Adhuro vaydo in Gujarati Moral Stories by Parmar Bhavesh books and stories PDF | અધુરો વાયદો

Featured Books
Categories
Share

અધુરો વાયદો

એક નાનકડું ગામડું..!
ચોક વચ્ચે થી એક ટોળું જઈ રહ્યું છે..!
એક યુવક ચાલ્યો જાય છે જેની બંને બાજુ સિપાહીઓ જેવા દેખાતો બે ત્રણ જણા ચાલ્યા જાય છે, ગામલોકો કુતૂહલ વશ જોઈ રહ્યા છે..!

"હાલ ભાઇ હાલ રાજાએ તને બોલાયવો સે, દરબારમાં હાઝર થવાનું સે હમણાંને હમણાં." કહેતાં સિપાહીઓ તેનો હાથ પકડી ને લઇ ચાલ્યા, ગામ વચ્ચેથી પસાર થતાં તેને બધા જોઈ રહ્યા..!
વેજી ડોશીનો એ જુવાન જોધ છોકરો, બાપ તો નાનો હતો ત્યારેજ મરી ગયેલો, બે વરસ પહેલાં ડોશી પણ સ્વધામ સિધાવી ગયેલી.
તેની સવાર પડે ખેતરે અને દી' પણ ખેતરે જ આથમે, કોઈ તહેવાર કે પ્રસંગ સિવાય કોઈના જોવામાં ન આવે, છ સાડા છ ફૂટની ઉંચાઈ, ભેંસનું ચોખ્ખું ઘી ખાઈ અને ખેતીકામ કરીને મજબૂત થઈ ગયેલો બાંધો, બે ત્રણ ને બાથમાં લઈ દબાવી મારે એવી તાકાત.
પણ આજે ખબર નહીં શું ગુનો કર્યો હશે રાજાનો કે ભરબજારે તેને સૈનિકોની સાથે જવું પડે છે..!

બહુ મોટું તો નહીં પણ આજુબાજુમાં નામ પડે એવું રજવાડું હતું, પણ રાજદરબારનો મોભો જોયા જેવો હતો, બંન્ને બાજુ કલરેકલરની પાઘડીઓ પહેરેલા બધા દરબારીઓ ની હરોળ અને દરવાજામાં જતાં જ સામે હાથએક ઊંચા ઓટલા પર રાજાનું સિંહાસન છે,
બરાબર વચ્ચે તેને ઉભો રાખ્યો, એક દરબારી ઉભો થયો અને રાજા પાસે જઈ તેના કાનમાં કશું કહ્યું અને ફરી પોતાના સ્થાને બેસી ગયો.

"હા ભાઈ, તો તારા ઉપર આરોપ એવો છે કે તે તારું અનાજ બાજુના રાજ્ય માં વેંચ્યું!! શું આ વાત સાચી છે??" રાજા એ રોફભર્યા સ્વરે કહ્યું, પોતાના પર લાગેલો આરોપ સાંભળી તેના મોતિયા મરી ગયા કેમકે એ સમયે નિયમ એવો હતો કે એક રાજ્ય માં ઉતપન્ન થયેલો માલ બીજે ન વેંચી શકાય પણ પોતે જાણતો હતો કે પોતે કોઈ પાપ નથી કર્યું, પણ રાજ્ય ની નજરમાં તો રાજનો ગુન્હો એટલે કે રાજદ્રોહ કર્યો હતો

"હા હુકુમ, મેં વેંચ્યું, ત્યાં મને મણે એક રૂપિયો વધુ મળતો હતો અને આવતા મયને મારા વિવા છે તો મારે વધુ પૈસાની ખપ હતી એટલે એવું કયરું." તે નિર્દોષભાવે બોલ્યો.

રાજા સામે તેને એ રીતે નીડરતાથી બોલતો જોઈ એક મંત્રી ઉભો થઇ તેના પર ગુસ્સે થવા લાગ્યો, "પણ તને ખબર નોતી કે એમ કરવું અપરાધ છે, રાજદોહ છે?" તે રાજા તરફ ફરતાં બોલ્યો, મહારાજ આ માણસને તેની ઉદ્દન્ડતા માટે માફ નો કરી હકાય, જો એમ કરશું તો બધાય ખેડુ આવું જ કરવા માંડશે.''
"હાહા સાચી વાત છે, સાચી વાત છે, આને દંડ આપવોજ પડે" બધા દરબારીઓ એકી સાથે બોલી ઉઠ્યા.
યુવાન નું તો કાળજું કંપવા લાગ્યું.

"ઠીક છે તો આને બે વરસ ના કારાવાસ ની સજા કરો.રોજ એક જ વખત ખાવાનું આપવું એવું મારુ ફરમાન છે." રાજાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો,
સૈનિકો એ યુવાન ને લઈ જતા રહ્યા, બધાએ મહારાજ નો જય બોલાવ્યો અને સભા વિખેરાઈ ગઈ.

કુસ્તીમાં પારંગત બનેલા મલ્લના બાંવડા જેવા લોખંડના સળિયાઓમાંથી બનાવેલ દરવાજા પર બહારથી લગાવેલું મણએક નું અલીગઢી તાળું, ચૈત્રના ખરા બપોરે પણ સૂર્યના કિરણો અંદર આવવા મથે તો તેને પણ પરસેવો છૂટી જાય એવી પથ્થરો ની પાકી અભેદ્ય દીવાલો વાળાં એ કેદખાનામાં એક ખૂણામાં તે ટૂંટિયું વાળી બેઠો છે, એક ખૂણે પાણીનું માટલું પડ્યું હતું, જેનાપર કશું ઢાંકયું નહોતું તેની બાજુમાં કટાઈ ગયેલો ગ્લાસ જે જોઈને જ તરસ મરી જાય, તેની સામેના ખૂણે એક ખાટલો હતો જેના સડી ગયેલા સિંધરા લટકતાં હતાં જાણે તેની તરફ જોઈ હસી રહ્યાં હોય..! અને કહેતાં હોઈ, "તારી હાલત પણ અમારા જેવી જ થશે, અહીંજ સડી મરીશ..!" એક ખૂણો ખાલી હતો જ્યાં એક ઉંદરડી અને તેનાં ચારપાંચ બચ્ચાંઓ કૂદાકૂદ કરી રહ્યા હતાં.
પણ આ બધું જોવા તે યુવાન અસમર્થ હતો..!

એતો કોઈ બીજા જ વિચારોમાં ડૂબેલો હતો..!
ગોકુળઆઠમના દિવસે ગામની પાસે આવેલાં શિવમંદિર ની બાજુમાં મેળો લાગ્યો હતો, આખાં ગામના માણસો આજે ખેતી અને બીજાં કામ ને રામરામ કરી મેડે ઉમટ્યા હતા, કોઈ ફુગ્ગા વાળો રાડો પાડી છોકરાંઓ ને આકર્ષી રહ્યો હતો તો ક્યાંક પીપુડી વગાડી લોકોનું ધ્યાન ખેંચતા રેકડીવાળા નજરે પડી રહ્યા છે, તો કોઈ ચકરડી વેંચવા વાળી બાઈ પોતાના છોકરાં ને કાંખમાં તેદી ઉભી છે અને આવતાં જતાં લોકોને આશભરી દ્રષ્ટિએ જોઇ રહી છે.
એ સમયે ગામડાંગામમાં પોતાની પરણેતર ને પણ મળવું હોઈ તો મેળાની રાહ જોયા વગર છૂટકો ન હતો, અને એ સિવાય તો ક્યાંય મળી પણ ન શકાય એટલી તો મર્યાદા હતી ત્યારે.
તેથી આજે બંન્ને બહુ ખુશ હતાં..! એકબીજાને મળવાના હતાં.

સૂર્ય અથમવાની તૈયારી હોઈ વાતાવરણમાં થોડી લાલીમાં પ્રસરી રહી હતી, ખળખળ વહેતી નદીના કિનારે ઊગેલાં લીલાછમ ઘાંસ પર બંન્ને બેસેલાં છે, હજુ થોડીવાર પહેલાં જ વરસાદ ના અમીછાંટણા ને કારણે તે થોડું ભીનું ભીનું હતું.
પવનમાં માથેથી સરકતા પીળા સાડલાના છેડાને પોતાના દાંત વડે મોંમાં પકડી રાખ્યો હતો, તૈયાર થઈને આવી હોવાથી અપ્સરા જેવી દેખાતી વીસેક વરસની જીવતીના કોમળ ચહેરા પર ખુશીની રેખાઓ સાફ દેખાઈ રહી છે,

થોડીવાર શાંત બેસી નદી અને શીતળ વાયરાની મજા લીધા બાદ યુવાને મૌન તોડ્યું, "જીવતી, થોડા જ મયના બાકી રિયા છે આપણાં લગન આડા, તારા હારુ હેમનો હાર ઘડાવવો છે, કાવડીયા ભેગા કરું છું." યુવાન સૂર્યના પ્રકાશ આડો હાથ રહી જીવતી સામે જોતાં બોલ્યો.
"જાવ ને, આટલા વરહમાં એક નાકનો દાણો ય લય નથી દીધો હેમનો હાર શું લય દેશો..!" જીવતીએ દાંત વચ્ચે દબાવેલો છેડો હાથ વડે પકડતાં કહ્યું.
"ભલે આટલાં વરહ માં નો લય દીધું કાંઈ પણ આ દાણ તો લય જ દેવાનો, તને રાજી કરીશ એ આ સૂરજની હાખી એ મારો વાયદો છે." યુવાનની વાત સાંભળી જીવતી ખિલખિલાટ હસવા લાગી.

અને અચાનક આખા કેદખાંનામાં તેનું અટ્ટહાસ્ય પ્રસરી રહ્યું, એ યુવાન ઉભો થઇ ગયો પણ તેને લાગ્યું જાણે ચારે બાજુ થી જીવતી નો અવાજ આવતો હતો, "આયવો મોટો વાયદા કરવા વાળો, હેમનો હાર લેવા નીકઇળો તો ને..! હવે હાર તો શું લગનમાં પણ આવી બતાવ તો હાચો..!!

એ અટ્ટહાસ્ય અને એ અવાજ યુવાન માટે અસહ્ય થઈ રહયા હતાં, તે પોતાના કાન આડા હાથ રાખી પાછો એ જ ખૂણા માં બેસી ગયો..!


**** પૂર્ણ ****


ભાવેશ પરમાર "આર્યમ્"

લગભગ વીસ-પચીસ વર્ષ પહેલાં આવી જ એક વાર્તા વાંચેલી, બહુ યાદ તો નથી, કોણે લખેલી કે ક્યાં વાંચેલી પણ આજે યાદ આવી તો મને વિચાર આવ્યો કે મારી લેખનકલા ની સેલ્ફટેસ્ટ કરી લેવાય..!


આભાર