કપિલ કથાનક
જયારે વિવેક શો માટે આવ્યો અને એણે કહ્યું કે મારી પાસે વૈશાલી માટે એક સરપ્રાઈઝ છે. મેં એ સરપ્રાઈઝ જાણવા માટે એનું મન વાંચ્યું હતું. એ જીવનભર એક જ જાદુ શીખવા માંગતો હતો. કોઈને સ્ટેજ પરથી અદ્રશ્ય કરવું - એના માટે એ મેજિક એની મહત્વકાંક્ષા હતી.
કોઈ અજ્ઞાત દુશ્મને એની એ મહત્વકાંક્ષાનો મિસયુઝ કર્યો હતો. કેમકે નયનાએ જાદુગર સોમરને કોલ કર્યો તો તે મુંબઈમાં હતા મતલબ મેં વિવેકની યાદોમાં જે જોયું એ માત્ર બનાવટ હતી. મેં જોયું હતું કે વિવેકની તાજી યાદોમાં તે હમણાં જ સોમર અંકલને અરુણની ગેરેજમાં મળ્યો હતો.
પણ વિવેક એ બનાવટને સમજી કેમ ન શક્યો?
કોઈ વિવેક જેવા ચાલક જાદુગરને આબાદ રીતે ફસાવી ગયું હતું મતલબ એ વિવેક કરતા જાદુ અને ચાલાકીમાં એક સ્ટેપ આગળ હતું. પણ કોણ હોઈ શકે? નવ નાગની લડાઈ પછી અમે વિચારી લીધું હતું કે હવે અમે શાંતિથી જીવન જીવી શકીશું.
અને ક્યા કઈ થયું પણ હતું?
મારા અને નયના ના એન્ગેજમેન્ટ, મેરેજ, હનીમુન, એન્ડ અ પીસફુલ લાઈફ. મને લાગ્યું હતું કે મેં સિતારાઓને ઓવર પાવર કરી દીધા છે. વિવેક અને નયના પણ એ જ માનતા હતા પણ ફરી અચાનક કોણ જાગ્યું જે અમારા સુખી જીવનને ડહોળી નાખવા માંગતું હતું. જે હોય તે એનાથી કોઈ ફરક પડતો ન હતો કેમકે આમ પણ આજ સુધી કયા દુશ્મને અમને એનો ચહેરો દેખાવા દીધો હતો. પણ અંતે જીત અમારી જ થતી હતી.
પણ આજે જે થયું એ અવિશ્વસનીય હતું. વૈશાલીને કોઈ કિડનેપ કરી ગયું અને એ પણ સ્પોટ પર આવ્યા વિના જ. મને વૈશાલીની ચિંતા થવા લાગી કેમકે એ કેવા દુશ્મનની કેદમાં હશે એનો અંદાજ પણ આવી શકે તેમ ન હતો. એનાથી પણ વધુ ફિકર મને વિવેકની થઇ. એ પાગલ થઇ ગયો હશે. એ વૈશાલીને જીવ કરતા પણ વધુ ચાહતો હતો. એ જાદુગર પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરતા શીખેલો ન હતો પણ હું એનું હૃદય જાણતો હતો. હું નયનાને ચાહું એના કરતા પણ વધુ ચાહત એના દિલમાં વૈશાલી માટે હતી.
મને સૌથી વધુ ચિંતિત કોઈ બાબત કરતી હોય તો એ વિવેકનો ગુસ્સો હતો. વૈશાલીના કિડનેપ થયા પછી એણે પોતાના ગુસ્સા પરથી કાબુ ગુમાવી નાખ્યો હશે.
એ સ્ટેજ પરથી કેમ ગાયબ થઇ ગયો?
કદાચ વૈશાલીને શોધવા માટે તાત્કાલિક જવું જરૂરી હશે. પણ એ હવે ક્યાં હશે?
કેવા દુશ્મનનો સામનો કરી રહ્યો હશે?
