Sap Sidi - 7 in Gujarati Fiction Stories by Kamlesh K Joshi books and stories PDF | સાપ સીડી - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સાપ સીડી - 7

પ્રકરણ ૭

ઝિંદા રહેને કે લિયે તેરી કસમ, એક મુલકાત જરૂરી હૈ સનમ...

શંભુકાકા એટલે સફેદ ધોતિયું, સફેદ જભ્ભો અને ઉપર કાળી કોટિ, હાથમાં લાકડી અને માથે સફેદ ગાંધી ટોપી. ગાંધીજીનાં સિદ્ધાંતોને વરેલા અને શહેરના માન્ય અગ્રગણ્ય વિચારક, શંભુકાકા એટલે માલતીના સગા કાકા, માલતીના ડોક્ટર પિતા અમૃતલાલનાં સગા નાના ભાઈ.
તે દિવસે, પાંચ વર્ષ પહેલા, ઘરમાં ધમાસાણ મચેલું. શંભુકાકાની હાજરીમાં લાંબી અને ઉગ્ર ચર્ચા થયેલી. પપ્પા બોલેલા “દીકરી.. સંજીવ ગયાને બે વર્ષ વીતી ગયા. તું ત્રીસની થઇ. મજાની કોલેજમાં લેકચરરનો જોબ પણ છે. બધું ભૂલીને નવું જીવન શરુ કર તો અમનેય શાંતિ અને સંતોષ મળે.”
માલતી ખામોશ હતી. ભીતરે શ્વાસ રૂંધતો મૂંઝારો અનુભવતી હતી.
“બેટા અમે તારા દુશ્મન નથી. અમારો જીવ ચૂંથાય છે. તારી ખામોશ બની ગયેલી જિંદગીથી..” એક ઊંડો શ્વાસ લઇ પિતાએ કહેલું “મારે તો મારી હસતી-રમતી ઢીંગલી જોઈએ. કોયલની જેમ ગાતી, મોરની જેમ થિરકતી, અને પતંગિયાની જેમ ઉડતી..”
પિતાની આંખમાં બાળ માલતી, કિશોરી માલતી, કોલેજીયન માલતી અને સંજીવના પ્રેમમાં પડેલી માલતીની જીવંતતા, જોશ અને ઝનૂન ડોકાતા હતા. પણ બે જ ક્ષણમાં એ દ્રશ્યો ગાયબ થઇ ગયા. કઠોર વાસ્તવિકતાએ એમને પણ ભીતરેથી કઠોર કર્યા અને કડક અવાજે એમણે માલતીને કહ્યું. “મારે તારી કોઈ દલીલ સાંભળવી નથી. અમે અમદાવાદવાળા ફેમિલીને જોવા આવવાની હા પાડીએ છીએ.”
માલતી નજર નીચી ઢાળી, ખામોશ રહી હતી. અશ્રુનું એક બુંદ એની આંખમાંથી બહાર આવી ગયું હતું. કમરામાં મમ્મી, નાનો ભાઈ ઋત્વિક અને શંભુકાકા મૌજૂદ હતા.
“અમૃતભાઈ..” શંભુકાકાનો લાગણીભર્યો સ્વર હતો. અમૃતલાલે એમની સામે જોયું. શંભુકાકા અમૃતલાલથી ત્રણ વર્ષ નાના હતા પણ જમાનાને બહુ નજીકથી એમણે જોયો હતો. ગુજરાતના જાણીતા નેતાઓ, સંતો અને ઉદ્યોગપતિઓ તેમને નામથી ઓળખતા હતા.
“ભાઈ.. માણસ તોફાન જોઈ શકે છે, સુનામીમાં, સમુદ્રમાં ઊઠતી ઊંચી ઊંચી લહેરો પણ એને દેખાય છે. પણ મનની ભીતરે ઊઠેલા વંટોળને પારખવાની, જોવાની, સમજવાની દ્રષ્ટિ બહુ ઓછા પાસે હોય છે.” સૌ એકાકાર થઇ શંભુકાકાને સાંભળી રહ્યા. માલતીને પણ કાકાના શબ્દોમાં સાંત્વના સાંપડી. “ભાઈ, આપણી માલતી હજુ ત્રીસ વર્ષની જ છે. ભલે કાયદા મુજબ મેચ્યોરીટી અઢાર વર્ષે મળી જતી હોય, પણ જીવનની આંટીઘૂંટી માટેની મેચ્યોરીટી કદાચ સાંઠ વર્ષે પણ નથી આવતી. કેટલાક ઘાવ જ એવા જીવલેણ હોય છે. માણસના શ્વાસ તો ચાલતા રહે પણ હૃદય ધબકવાનું બંધ કરી દે. લોકો એને જીવતો માનતા હોય પણ એ તો મૃત્યુ પામ્યો હોય.” કહી શંભુકાકા સહેજ શ્વાસ લેવા રોકાયા. માલતીને લાગ્યું કે કાકા પોતાના અસ્તિત્વનું એકદમ સાચું આકલન કરી રહ્યા છે. પિતા અને ભાઈ પછી કેવળ એક જ પુરુષ વિષે માલતીએ આજ સુધીમાં વિચાર્યું હતું અને એ એટલે સંજીવ. હવે કોઈ બીજા પુરુષનું એના જીવનમાં કોઈ સ્થાન ન હતું.
“તમે કહેશો તો કદાચ માલતી મહેમાનો સમક્ષ હાજર પણ થઇ જશે, કદાચ પરણી પણ જશે.” શંભુકાકા આગળ બોલ્યા “પણ એ તમામ વિધિ કેવળ માલતીનો દેહ કરશે, શરીર કરશે, આત્મા નહી, અંતર નહી, મન નહી, કેવળ શરીર. અને તમે જે કોયલ, પતંગિયાની વાત કરો છો એ તો માલતીનો ભીતરી અંતરાત્મા છે. એટલે એને પરણાવીને આપણે એને, એ જે તોફાનમાં ફસાઈ છે, એ જે ભવન્ડરમાં જઈ પડી છે, એમાંથી બહાર નથી કાઢતા, પણ વધુ ઊંડે ધકેલી રહ્યા છીએ એવું મારું માનવું છે.” કહી જરાક અટકી શંભુકાકાએ એમનું હંમેશનું વાક્ય જોડ્યું. “પછી તમને જે ઠીક લાગે તે.. યથેચ્છ્સિ તથા કુરુ..”
અને માલતીએ પપ્પા સામે આશાભરી આંખે જોયું હતું. પપ્પાની આંખમાં ઝળઝળિયા દેખાતા હતા. પોતાની જવાબદારીનો બોજ અસહ્ય હોય, પોતાની નાની શી ઢીંગલીને આમ ખામોશ જોઈ-જોઈને પોતે અંદરથી પીંખાતા હોય એમ એમણે નિ:શ્વાસ મૂક્યો અને માલતી પપ્પાની નજીક ગઈ. બાપ-દીકરીની નજર મળી અને બંને એકબીજાને વળગીને રડી પડ્યા.
એ દિવસને પાંચ વર્ષ વીતી ગયા. અત્યારે શંભુકાકાના કાર્યાલય તરફ જઈ રહેલી માલતીને એ દ્રશ્ય યાદ આવ્યું. એનું હૃદય ભરાઈ આવ્યું. એ દિવસ પછી પિતાએ કદી માલતીને આ બાબતે પૃચ્છા કરી જ નહી. અને આ બાબતની તમામ જવાબદારી શંભુકાકાએ ઉપાડી લીધી.
કાકા હમદર્દી પૂર્વક માલતીને આઘાતમાંથી બહાર લાવવા મથતા હતા. એ જાણતા હતા કે સ્ત્રીના જીવનમાં પ્રથમ પુરુષનું શું મહત્વ હોય છે. માણસના મનોવિજ્ઞાનનો પાકો અભ્યાસ હતો શંભુકાકાને. અને સંજીવ પણ એમનો જ શાગીર્દ હતો ને! સંજીવની દેશભક્તિ, સરળતા, પ્રામાણિકતા અને ભક્તિભાવ શંભુકાકાને બેહદ પ્રભાવિત કરી ગયા હતા. પોતાના મૂળવતન રતનપરના જ સ્કૂલ માસ્ટર અને એક સમયના રાજકારણી સુબોધભાઈનો એકનો એક દીકરો એટલે સંજીવ. માસ્ટર સાહેબ તો પાકકા મરજાદી. એમના ઘરે ચા પણ ન બનતી. વેકેશનનો પગાર પણ તેઓ ગામના મંદિરમાં દાન કરી દેતા. ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીના વિરોધમાં જેલમાં પણ ગયા અને પછી રાજકારણી બની ગયા. શંભુકાકાએ રાજકારણ નો કક્કો એમની પાસેથી જ શીખ્યો હતો.
“વંદે માતરમ કાકા..! આવું કે?” કાર્યાલયમાં કાકાની રૂમનું બારણું ખોલતા માલતીએ પૂછ્યું.
“અરે મારી દીકરી..! આવ.. આવ..”
માલતી કાકાની સામેની જ લાકડાની ખુરશીમાં ગોઠવાઈ. રાબેતા મુજબ લાકડાના મોટા ટેબલ પર કાચ પાથરેલો હતો. કૃષ્ણનો બંસરીવાળો ફોટો, છાપાઓના થોડા કટીન્ગ્સ અને બે-ચાર ફોન નંબરની કાપલીઓ એ કાચ નીચે ગોઠવાયેલા હતા. ઉપર ધીમો ફરતો પંખો અને ખુલ્લી બારીમાંથી દેખાતી દૂરની સડક. માલતીને આ દ્રશ્યોની આદત હતી.
ડાયરીમાં કૈંક ટપકાવી કાકાએ ડાયરી બંધ કરી. ઊભા થઇ, લાકડાના કબાટમાં ડાયરી મૂકી, બારણે જઈ મનુના નામની બૂમ પાડી “બે અડધી ચા અંદર મોકલાવજે..” કહી પાછા ફરી પોતાની ખુરસી પર ગોઠવાયા.
છ મહિના પહેલા કાકા પાસે માલતી માટે એક વાત આવેલી. શહેરના જાણીતા રાજકારણી નરોતમ ગાંધીનો રંગમંચનો દિગ્ગજ નાટ્યકાર પુત્ર મંથન ગાંધી ખુદ આવ્યો હતો. એની સાથે એનો ક્રાંતિકારી પત્રકાર મિત્ર આલોક મહેતા હતો.
“કાકા..” મંથન જરા પણ શબ્દ ચોર્યા વગર બોલેલો.. “ન મૈત્રી, ન ઔપચારિકતા. બહુ સ્પષ્ટ સંબધની વાત. હું માલતીજી, આપની ભત્રીજીનો હાથ અને સાથ માંગવા આવ્યો છું.”
મંથન બહુ ઉમદા કલાકાર હતો. છેક મુંબઈ અને હવે તો અમેરિકા સુધી એના નાટકો ભજવાતા હતા.
“આપ જાણો છો.” એણે આગળ કહેલું. “મારે મારા પિતા સાથે કોઈ સંબંધ નથી. એમનું રાજકારણ અને એમની ખટપટોમાં મને બિલકુલ રસ નથી. મારું જીવન અલગ છે. મારું કાર્યક્ષેત્ર અલગ છે. બની શકે કે મારા વિવાહ પ્રસંગે મારા પિતા કદાચ હાજર પણ ના રહે. મારી મા બિલકુલ હાજર રહેશે. અને જો આપને મારી માંગણી માટે, વડીલ પ્રતિનિધિની હાજરી જરૂરી લાગતી હોય તો મારી મા ચોક્કસ આપને મળવા આવશે. આપ કહો તો અત્યારે જ હું એમને બોલાવી શકું એમ છું.”
એકદમ પ્રભાવિત કરી દેતી વાક્છટા અને ચોખ્ખી-ચણાંક વાત આગળ સામાન્ય માણસ તો થોથવાઈ જ જાય. પણ આ તો શંભુકાકા હતા. તેમણે શબ્દો ગોઠવતા કહ્યું...
“બેટા.. માલતીનો વિવાહ કરવા અંગે અત્યારે કોઈ જ વિચાર નથી.”
“હું રાહ જોવા તૈયાર છું અને..” કહી મંથને સહેજ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું.. “હું માલતીજીના ભૂતકાળમાં ભજવાયેલા અંકથી પણ પરિચિત છું અને મને એનાથી કોઈ ફરક પડતો નથી.”
હવે શંભુકાકા સહેજ મૂંઝવણમાં પડ્યા. મંથન વિષે શંભુકાકાને પણ ખાસ્સી માહિતી હતી. કયાંય કશી ગરબડ ન હતી. એ ખુદના નામે જ ઓળખાતો. કોઈ લફરું નહી. આકર્ષક વ્યક્તિત્વ, પરિપક્વ માનસિકતા, આંખમાં દેખાતી ચોખ્ખાઈ અને ઈરાદામાં વર્તાતી સ્પષ્ટતા. રંગભૂમિ ક્ષેત્રે એ ઉગતો અમિતાભ બચ્ચન જ હતો.
“એ અંકની અસર હજુ માલતી અનુભવે છે.” કાકાએ કડવી સ્પષ્ટતા કરી.
“અને કદાચ..” વચ્ચે જ મંથને કહ્યું. “જિંદગીના અંત સુધી અનુભવશે.” શંભુકાકા ભીતરથી હલી ગયા. આ માણસ ધાર્યા કરતા વધુ ઊંડો હતો. “કાકા.. માલતીજીને હું છેલ્લા એક વર્ષથી ફોલો કરું છું. સાધારણ દેખાવ, સાધારણ ચહેરો અને સાધારણ વાણી. બસ અસાધારણ હોય તો એ એમના વિચારો અને એમની ધ્યાનસ્થ ચિતવૃતિ.”
એ મુલાકાતની આખી વાત ગયા અઠવાડિયે શંભુકાકાએ માલતીને બોલાવીને કરી હતી. માલતીને એક વાર પોઝીટીવલી વિચારવાની ભલામણ પણ કરી હતી. બે ચાર દિવસ બાદ પોતાનો નિર્ણય જણાવવા કાકા એ કહ્યું હતું.
“તો આખરે શું નક્કી કર્યું મારી વ્હાલી દીકરીએ?” કાકાએ પ્રશ્ન પૂછ્યો અને માલતીનું હ્રદય ધબકવા માંડ્યું. બે-પાંચ ક્ષણની ખામોશી બાદ શબ્દો ગોઠવતા માલતી બોલી. “કાકા.. મારે એક ભવમાં બે ભવ નથી કરવા.” અને પછી કાકાના ચહેરાને અવલોક્યો. નિરાશાની એકાદ રેખા કાકાના ચહેરા પર આવીને ચાલી ગઈ.
“કોઈ વાંધો નહિ બેટા..” એમના અવાજમાં ઢીલાશ વર્તાઈ. “મારો કોઈ ફોર્સ નથી તને..” કહી અટકીને ઉમેર્યું.. “આ તો મંથનની વાતો, વિચારો અને સમજદારી મને સ્પર્શી ગઈ એટલે મેં વિચાર્યું કે એક તક એને આપ. એકાદવાર મળી જો, પછી નિર્ણય લેજે..” કહી શંભુકાકા નીચું જોઈ કૈંક વિચારવા લાગ્યા.
“કાકા જે મંઝિલે આપણે જવું જ ન હોય ત્યાંનો રસ્તો પૂછીને શું કરવું?” માલતી કાકાને મનાવતા બોલી.. “આમ છતાં તમે કહેતા હશો તો હું એમને એકવાર મળી લઈશ.” એ સહેજ નરમ અવાજે બોલી “હું જાણું છું, તમે સૂકાઈ ગયેલા છોડમાં ફરી પુષ્પો ખીલવવા માંગો છો. પણ જ્યાં છોડની જ ઈચ્છા મુરઝાઇ જવાની છે ત્યાં..” કહેતા માલતીનું ગળું ભરાઈ આવ્યું.
“બેટા..” કાકા એ ગળું ખંખેર્યું અને આગળ બોલ્યા.. “ઈચ્છા.. ! છોડની ઈચ્છા મુરઝાઈ જવાની છે? બેટા માણસની ઈચ્છા મુજબ ક્યાં કશું થાય છે? તું જ કહે થાય છે? જો થતું હોત તો આજ આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં પહોંચવાની કોની ઈચ્છા હતી?” કહી કાકા ઊભા થયા. “બેટા.. છોડને મુરઝાયેલા રહેવાની છૂટ છે તેમ ખીલવાની પણ છૂટ છે. અમે નાનપણમાં તને બધું શીખવ્યું, પણ આઘાત સહન કરવાની કળા ન શીખવી. જો કે બધું નાનપણમાં શીખવી પણ ક્યાં શકાય છે? અમુક બાબતો તો માણસે પોતે જ શીખવી પડે.. જીવન પાસેથી, સંજોગો પાસેથી અને સમય પાસેથી.”
“કાકા, હું તો જિંદગીની બાજી હારી જ ચૂકી છું.” માલતીએ ફરી એ જ વાત કરી.
“બેટા.. દુનિયાનું કડવું સત્ય જ એ છે કે અહીં સૌ કોઈ બાજી હારી ને જ બેઠા છે. જમાનાની થપાટો એવી જ છે કે સૌ કોઈ બધું ગુમાવીને જ બેઠા છે, છતાં રમ્યે રાખે છે. બાજીઓ પર બાજીઓ ગોઠવ્યા રાખે છે. પોતાના માટે નહિ તો બીજાને માટે. જીતવા માટે નહિ તો હારવા. અંતે.. બસ રમત ચાલુ રહેવી જોઈએ. શો મસ્ટ ગો ઓન.”
લગભગ બે કલાક ચાલી ચર્ચા.
માલતીનું મન એક વાર તો માની પણ ગયું. પણ ફરી હારી ગયું. આખરે એક વાર મંથન સાથે માલતીની મુલાકાત ગોઠવવાનું નક્કી થયું ત્યારે શંભુકાકા જેવા જમાનો ખાધેલ માણસને પણ એક વિચાર ધ્રુજાવી ગયો કે માલતીના પ્રેમભગ્ન વૈરાગી હૃદયને સંસાર સાગરમાં ધકેલવાનો પોતાનો દાવ સીડી ચઢવા જેવો હતો કે સાપના મોંમાં દીકરી ધકેલાઈ રહી હતી?
મંથન સાથેની માલતીની એ મુલાકાત ગજબ રહી. મંથનના એક જ વાક્યે માલતીના ચિત્તપ્રદેશમાં સપ્તરંગી મેઘધનુષ્ય રચી દીધું. વિલન જેવો લાગતો મંથન હીરો જેવો લાગવા માંડ્યો. શહેરની પ્રખ્યાત અન્નપૂર્ણા હોટેલના કોફી કોર્નરમાં બંને ગોઠવાયા. હાય-હેલોની ઔપચારિકતા કરી મંથન બોલ્યો, “માલતીજી, આમ તો આપણી આ મુલાકાતમાં મારે આપને એવી જ વાતો કરવી જોઈએ કે જેથી આપ મારા જીવનભરના સાથી બની જાઓ. પરંતુ મેં જિંદગીને હંમેશા જુદી રીતે જ જોવાની કોશિશ કરી છે.” કહી મંથને માલતીની આંખોમાં આંખ પરોવી. એની આંખમાં જાદુ હતો. પણ માલતી પોતાના ભૂતકાળની યાદોના એવા તો મજબુત પડદા પાછળ સુરક્ષિત હતી કે એના પર કોઈ જાદુઈ અસર ન થઇ. મંથન એને એક સામાન્ય પુરુષ જેવો જ લાગ્યો. મંથને એની આંખમાં આંખ પરોવેલી રાખી. “માલતીજી, આપના માટે એક ખુશ ખબર છે.”
માલતીએ સહેજ સ્માઈલ કર્યું. મંથન પોતાની પૂર્વભૂમિકા બાંધી લે એટલે પોતે મંથનને અપમાન જેવું ન લાગે એમ સંજીવની વાત કરી દેવા શબ્દો ગોઠવી રહી હતી. મંથનનો ખુશખબર શબ્દ એને રમુજ જેવો લાગ્યો અને એટલે જ એને હળવું સ્માઈલ કર્યું. પણ મંથનના આગલા શબ્દો સાંભળીને એનું હૃદય બે ધબકાર ચૂકી ગયું.
“ખુશખબર આમ તો નાના છે, પણ છે બહુ કામના.” એ બોલ્યો. પછી એક એક શબ્દ જાણે છૂટો પાડતો હોય તેમ કહ્યું. “સંજીવની એક નાનકડી કડી મળી છે.”
અને માલતીની આંખો પહોળી થઇ. મંથન ગંભીર હતો. કોઈ મજાક નહોતો કરી રહ્યો. “માલતીજી, શંભુકાકા આગળ મેં આપની સાથેના મેરેજનો પ્રસ્તાવ મુક્યો તે દિવસથી જ મેં અને મારા મિત્ર આલોકે સંજીવભાઈની તપાસ શરુ કરી. અમદાવાદમાં આલોકનો એક મિત્ર છે, પત્રકાર છે, અરવિંદ શુક્લા, એને ત્યાં આજથી બેએક વર્ષ પહેલા રાજસ્થાનથી કોઈ મિત્ર આવેલો અને રતનપરવાળા સંજીવ જોશીની તપાસ કરતો હતો.” કહી મંથન કોફીનો ઘૂંટ પીવા સહેજ અટક્યો એ માલતીને ન ગમ્યું. જે પ્રિયતમ, જે આરાધ્યમૂર્તિના છેલ્લા સાત-સાત વર્ષ પહેલાથી સામચાર નથી, જીવે છે કે નહિ એનીયે શંકા છે, એના વિષે બે વર્ષ પહેલા ક્યાંક વાત થઇ અનેવાત કરનારની લિંક રાજસ્થાન સાથે છે. તો શું સંજીવ અત્યારે રાજસ્થાનમાં હતો? માલતીનું મગજ તીવ્રતાથી વિચારવા લાગ્યું. તો તો મારે અત્યારે જ રાજસ્થાન જવું જોઈએ અને સંજીવને શોધી કાઢી પૂછવું જોઈએ કે ક્યાં હતો અત્યાર સુધી? પણ ત્યાં માલતીની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત બની. ક્યાંક આ મંથન કોઈ નાટક તો નથી કરી રહ્યો ને? એણે મંથનની આંખમાં જોયું. ના.. એમાં તો કંઈ શંકાસ્પદ દેખાતું ન હતું. છતાં મંથન નાટ્યસમ્રાટ હતો. એ પોતાના હાવભાવ પર પણ કાબુ ધરાવતો હોય. એટલે માલતી સાવચેત બની. સંજીવના ઉલ્લેખે માલતીના દિલો-દિમાગને ઉતેજનાથી ભરી મૂક્યું હતું. ત્યાં મંથનના આગલા શબ્દો એના કાને પડ્યા. “માલતીજી, મારે તમને પામવા છે, એ વાત સાચી, પણ મારે તમારા દેહને નહિ, આત્માને પામવો છે. હૃદયમાં સ્થાન મેળવવું છે અને ત્યાં સંજીવભાઈની મૂર્તિ સ-સન્માન બિરાજમાન છે. તમે તેની આરાધના કરો છો એટલે એ સંજીવભાઈ મારા માટે એટલા જ પૂજનીય છે, સન્માનને પાત્ર છે. જ્યાં સુધી એમની પૂરેપૂરી તપાસ ન થઇ જાય ત્યાં સુધી તો હું જંપીને બેસીશ નહીં. બસ.. મારે તમારી પાસેથી કેવળ સ્માઈલ અને પ્રેરણાની જ અપેક્ષા છે, બીજું કશું જ નહીં.” એનો દરેક શબ્દ સચ્ચાઈનાં રણકાવાળો હતો. માલતી ભીતરેથી એના માટે માન અનુભવી રહી. પણ સંજીવ અંગે એ હજુ મૂંઝવણમાં હતી. ત્યાં મંથન આગળ બોલ્યો. “માલતીજી, આવતીકાલ સવારે હું અને આલોક રાજસ્થાન જઈએ છીએ, આલોકના પેલા મિત્રને મળવા. આલોક અત્યારે અમદાવાદ છે, અરવિંદની પાસે. હું આજ રાત્રે અમદાવાદ જવા નીકળું છું. બસ દુઆ કરજો કે અમને સફળતા મળે. રાજસ્થાનમાં સંજીવભાઈ સહી-સલામત હોય અને અમે તેમને અહીં પરત લાવવામાં સફળ થઈએ.”
માલતીના તન-મનમાં રોમાંચ વ્યાપી ગયો.
રાત્રે અમદવાદ જઈ રહેલા મંથનની સ્કોડા કારમાં સાથે માલતી પણ હતી. બંનેના દિલો-દિમાગમાં વિચારોનો ધોધ વહી રહ્યો હતો. કેવો વિચિત્ર દાવ હતો! બંને મુસાફરો એક જ મંઝિલ તરફ જઈ રહ્યા હતા. પણ સાપસીડીનો દાવ એવો હતો કે જો ત્યાં સંજીવ ન મળે તો મંથન સીડી ચઢી રહ્યો હતો અને માલતી સાપના મોંમાં જઈ રહી હતી અને જો સંજીવ મળી જાય તો અત્યારે મંથન સાપના મોંમાં જઈ રહ્યો હતો અને માલતી સીડી ચઢી રહી હતી.
=============