Swastik - 4 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 4)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 4)

“શું સર?” રઘુ ત્યાં જ અટકી ગયો, એણે પાછળ ફરીને વિવેક તરફ જોઈ પુછ્યું.

“તારી ઘડિયાળ તારા હાથમાં સહી સલામત છે અને છતાં તું મારા ત્રણ હજાર રૂપિયા લઈને જઈ રહ્યો છે! તારી ઘડિયાળ તને મળી ગયા પછી તારા જેવા સંસ્કારી માણસો કોઈની રકમ હજમ નથી કરી જતા.”

રઘુએ પોતાના હાથ તરફ જોયું, એના કાંડામાં એની એ ઘડિયાળ પહેરેલી હતી- સ્ટેજ પર ગયા પહેલા હતી એવી જ સાજી અને નવી નકોર.

“સોરી સર...” રઘુ પાછો સ્ટેજ તરફ ગયો.

બધા પ્રેક્ષકો પોતપોતાની ઘડિયાળ જોવા લાગ્યા, દરેકની ઘડિયાળ સાજી થઇ ગઈ હતી.

“વિવેક - ધ ગ્રેટ..”

“ગ્રેટ મેજીસિયન ઓફ અવર સીટી..” જેવી આનંદની બુમોથી ફરી એકવાર ઓડીટોરીયમ હોલ ધ્રુજી ઉઠ્યો.

રઘુ આભો બની વિવેક પાસે જઈ ઉભો રહ્યો.

“હવે આમ મને જોયા જ કરીશ કે મારા ત્રણ હજાર પાછા પણ આપીશ?” વિવેકે પોતાની હેટ ઉતારી હાથમાં લીધી. હેટ હાથમાં પકડી એ હાથ લાંબો કરી હેટ રઘુ સામે ધરી અને જરાક નમીને ગ્રેટ મેજીસિયન સ્ટાઈલમાં ઉભો રહ્યો.

“હા.. હા..” રઘુ શું બોલવું એ નક્કી ન કરી શક્યો. એણે ખિસ્સામાંથી નોટોની થપ્પી નીકાળી હેટમાં મૂકી.

“હવે હું જઈ શકું?”

“એક જાદુગર સાથે હાથ ચાલાકી?” વિવેક જાણે સ્વાગત બોલતો હોય એમ બબડ્યો, “આ તને મોઘું પડશે.”

“હવે શું થયું..?” રઘુ મુંઝાયો. સ્ટેજ પરની લાઈટો વારવાર રંગ અને પેટર્ન બદલવાનું કામ ભૂલ્યા વિના કરે જ જતી હતી અને હળવું સંગીત પણ પોતાના કામ પર ધ્યાન આપી રહ્યું હતું.

“મેં તને રૂપિયા આપ્યા અને તું મને કાગળના ટુકડા આપે છે?” વિવેકે હેટમાં હાથ નાખી કાગળના ટુકડા બહાર નીકાળ્યા, “અને પોતાની જાતને મારો ફેન કહે છે?”

“મેં.. મેં નોટો જ આપી હતી...”

“તો ક્યાં છે એ નોટો..?” વિવેકે હેટ ઉલટી કરી, રઘુના ચહેરા સામે ધરી ચારે તરફ ગોળ ફેરવી બધાને બતાવી, “શું હેટ નોટોને ગળી ગઈ કે હેટે જાદુથી નોટોને કાગળના ટુકડામાં ફેરવી નાખી..?”

“મેં.. મેં નોટો હેટમાં જ મૂકી હતી..” રઘુ રઘવાયો થઇ બોલ્યો, એ સ્ટેજ પર હતો. એને ખબર હતી કે એ બધું ખોટું છે છતાં એ ભોઠપ અનુભવવા લાગ્યો. એ સામાન્ય સ્ટુડેંટ હતો કોઈ એભિનેતા નહિ. એનું ગભરાવું વાજબી પણ હતું.

“જાદુગર એણે તને નોટો આપી એ મેં જોયું...” સ્ટેજ પાછળથી એક વ્યક્તિ દાખલ થયો, એ આયુષ્યમાન હતો. વિવેકનો ખાસ મિત્ર, “જાદુગર તું લોકો પર નકામા આરોપ લગાવે છે.”

“એમ વાત છે..” વિવેકે ફિલ્મી અભિનેતાની અદાથી કહ્યું, “અને જો નોટો રઘુ પાસેથી નિકળે તો..?”

“તો હું મારુ માથું ઉતારી આપવા તૈયાર છું..” આયુષે ચેલેન્જ કરી.

“જો અજનબી એક તો તું વિવેકની વાતમાં વચ્ચે બોલ્યો છે જે જાદુગર વિવેકને જરાય પસંદ નથી અને...” વિવેક અટક્યો.

“અને શું..?”

“અને માથું ઉતારી આપવાની શરત ચૂક નહિ થવા દઉં..” વિવેક પોતાની શરત જણાવી.

“ઠીક છે.” આયુષે જરાય ખચકાયા વગર જવાબ આપ્યો.

પ્રેક્ષકો એ વિવાદને એ રીતે જોઈ રહ્યા હતા જાણે સ્ટેજ પર સાચે જ કોઈ ઘટના બની રહી હોય એમ બધા ગંભીર બની ગયા. નાગપુરના જાદુગરોની આ જ ખાસિયત હતી એ ક્યારેય શોને મામૂલી જાદુના શો જેવો ન લાગવા દેતા. કોઈ કહાની કે ફિલ્મ કરતા પણ એને વધુ રસપ્રદ બનાવી નાખવાનું હુનર એમનામાં હતું અને એમાં પણ વિવેકનો અભિનય ગજબ હતો. કદાચ એની અભિનય કળાએ જ અમને ભેડાઘાટ પરથી આબાદ બચાવ્યા હતા.

“રઘુ તારા ગજવામાંથી નોટો નિકાળ...” વિવેકે કરડાકીથી કહ્યું, “એક જાદુગરની આંખોમાં ધૂળ જોકવી અશક્ય છે.”

“મારી પાસે કઈ જ નથી..” રઘુએ માત્ર દેખાવ ખાતર પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એ ડઘાઈ ગયો, એનો હાથ સો-સોની નોટોની થપ્પી સાથે બહાર આવ્યો. પ્રેક્ષકોએ ફરી તાળીઓનો ગડગડાટ કર્યો.

“તું જઈ શકે છે..” વિવેકે પોતાના અવાજમાં જરાક નરમાશ લાવી, “આખરે તું મારો ફેન છે.”

રઘુને એ શબ્દોથી જાણે શાંતિ થઇ હોય એમ એ સ્ટેજ છોડી પોતાની સીટ તરફ પગ ઉપાડ્યા. આયુષ્યમાન પણ પાછે પગલે સ્ટેજના પાછળના ભાગ તરફ જવા લાગ્યો હતો.

“તું નહિ જઈ શકે અજનબી...” વિવેકના અવાજમાં ફરી બનાવટી ગુસ્સાના ભાવ ઉભરાયા.

“હું.. હું...” આયુષ્યમાન તોતડાવા લાગ્યો, “હું કેમ નહિ?’

“તારું માથું ઉતારી આપવાનું તે વચન આપ્યું હતું..” વિવેક ખંધુ હસ્યો, “લોકોમાં દાખલો તો બેસવો જ જોઈએ ને કે ખોટી સાક્ષી ભરવાની શું સજા થાય છે..?”

“હા, દાખલો બેસવો જ જોઈએ..” પ્રેક્ષકોના શબ્દોથી હોલ ગુંજી ઉઠ્યો.

વિવેકની આ જ માસ્ટરી હતી, એ લોકોને પોતાની આગળની ટ્રીક જોવા માટે બેબાકળા બનાવી દેતો. ત્યારે પણ એ જ થયું. લોકો એની આગળની ટ્રીક જોવા માટે અધીરા બની ગયા. અન્યાને કદાચ એ સ્ટેજ પર શું થઇ રહ્યું એ સમજાયુ નહી પણ એ વિવેક મામાને અજીબ કપડામાં જોઈ આનંદ અનુભવી શકતી હતી. એની આંખો સ્ટેજ પર જ હતી.

“અજનબી, મારી પાસે આવ..”

આયુષ્યમાન આજ્ઞાંકિત બાળકની જેમ વિવેક સામે જઈ ઉભો રહ્યો.

“તારી પેન આપ.” વિવેક બીજો આદેશ કર્યો.

