chandryaan-2 in Gujarati Magazine by Bakul Dekate books and stories PDF | ચંદ્રયાન-2

Featured Books
Categories
Share

ચંદ્રયાન-2

ઇ.સ. ૨૦૦૮ માં ISRO દ્વારા નિર્મિત અને પ્રક્ષેપિત ચંદ્રયાન-1 ની કાર્યઅવધિ આમ તો બે વર્ષ સુધીની અંદાજવામાં આવી હતી. છતાં ઇસરોના નિષ્ણાતોના આશ્ચર્ય અને નિરાશા વચ્ચે ચંદ્રયાને કોઈ અકળ કારણોસર ૧૦ મહિનામાં જ નિર્ધારિત કાર્યવાહી આટોપી લીધી અને અંતિમ શ્વાસ સાથે સુનકાર અંધકારમાં સ્પેસસમાધિ લીધી. જોકે આ ૧૦ મહિનામાં ચંદ્રયાન-1 એ ચંદ્રનું પરિભ્રમણ કર્યું. ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કર્યું અને ચંદ્રની ધરતીની અંદર પાણીની તથા મેગ્નેશિયમ અને કેલ્શિયમની હાજરી છે એવું પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને ચીંધી બતાવ્યું. વધુમાં ચંદ્રયાન-1 ની મદદથી જ જાણી શકાયું કે ચંદ્રની ખડકાળ જમીન પીગળેલા મેગ્માથી ઢંકાયેલી છે.

આદર્શ રીતે કામ કરી રહેલ યાન લગભગ ૧૦ મહિના બાદ અચાનક તેના સિગ્નલ પ્રસારિત થવાના બંધ થયા ત્યારે મૃત જાહેર કરવામાં આવ્યું. જોકે તે સમયના ઇસરોના ચેરમેન જી. માધવન નાયરે મીડિયાને જણાવ્યું હતું કે મિશન ૯૫% સફળ રહ્યું છે. મતલબ કે ચંદ્રયાન-1 એ તેની ટૂંકી આવરદામાં ઘણું મોટું કાર્ય કરી બતાવ્યું હતું. છતાં ચંદ્રયાન 1 ના બાળમરણ બાદ સ્પેસ ક્રાંતિ કરી રહેલા વિશ્વમાં ટકી રહેવા માટે ભારતને એક ફોલો ઓન મિશનની ગરજ પડી. આથી ઈસરોએ પુનઃ ભગીરથ પ્રયાસો આદર્યા. જેનું પરિણામ આમજનતા સમક્ષ ૧૫મી જુલાઈ, ૨૦૧૯ ના રોજ આવ્યું, મીડિયાના માધ્યમથી જ સ્તો વળી. આ ઐતિહાસિક દિવસે ચંદ્રયાન-2 ના લોન્ચની યોજના હતી.

વિદેશથી ખરીદેલા ડી.સી. કન્વર્ટર્સ ની ખામીને કારણે ચંદ્રયાન-1 ના સિગ્નલો પ્રસારિત થતા બંધ થયા હતા. આવા બીજા અનેક ટેક્નિકલ કારણો તેની આંશિક નિષ્ફળતા માટે કારભૂત હતા. ચંદ્રયાન-1 ના આવા બધા જ સારાનરસા પાસાંઓનો અભ્યાસ કરી તેની સુધારેલી આવૃત્તિ એટલે કે ચંદ્રયાન-2 બનાવતા ઇસરોને ૧૧ વર્ષ લાગી ગયા. દૂધથી દાઝેલા ઈસરોના આગેવાનો હવે છાશ પણ ફૂંકીને પી રહ્યા હતા. આથી જ ૩,૮૫૦ કિલોગ્રામ વજનના ચંદ્રયાન-2 સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યું. સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી, યુ નો.

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા શ્રીહરિકોટાસ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી ૧૫ જુલાઈ, સોમવારે વહેલી સવારે ૨.૫૧ વાગ્યે GSLV MK 3 રોકેટ દ્વારા ‘ચંદ્રયાન-2’ને અવકાશમાં મોકલવામાં આવનાર હતું. GSLV ના ટૂંકાક્ષરી નામે ઓળખાતા રોકેટનું પૂર્ણ નામ છે જિઓસિન્ક્રોન્સ સેટેલાઇટ લોન્ચ વેહિકલ. ૨.૫૧ વાગ્યે લોન્ચ સુનિશ્ચિત હતું. પરંતુ અણીના સમયે કરવામાં આવેલા ઇન્સ્પેકશનથી જાણી શકાયું કે GSLV MK 3 માં કોઈ ટેક્નિકલ ક્ષતિ ઉભી થઇ છે. આથી ૧૫ જુલાઈએ શિડ્યુલડ લોન્ચ ૨૨ જુલાઈ સુધી પાછું ઠેલાયું.
ઇસરોની ગણતરી પ્રમાણે સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ૨૨મી જુલાઈએ પ્રક્ષેપિત કરાયેલું ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટ ૭મી સપ્ટેમ્બરે એટલે કે ૪૮ દિવસ બાદ ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. ચંદ્રયાન-2 માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનનાર GSLV MK 3 ને તેના વિરાટ કદને કારણે વૈજ્ઞાનિકોએ બાહુબલી જેવું હુલામણું નામ આપ્યું છે. ૧૫ માળની ઊંચાઈ ધરાવતો ૬૪૦ ટનનો બાહુબલી પોતાની અંદર ૩.૮ ટન વજનના સેટેલાઇટ ઉપરાંત ઓર્બીટર, લેન્ડર અને રોવર લઈ ગયો છે.

ઓર્બીટર એટલે એવું યાન કે જે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રની ઇર્દગીર્દ પરિભ્રમણ કરશે. ઓર્બીટર લુનાર ઓર્બીટમાં ગોઠવાયા બાદ પોતાનામાંથી લેન્ડર ને મુક્ત કરશે. લેન્ડર એટલે એવું યાન જે ગુરુત્વાકર્ષણના બળથી આકર્ષણ પામી ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે. આ લેન્ડરની અંદર રોવર રહેલું હોય છે. જે લેન્ડિંગ બાદ લેન્ડરમાંથી બહાર નીકળશે. રોવર એક પ્રકારનું રોબોટિક વાહન છે. જેને ચંદ્ર જેવા ખડકાળ ગ્રહ પર સંશોધન કરવા માટે બનાવવામાં આવ્યો છે. રોવર ચંદ્રની અણદીઠ અને વણખેડાયેલી ધરા પર યાંત્રિક પગ માંડી વૈજ્ઞાનિક શોધખોળ કરશે.

ચંદ્રયાન-2 ના લૉન્ચર GSLV MK 3માં સૌથી શક્તિશાળી ક્રાયોજેનિક એંજિન C25 લગાવ્યું છે. પરંતુ તેની પ્રોપલઝન સિસ્ટમ પ્રમાણમાં શક્તિશાળી નથી. વધુમાં મેઈન રોકેટની સાથે S200 બૂસ્ટર રોકેટ લગાડવામાં આવ્યા છે. જે સંપૂર્ણ યાનને પૃથ્વીના વાતાવરણની બહાર લઈ જાય છે અને અવકાશમાં પહોંચ્યા બાદ ખરી પડશે. પ્રક્ષેપણ થયાની ૧૬મી મિનિટે ચંદ્રયાન-2 પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોઠવાઈ ગયું હતું. પૃથ્વીની બહારની ભ્રમણકક્ષામાં એટલે કે ૧૭૦×૪૫૪૭૫ કિમિ ના વિશાળ વિસ્તારમાં ચકરાવો મારતા યાનને પૃથ્વીથી દૂર લઇ જવા માટે ઓર્બીટ રાઇઝિંગ મેનુવર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓર્બીટ રાઇઝિંગ મેનુવર એટલે યાન જે કક્ષામાં હોય તેનાથી દુરની ભ્રમણકક્ષામાં તેને લઇ જવું. શક્તિશાળી પ્રોપલઝન સિસ્ટમના અભાવને કારણે અપનાવેલ આ મેનુવરના ઉપયોગને કારણે વિશ્વની અન્ય તમામ સ્પેસ એજન્સી કરતા ઇસરોના મુન મિશનને વધારે સમય લાગવાનો છે.

લગભગ ૬ ઓગસ્ટ સુધી અર્થ બાઉન્ડ ઓર્બીટીંગ(૧૭૦×૪૫૪૭૫ કિમિ)ની સીમામર્યાદામાં રહ્યા બાદ ચંદ્રયાન-2 લ્યુનાર ટ્રાન્સફર ટ્રેજેક્ટરીમાં દાખલ થશે. આના માટેનો અંદાજિત સમયગાળો ૨૦ ઓગસ્ટનો આંકવામાં આવ્યો છે. ૨૦ ઓગસ્ટ સુધીમાં યાન ચંદ્રની ઓર્બીટમાં પ્રવેશી જશે. એટલે કે પૃથ્વીની ભ્રમણકક્ષા ત્યાજીને યાન ૨૦મી ની આસપાસમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પગલાં માંડશે. યાને કે વર્તમાન સમયમાં યાન ચંદ્રની પ્રદક્ષિણા કરતું હશે. ત્યારબાદ જે રીતે યાન પૃથ્વીના ચક્કર કાપતું હતું તે જ રીતે ચંદ્રના ચક્કર કાપશે. દરેક પ્રદક્ષિણા વખતે યાન ચંદ્રની વધુ નજીક પહોંચશે. આ તમામ પ્રક્રિયાનું ઓપરેટિંગ પૃથ્વી પરથી ઇસરોના વૈજ્ઞાનિકો કરશે.

યાન જ્યારે ચંદ્રથી ૧૦૦×૧૦૦ કિમિ દુરની નક્કી કરેલી ભ્રમણકક્ષામાં પહોંચશે ત્યારે ૨.૫ મીટર લાબું અને ૩૫૦૦ કિલો વજનનું ઓર્બીટર અલગ પડી જશે અને ચાંદામામા ની ફરતે ચક્કર કાપતું રહેશે. પછીના તબક્કામાં રોવર સહિતનું લેન્ડર ચંદ્રની ધરતી તરફ પતન પામશે. વિક્રમ નામનું લેન્ડર ૩.૫ મીટર લાબું છે અને ૧૪૦૦ કિલો વજન ધરાવે છે. વિક્રમની લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરવાની ઇસરોની ગણતરી છે. જો બધું સફળતાપૂર્વક પાર પડ્યું તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન લેન્ડ કરાવનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ હશે. હજી સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી દુનિયાનો એક પણ દેશ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શક્યો નથી.

૭ સપ્ટેમ્બરે જ્યારે વિક્રમ દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે ત્યારે તેમાંથી ૬ પૈડાવાળો રોબોટિક વાહન રોવર બહાર આવશે. આ રોવરને વૈજ્ઞાનિકોએ પ્રજ્ઞાન નામ આપ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્ય પ્રકાશ નહિવત હોવાથી તાપમાન ૧૩૦℃ થી નીચું જતું રહે છે. આવી કાતિલ ઠંડીમાં પ્રજ્ઞાન રોવર એક સેન્ટિમીટર પ્રતિ સેકન્ડે ગતિ કરી ચંદ્રના પથ્થરોમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન સહિત અન્ય ખનિજોની શોધ કરશે. આ શોધખોળ ૧ લ્યુનાર દિવસ એટલે કે પૃથ્વીના ૧૫ દિવસ સુધી ચાલશે. શોધખોળને અંતે જમા થયેલો ડેટા તે ઓર્બીટરને મોકલશે અને ઓર્બીટર એ ડેટા ઈસરો સુધી પહોંચાડશે.

રોવરનું મુખ્ય કાર્ય ખનીજોની શોધ ઉપરાંત ચંદ્રના વાતાવરણ અને ભૂગોળની માહિતી એકઠી કરવાનો છે. જોકે તેનો મુખ્ય લક્ષ્ય તો ચંદ્રની ખડકાળ જમીન નીચેથી પાણી શોધવાનું છે. દક્ષિણ ધ્રુવ સુધી સૂર્યના કિરણો નહિવત પહોંચતા હોવાથી ત્યાં ઠંડા પવનો અડિંગો જમાવીને બેઠા છે. આથી અંધારિયા દક્ષિણ ધ્રુવમાં બરફ હોવાની શક્યતા વૈજ્ઞાનિકોને જણાઈ છે. આ શક્યતાની ખરાઈ ચકાસવા જ ઇસરો ચંદ્રયાન-2 ને દક્ષિણ ધ્રુવના મુશ્કેલ વિસ્તારમાં ઉતરાણ કરાવવા માંગે છે.

ઇસરોના વર્તમાન ચેરમેન કે. સિવન મિશનની સફળતા માટે સંપૂર્ણપણે આશાવાદી અભિગમને વરેલા છે. તેમણે જણાવ્યું છે કે જો લેન્ડર સરળતાથી લેન્ડિંગ કરી લેશે તો રશિયા, ચીન અને અમેરિકા બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બનશે. વર્તમાનમાં જ્યારે ૯૭૮ કરોડના ખર્ચે બનેલા ચંદ્રયાન-2 દ્વારા પૃથ્વી અને ચંદ્રના ફોટોઝ ઇસરોને મળી રહ્યા છે ત્યારે ઇસરોના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની સાથે ભારતના કરોડો લોકોની મીટ તેની સફળતા તરફ મંડાયેલી છે.