VISHAD YOG - CHAPTER - 38 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 38

Featured Books
Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 38

કૃપાલસિંહની કોઠી પર પહોંચી વિલીએ ગંભીરસિંહને બોલાવવા માણસ મોકલ્યો. વિલી હવે અહીં રહીને કંટાળી ગયો હતો.આ અનાથાશ્રમના દસ્તાવેજનું કામ તેના ધાર્યા કરતા વધુ લંબાયુ હતું. તે હવે કોઇ પણ હિસાબે બે દિવસમાં કામ પતાવી નીકળી જવા માંગતો હતો. તે આમ પણ ઓફીસીયલ કામનો માણસ ન હતો. તેણે તેની કારકીર્દીની શરુઆત કારકુનથી કરી હતી પણ તેને કાગળીયા કામની ખૂબજ ચીડ હતી. તેને તો અનઓફીસીયલ અને કાયદા કાનુન વિરુધના કામમાંજ મજા આવતી. કાયદા તોડવામાં તેને એક પ્રકારનો નસો ચડતો અને પોતે બીજા બધાથી ઉપર છે એવી લાગણીથી તેનો અહમ્ સંતોશાતો. આમ પણ ભારતમાં કાયદો તોડવો અને બચી જવું એ એક પ્રકારની બહાદુરીનું કામ ગણવામાં આવે છે. લોકો પોતાની બડાઇ કરતા હોય તેમ કહે છે કે આજે તો ટ્રાફિક પોલીસે પકડેલો પણ પછી આપણું નામ ખબર પડતાજ જવા દીધો. તેમ વિલીને પણ એક પ્રકારનો અહમ હતો કે ગુજરાતમાં આપણને કોઇ હાથ અડાડી શકે એમ નથી. કાયદાવિરુધના કામ કરવાનો એક ફાયદો એ હતો કે તેમા કોઇ સ્ટેમ્પ પેપર કે કાયદાકીય પેપરની જરુર ન પડતી. ઉલટા તેમાંતો તમારો કોઇ રેકોર્ડ ન રહે તે રીતે કરવાનું રહેતું અને તે કામમાં વિલીએ માસ્ટરી મેળવી હતી. તેના મોબાઇલનું કોન્ટેક્ટ લીસ્ટ એવાજ લોકોથી ભરેલું પડ્યું હતું જે આ કાયદા વિરુધના કામ કરવામાં માહિર હોય. વિલીએ અત્યાર સુધીમાં કેટ્લાય એવા કામ કર્યા હશે પણ તેનું નામ એક ઘટનાને બાદ કરતા ક્યારેય પોલીસના ચોપડા પર નોંધાયુ નહોતું. આ ઘટના યાદ આવતાજ રઘુવિરભાઇની થપ્પડ તેને યાદ આવી ગઇ અને તેનું મોઢું કડવું થઇ ગયું. તે હજુ વધુવાર વિચારમાંજ પડ્યો રહ્યો હોત પણ દરવાજે ટકોરા પડતા તેની વિચારયાત્રા રોકાઇ ગઇ. તેણે બેઠા બેઠાજ બુમ પાડી “ખુલુજ છે આવી જાવ અંદર.” આ સાંભળી ગંભીરસિંહ દરવાજો ખોલી અંદર આવ્યો અને બોલ્યો “બોલો તમારે મારુ કંઇ કામ હતું?” આ સાંભળી વિલીએ ગંભીરસિંહ સામે જોયું અને સામે પડેલી ખુરશી તરફ ઇશારો કરતા કહ્યું “હા, બેસો થોડી વાત કરવી છે.” આ સાંભળી ગંભીરસિંહ ખુરશીમાં બેઠો. ગંભીરસિંહ કૃપાલસિંહ કે ઉર્મિલાદેવી સામે ક્યારેય ખુરશીમાં બેસતો નહીં. પણ આ વિલી પ્રત્યે તેને પહેલેથીજ નફરત હતી અને તે જાણતો હતો કે આ વિલી તો એક નંબરનો હરામી માણસ છે એટલે તે તેને બહું માન આપતો નહીં. ગંભીરસિંહ ખુરશીમાં બેઠો એટલે વિલીએ બુમ પાડી માણસને બોલાવ્યો અને કબાટમાંથી બોટલ કાઢી બેય માટે ડ્રીંક બનાવવાનું કહ્યું. આ સાંભળી ગંભીરસિંહને નવાઇ લાગી આજ પહેલા ક્યારેય વિલીએ તેને આ રીતે તેને બેસવાનું અને તેની સાથે દારુ પીવાનું કહ્યું નહોતું. “નહીં નહીં મારે નથી પીવુ તમેજ પીવો.” ગંભીરસિંહે અચકાતા કહ્યું.

“અરે યાર મારે પણ કોઇ કંપની જોઇએ કે નહીં.” વિલીએ હસતા હસતા કહ્યું.

“અરે પણ માલીકને ખબર પડશે કે તેની ગેરહાજરીમાં હું અહીં દારુ પીતો હતો તો તેને નહીં ગમે.” ગંભીરસિંહે ડર વ્યક્ત કરતાં કહ્યું.

“અરે તેની ચિંતા તમે નહીં કરો. એ બધુ હું ફોડી લઇશ.” વિલીએ કહ્યું. માણસે આવીને બે ગ્લાસ એક સોડાની બોટલ અને એક વિલીની ફેવરીટ બ્રાન્ડ સિગ્નેચરની બોટલ મુકી એટલે વિલીએ કહ્યું “ કરશન, બાઇટીંગ માટે થોડા સિંગદાણા તળીને લેતો આવ.” આ સાંભળી પેલો માણસ જતો રહ્યો.

તેના જતાજ વિલીએ બે પેગ બનાવ્યા અને તેમાથી એક ગંભીરસિંહને લેવા કહ્યું. ગંભીરસિંહને આજ વિલીનું વર્તન ખુબજ જુદુ લાગતું હતું એટલે તે વિચારમાં પડી ગયો હતો કે આ માણસ મને આ રીતે ફોસલાવી કોઇક કામ કઢાવવા માંગે છે કે પછી સાચેજ તેનું વર્તન બદલાયું છે? ગંભીરસિંહે સંકોચ સાથે ગ્લાસ ઉપાડ્યો અને તેમાંથી એક ઘુંટ માર્યો. તે સાથેજ ગળામાંથી પેટ સુધી આગ લાગી ગઇ. વિલીએ પણ એક ઘુંટ ભરી વાતની શરુઆત કરતા કહ્યું “ હવે દસ્તાવેજના કાગળ બધાજ કંપ્લીટ થઇ ગયાં છે. અને જે કંઇ પણ લીગલ પ્રોબ્લેમ હતા તે પણ બધા ક્લીયર થઇ ગયા છે. હવે તમારે કાલે મારી સાથે આવવાનું છે બધાજ કાગળમા તમારી સહી કરવી પડશે. અને પછી ફરી પાછું એક દિવસ તમારે દસ્તાવેજ માટે રજીસ્ટ્રારની ઓફિસે આવવું પડશે.” આ સાંભળી ગંભીરસિંહે કહ્યું “તમે મને આમા શું કામ પાડો છો? હું સીધો સાદો માણસ છું. મને આવા કાગળીયામાં કશી ગતાગમ પડતી નથી.” વિલી હજુ કંઇક કહેવા જતો હ્તો ત્યાં પેલો માણસ જેનું નામ કરશન હતું તે બાઇટીંગ લઇને આવ્યો એટલે વિલી ચુપ થઇ ગયો. કરશન સીંગદાણાની એક પ્લેટ મુકી ને જતો રહ્યો એટલે વિરમે ફરીથી વાતની શરુઆત કરતા કહ્યું.

“જો આ બધા કામ તો કાયદેસર છે એટલે તેમાં તને કંઇ થવાનું નથી. અને આ તો તારા ફાયદામાં છે આ અનાથાશ્રમની જમીન તારા નામે થશે. કદાચ પાછળથી કંઇ એવુ બંને તો તેનો હક હિસ્સો તારોજ થાય.”

“ અરે સાહેબ આ લોકો મારા જેવાના હાથમાં કંઇ ન આવવા દે. હું તો નાનો માણસ છું આ લોકો સામે લડવાનું મારું ગજુ નહીં. તમે મને આ બધાથી દુર રાખોતોજ સારુ, બે આખલાની લડાઇમાં અમારા જેવા નાના જીવ જંતુનો ખુરદો બોલી જાય.” ગંભીરસિંહે વિલીને મનાવતાં કહ્યું.

આ સાંભળી વિલીને ગંભીરસિંહની દયા આવી તેણે થોડું વિચારીને કહ્યું “ તમે ચિંતા નહીં કરો તમારો આ બાબતમાં કોઇ વાળ વાંકો નહીં થાય અને આ તો હું તમારી સેફ્ટી માટેજ કરુ છું. તમે જ વિચારો કે જ્યારે તમારા હાથ પગ નહીં ચાલે પછી તમને કોણ પગાર આપશે. આ જમીન તમારા નામ પર હશે તો તેણે તમને સાચવવા પડશે. અને સાહેબ પોતાના નામે જમીન કરી શકે તેમ નથી એટલે તમારી તેને જરુર રહેશેજ. આ તો તમારી પેન્સન યોજના જેવું કામ કરશે.”

વિલીની વાત સાંભળી ગંભીરસિંહ વિચારમાં પડી ગયો. તેને વિલીની વાત હવે યોગ્ય લાગતી હતી તેને પણ આ વિચાર તો આવ્યો જ હતો. પણ હવે વિલીના મોઢેથી આ વાત સાંભળી તેને પોતાના વિચારનું સમર્થન મળ્યું હતું અને એટલેજ તે વિલી સાથે સંમત થતા બોલ્યો “ સારુ તો તમે જે કહો તે સાચું. આમપણ હું ના પણ કયાં પાડી શકું એમ છું. તમારા પર વિશ્વાસ રાખીને તમે કહો તે પ્રમાણે કરીશ.” ગંભીરસિંહને આમતો આ વિલી પર સહેજ પણ વિશ્વાસ નહોતો પણ તે તેને મોટોભા કરી પોતાની સલામતી રાખવા માંગતો હતો. આ સાંભળી વિલીના ચહેરા પર પણ સ્માઇલ આવી ગયું અને તે બોલ્યો “સારુ તો કાલે તમારે મારી સાથે આવવાનું છે એટલે દશ વાગે તૈયાર રહેજો.” આ સાંભળી ગંભીરસિંહ ગ્લાસમાં વધેલો હતો તેટલો દારુ એકજ ઘુટડે પી ગયો અને પછી ઊભો થયો અને વિલીની રજા લઇ જતો રહ્યો. તેના ગયાં પછી વિલી ક્યાંય સુધી વિચારતો બેસી રહ્યો. તેને ગંભીરસિંહની ઇર્ષા આવી. તું નસીબદાર છે મિત્ર કે તું કહી શકે છે કે મને ડર લાગે છે. હું પણ ડરુ છું પણ કોઇને કહી શકતો નથી. માણસ જ્યારે ડર અને દુઃખની લાગણી અનુભવે છે ત્યારે તે કોઇનો સાથ ઝંખે છે. અત્યારે વિલીને પણ તેના પરિવારની જરુર હતી પણ આ કામ ન પતે ત્યાં સુધી તે અહીંથી જઇ શકે એમ નહોતો. આમને આમ વિલી ક્યાંય સુધી દારુ પીતો બેઠો રહ્યો અને પછી ઉંઘી ગયો.

-------------######-----------#######---------------########------------########----------------

દાદાએ પાણી પીને ફરીથી વાત કરવાની શરુઆત કરી.

આ ડુંગર પર આવેલ દેરાશરના સામેની તરફ જતી કેળી પર ધોળા દિવસે પણ કોઇ જવાની હિંમત ન કરે. વર્ષોથી એક વાયકા પ્રખ્યાત હતી કે તે રસ્તા પર જનારુ કોઇ દિવસ પાછું ફરતું નથી. આજ સુધી તે રસ્તા પર મે કોઇને જતા જોયા નહોતા અને અચાનક ત્યાં લોકો જતા હતા અને તે પણ યુવાનો અને બાળકો તે રસ્તા પર જતા હતા આ જોઇ મને એકદમ આશ્ચર્ય થયું. હું હજું આ વિચારતો હતો ત્યાં સામેથી એક વ્યક્તિ આવતી હતી અને તેની સાથે બીજા બાળકો હતા. એ લોકોને જોઇને હું ત્યાં દેરાસરની દિવાલ પાછળ છુપાઇ ગયો. તે વ્યક્તિ પણ યુવાન હતી પણ તેની ઉમર લગભગ 25 વર્ષની હશે. તેણે ચળકતો લીલો શર્ટ પહેર્યો હતો. આ શર્ટ એવો હતો કે એક વાર જોયા પછી ભુલાઇ નહી. સરકસના જોકર આવા ડ્રેસ પહેરતા હોય છે. આ યુવાનના હાથમાં એક રેડીયમ લાઇટ હતી તેનો પ્રકાશ દુર સુધી ફેલાતો હતો. આ બધા છોકરાનો તે નેતા હતો. તે લોકો બાજુની જાળીમાં ગાયબ થઇ ગયા ત્યાં સુધી હું દિવાલ પાછળ ઊભો રહ્યો અને પછી ત્યાંથી બહાર નીકળ્યો. બહાર નીકળી હું કેડી પર જોતો ઊભો રહ્યો કે તે લોકો શું કરે છે, પણ તે લોકો તો તે કેળી પર આગળ જતા રહ્યા હતા અને આ કેળી આગળ જતા ડૂંગરની પાછળ જતી રહે છે એટલે તે લોકો દેખાતા બંધ થઇ ગયાં. આ દૃશ્ય જોઇ મને તો એકદમ આશ્ચર્ય થયું અને હું ક્યાંય સુધી ત્યાં ઉભો રહ્યો. એક્દમ અંધારુ થઇ ગયું હતું એટલે હું પછી નીચે ઉતર્યો પણ મારા મગજમાંથી આ વાત જતી નહોતી. કોણ હતા એ બધા બાળકો? તેનો નેતા પેલો યુવાન કોણ હતો? તે લોકો આ ગામના નહોતા તો પછી તે લોકો તે રસ્તા પર કેમ જતા હતાં? આવા કેટલાય વિચારે મને ઘેરી લીધો હતો. આ વિચારે મને રાત્રે ઉંઘ પણ નહોતી આવી. હું સવારે વહેલો ઉઠી આરતી કરવા માટે નીકળી ગયો અને દેરાશર પાસે આવી રોકાયો પણ ત્યાં હવે કોઇ નહોતું. થોડીવાર હું ત્યાંજ રોકાયો પણ મને પેલી કેડી પર કોઇ દેખાયું નહીં એટલે કંટાળીને હું ત્યાંથી ઉપર આવ્યો અને માતાજીની પુજા કરી અને છેલ્લે પાછળના ભાગે આંટો મારવા ગયો. ત્યાં અચાનક મારુ ધ્યાન ડુંગરના પાછળના ભાગ તરફ જતા રસ્તા પર પડ્યું. આ રસ્તો ડુંગરને ફરીને પાછળ તરફ જતો અને ત્યાંથી આ રસ્તો બગદાણા તરફ જતો. એકદમ કાચો અને ગાડા રસ્તો હતો પણ આ રસ્તેથી બગદાણા માત્ર પંદરજ કિલોમિટર થતું એટલે આ પંથકના જાણીતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા. આ રસ્તો ચોમાસામાં તો બંધ જ થઇ જતો પણ અત્યારે શિયાળો હોવાથી આ રસ્તો ચાલું હતો. મારુ ધ્યાન આ રસ્તા પર ગયું અને મે જોયું તો આ રસ્તા પર એક ટેમ્પો ઉભો હતો તેની પાસે નાનો ડુંગર હતો. આ ટેમ્પા પાસે થોડા માણસો ઉભા હોય એવુ લાગતું હતું. આ રસ્તો આમતો ડુંગરથી દુર હતો એટલે આ માણસો હતા કે છોકરા હતા તે દેખી શકાય એમ નહોતું. ત્યાં અચાનક ડુગરની પાછળથી એક વ્યક્તી નીકળી જેને જોઇને મારી આંખમાં ચમકારો થયો. તે વ્યક્તિ તે યુવાન જ હતો જે આગલા દિવસે મને સામે મળ્યો હતો. તેનો ચમકતો શર્ટ આટલા દુરથી પણ ઓળખાઇ જઇ શકે એમ હતો. આ જોતાજ મને સમજાઇ ગયું કે તે લોકો પાછા કેમ દેખાયા નહીં. દેરાશરની સામે જતી કેળી ડુંગરની પાછળના જંગલમાં થઇ અત્યારે જ્યાં ટેમ્પો ઊભો હતો ત્યાં નીકળતો હતો. એટલે તે યુવાન અને તેની ટોળકી અહીંથી ગયા અને તે રસ્તે બહાર નિકળ્યાં હતા. આ સમજાતાજ મને પ્રશ્ન થયો કે કેમ તે લોકો આ રસ્તે પાછા ન આવ્યા? અથવાતો તે અહીંથી શું કામ ગયાં તે રસ્તેથી કેમ ન ગયાં? આ એવા પ્રશ્નો હતા કે જેના જવાબો મને ક્યારેય મળવાના નહોતા. થોડીવાર બાદ ટેમ્પાને તાલપત્રીથી ઢાંકી દેવામાં આવ્યો અને પછી ટેમ્પો ત્યાંથી જતો રહ્યો. મારુ મગજ પણ હવે વિચાર કરીને થાક્યું હતું એટલે મે પણ માતાજીના દર્શન કર્યા અને નીચે જતો રહ્યો.” આટલું બોલી દાદા રોકાયા અને બંને સામે જોઇ બોલ્યા “કદાચ તમને એવું લાગશે કે આ દાદો આડા પાટા પર ચડી ગયો છે. અને એ વાત કદાચ સાચી પણ હોઇ શકે કેમકે આ ઘટનાને તમે જે જાણવા આવ્યા છો તેની સાથે સંબંધ છે કે નહીં? તે મને ખબર નથી. છતા મારા મનમાં એમ થાય છે કે આ ઘટના તમે જે જાણવા આવ્યા છો તેની સાથે કોઇ રીતે જોડાયેલી હોવી જોઇએ. બસ એટલેજ આ વાત કરી રહ્યો છું બાકી તો માતાજી જાણે.” આટલું બોલી દાદાએ નિશીથ અને કશિશ સામે જોયું. “દાદા તમે કહો તો ખરા કદાચ તમારો શક સાચો હોય તો અમને ફાયદો થાય.” નિશીથે દાદાને વાત આગળ વધારવા માટે કહ્યું. જોકે નિશીથ હવે સમજીજ ગયો હતો કે આ તેજ રસ્તા પરની વાત હતી જ્યાંથી તેને પેલું સાઇન બોર્ડ મળ્યું હતું. નિશિથને વિશ્વાસ હતો કે દાદાની વાત ચોક્કસ તેને કોઇ કળી શોધી આપશે. અને તેવુજ થયું હતું દાદાની વાત પરથી એટલી તો તેને ખબર પડી હતી કે તે રસ્તો બીજે છેડે ડુંગરની પાછળ નીકળે છે. દાદાની વાત સાંભળતા નિશીથને કેટલાય પ્રશ્નો ઉદ્ભવ્યા હતા પણ નિશીથને ડર હતો કે જો દાદાની વાત વચ્ચે રોકશે તો ખોટી વાત આડા પાટા પર ચડી જશે. એટલે તેણે વચ્ચે કોઇ પણ જાતના સવાલ વગર શાંતિથી સાંભળ્યા કર્યુ. હવે વાત એવા મોડ પર પહોંચી હતી કે નિશીથ અને કશિશની ઉતેજના ચરમ સીમાએ પહોંચી હતી. દાદા પણ આ વાત સમજી ગયા હોય તેમ તેણે ફરીથી વાતનું અનુસંધાન સાધતા કહ્યું “હા તો તે દિવસે સાંજે હું આરતી કરવા વહેલો નિકળ્યો અને ડુંગરના પગથિયા પાસે પહોંચી થોડીવાર રોકાયો. મે આજુબાજુ જોયું તો કોઇ નહોતું પછી મે જ મારા મનને ટપાર્યુ કે તને શું પડી છે જે હોય તે તારે તેની સાથે શું નિસ્બત છે? હજુ મારો જાત સાથેનો સંવાદ ચાલુજ રહ્યો હોત પણ ત્યાં સામેના રસ્તા પરથી કોઇ વાહનના આવવાનો અવાજ સંભળાયો એટલે હું સતર્ક થઇ ગયો. એકાદ મિનિટ પછી એક ટેમ્પો આવતો દેખાયો આ સાથેજ મને સવારે જોયેલો ટેમ્પો યાદ આવ્યો. અને મારો શક સાચો નિક્ળ્યો તે ટેમ્પામાં આગલે દિવસે જોયેલા છોકરાજ હતા. આજે અજવાળું હતું એટલે તે દરેક છોકરાના ચહેરા મને દેખાયાં. હું પણ જાણે કંઇ જાણતો ન હોઉ એમ ધીમે ધીમે પગથિયા ચઢવા લાગ્યો તે બધાજ છોકરાઓ પણ પગથિયા ચડીને મારી આગળ જવા લાગ્યાં. આજે પણ મને તે બધાના ચહેરા યાદ છે. પાંચ છોકરા હતા તે બધાની ઉમર લગભગ પંદરેક વર્ષની આજુ બાજુ હશે અને તેનો એક નેતા હતો જેની ઉંમર પચીશેક વર્ષની આજુબાજુ લાગતી હતી આ એજ યુવાન હતો જેણે ગઇકાલે પેલો ચળકતો શર્ટ પહેર્યો હતો. તે બધા મારી આગળ પગથિયા ચડવા લાગ્યા એટલે મે પણ થોડી ઝ્ડપ વધારી અને તેની પાછળ ચાલવા લાગ્યો. તે બધા આગલા દિવસની જેમજ પેલા દેરાસરની પાસે જતી કેડી પર વળ્યા એટલે મે તે લોકોને બુમ મારીને કહ્યું “અરે દિકરા એ રસ્તા પર ન જતા ત્યાંથી કોઇ પાછું ફર્યુ નથી. તે રસ્તા પર ભુત થાય છે.” આ સાંભળી બધાજ છોકરા રોકાઇ ગયા. આ જોઇ પેલો યુવાન નેતાએ તે છોકરાને કહ્યું “તમે બધા આગળ વધો એવુ ભુત જેવું કંઇ હોતું નથી.” અને પછી તે યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો “દાદા, તમે તમારુ કામ કરો. ખોટી બીજાની વાતમાં ટાંગ અડાવવી નહીં.” અને પછી તે યુવાન પણ પેલા છોકરા ગયા હતાં તે રસ્તા પર ગાયબ થઇ ગયો. અને હું ત્યાં ઊભીને તેને જતો જોઇ રહ્યો.” ત્યારબાદ જે દાદાએ વાત કરી તે સાંભળી નિશીથ અને કશિશ બંને ધ્રુજી ગયાં. તે બંનેએ ક્યારેય વિચાર્યુ નહોતું કે દાદાની વાતનો અંત આટલો ક્રુર હશે?

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM