસ એ પૂછવા માંગુ છું કે શુ પ્રેમનો આ કેસ સાથે કોઈ સંબંધ છે?"
“એ જ જાણવા માટે તો હું અહી આવ્યો છું. હવે આપ જણાવશો કે પ્રેમ શા માટે અચાનક કોલેજ છોડી ને જતો રહ્યો?"
“હાં, કેમ કે એના કોઈ પારિવારિક કારણોસર એણે કોલેજ છોડી દીધી..."
“તમે તેને કોલેજ છોડવાનું કારણ પૂછ્યું તો હશે જ?"
“હા, એટલા માટે તો તમને જણાવું છું. કારણ કે મને યાદ છે જ્યારે તેણે મારી પાસે ઓફિસમાં આવીને કહ્યું કે મારે કોલેજ છોડવી છે એટલે સ્વાભાવિક રીતે એ અમારો સ્ટુડન્ટ હોવાથી મેં પૂરતાં પ્રયાસો પણ કર્યા કે એ કોલેજ છોડીને ન જાય. મેં તેને પૂછ્યું હતું કે શા માટે તારે કોલેજ છોડવી છે. તો ત્યારે એણે કહ્યું કે મેડમ મારે પારિવારિક કારણોસર કોલેજ છોડવી પડે તેમ છે. અને મારા પર મારા આખા પરિવારની જવાબદારી પણ છે"
“તો તમે એને પરવાનગી આપી દીધી?"
“ઓફિસર, હું કોઈને પરાણે તો કોલેજ માં ન રાખી શકું મેં એની પાસેથી કારણ જાણવાના ઘણા પ્રયાસો કર્યા પણ એ એની વાત પર અડગ રહ્યો કે પારિવારિક કારણોસર જ કોલેજ છોડે છે. અને હું એને એનો સ્વતંત્ર નિર્ણય લેવા માટે કઈ રીતે રોકી શકું.... "
“બરાબર.... તો એ કોલેજ છોડી ને ગયો એના એક-બે દિવસ પહેલા પ્રેમ અને એના મિત્રો વચ્ચે જે થયું તે તો તમે જાણતાં જ હશો....."
અર્જુનની વાત સાંભળીને પ્રાધ્યાપકના ચહેરાના ભાવ પલટાયા. કેમકે તેઓ જાણતાં હતા કે જે થયું તેમાં ક્યાંક કોલેજ પ્રશાસન પણ જવાબદાર હતું.
“ઓફિસર એતો....બસ કોલેજમાં...."
તેમને વચ્ચે અટકાવતાં અર્જુને કહ્યું,“જે થયું તે મેડમ, પણ તમે આ કોલેજના પ્રાધ્યાપક હોવાથી તમારી ફરજ બને છે કે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે પણ પ્રોબ્લેમ્સ થાય તો............. ખેર હવે તો એ બધું ક્યારેક બીજી વખત ડિસ્કસ કરશું પણ મને અત્યારે પ્રેમની બધી જાણકારી આપો, જેમકે એડ્રેસ અને ફોન નંબર એનો ફોટો જે હોઈ તે......."
“બસ 5 મિનિટ ઓફિસર, આપને તેની બધી ડિટેઇલ મળી જશે"આટલું કહી પ્રાધ્યાપક મેડમે કોમ્પ્યુટરમાં સ્ટુડન્ટસની ડિટેઇલનું એક ફોલ્ડર ઓપન કરી તેમાંથી પ્રેમની ફોટો સહિતની બધી ડિટેઇલ અર્જુનને બતાવી..
અર્જુને એક પેજમાં બધું નોટ કરી રહ્યો હતો ત્યાં તેને અટકાવતાં મેડમે કહ્યું,“એક મિનિટ, લખવાની જરૂર નથી....."
તેમણે ફોટો સહિતના પેજની પ્રિન્ટ કાઢી અર્જુનને આપી...
“આભાર, હવે આગળ કઈ જરૂર પડશે તો આપને ફરી તકલીફ આપવા આવીશ"
“અરે ના ના ઓફિસર, એમાં તકલીફ શેની, તમારી મદદ કરીને હું પણ મારી ફરજ જ બજાવી રહી છું."
અર્જુન કોલેજેથી પ્રેમની માહિતી લઈને પોલીસ સ્ટેશન પરત ફર્યો...
રમેશ અને દીનેશને પોતાની કેબિનમાં બોલાવી અર્જુને કહ્યું,“આ પ્રેમની બધી ડિટેઇલ છે. દિનેશ તું આજે અહીં બધું સાંભળજે અને રમેશ તારે મારી સાથે આ એડ્રેસ પર જવાનું છે."
“ok સર,"આટલું કહી દીનેશ અન્ય કામમાં વ્યસ્ત થયો જ્યારે અર્જુન અને રમેશ પ્રેમના એડ્રેસ તરફ પ્રયાણ કર્યું....
વધુ આવતાં અંકે......
અર્જુનને પ્રેમ પાસેથી કઈ જાણવાં મળશે કે કેમ?
શું પ્રેમે જ અજય અને શિવાનીની હત્યા કરી છે?
અને કેવી રીતે શરૂ થઈ વિનય-રાધીની લવસ્ટોરી?
જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર...
*****
તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.
તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.
આભાર.
વિજય શિહોરા-6353553470