એ કલ્પના થઇ શકે એમ ન હતું. મારા મનમાં પળે પળે ભયનો ઓથાર પેદા થતો રહ્યો.
“આપણે વિવેકના પપ્પાને કોઈ બીજા બહાને અહી બોલાવી લેવા જોઈએ.” નયના સ્ટેજના વુડન ફ્લોર પર બેસી ગઈ હતી. આંખો સામે જે ઘટના જોઈ હતી એ પછી એના પગમાં કદાચ ઉભા રહેવા માટે શક્તિ બચી નહિ હોય. હું અંદરથી ભાંગી પડ્યો હતો પણ વિવેકની ગેરહાજરીમાં હું બહારથી ભાંગી પડેલો દેખાઉં તો બીજું કોઈ પરિસ્થિતિને પહોચી શકે તેવું ત્યાં હાજર ન હતું. ઓફકોર્સ શ્લોક હતો પણ એ નાગપુર માટે અજાણ્યો હતો. સેજલ કદાચ કોઈ લડાઈ લડી શકવા કાબીલ હતી પણ આ બાબતમાં એ પણ કઈ સમજી શકે એમ ન હતી. જાદુની બાબતમાં એને કોઈ અનુભવ નહોતો. અમને કોઈને ખાસ અનુભવ ન હતો. અમારામાંથી કોઈ એ મદારીઓની મીશાચી ભાષા પણ જાણતું નહોતું.
છતાં અમને બધાને ખાતરી હતી કે અમે વિવેક અને વૈશાલીને શોધી લઈશું. કદાચ એ અમારી જાતને આપેલી હૈયા ધારણા હતી.
“હા, આ મામલામાં એક નાગ કરતા જાદુગર વધુ સારી રીતે હેન્ડલ કરી શકશે.” શ્લોકના અવાજમાં હજુ ડરની ધ્રુજારી હતી. એનો ડર વાજબી હતો. હું જાણતો હતો એને પણ વૈશાલીના ગાયબ થવા કરતા વિવેકના ગુસ્સાનો ડર વધુ હતો. અમને ખાતરી હતી જો વૈશાલીને કઈ થયું તો વિવેક નાગપુરનો નકશો બદલી નાખશે. જોકે અમને એ સમયે ખબર ન હતી કે વિવેક અને એનો પ્રેમ એકવાર નાગપુરનો નકશો બદલી ચુક્યા છે અને ઈતિહાસને પોતાની જાતને દોહરાવવાની આદત હોય છે.
મને એક એવી લડાઈના પડઘમ સંભળાવા લાગ્યા જે ભેડાઘાટે ક્યારેય ન જોઈ હોઈ, ન રાજાશાહીના ઇતિહાસમાં ન અંગ્રેજોના આગમનથી. એક એવી લડાઈ જેની અસર સદીઓ સુધી રહી જાય. એક એવી લડાઈ જે જાદુગર અને નાગની દુનિયામાં પહેલીવાર લડાઈ હોય. એક એવી લડાઈ જેનું પરિણામ કલ્પના કરતા પણ ભયાવહ હોઈ શકે.
ભલે દુનિયા માનતી હોય કે એક ઈચ્છાધારી નાગ એના મણી અને એના જોડા માટે ગમે તે કરી શકે છે પણ મેં વિવેક ગાયબ થયો એ પહેલા એના મનની મુઝવણ અનુભવી હતી. એ પાગલ થઇ રહ્યો હતો. મેં એને મારા અને નયનાના પ્રેમ માટે લડતા જોયો હતો. હું જાણતો હતો એ પોતાના પ્રેમ માટે હજાર ઇચ્છાધારી નાગ કરતા ખતરનાક બની શકે એમ હતો.
દુશ્મને ભયાનક ભૂલ કરી હતી. એણે એક સિંહને ઘાયલ કર્યો હતો. એને છંછેડવાની ભૂલ કરી હતી પણ અત્યારે દુશ્મન કરતા પણ વિવેકનું શું થશે એ વિચારવું વધુ મહત્વનું હતું કેમકે છેલ્લા સમયે એને બધા પર અવિશ્વાસ હતો. એને હજુ એ સમજાયું ન હતું કે એ કાપડનો ટુકડો આપનાર વ્યક્તિ કોણ હતું.
“હું એના પપ્પાને કોલ કરું?” નયના અને શ્લોકના સવાલોના મેં કોઈ જવાબ ન આપ્યા માટે અંતે સેજલે પૂછ્યું.
“હું કરું છું..” મેં કહ્યું, “તું ફોન કરીશ તો એમને ઓડ લાગશે અને શક થઇ જશે..” મેં ફોન નીકાળ્યો અને સોમર અંકલનો નંબર ડાયલ કર્યો.
“હલ્લો..’
સામેથી અવાજ સંભળાયો પણ શું બોલવું એ હું નક્કી ન કરી શક્યો.
“કપિલ, શું વાત છે?” સોમર જાદુગરના અવાજમાં ચિંતા વર્તાઈ, “પહેલા નયનાએ ફોન કરીને કાપી નાખ્યો અને હવે તું ફોન કરી કઈ બોલતો નથી..”
“તમે ઝડપથી નાગપુર આવી જાઓ..” મેં કહ્યું, “એક ઈમરજન્સી છે.”
“ઈમરજન્સી..”
“હા...”
“શું?”
“સેજલ અને શ્લોક ગુમ થઇ ગયા છે એમની કોઈ ખબર નથી..” મેં કહ્યું વિવેક અને વૈશાલી ગુમ થયા છે એ કહેવાની મારી હિંમત ન ચાલી.
“ઓકે, હું તાત્કાલિક આવું છું પણ ત્યાં સુધી તું અને નયના વિવેક સાથે જ રહેજો. એકલા ન પડતા કદાચ તમને ફસાવવા કોઈ જાળ હોઈ શકે..” એમણે સલાહ આપી, “વિવેક ક્યા છે?”
“એ અમારી સાથે જ છે.” હું ફરી જુઠ્ઠું બોલ્યો.
“એને શાંત રાખજો.. હું ન આવું ત્યાં સુધી એને ક્યાય જવા ન દેતા.”
“ઓકે અંકલ.. તમે તાતકાલીક આવો.”
મેં ફોન મુક્યો ત્યાંરે જ પોલીસ ઓડીટોરીયમ હોલમાં દાખલ થઇ.
પોલીસ હોલમાં દાખલ થઇ ત્યાં સુધીમાં મોટા ભાગની ભીડ ગાયબ થઇ ગઈ હતી. લોકો ગમે તેટલા ભલા કેમ ન હોય એ પોલીસના ચક્કરમાં પડવાનું હમેશા ટાળે છે.
“અરુણ..” ઇન્સ્પેકટર લેડીએ સ્ટેજ પર આવતા જ અમને કોઈને કઈ પૂછવાને બદલે સ્ટેજ ટેબલ પાસે ઉદાસ ચહેરે ઉભેલા અરુણ સામે જોઈ કહ્યું, “અહી શું થયું છે..? કેટલાક અજાણ્યા કોલ આવ્યા હતા કે કોલેજના જાદુ શોમાં કોઈ દુર્ઘટના થઇ છે.”
“હા, જાદુના શોમાંથી એક છોકરી ખરેખર ગાયબ થઇ ગઈ છે જેને જાદુગર પાછી ન લાવી શક્યો.” અરુણે આગળ આવી કહ્યું.
“વોટ?” ઇન્સ્પેકટર લેડીના ચહેરા પર નવાઈના ભાવ ડોકાયા, “એક છોકરી ખરેખર ગાયબ થઇ ગઈ...”
ઇન્સ્પેકટરનું ચોકવું વાજબી હતું. જે વ્યક્તિ જાદુ અને નાગની દુનિયા સાથે જોડાયેલ ન હોય એના માટે એ વાત માનવી અશક્ય હતું.
“હમમ.. રૂકસાના મારો મિત્ર શો કરી રહ્યો હતો ત્યારે એણે એક છોકરીને જાદુથી ગાયબ કરી પણ એને પાછી ન લાવી શક્યો..” અરુણ બોલતી વખતે પણ એના મનમાં એ દ્રશ્ય ફરી દેખાઈ રહ્યું હોય એમ ધ્રુજી ઉઠ્યો.
અરુણે ઇન્સ્પેકટર લેડીને એના નામથી બોલાવી એ પરથી મને અંદાજ આવ્યો કે એ તેને પર્સનલી ઓળખતો હશે.
“એ મિત્ર ક્યા છે?” રૂકસાના સાથે આવેલ જે પોલીસ અધિકારી આટલા સમયથી ચુપ હતો એણે પ્રશ્ન કર્યો. સફેદ ગોળ ચહેરા વાળો, આછી દાઢી મૂછવાળો એ પાતળો માણસ સરલકર હતો. અશ્વિની અને રોહિતની બોડી મળી ત્યારે ઇન્સ્પેકટર કુરકુડે સાથે તે આવ્યો હતો તેથી હું તેને ઓળખી ગયો.
“એ પણ ગાયબ થઇ ગયો.” મેં આગળ વધી કહ્યું. અરુણની હાલત જોતા મને એમ લાગ્યું કે એ વધુ સવાલોના જવાબ નહિ આપી શકે.
મારો જવાબ સાંભળી સરલકર કઈ બોલવાને બદલે રૂકસાના તરફ નવાઈથી જોવા લાગ્યો. રૂકસાનાની આંખોમાં પણ એ જ નવાઈ હતી.
“સરલકર, સ્પોટની ઇન્વેસ્ટીગેસન કરો.”
“શેના માટે મેમ..?”
રૂકસાના એને જોઈ રહી કદાચ એની પાસે કોઈ જવાબ ન હતો.
“મેમ કોઈ તપાસ થઇ શકે એમ નથી..” સરલકરે કહ્યું, “સ્ટેજ પર અત્યારે પણ દશ જેટલા માણસો છે. એમના ફિંગર પ્રિન્ટ મળશે, બાકીના ફિંગર પ્રિન્ટ સ્ટેજ ગોઠવનારા અને શોમાં ભાગ લેનારા લોકોના મળશે..”
રૂકસાના કઈ બોલી નહિ. એ જાણતી હતી અહી ક્રાઈમ સીન જેવું છે જ નહિ. કોઈનું ખૂન થયું હોય કે કોઈનું બળજબરી પૂર્વક અપહરણ થયું હોય તો પોલીસ મદદ કરી શકે પણ કોઈ એકાએક ટ્રેસ વિના ગાયબ થઇ જાય ત્યારે પોલીસ શું કરી શકે?
“હું એમાં વધુ તો કાઈ કરી શકું તેમ નથી પણ બે વ્યક્તિના આકસ્મિક ગુમ થયાનો રીપોર્ટ લખી શકીશ.” રૂકસાનાએ ખેદ વ્યક્ત કર્યો.
“થેન્ક્સ..” મેં અરુણ વાતને વધુ લંબાવે એ પહેલા જ કહ્યું, કેમકે મને ખબર હતી કે આ મામલામાં પોલીસ કોઈ મદદ કરી શકે એમ નથી. ત્યારે મને ખબર નહોતી કે એ રૂકસાના વિવેકને સારી રીતે જાણતી હતી અને એ આ કેસનો પીછો ક્યારેય છોડવાની નથી.
“રૂકસાના એક વિનંતી છે..” અરુણે તેને વિશ્વાશમાં લેવાનો પ્રયાસ કર્યો.
“હા, કેમ નહિ વિવેક મારા કઝીનનો ખાસ મિત્ર છે અને તું પણ..” તેણીએ કહ્યું. રૂકસાના વિવેકથી ફેમીલીઅર છે એ જાણ્યા પછી મને રાહત થઇ.
“આ ઘટનનાને મિડીયાથી છુપાવવી પડશે..” અરુણે કહ્યું, “કેમકે જો મીડિયામાં આ ખબર ફેલાઈ જશે તો વૈશાલી અને વિવેકને શોધવામાં વધુ મુશ્કેલી પડશે.”
અરુણ આવી પરિસ્થિતિમાં પણ એટલું વિચારી શકતો હશે તેવું મેં ધાર્યું નહોતું.
“હું સમજી શકું છું.” રૂકસાના એ ખાતરી આપી, “આમ પણ મીડિયાને કહેવા માટે કઈ છે જ ક્યા? પોલીસ એમ તો ના જ કહી શકે ને કે સ્ટેજ પરથી બે વ્યક્તિ જાદુથી ગાયબ થઇ ગયા?”
રૂકસાના અને સરલકરે જતા પહેલા વિવેક અને વૈશાલીની મિસિંગ રીપોર્ટ માટે એમના પુરા નામ નોધ્યાં અને અમને બીજી સવારે વિવેક અને વૈશાલીના ફોટો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા કહ્યું.
“કપિલ, પોલીસ આપણી મદદ નહિ કરી શકે?” રૂકસાના હોલ છોડી બહાર નીકળી એ સાથે જ નયના ઉભી થઇ મારી પાસે આવી.
મેં હકારમાં માથું હલાવ્યું. હું જાણતો હતો કે નયના અને એના પપ્પાને ક્યારેય પોલીસ પર વિશ્વાસ ન હતો. મને પણ ખાસ વિશ્વાસ ન હતો કેમકે પોલીસ આજ સુધી મારા અંકલ આંટી, અશ્વિની અને રોહિત મારા ભાઈ અને ભાભી કોઈના કાતિલને પકડવામાં કે એમની કોઈ ભાળ મેળવવામાં પણ નિષ્ફળ રહી હતી.
જોકે મને એ સમયે ખબર ન હતી કે રૂકસાના સૈયદ અલગ જ માટીની ઘડાયેલી હતી. એ જહન્નમ સુધી ગુનેગારનો પીછો છોડે એમ નહોતી અને એમાય ખાસ વિવેકનો એના પર કોઈ એવો ફેવર હતો કે જે ફેવર ચુકવવા માટે એ આકાશ પાતાળ એક કરી શકે એમ હતી.
“કપિલ, આપણે ક્યાય વિવેકને શોધવા જઈએ.” નયનાએ મારી નજીક આવી મારા ખભા પર માથું ઢાળી દીધું.
“હા, આપણે જઈશું..” હું અંદર ખાને જાણતો હતો કે એ કામ એટલું સહેલું નથી.
“કપિલ આપણે અહી કેમ ઉભા છીએ..? આપણે વિવેક અને વૈશાલીને શોધવા કેમ નથી જઈ રહ્યા..?” નયનાની આંખોમાં પાણી આવી ગયું.
મેં એને ગળે લગાવતા જ એના ડુસકા શરુ થઇ ગયા.
“નયના, તારી જાતને સંભાળ.” મેં એને શાંત કરવાનો પ્રયાસ કર્યો, “આપણે એમને શોધી લઈશું.”
“પણ ક્યારે?” નયના એકદમ ગુસ્સા સાથે મારાથી અળગી થઇ ગઈ, “આપણે એમને શોધવા કેમ નથી જતા?” તે એની આંખો પહોળી કરીને મોટા અવાજે બોલી.
“નયના..” સેજલ નયનાની નજીક જઈ ઉભી રહી ગઈ. કદાચ એની પાસે આગળ બોલવા માટે કોઈ શબ્દો ન હતા.
“તમને કોઈને વિવેકની ફિકર નથી.. તમે એના અહેસાન ભૂલી ગયા છો..” નયના બરાડી ઉઠી, “હું જઈશ.. હું એને શોધી લાવીશ...”
હું વિવશ હતો. નયના પણ વિવેક જેમ જ અતિ લાગણીશીલ હતી. હું જાણતો હતો એને સમજાવવી મુશ્કેલ કામ હતું.
“નયના, વિવેક કાઈ ગળીમાં ભૂલું પડી ગયેલું છોકરું નથી કે એને બહાર જઈને શોધી લાવીએ..” શ્લોકે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, “એને શોધવા માટે એ લોકો ક્યા છે અને આ બધા પાછળ કોણ છે એ ખબર પાડવી પડશે.”
“હા, નયના..” અરુણ આગળ આવ્યો, “હું તમારા બધાથી ખાસ પરિચિત નથી પણ વિવેક મારા માટે સગા ભાઈ જેવો છે. હું ખાસ જાદુ તો નથી જાણતો પણ મને એટલી ખબર છે કે ક્યાંથી શરૂઆત કરવી.”
“ક્યાંથી શરૂઆત કરવી?” મને નવાઈ લાગી કે અરુણ ન જાદુગર હતો કે ન નાગ હતો એને કઈ રીતે ખબર હોઈ શકે કે ક્યાંથી શરૂઆત કરવી.
“મારી ગેરેજથી..” અરુણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો, “આ બધાની શરૂઆત ત્યાંથી થઇ હતી. વિવેકના પપ્પાનું રૂપ લઈને આવેલ જાદુગરે એને એ ટુકડો ત્યાં જ આપ્યો હતો. કદાચ ત્યાં કોઈ ટ્રેસ મળી જાય.”
“તારી વાત યોગ્ય છે. એ સ્થળે કોઈ નિશાની તો....” એકાએક મારો ફોન રણકી ઉઠ્યો.
મેં ફોન નીકાળ્યો, સ્ક્રીન પર દેખાતા નામને જોઈ રહ્યો.
“તું ફોન કેમ રીસીવ નથી કરતો?” નયનાએ કહ્યું, “કદાચ વિવેકનો ફોન હોય? એણે ક્યાંકથી મદદ માટે ફોન કર્યો હોય?”
“એના પપ્પા છે?” મેં સ્ક્રીન નયના તરફ ફેરવી, “કદાચ એમને હકીકતની જાણ થઇ ગઈ હશે તો?”
“તું ફોન રીસીવ તો કર.. કદાચ વિવેકના કોઈ સમાચાર એમને મળ્યા હોય. કદાચ વિવેકે એમને ફોન કર્યો હોય...”
મને નયનાની દલીલ વાજબી લાગી. બની શકે કદાચ વિવેકે એના પપ્પાને ફોન કર્યો હોય.
“હલ્લો.” મેં ફોન રીસીવ કરી કાને ધર્યો.
“કપિલ, તું અને નયના કોઈ સલામત સ્થળે ચાલ્યા જાઓ... શ્લોક અને સેજલને પણ કોઈ સેફ જગ્યાએ રહેવાનું કહેજે...”
“કેમ શું થયું છે?” મેં ડઘાઈ જતા પૂછ્યું.
“વિવેકના સમાચાર મને મળી ગયા છે. તારે હવે કઈ છુપાવવાની જરૂર નથી..” સોમર જાદુગરના આવજમા હું ખોટું બોલ્યો હતો એ જાણ્યા પછી પણ ગુસ્સો ન હતો એ જોઈ મને નવાઈ લાગી.
“વિવેક ક્યાં છે?” મને લાગ્યું કદાચ એના પપ્પાને વિવેક ક્યા છે એ સમાચાર પણ મળ્યા હોય.
“એને છેલ્લે ચેમ્બર ઓફ સિક્રેટના સભ્યોએ જોયો હતો અને એણે મ્યુઝીમ ઓફ મેજીકમાં તોડફોડ કરી છે અને ત્યાંથી ગાયબ થઇ ગયો છે. એણે ત્યાં બ્લાસ્ટ પણ કર્યો છે..” સોમર અંકલના અવાજમાં ચિંતાના સુર ઉતરી આવ્યા, “અત્યારે એ બધું છોડો અને અન્યા તેમજ નયનાને લઈને ઘરે ચાલ્યો જા. હું ન આવું ત્યાં સુધી કોઈ ક્યાય જતા નહિ.”
“આ બધું શું થઇ રહ્યું છે?” મેં પૂછ્યું.
“કઈ ખબર પડતી નથી પણ કોઈ મોટી રમત રમાઈ છે.”
“કોઈએ વિવેકને તમારા રૂપમાં આવીને એક કાપડનો ટુકડો આપ્યો હતો જેની મદદથી એ શોમાં વૈશાલીને ગાયબ કરી શકે.”
“એક જાદુગર માટે રૂપ બદલવું મુશ્કેલ કામ નથી પણ વિવેક એના રૂપને ઓળખી ન શકે એ રીતે રૂપ બદલવું અશકય છે. હું આવું એ પહેલા કઈ સમજાય એમ નથી. બસ તમે ઘરે ચાલ્યા જાવ હું તમને ત્યાં જ મળીશ. હું મુંબઈથી સીધો તારે ત્યાં જ આવીશ.”
“ઓકેય.” મેં ફોન મુક્યો.
“વિવેકે મ્યુઝીમ પર તોડ ફોડ કેમ કરી હશે?” મેં ફોન કાપતા જ નયનાએ સવાલ કર્યો, એ હવે એની નાગિન તરીકેની શક્તિઓનો ઉપયોગ કરી શકતી હતી. એ અમારા વચ્ચે ફોન પર થયેલી મંદ વાતચીત પણ સંભાળી શકતી હતી.
“ખબર નથી પણ કોઈ કારણ જરૂર હશે.” મેં હથેળીમાં ફોન પછાડ્યો, મને કાઈ સમજાતું નહોતું.
“ત્યાં બ્લાસ્ટ કરવાનું કોઈ કારણ હશે?” નયના એની આદત મુજબ સવાલો કરતી રહી.
“હા, એણે માત્ર ગુસ્સે થઈ એવું કામ નહી જ કર્યું હોય.” મેં કહ્યું. મને ખાતરી હતી વિવેક માત્ર ગુસ્સામાં એ જાદુગરોની પ્રાચીન ચીજો સાચવતા મ્યુઝીયમને બ્લાસ્ટ ન જ કરે.
“આપણે મ્યુઝીયમ ઓફ મેજિક જવું જોઈએ.”
“અંકલે શું કહ્યું તે સાંભળ્યું નહિ? આપણે એમની રાહ જોવી જોઈએ આમ પણ બધી ગરબડ થઇ ગઈ છે હવે આપણે વિવેકના પપ્પાની ગેરહાજરીમાં કોઈ કદમ લઇ વધુ ગરબડ કરવી ન જોઈએ.” મેં નયનાને સમજાવી.
નયના પણ એ વાત સારી રીતે સમજતી હતી. સોમર અંકલની ગેરહાજરીમા મ્યુઝીયમ જવાનો કોઈ ફાયદો ન હતો. માત્ર એ જ કોઈ કડી મેળવી શકે એમ હતા.
શ્લોક મારી વોલ્વો કેમ્પસમાં લઇ આવ્યો. હું નયના ને સમજાવી કાર સુધી લઇ ગયો, અમે કારમાં બેસી ઘર તરફ રવાના થયા. શ્લોક અને સેજલ પણ અમારી સાથે જ હતા. રશ્મી આ ઘટના બાદ એક શબ્દ પણ બોલી ન હતી. એ લગભગ અર્ધો હોશ ખોઈ બેઠી હતી.
રશ્મી અરુણ સાથે રૂકસાનાને મળવા નીકળી ગઈ હતી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky