Parshuram vishe ajaani vato in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | પરશુરામ વિષે અજાણી વાતો

Featured Books
Categories
Share

પરશુરામ વિષે અજાણી વાતો

ભગવાન પરશુરામે તેમની માતાની હત્યા કેમ કરી હતી?

ભગવાન પરશુરામને વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ રામ સાથે ધનુષ-બાણ, કૃષ્ણ સાથે સુદર્શન ચક્ર એવી જ રીતે પરશુરામ સાથે તેમની પરશુ એટલેકે કુહાડી સંકળાયેલી છે. એવું કહેવાય છે કે પરશુરામ અમર છે અને હાલમાં ઓડિશામાં આવેલા મહેન્દ્રગીરી પર્વત પર તેમનો વાસ છે.

ચાલો આજે આપણે ભગવાન પરશુરામ વિષે આવી જ કેટલીક અજાણી હકીકતો વિષે જાણીએ.

પરશુરામે ભગવાન શંકરની આકરી તપસ્યા કરી હતી. પરશુરામની આ તપસ્યાથી ખુશ થઈને શંકર ભગવાને તેમને પરશુ (ફરસુ) એટલેકે કુહાડી આપી હતી અને ત્યારથી જ તે તેમનું શસ્ત્ર બની ગયું. આ ઉપરાંત પરશુરામે એક હજારથી પણ વધુ અશ્વમેધ યજ્ઞ કર્યા હતા અને બાદમાં તેમણે જીતેલી તમામ જમીન ઋષિ કશ્યપને ભેટમાં આપી દીધી હતી.

ક્ષત્રિય રાજા કાર્તવીર્યએ પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ પાસે ઇન્દ્રએ તેમને આપેલી ગાય સુરભી આપવાનું કહ્યું. જમદગ્નિએ આમ કરવાની ના પાડતા કાર્તવીર્યએ આ ગાયને બળજબરીથી પડાવી લીધી. ગુસ્સે થયેલા પરશુરામે કાર્તવીર્યની હત્યા કરીને તે ગાયને પરત મેળવી લીધી. પરંતુ કાર્તવીર્યના પુત્રે બદલો લેતા જમદગ્નિની હત્યા કરી દીધી. ત્યારબાદ પરશુરામે ૨૧ વખત પૃથ્વીને બિનક્ષત્રિય કરી દીધી હતી.

રામાયણ અને મહાભારત બંનેમાં પરશુરામની અગત્યની ભૂમિકા રહી હતી. રામાયણમાં ભગવાન રામે જે ધનુષ્ય તોડીને સીતા સાથે લગ્ન કર્યા હતા તે ધનુષ્ય જનક રાજાને પરશુરામે આપ્યું હતું. તો મહાભારતમાં ભિષ્મ, દ્રોણ અને કર્ણના પરશુરામ ગુરુ રહ્યા હતા. આમ આ રીતે રામ-પરશુરામ અને કૃષ્ણ-પરશુરામની રીતે રામાયણ અને મહાભારત એમ બંને કાળમાં વિષ્ણુના બે અવતારો એક સાથે જોવા મળ્યા હતા.

પરશુરામના માતા રેણુકા તેમની પતિ પ્રત્યેની લાગણી, પવિત્રતા અને અખંડ કૌમાર્ય માટે પ્રસિદ્ધ હતા. એમની આ પવિત્રતામાં એટલી તો શક્તિ હતી કે તેઓ કાચા ઘડામાં પણ પાણી ભરીને લાવી શકતા હતા. એક વખત તેઓ નદીએ પાણી ભરવા ગયા અને તેમણે એક ગાંધર્વને જોયો અને તેઓ તેના પ્રત્યે આકર્ષિત થયા અને ત્યારે તેમણે જે કાચા ઘડામાં પાણી ભર્યું હતું તે ઘડો પીગળી ગયો. આથી જમદગ્નિ ગુસ્સે થયા અને તેમણે તેમના પુત્રોને એક પછી એક પોતાની માતાની હત્યા કરવાની આજ્ઞા આપી.

પરંતુ તેમનો એક પણ પુત્ર આ માટે માન્યો નહીં. આથી જમદગ્નિએ તેમના દરેક પુત્રોને મારી નાખ્યા. ત્યારબાદ જમદગ્નિએ પરશુરામને પણ આ જ હુકમ કર્યો અને પરશુરામે કોઇપણ પ્રશ્ન કર્યા વગર જ પિતાની આજ્ઞાનું પાલન કરતા તેમની કુહાડીથી પોતાના માતા રેણુકાનું માથું ધડથી અલગ કરી દીધું. ખુશ થયેલા ઋષિ જમદગ્નિએ પરશુરામને બે વચન માંગવા કહ્યું. પરશુરામે આ બંને વચનો દ્વારા પોતાના માતા અને તમામ ભાઈઓને ફરીથી જીવિત કરી દીધા.

એક સમયે પરશુરામે જેમની તપસ્યા કરી હતી અને પોતાની કુહાડી મેળવી હતી તે ભગવાન શિવ સાથે પણ યુદ્ધ કરી બેઠા હતા. શંકર ભગવાને જ પરશુરામને તેઓ પોતાના કૌશલ્યનો ઉપયોગ લોકકલ્યાણ માટે કેવી રીતે કરે છે તે તેમની સાથે યુદ્ધ કરીને તેમને દર્શાવવાનો પડકાર ફેંક્યો હતો. ભગવાન શિવ અને પરશુરામ વચ્ચેનું યદ્ધ ૨૧ દિવસ ચાલ્યું હતું અને છેવટે પરશુરામે હિંમત ભેગી કરીને શંકર ભગવાન પર હુમલો કર્યો અને પોતાની પરશુ એમના કપાળમાં મારી દીધી. આ જોઇને શંકર ભગવાન તેમનાથી પ્રભાવિત થયા અને તેમને ગળે વળગાડી દીધા. ત્યારથી શંકર ભગવાનને કંધપરશુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૂર્ય સામે પણ એક વખત ગુસ્સે થઈને પરશુરામે યુદ્ધ આદરી દીધું હતું. પરશુરામેં સૂર્ય તરફ અસંખ્ય તીર છોડ્યા પરંતુ એક પણ તીર સૂર્યને વાગ્યું નહીં. આથી પરશુરામે પોતાના પત્નીને વધારે તીર લાવવા કહ્યું. જ્યારે પરશુરામના પત્ની તીર લેવા જઈ રહ્યા હતા ત્યારે સૂર્યએ તેના તમામ કિરણો પરશુરામના પત્ની તરફ કરી દીધા પરિણામે તેઓ બેભાન થઇ ગયા. ત્યારબાદ સૂર્ય ભગવાન જાતે પરશુરામ સામે પ્રગટ થયા અને તેમને પહેરવા માટે ચાંખડી અને છત્રી અર્પણ કરી.

એક વાર ભગવાન પરશુરામ શંકર ભગવાનને મળવા કૈલાશ પર્વત ગયા, પરંતુ શંકરના પુત્ર ગણેશે તેમને રોક્યા અને જવા દીધા નહીં. આથી પરશુરામે એમની વિરુદ્ધ પણ યુદ્ધ આદરી દીધું. આ યુદ્ધમાં તેમણે પોતાની કુહાડી ગણેશ તરફ ફેંકી. આ કુહાડી પોતાના પિતાએ જ પરશુરામને આપી છે તે ગણેશને ખબર હતી આથી તેમણે આ કુહાડીને પોતાના ડાબા દાંત પર વાગવા દીધી અને એમનો એ દાંત તૂટી ગયો, ત્યારથી જ ગણેશજીને એકદંત પણ કહેવામાં આવે છે.

ઋષિ દુર્વાસાની જેમ પરશુરામનો સ્વભાવ પણ અત્યંત ગુસ્સાવાળો હતો અને તેઓ ગુસ્સામાં આવી જઈને કોઈને પણ શ્રાપ આપી દેતા હતા. કર્ણને પણ પરશુરામ દ્વારા આ જ રીતે શ્રાપ આપવામાં આવ્યો હતો. કર્ણના ખોળામાં જ્યારે પરશુરામ બપોરના ભોજન બાદ સુઈ રહ્યા હતા ત્યારે એક ભમરાએ કર્ણની જાંઘ પર ડંખ માર્યો અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ કર્ણ શાંત રહ્યો અને પીડા સહન કરતો રહ્યો.

જ્યારે તેનું ગરમ લોહી પરશુરામને સ્પર્શ કર્યું ત્યારે તેઓ જાગી ગયા અને ગુસ્સે થઇ ગયા કે કર્ણ જે તેણે અગાઉ પોતે બ્રાહ્મણ હોવાનું કહ્યું હતું તે શક્ય નથી અને તે જરૂર ક્ષત્રીય હોવો જોઈએ અને તેણે વિદ્યા શીખવા માટે તેમની સામે અસત્ય કહ્યું છે. ગુસ્સામાં કર્ણને પરશુરામે શ્રાપ આપ્યો કે તેને ખરા સમયે પોતે આપેલી વિદ્યા ભુલાઈ જશે.

જનક રાજાને આપેલું ધનુષ્ય રામે તોડવાનો પ્રચંડ અવાજ પરશુરામે સાંભળતા તેઓ પણ જનક રાજાના દરબારમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમને હકીકતની ખબર પડતા તેઓ રામ પર પણ ગુસ્સે થઇ ગયા હતા પરંતુ વશિષ્ઠ ઋષિએ તેમને સમજાવીને રામને શ્રાપ આપતા અટકાવ્યા હતા.

***