આયુષ્યમાને ફરી આજ્ઞાંકિત બાળકની જેમ પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં ભરાવેલી પેન વિવેકના હાથમાં આપી.

“હવે સજા ભોગવવા તૈયાર થઇ જા..”

વિવેકના શબ્દો હવામાં ઓગળી જાય એ પહેલા પેન એક લાંબી તલવારમાં ફેરવાઈ ગઈ, પ્રેક્ષકોની ચિચિયારીઓથી હોલ ધ્રુજી ઉઠ્યો. વૈશાલી તો પોતાની સીટ પરથી ઉભી થઇ તાળીઓ પડવા લાગી.

“તું બેસી જા..” સેજલે એનો હાથ પકડી એને સીટ પર બેસાડી, “તારે સ્ટેજ પર જવાને હજુ વાર છે.”

વિવેકે તલવાર વીંઝી અને આયુષ્યમાનનું માથું તેના ધડથી અલગ થઇ જમીન પર પડ્યું, ધડ પણ એના પછી તરત જ જમીન દોસ્ત થઇ ગયું.

પ્રેક્શોમાં બેઠેલી છોકરીઓ ગભરાઈને ચીસો પાડવા લાગી, ખુદ વૈશાલી પણ ચીસ પાડી ઉઠી. મેં વિવેકને મારા ઘર પાછળના જંગલમાં સાચા ગુસ્સા સાથે દુશ્મનોના માથા કાપતા જોયો ન હોત તો હું પણ ચીસ પાડી ઉઠી હોત પણ મારા અને કપિલ માટે એ ટ્રીક જોવી ખાસ ચોકવા જેવું ન હતું. મેં કપિલ તરફ જોયું, અમારી આંખો મળી અને હું એ ડીપ ગોલ્ડ આંખોમાં ડૂબી શો જોવાનું ચુકી જાઉં એ પહેલા મેં નજર સ્ટેજ તરફ ફેરવી લીધી. એ આંખોની મોહિની અદભુત હતી છતાં મારે શો જોવો હતો એટલે કમને પણ નજર સ્ટેજ તરફ ફેરવવી પડી. કયાંક વૈશાલીના ધ્યાનમાં આવી જાય કે હું વિવેકના શોને બદલે કપિલના ચહેરાને જોઈ રહી હતી તો એ મારા સાથે અઠવાડિયાના અબોલા લઈ લે.

મેં સ્ટેજ પર નજર કરી ત્યારે હું પણ નવાઈથી ડઘાઈ ગઈ કેમકે સ્ટેજ પર આયુષ્યમાનનું ધડ કે માથું કઈ જ નહોતું. અરે ત્યાં લોહીનું એક બુંદ પણ ન હતું. આમ પણ વિવેકે જયારે એનું માથું કાપ્યું ત્યારે લોહી તો દેખાયું જ નહોતું એ મારા ધ્યાનમાં પાછળથી આવ્યું. અમારી નવાઈ વચ્ચે સ્ટેજ પાછળના ભાગમાંથી આયુષ્યમાન ફરી સ્ટેજ પર દાખલ થયો. એના હાથમાં લાકડાની એક ખુરશી હતી.

“હાય વિવેક...” એણે ખુરશી ફ્લોર પર ગોઠવી, એ જ સ્થળે જ્યાં હમણા થોડાક સમય પહેલા એ ડેડબોડીની જેમ પડ્યો હતો.

આ વખતે એણે અલગ જ કપડા પહેરેલા હતા.

“હાઉ આર યુ યંગ મેજીશિયન?” એ જાણે પહેલીવાર સ્ટેજ પર આવ્યો હોય અને કઈ બન્યું જ ન હોય એમ લાપરવાહીથી પૂછ્યું.

“ફા.. ફાઈન...” વિવેક એને આભો બની જોઈ રહેવાનો ડોળ કરવા લાગ્યો અને ફરી એકવાર હોલ તાળીઓના ગગડાટથી ધ્રુજી ઉઠ્યો.

“તો મિત્રો હવે આખરી જાદુ જે સૌથી મૂશ્કેલ છે એનો સમય આવી ગયો છે.” વિવેકે ફરી હેટ માથા પર ચડાવી અને અમારી તરફ જોયું, “મિસ વૈશાલી કેન યુ વોલન્ટીયાર ટુ જોઈન ધ સ્ટેજ?”

“ઓફ કોર્સ..” વૈશાલીનો અવાજ તેની ખુશી વર્ણવી રહ્યો હતો, જતા પહેલા તેણીએ મારા કપિલ અને સેજલ તરફ વેવ કર્યું, શ્લોકે એના ચોકલેટી સ્વભાવ મુજબ અદાથી માથું હલાવ્યું. રશ્મી એને ખુશીથી સ્ટેજ તરફ જતી જોઈ રહી.

વૈશાલી સ્ટેજ પર પહોચી ત્યારે ઓવર જોય હતી. એનો ચહેરો એના હૃદયની ખુશી માંડ સમાવી શકતો હતો.

“એન્ડ નાઉ ધ મોસ્ટ અવેઇટીન્ગ મેજિક ઈઝ ગોઇંગ ટુ બી પરફોર્મડ...” સ્લો મ્યુઝીક લાઉડ થયું અને એ સાથે જ ઉપર લટકતા બલુન ફૂટ્યા અને એમાંથી રંગબેરંગી કાગળના ટુકડા વૈશાલી પર વરસવા લાગ્યા. વિવેકે વૈશાલીનો હાથ પકડી કોઈ રાજકુમારીને એના થ્રોન પર બેસાડતો હોય એમ લાકડાની ખુરશી પર બેસાડી. વૈશાલીના હૃદયના ધબકારા વધી રહ્યા હોય એવું એના ખભાના હલન-ચલન પરથી મને લાગ્યું.

“આર યુ ફીઅર્ડ...?” વિવેક તેની આંખોમાં જોઈ રહ્યો.

“નેવર.. ઇફ યુ આર વિથ મી..” વૈશાલીના અવાજમાં મક્કમતા હતી જે એના પ્રેમની પરાકાષ્ટા દર્શાવી રહી હતી.

“રીયલી..?”

“હમમ..” વૈશાલીએ હકારમાં માથું હલાવ્યું.

“હું તને ગાયબ કરવા જઈ રહ્યો છું..” વિવેકે ધીમેથી એના કાનમાં કહ્યું, એ અવાજ અન-ઓડીબલ હતો. કોઈ પ્રેક્ષકને નહિ સંભળાયો હોય પણ એક નાગિન તરીકે હું એ અવાજ સંભાળી શકતી હતી. કપિલના નાગમણીના સંપર્ક પછી મને મારો ગયો જન્મ યાદ આવી ચુક્યો હતો અને એ સાથે જ આ જન્મમાં પણ હું એક નાગિન જ છું બસ ગયા જન્મ જેમ હું મારી શક્તિઓથી અજાણ છું એ બાબત જાણી ચુકી હતી.

કપિલ, સેજલ અને શ્લોકે મને ટ્રેન્ડ કરવાનું શરુ કર્યું હતું અને હું રૂપ બદલવા અને કોઈના મનને વાંચી શકવા સિવાયની મોટા ભાગની ચીજો શીખી ચુકી હતી.

મારી તાલીમના દરેક પળે મને બાલુ અને ઓજસ યાદ આવતા. અનન્યાને એમણે જ ટ્રેન્ડ કરી હતી. એ વરુણના ખાસ મિત્ર હતા. તેઓ યાદ આવતા મારી આંખો નમ થાય એ પહેલા મેં વિચારોને ફંગોળી સ્ટેજ તરફ આંખો જમાવી.

“તું મને કાયમ માટે ગાયબ કરે એની જ તો રાહ જોઈ રહી છું.” વૈશાલીએ પણ એટલા જ મંદ અવાજે જવાબ આપ્યો અન એ તેના ખંજનવાળા ગાલમાં સંચાર થયો. તે મીઠું હસી.

“નાઉ ધ ફાઈનલ મેજિક...” વિવેકે પોતાના ખિસ્સામાંથી કાળા રંગનો એક હાથ રૂમાલ કરતા જરાક મોટા કદનો કાપડનો ટુકડો નીકાળી એને પોતાના બંને હાથમાં પડકી પ્રેક્ષકો સામે આમ તેમ ફેરવી જોયો.

એ માત્ર એક સામાન્ય કાપડનો ટુકડો હતો. જોકે એ સામાન્ય તો ન જ હતો કેમકે એની મદદથી જ વિવેક એ કરતબ કરી શકાવનો હતો. મેજિક નીડ ઇન્સ્ટ્રુમેન્ટ એ મને ઘણીવાર કહેતો. અને તું એ ઈન્સ્ટ્રુમેન્ટ ક્યાંથી લાવે છે એમ પૂછતી ત્યારે એનો જવાબ હોતો છે એક સનકી. એ બસ આખો દિવસ આવી ચીજો બનાવ્યે જ રાખે છે. વિવેકનો કોઈ એક ઓળખીતો જે કોઈ જૂની લાયબ્રેરીમાં રહેતો એ એના માટે આવા સાધનો બનાવતો. હું એને હજુ મળી નહોતી.

વિવેકે ફરી એકવાર એ કાપડનો ટુકડો ઓડીયન્સ સામે ફરકાવ્યો અને જેવો એ ટુકડો વૈશાલીને ઓઢાડ્યો જાણે એ ટુકડો વૈશાલીને ગળી ગયો હોય એમ વૈશાલી ગાયબ થઇ ગઈ. એ લાકડાની ખુરશી બિલકુલ ખાલી થઇ ગઈ. એ ખુરશી પર એ કાપડનો ટુકડો પણ ન રહ્યો, એ ટુકડો પણ વૈશાલી સાથે જ ગાયબ થઇ ગયો.

વિવેક ફાટી આંખે એ ખુરશીને જોવાનો ડોળ કરવા લાગ્યો અને ફરી એકવાર હોલ પ્રેક્ષકોની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો.

એક પળના એ કોલાહલ પછી હોલમાં ફરી પીન ડ્રોપ સાયલેન્સ વર્તી ગઈ. દરેક નજરો સ્ટેજ તરફ મંડાઈ. બધી ઉત્સુક આંખો એ ખુરશીમાં વૈશાલી ફરી પ્રગટ થાય એની રાહ જોવા લાગી.

લગભગ બે ત્રણ મિનીટ એમ જ પસાર થઇ ગઈ. પણ કઈ જ ના થયું. વૈશાલી પાછી ન આવી.

“વી નો ઈટ’સ યોર ટ્રીક..” એક પ્રેક્ષકે બુમ પાડી.

મેં વિવેકના ચહેરા તરફ ધ્યાન આપ્યું. મને નવાઈ લાગી.

એ કેમ હજુ મુંઝાઈને ઉભો હોવાનો ડોળ કરી રહ્યો છે?

પ્રેક્ષકો જાણી ગયા હતા કે એ વૈશાલીને પાછી નથી લાવી શકતો એવો દેખાવ કરી રહ્યો છે.

એની ટ્રીક પકડાઈ ગયા પછી પણ એ કેમ એને લાંબી ખેચી રહ્યો છે?

“એ એને પાછી નથી લાવી શકતો..” કપિલ ખુરશીમાંથી ઉભો થયો, “કઈક ગરબડ છે.” કપિલે અન્યા સેજલના હાથમાં સોપી અને સ્ટેજ તરફ દોડ્યો.

હું પણ એની પછળ સ્ટેજ તરફ દોડી. એ એને પાછી નથી લાવી શકતો. એ શબ્દોની ભયાનકતા હું સમજતી હતી. વિવેક વૈશાલીને પાછી નથી લાવી શકતો મતલબ કોઈ જાદુગરે એને ખલેલ કરી હતી. વૈશાલી ગાયબ થઇ એ સમયે તે જાદુની દુનિયામાં હશે એ સમયે કોઈએ એને ત્યાજ રોકી લીધી. એનું જાદુ વિવેકના જાદુ કરતા શક્તિશાળી હશે માટે વિવેક વૈશાલીને પછી લાવી નહી શક્યો હોય.

એ કેટલું ભયાવહ હતું એ હું જાણતી હતી. જાદુની દુનિયામાંથી પાછા ન આવી શકવું એ મોત કરતા પણ ભયાનક સ્થિતિ હતી. શ્લોક પણ સ્ટેજ પર દોડી આવ્યો.

“શું થયું વિવેક...?” મેં સ્ટેજ પર પહોચતા જ કહ્યું. શું થયું હશે એ કલ્પના પણ મને ધ્રુજાવી નાખતી હતી.

“સ્ટે અવે...” વિવેકના અવાજમાં ગુસ્સો અને ડર બંને ભળેલા હતા. મેં એની આંખો અને અવાજમાં ગુસ્સો જોયા હતા પણ ડર..? ક્યારેય નહિ. નેવર. ડર શબ્દ એની ડીક્ષનરીમાં હતો જ નહિ - વિવેક ડરથી અજાણ હતો પણ...?

મેં એને પહેલા ક્યારેય ગભરાયેલ જોયો નહોતો.

“વોટ હેપન્ડ..?” કપિલે એના ખભા પર હાથ મુક્યો.

“સ્ટે વિથ અન્યા...” એણે એક જાટકો આપી કપિલનો હાથ એના ખભા પરથી હટાવ્યો. તેનો ચહેરો ભયાનક બની ગયો હતો. તેની આંખોમાં ભેડિયા જેવી લાલ રતાશ સેકન્ડોમાં ઉપસી આવી.

“પણ થયું છે શું?” આયુસ્યમાન પણ એની નજીક પહોચી ગયો.

“ટ્રેપ..”

એ વિવેકના આખરી શબ્દો હતા. એ શબ્દો સાથે જ એ સ્ટેજ પરથી ગાયબ થઇ ગયો. જાણે પાણીમાં પલળ્યા પછી કાગળ પરના અક્ષરો ગાયબ થાય એમ એ ધીમે ધીમે હવા બની હવામાં ભળી ગયો.

હું ફાટી આંખે સ્ટેજ પર એ જ્યાં ઉભો હતો ત્યાં જોઈ રહી.

કોઈને સમજાયુ નહી કે શું થઇ રહ્યું છે. વૈશાલી અને વિવેક ગાયબ થઇ ગયા હતા. સ્ટેજ પર એમની ક્યારેય કોઈ હાજરી હતી એનું કોઈ એધાણ પણ ન રહ્યું.

શો પત્યા પછી વિવેક વૈશાલીને પ્રપોઝ કરવાનો હતો. એકાએક શું થયું?

“કપિલ..” મેં હોશ સંભાળતા કપિલને સવાલ કર્યો, “શું થયું હતું?”

“વિવેક એકાએક ગભરાવા લાગ્યો હતો. મેં એને ગભરાતો જોઈ એનું મન વાંચ્યું, એ વૈશાલીને ગાયબ કરતાની સાથે જ ડરવા લાગ્યો હતો.”

“પણ કેમ?” શ્લોકના અવાજમાં પણ ડરની ધ્રુજારી હતી.

નાગમંડળની લડાઈ પછી અમારું જીવન છેલ્લા દોઢેક વર્ષથી શાંત પસાર થઇ રહ્યું હતું અને એકએક આ ઘટનાથી શ્લોક છળી ઉઠ્યો હતો.

“વૈશાલી ગાયબ થતા જ એ ગભરાઈ ગયો કેમકે વૈશાલીને પાછી લાવવા માટે એને જે કાપડનો ટુકડો વૈશાલીને ઓઢાડ્યો હતો એ કાપડની જરૂર પડે તેમ હતી અને એ ટુકડો તો વૈશાલી સાથે જ ગાયબ થઇ ગયો હતો.”

“એણે મંત્રમાં કોઈ ભૂલ કરી હતી?” સેજલ પણ અન્યાને તેડીને સ્ટેજ પર દોડી આવી હતી. રશ્મી અવાક બની ગઈ હતી. એ કશું બોલી શકે એમ નહોતી. એ જાણતી હતી વિવેક વૈશાલીને કેટલુ ચાહતો હતો. અમે પણ બધા જાણતા હતા કે જે પળે વિવેકના હૃદયમાંથી વૈશાલી ગાયબ થયાનો ડર દુર થશે એ જ સમયે એનો ગુસ્સો ભડકી ઉઠશે - એ ગુસ્સો જે ક્યારેય ન ભડકે એની અમે હમેશા દુવા કરતા હતા. એને મેં ગુસ્સામાં જોયો હતો. કપિલ પણ ગભરાતો હતો કેમકે એ પણ વિવેકના ગુસ્સાથી પરિચિત હતો.

કપિલે મને વાત કરી હતી કઈ રીતે તપનનું મૃત્યુ થયું અને એ જોઈ વિવેક ડઘાઈ ગયો હતો. જયારે વિવેક કઈ અજુગતું જુવે એ ડઘાઈ જતો પણ જે પળે એનો ડર ગાયબ થતો એ સાથે એનો ગુસ્સો લાવાની જેમ બહાર નીકળી પડતો. તપનને મરતો જોઈ એની નાગીને જોડું તૂટતા જ આત્મહત્યા કરી લીધી હતી અને વિવેકે પોતાના ગુસ્સા પરથી કાબુ ગુમાવી એ માટે જવાબદાર દરેકને રહેશી નાખ્યા હતા.

મને એના ગુસ્સાનો ડર હતો અને એનો વૈશાલી ગાયબ થયાનો શોક ખતમ થતા જ એ ગુસ્સો લાવાની જેમ બહાર આવે એમ હતો. એને અમારી જરૂર હતી. એને સાંત્વનાની જરૂર હતી. એની આસપાસ એવા કોઈ વ્યક્તિની જરૂર હતી જે એને શાંત કરી શકે પણ એ વૈશાલી પાછળ જ સ્ટેજ પરથી ગાયબ થઇ ગયો. પણ કેમ?

“ના, એણે કોઈ ભૂલ કરી નથી..” કપિલનો અવાજ ધ્રુજતો હતો, “એને મીસાચી બોલવાનો મોકો જ મળ્યો નહોતો. કાપડનો ટુકડો મુકતા જ એ ટુકડાએ આપોઆપ અસર કરી એ વૈશાલીને ગળી ગાયબ થઇ ગયો.” વાત કરતી વખતે કપિલ ચારેય તરફ જોતો રહ્યો.

“તો શું થયું હશે?” મારા ધબકારા વધવા લાગ્યા, “એણે એ ટુકડો ક્યાંથી લાવ્યો હતો?”

“એના પપ્પા પાસેથી..”

“તો એમને કોલ કર...” મેં ફોન નીકાળી ખુદ જ ફોન લગાવ્યો, “અંકલ હું નયના બોલું છું. તમે ક્યા છો?”

“હું મુંબઈ છું. બે દિવસથી ત્યાં જ હતો..”

“અહી...” હું આગળ કાઈ બોલું એ પહેલા કપિલે મારા હાથમાં થી ફોન ઝૂંટવી લીધો અને કટ કરી નાખ્યો.

“તે ફોન કેમ ઝુટવી લીધો?” મેં ચીસ પડતા પૂછ્યું, “તે મને વાત કેમ ન કરવા દીધી?”

“કેમકે એના પપ્પાએ કહ્યું કે એ બે દીવસથી બહાર છે.” કપિલ ફોન પર થતી ધીમી વાત પણ સંભાળી શકતો હતો, “અને મેં વિવેકનું મન વાંચ્યું હતું. એની મેમેરી મુજબ એના પપ્પા એને હમણા અરુણની ગેરેજ પર મળ્યા હતા..”

“એટલે કોઈ છળ કરી ગયું..?” સેજલનો અવાજ ફાટી ગયો. તેની પાતળી ગરદનમાં ભયની કંપારી છૂટી.

“હા, એટલે જ વિવેક જતા પહેલા ટ્રેપ એમ ચિલ્લાયો હતો.”

પ્રેક્ષકોમાં પણ હોહા અને કોલાહલ વધી ગયો હતો. થોડાક સમય સુધી તો બધા સત્બ્ધ બની ગયા હતા પણ પછી ચેતના આવી હોય એમ આઘા પાછા થઇ ગયા હતા. મોટા ભાગની છોકરીઓ તો ગભરાઈ ગઈ હતી. એમનામાં આગળ શું થાય છે એ જોવા કે રોકાવાની હિમ્મત બચી નહોતી.

કોઈ સમજદાર કોલેજીયન છોકરે અગમચેતી વાપરી પોલીસને કોલ કરી નાખ્યો હતો. માટે થોડાક સમયમાં પોલીસનું સાયરન સાંભળવા મળ્યું. અમે બધા કોઈ નિર્ણય પર ન આવી શકીએ એ હાલતમાં સ્ટેજ પર ઉભા હતા.

શું કરવું કોઈને કઈ સમજાતું નહોતું. ફરી એકવાર અમારા જીવનમાં કશુંક ભયાનક થવા જઈ રહ્યું હતું...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky