સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 65
એ પછી કેટલીક ફરજિયાત વિધિઓ થઈ હતી. સૌના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. ચહેરા પર તલ, મસા કે ઈજાના નિશાન હોય તો તેની નોંધ કરવામાં આવી હતી. કેસી બીજા લૂંગીધારીઓને ગોળ કુંડાળામાં ઊભા રાખીને કશુંક કહી રહ્યો હતો અને સૌ અદબભેર તેને સાંભળી રહ્યા હતા.
'આદમી છે ફાંકડો...' ઝુઝારે રાઘવની સ્હેજ નજીક સરકીને ધીમા અવાજે કહ્યું.
'હમ્મ્મ્...' રાઘવે હિપ પોકેટમાંથી ગન, કાંડા પરથી ઘડીયાળ વગેરે ઉતારતા ક્હ્યું, '...પણ હિરને તેનો સંપર્ક કઈ રીતે કર્યો એ ન સમજાયું...'
'નો ક્વેશ્ચન... નો આન્સર' ઝુઝારે અદ્દલ કેસીની સ્ટાઈલમાં ચાળા પાડીને રાઘવના ખભે ધબ્બો મારી દીધો. રાઘવ અચંબાથી જોઈ રહ્યો. સાલો આ લઠૈત પણ હવે અહીં આવીને તેને ગણકારતો ન હતો...
બે કલાક પછી...
ચોખાના લોટના જાડા રોટલા, પોલા વાંસનું અથાણું, ફણસીનું શાક એવું કઢંગુ ભોજન લઈને બપોર નમે એ પહેલાં ફરીથી હોડકામાં કાફલો રવાના થયો હતો.
આવ્યા ત્યારે કુલ ચાર હોડકા હતા આ વખતે વધુ બે હોડી આગળ જતી હતી.
તેણે હાથ લાંબો કરીને ઈશારો કર્યો હતો ત્યારે તો બોમ્દિ ઘાટી સાવ નજીક જ જણાતી હતી પણ નદીના તોફાની વહેણમાં સરકતી હોડીઓને પહેલી પહાડીનો આખો ચકરાવો લેવામાં જ પસીનો છૂટી જતો હતો. સાંજ ઢળવા આવી ત્યારે હોડીઓ કાંઠા પર લાંગરી હતી. દૂરથી નિર્જન ભાસતા કાંઠાઓ પર હોડીઓ લાંગરી એ સાથે જાણે ભોંયમાંથી પ્રગટ થયા હોય તેમ વીસેક આદમીઓ ફૂટી નીકળ્યા હતા અને ફરીથી એ જ રીતે, જરાક અમથીય બોલાશ વગર લશ્કરી શિસ્તથી વ્યવસ્થા ગોઠવાવા માંડી હતી.
એ જ ડાળખીઓ પર બાંધેલું જાડા શણનું છાપરું... જાડા વાંસના ટુકડા ફરતી ઝાંખરાની તકલાદી નાકાબંદી... એ જ શણના કંતાન પાથરેલી પથારી અને ફિંડલા વિંટેલા ઓશિકા...
રાત્રે ભોજન પછી કેસી, તેના બીજા ત્રણેક આદમી અને હિરન એક ખૂણામાં બેસીને કશીક ગુફતગુ કરી રહ્યા હતા.
દૂર નદી કાંઠે કશીક હલચલ વર્તાતી હતી. ચારેક આદમી મશાલ લઈને એ તરફ ગયા એ સાથે કેસી, હિરન વગેરે ઊભા થયા. ત્યાં હોડી લાંગરી અને છલાંગભેર અંદરથી કેટલાંક લોકો ઉતર્યા. કેસી એ દરેકને ભેટયો. હિરને હાથ મિલાવ્યા અને એ આખો ય તાયફો પોતાની બાજુ આવતો જોઈને રાઘવ, ત્વરિત વગેરે સતર્ક થઈ ગયા.
'ફ્રેન્ડ્સ... તમારા ટ્રેનર આવી પહોંચ્યા છે...' કેસીએ પોતાની બાજુમાં ઊભેલા એક આદમી તરફ આંગળી ચિંધી. મશાલના આછકલા ઉજાસમાં એ સ્પષ્ટ વર્તાતો ન હતો પણ તેણે ગ્રીન અને બ્રાઉન કલરની ઝીગઝેગ પેટર્નનો લશ્કરી ગણવેશ જેવો સૂટ પહેર્યો હતો. પગમાં વજનદાર ગમશૂઝ, માથા પર પી-કેપ, કમર ફરતા હોલ્સ્ટરની બેય બાજુ લટકતી ગન અને ચહેરા પર બાંધેલો કાળો સ્કાર્ફ... કદમાં એ કેસીથી ય નીચો હતો.
સૌ કોઈ તાજુબીભેર આ નવા આદમીને જોઈ રહ્યા.
કેસીએ ઈશારો કર્યો એટલે તે બે ડગલા આગળ વધ્યો. સૌની બરાબર સામે આવીને ઊભો ત્યારે મશાલનું અજવાળું તેના ચહેરા પર ઝળુંબવા લાગ્યું.
તેનો ચહેરો પાતળો હતો અને સ્કાર્ફ પાછળથી ડોકાતી આંખો બેહદ ધારદાર. તેણે સ્હેજ નીચું જોઈને સ્કાર્ફ ખોલ્યો, માથા પરની પી-કેપ હટાવી એ સાથે ઘેઘૂર વાળનો ઘટાટોપ છૂટીને તેના ચહેરા પર પથરાઈ ગયો.
ત્વરિતના મોંમાથી સિસકારો નીકળી ગયો. રાઘવ અને છપ્પન તાજુબીથી જોઈ રહ્યા અને ઝુઝાર પણ સ્તબ્ધ થઈ ગયો.
એ છોકરી હતી... લગભગ હિરનની ઉંમરની એ છોકરી...
'વેલકમ ગાય્ઝ...' તેણે વજનદાર શૂઝની બંને એડી ઠપકારીને કહ્યું, 'કાલથી તમારો સૌનો ચાર્જ મારી પાસે છે...' પછી તેણે ભોંય પર પાથરેલા કંતાનની પથારી તરફ આંગળી ચિંધી, 'આઈ કેન અન્ડરસ્ટેન્ડ, અર્બન લાઈફ સ્ટાઈલથી ટેવાયેલા તમને સૌને આવી પથારી પર ઊંઘ નહિ આવે બટ ડોન્ટ વરી... આજની રાત જ આવી તકલીફ રહેશે...' પછી તે કેસી અને હિરન તરફ ફરી અને ફરીથી દરેકની સામે સપાટ ચહેરે જોયું, 'આવતીકાલથી તમે એવા થાક્યા હશો કે ઊભા ઊભા ઊંઘી જશો... લેટ્સ હેવ સાઉન્ડ સ્લિપ... કાલથી તમારો દિવસ શરૃ થશે સવારે ચાર વાગ્યે...'
*** *** ***
કોણ હતી આ મુક્તિબાહિની?
કોણ હતો તેનો આ જુવાન કમાંડર કેસાંગ ત્સોરપે, જે પોતાને કેસી કહેવડાવતો હતો?
એ સમજવા માટે કેટલાંક ઐતિહસિક ઘટનાક્રમોનો ફ્લેશબેક.
વર્ષ ૧૯૫૦.
બીજા વિશ્વયુધ્ધની ભીષણ આંધી ફૂંકાઈ ચૂક્યા પછીનું જગત પારાવાર આઘાત અને અસહ્ય વેદનાના આકરા દૌરમાંથી પસાર થતું બદલાયેલા નકશાને હજુ દિગ્મૂઢપણે તાકી રહ્યું હતું. બ્રિટનના એકહથ્થુ સામ્રાજ્યનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. બ્રિટિશ ઈન્ડિયા પરથી યુનિયન જેકનો વાવટો વિંટાઈ ચૂક્યો હતો. જગતની મહાસત્તા બનવા માટે અમેરિકા અને રશિયા એકમેક સામે ખાંડા ખખડાવી રહ્યા હતા. યુદ્ધની બદહાલીમાથી માંડ ઊભા થવા મથતાં યુરોપને વહેંચી ખાવાની સ્પર્ધા બંને દેશ વચ્ચે ગળાકાપ બની રહી હતી.
એવે વખતે લુચ્ચા અને મહાખેપાની એવાં ચીને પોતાના માટે યોગ્ય સમય પારખી લીધો.
પોતાની ધૂન, પોતાની કોમલ શ્રધ્ધા અને પોતાની આગવી નીતિરીતિના કૂણા કોશેટા વચ્ચે સદીઓથી પોતાને અળગું રાખનારા તિબેટની પારાવાર બદહાલીનો શંખ નિયતિએ ફૂંકી નાંખ્યો હતો.
ચીનના સામ્રાજ્યવાદી માનસને બરાબર પીછાણતા બ્રિટિશરોએ બ્રિટિશ ઈન્ડિયાના સીમાડા સુધી ચીની ડ્રેગનને આવતો રોકવા માટે તિબેટને મદદ કરવાની નીતિ અપનાવી હતી. ચીનની પ્રચંડ તાકાત સામે ગરીબડું બિચારું લાગતું તિબેટ બ્રિટનના રક્ષણ હેઠળ હતું ત્યાં સુધી ચીને ધીરજ રાખી.
બ્રિટને ભારતને આઝાદ કર્યું અને આઝાદ ભારતની પ્રથમ સરકારે તિબેટની સ્વતંત્રતાનું વ્યુહાત્મક મહત્વ સમજવામાં જબ્બર થાપ ખાધી, ચીને તેનો એટલો જ જબ્બર ફાયદો ઊઠાવ્યો અને સાપ દેડકો ગળે એથીય વધુ આસાનીથી તિબેટને ગળી ગયું.
તિબેટ પાસે ન તો શસ્ત્રો હતા, ન તાલીમ પામેલા લડવૈયા કે ન હતો દોરવણી આપનાર કોઈ વ્યુહબાજ સેનાપતિ.
સરળ સ્વભાવ અને એથી ય વધારે સાદી જીવનરીતિથી જીવતાં હજારો ગરીબડાં, નોંધારા તિબેટીઓ ભૂંડેહાલ મોતને ભેટયા. પાટનગર લ્હાસા ભણી આગેકૂચ કરી રહેલા ચીનના વિકરાળ સૈન્યે ધાક બેસાડવા માટે બેરહેમ અત્યાચારો ગુજાર્યા. સંખ્યાબંધ સ્ત્રીઓ પાશવી બળાત્કારનો ભોગ બની. સેંકડો લોકોને આંખોમાં ખીલા ભોંકી-ભોંકીને જંગાલિયતભરી રીતે મોતને ઘાટ ઉતારાયા.
ભગવાન ગૌતમ બુધ્ધને પ્રચંડ આસ્થાથી ભજતા તિબેટીઓએ સદીઓથી શસ્ત્રો ઝાલ્યા ન હતા. જમીન ખોદવાથી નીકળતા જીવ-જંતુને ય એકએક કરીને સલામત જગ્યાએ મૂકી આવતાં તિબેટીઓએ હિંસા કદી આચરી ન હતી. સદીઓથી બાકીની દુનિયા સાથેનો નાતો છોડી ચૂકેલા એ લોકો માટે કપટ, ક્રુરતા અને કુટિલતા જેવા શબ્દો જ અજાણ્યા હતા.
- અને આવી ભોળુડી પ્રજા પર અમાનુષી સિતમનો કોરડો વિંઝાઈ રહ્યો હતો.
એવા બર્બર માહોલમાં પ્રજાના એક વર્ગે અત્યાચારથી વાજ આવીને આખરે હથિયાર ઉગામ્યા. શાંતિપ્રિયતા અને અહિંસક પ્રકૃતિનો અંચળો ફગાવીને આતંકનો પ્રતિકાર આતંકથી કરવા નીકળેલા એ હતા ખામ્પાઓ.
મધ્ય-પૂર્વ તિબેટના અડાબીડ પહાડોમાં વસતાં ખામ્પાઓ ચંગીઝખાન અને કુબ્લાઈખાન અને હલાકુ જેવા બર્બર તાનાશાહોના જુલ્મો સામે તલવારની ધારે લડી ચૂક્યા હતા. ઉગ્ર મિજાજ, આક્રમક તેવર અને પ્રચંડ સાહસ એ હતી ખામ્પાની ઓળખ.
ચીનાઓનું લશ્કર હતું ૪૦ હજારનું અને તેમની સામે જંગ માંડવા ઊભા થયેલા ખામ્પાઓની સંખ્યા આરંભે હતી ફક્ત દોઢ હજાર. ચીનાઓ પાસે મોર્ટાર તોપ, હેવી એસોલ્ટ મશીનગન અને ઓટોમેટિક પિસ્તોલ હતી. તિબેટની વેરાન, ભીષણ અને પહાડી જમીન ધડબડાવવા માટે અત્યાધુનિક ટેન્ક હતી. આકાશમાંથી આગ વરસાવતા વિમાનોનો કાફલો ય હતો.
જ્યારે ખામ્પાઓ પાસે શસ્ત્રોના નામે હતી ફક્ત બોલ્ટ એક્શન રાઈફલ અને વાહનના નામે હતું યાક.
એમ છતાં વતનની રખેવાળી માટે માથે કફન બાંધીને નીકળેલા ખામ્પાઓ ચાર વરસ સુધી પ્રચંડ તાકાતવાન ચીની લશ્કરને હંફાવતા રહ્યા.
નજીવુ સંખ્યાબળ, વામણાં તેમજ જૂનવાણી શસ્ત્રો છતાં ખામ્પાઓને શક્તિશાળી ચીનાઓ સામે બાથ ભીડવા પ્રેરનારા ત્રણ ખામ્પા સરદારો હતા, રોન્ગ્નુ જીંગ્વાન, ગેમ્પો તાશી અને યોદોન ત્સોરપે.
સતત વધી રહેલી ચીનાઓની તાકાત અને છેક લ્હાસા સુધી તેમણે પાથરી દીધેલી આણ પછી આખરે જ્યારે સર્વોચ્ચ ધર્મસત્તાના પ્રતીક સમા સ્વયં દલાઈ લામાનો જીવ જોખમમાં મૂકાયો ત્યારે એક મધરાતે ભવ્ય પોટાલા પેલેસની પછીતનું ભોંયરું ખુલ્યું.
ભોંયરાની સાંકડી બખોલમાંથી બહાર નીકળેલા બે આદમીઓએ આબાદ રીતે ગોઠવાયેલા પથ્થરો એક પછી એક હટાવવા માંડયા. એકાદ કલાકની તેમની જહેમત પછી સાંકડી બખોલ હવે પહાડમાંથી પ્રગટેલા પાતાળ મહેલના વિરાટ દરવાજા જેવી લાગતી હતી.
અંદર મશાલ પેટાવીને તેમણે સંકેત આપ્યો એટલે થોડી વારમાં યાક પર સવાર કેટલાંક સૈનિકો બહાર આવીને હારબંધ અદબભેર ગોઠવાઈ ગયા. સૈનિકો પાછળ લાલ, ગુલાબી, ભૂરા પત્તા મઢેલું છત્ર અને ચામર ઝાલીને એક સવાર બહાર આવ્યો. છત્રને જોઈને સૌએ ગરદન ઝુકાવી દીધી. છત્રધારી સવારની પાછળ વધુ એક યાક બહાર નીકળ્યું. તેના પર એક લબરમૂછીયો જુવાન સ્થિતપ્રજ્ઞાપણે બેઠો હતો.
ગરમ કપડાંમાં વિંટાયેલા તેના ચહેરા પર ફક્ત ઓજસ્વી આંખો તગતગતી હતી અને આંખોના તેજમાં પ્રજ્વલિત થઈ રહ્યો હતો અપાર વિષાદભાવ... પૂર્વજોની પવિત્ર ભૂમિ છોડવાનો વિષાદ...
એ હતા હજારો તિબેટીઓનું પ્રચંડ આસ્થા કેન્દ્ર ગણાતા દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સો.
દોઢ હજાર વર્ષની અતિભવ્ય અને પ્રબુધ્ધ લામા પરંપરાનો સંકેલો કરવાનું અને પછી આજીવન બે-વતન થઈને સંઘર્ષરત રહેવાનું માત્ર ૨૪ વર્ષની વયે તેમના નસીબમાં લખ્યું હતું.
સૌએ ભાવસભર ચહેરે દલાઈ લામા સામે નજર માંડયા વિના સાષ્ટાંગ પ્રણામ કર્યા. પગે ચાલતા આવેલા કેટલાંક સાધુઓએ પથ્થરની આડશ શોધીને માખણનો દીવો પ્રગટાવ્યો. સ્હેજપણ અવાજ ન થાય તેની તકેદારી રાખીને ઘૂંઘરુ જેવા એક પવિત્ર વાદ્યનો સાવ આછો છનકારો કર્યો. દબાયેલા સિસકારા જેવા અવાજે ફક્ત હોઠ ફફડાવીને 'ઓમ્ મણિ પદ્મે હુમ્...' મંત્રના જાપ થયા.
બસ, આટલી જ અમથી વિધિ પતાવીને કાફલો ભોંયરાનો ઉબડખાબડ ઢાળ ઉતરીને ચાલતો થયો. દૂર જઈને દલાઈ લામાએ યાક થોભાવ્યું. સજળ આંખે ગરદન ઘુમાવીને પાછળ ફરીને જોયું અને પછી નજર ફેરવી લીધી.
- ત્યારે ભીષણ કાળરાત્રિનું વેરાન અંધારું ઓઢીને ૧૨ માળના ૧૦૦૦ ઓરડામાં ટૂંટિયું વાળીને ચોધાર આંસુએ રડી રહ્યો હતો પોટાલા પેલેસ...
એ તારીખ હતી ૧૭ માર્ચ, ૧૯૫૯.
ચીનાઓનો જડબેસલાક જાપ્તો છતાં તેમને અંધારામાં રાખીને કાજળઘેરી રાતે નાસી છૂટેલા દલાઈ લામાના કાફલામાં ૩૫ ખચ્ચરની પીઠ પર ઠાંસોઠાંસ લાદેલા પુસ્તકો, હસ્તપ્રતોના ખોખાં હતા. એ સિવાય સોળ સૈનિકો, બે રસોઈયાઓ, ત્રણ લામાઓ, રસ્તો બતાવનારા ચાર ભોમિયા અને ફક્ત બે મહિલાઓ હતી. એક મહિલા હતી દલાઈ લામાની બહેન અને બીજી સ્ત્રી એટલે ખામ્પા સરદાર યોદોન ત્સોરપેની પત્ની યોશુ.
યોશુ ત્યારે ગર્ભવતી હતી. લડાયક મિજાજનો યોદોન ભીષણ પહાડીઓની કારમી કરાડો પર ચીની લશ્કર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો ત્યારે તેની ગર્ભવતી પત્ની પોટાલા પેલેસમાં આશરો લઈ રહી હતી. દલાઈ લામાના માથે જોખમ ઊભું થયું અને નાછૂટકે તેમણે ધર્મસત્તા ટકાવી રાખવા માટે દેશ છોડી જવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ગર્ભવતી યોશુને હઠાગ્રહપૂર્વક પોતાની સાથે લીધી હતી.
૧૪ દિવસની આકરી રઝળપાટ પછી કાફલાએ જે સ્થળે પહેલો લાંબા ગાળાનો ડેરો નાંખ્યો એ સ્થળ એટલે અરુણચાલ પ્રદેશનું તવાંગ.
અતિશય મુશ્કેલ મુસાફરી, વતન તિબેટમાં ભડકેલા જીવલેણ હુતાશનમાં લડી રહેલા પતિની ચિંતા અને વતન છોડવાની પારાવાર વેદના હેઠળ તવાંગ પહોંચેલી યોશુએ ત્રીજા જ દિવસે અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો. પૂર્વ તિબેટની પ્રતાપી ખામ્પા રિયાસતના એ એકમાત્ર વારસને મહામહેનતે બચાવી શકાયો.
એ ભારતમાં જન્મ્યો હતો. ભારતમાં તેના પૂનિત પગલાં સમગ્ર તિબેટ માટે શુકનવંતા નીવડે એવી પ્રાર્થના સાથે દલાઈ લામાએ તેને ભારતીય નામ આપ્યું હતું અનિરુધ્ધ. જેનો તિબેટિયન ઉચ્ચાર થઈ ગયો એનરોદ.
એનરોદ ત્સોરપે.
દલાઈ લામાના મોટાભાઈ થુપટેન જોગ્મેની સીધી દેખરેખ હેઠળ ઉછરેલા એનરોદ ત્સોરપેને તે દસ વરસનો થયો ત્યાં સુધી ખબર જ ન હતી કે તેનો બાપ યોદોન ત્સોરપે તો, દલાઈ લામાએ તિબેટ છોડયું એ પછીના છઠ્ઠા દિવસે ચીનાઓ સાથેના ભીષણ યુધ્ધમાં વીરગતિ પામ્યો હતો.
થુપટેન જોગ્મે હતો તો દલાઈ લામાનો સગો મોટોભાઈ, પરંતુ પ્રકૃતિથી તે તદ્દન અલગ હતો. તે બૌધ્ધ સાધુ પણ ન હતો એટલે ફરજિયાત અહિંસાપાલન કરવા બંધાયેલો ન હતો.
તિબેટમાં ચીની સત્તા મજબૂત થઈ ગઈ હતી. દલાઈ લામા નાસી જવામાં સફળ નીવડયા એટલે વધારે ગિન્નાયેલા ચીનાઓએ ભયાનક દમન આચરવા માંડયું હતું. આથી મોટી સંખ્યામાં અબૂધ તિબેટીઓ ઘરબાર છોડીને પવિત્ર ધર્મગુરુની નિશ્રામાં રહેવા માટે ભારત આવવા માંડયા.
ભારત પહોંચીને પહેલાં તવાંગ, પછી દાર્જિલિંગ અને છેવટે હિમાચલની નયનરમ્ય પહાડીઓ વચ્ચે ધરમસાલા ખાતે સ્થાયી થયેલા તિબેટીઓના કાફલાને થાળે પાડવામાં થુબટેનની વ્યવહારુ બુધ્ધિએ બહુ મોટો ભાગ ભજવ્યો.
સામ્યવાદી ચીનને તિબેટ ગળી જતું રોકવા માટે અમેરિકા બેતાબ હતું. શરૃઆતમાં અમેરિકાએ ભારતને ચીનના આ પગલાં સામે આંતરરાષ્ટ્રીય ફરિયાદી બનવા ઉશ્કેર્યું. ભારતનો એ અધિકાર પણ હતો. કારણ કે, બ્રિટિશ શાસનમાં તિબેટનું વાલીપણું ભારત પાસે જ હતું. એટલે બ્રિટિશરોના ગયા પછી જે કંઈ બ્રિટિશ ઈન્ડિયાનું હતું એ બધું જ હવે ભારતનું આપોઆપ ગણાતું હતું.
પરંતુ પંડિત નહેરુની શાંતિદૂત બનવાની ખ્વાહિશને લીધે ભારતે દલાઈ લામાની વિનવણીઓ ય ન ગણકારી કે અમેરિકાએ તૈયાર કરી આપેલો વૈશ્વિક કૂટનીતિનો માહોલ પણ ન સ્વીકાર્યો.
આમ છતાં, અમેરિકાએ સીઆઈએના માધ્યમથી થુબટેન જોગ્મેના વડપણ હેઠળના તિબેટીઓના લડાયક દળને ભરચક આર્થિક સહાય પૂરી પાડી. શાંતિના પારેવડાં ઊડાડવાની શોખીન નહેરુ સરકારને જરાક સરખી ય ગંધ ન આવે એ રીતે અમેરિકાએ સાઠના આખા દાયકા સુધી તિબેટીઓને શસ્ત્રો અને નાણાંની ભરચક સહાય કરી.
થુબટેન જોગ્મેએ બહુ ઝડપથી પૂર્વ પાકિસ્તાનના વિરાટ નદી કિનારા, ત્રિપુરાના ગાઢ જંગલોથી છેક અરુણાચલ અને સિક્કિમ સુધી પોતાનું નેટવર્ક પાથરી દીધું અને સીઆઈએ મારફત આવતાં શસ્ત્રોને એ રસ્તે તિબેટ પહોંચાડવા માંડયા.
વતનને આઝાદ કરાવવાની થુબટેનની બેચેની એટલી પ્રબળ હતી કે તેણે અહિંસક લડતની પવિત્ર દલાઈ લામાની સુચનાને ય અવગણી નાંખી હતી. તેણે તિબેટી જવાનોને તાલીમ માટે અમેરિકા ય મોકલ્યા અને વારંવારના ગેરિલા હુમલાઓ વડે તિબેટને ચીનની ચુંગાલમાંથી આઝાદ કરાવવાની અણથક મહેનત કરી.
આખરે અવસ્થાને આંબેલા થુબટેન થાક્યા. તેમણે નાના ભાઈના માર્ગે દીક્ષા લઈને કિરમજી દુશાલો ઓઢી લીધો અને વતનના નામે આખરી નિઃશ્વાસ નાંખીને મનની પારાવાર હતાશાને ધ્યાન અને ચિંતનમાં વાળવા માંડી.
એ વખતે એનરોદ ત્સોરપે અઢાર વર્ષનો થઈ ચૂક્યો હતો. ખામ્પાનું ગરમ ખૂન તેની રગોમાં વહેતું હતું. પિતા યોદોન ત્સોરપેએ વતન માટે વ્હોરેલી શહાદતના કસુંબલ ગીતો તેણે સાંભળ્યા હતા. પવિત્ર ગુરુ દલાઈ લામાની સ્નેહાળ આંખોમાંથી અવિરત નીતરતો વતનનો ઝુરાપો તેણે જોયો હતો અને પાલક થુબટેન જોગ્મેના હૈયામાં ચીનાઓ સામે ભભૂકતી આગ તેણે અનુભવી હતી.
થુબટેનની નિવૃત્તિ સાથે જ એનરોદ પ્રવૃત્ત થયો અને તેણે તિબેટી જુવાનિયાઓનું સંગઠન સ્થાપ્યું, તિબ્યાત ત્સિનિન્ગમા લ્હાસ યાને ફ્રેન્ડ્ઝ ઓફ તિબેટ યાને તિબેટ મુક્તિવાહિની!
પહાડોના વિષમ હવામાન વચ્ચે જીવવા ટેવાયેલા તિબેટી જુવાનો જીન્સમાં મજબૂત કાઠી અને બેખૌફ હામ ધરાવતા હતા. એનરોદે બિલકુલ લશ્કરી શિસ્તથી દળનું ઘડતર કર્યું. બદલાયેલા વૈશ્વિક સંજોગો પારખીને સ્વાર્થી અમેરિકાએ હવે મદદ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ ત્યાં સુધીમાં તિબેટી જવાનોને ભારતીય લશ્કરી દળોમાં સામેલ થવાની પરવાનગી મળી ગઈ હતી.
ઈન્ડો-તિબેટ બોર્ડર પુલિસ ફોર્સમાં એનરોદે મુક્તિવાહિનીના સંખ્યાબંધ બાશિંદાઓને ભરતી કરાવી દીધા અને ઘરનો ઉંબરો ઓળંગતો હોય તેટલી આસાનીથી સરહદ પાર કરીને ચીનાઓ પર ગેરિલા હુમલાઓ કરવાનું જારી રાખ્યું. અલબત્ત, મદમાતા આખલાને છંછેડવા મથતી માખી જેવો એ ચાળો હતો પણ એ ચાળામાં માખીનું ઝનુન હજાર ઝેરી નાગના ડંખ જેવું કાતિલ હતું.
એ એનરોદ ત્સોરપેનો દીકરો દિલ્હીમાં આધુનિક શિક્ષણ પામ્યો. બાળપણથી જ અત્યંત આકરી લશ્કરી શિસ્ત અને તાલીમમાં પલોટાયો અને માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે તેને તિબેટ મુક્તિવાહિનીના માધ્યમથી વતનને આઝાદ કરવાની જવાબદારી સોંપીને એનરોદે પણ પાલક પિતા થુબટેન જોગ્મેના રસ્તે દીક્ષા લઈ લીધી.
ખામ્પાઓની એક પરંપરા હતી. દરેક ખામ્પા પોતાના વારસનું નામ પોતાના કોઈ પ્રતાપી પૂર્વજના નામ પરથી રાખે. એનરોદે એ પરંપરા પાળી. પોતાનું નામ અનિરુધ્ધ હતું. ભારતીય પૂરાણો મુજબ, અનિરુધ્ધના પ્રતાપી પૂર્વજ એટલે ભગવાન કૃષ્ણ.
તેણે દીકરાનું નામ રાખ્યું હતું કૃષ્ણ, જેનો તિબેટી ઉચ્ચાર થઈ ગયો કેસાંગ.
કેસાંગ ત્સોરપે યાને કેસી.
(ક્રમશ:)