Man Mohna - 12 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૧૨

Featured Books
Categories
Share

મન મોહના - ૧૨

સાંજે જ્યારે સાજીદ ફૂલોથી રૂમ સજાવવાને બહાને મોહનાના કમરામાં ઘૂસેલો ત્યારે બહાર બગીચામાં પડતી બારીની સ્ટોપર ખોલી નાખેલી અને ત્યાં બહાર એક સીડી પણ મુકાઈ ગયેલી... જેની કોઈને ખબર ન હતી.

એ રાત્રે મોહના દુલ્હનના લિબાસમાં ફૂલો ભર્યા પલંગ પર બેસીને જ્યારે અમરની રાહ જોઈ રહી હતી ત્યારે એ રુમની બારી બહાર સીડી પર ચઢેલો સાજીદ પણ અમરની રાહ જોઈ રહ્યો હતો. એણે વિચારેલું કે એ પહેલાં તો આ લોકોની સુહાગરાતની સીડી બનાવી મોહનાને બ્લેક મેઇલ કરશે અને એની પાસેથી જ એ ફાઈલ મંગાવશે. જો મોહના ના માને તો એને ઉઠાવી જઈ અમરને મજબૂર કરશે એ ફાઈલ સોંપી દેવા. આટલી સુંદર બીવી માટે એક ફાઈલ શું ચીજ છે, અમર જરૂર પોતાની બીવીના બદલામાં ફાઈલ આપી દેશે એમ સાજીદે માની લીધેલું. મોહનાને જોતા જ એનું લોહી ગરમ થઇ ગયેલું. એણે આજ સુંધી બસ એકવાર એક છોકરી સાથે શરીર સુખ માણેલું... એ છોકરી ધંધાદારી હતી. કેટકેટલાય જોડે ચુંથાઈને આવેલું મેલું, સુકલકડી બદન! સાજીદને ઊભરો ઠલવાઈ ગયા પછી એ છોકરીને જોઈ ચીતરી ચઢેલી. કોઈ સસ્તા હેર રીમુવલ લોશનથી એણે એના હાથ પરના વાળ દૂર કર્યા હશે. ત્યાં હવે ઝીણા કાંટા જેવા વાળ ફૂટી નીકળ્યા હતાં. આવેગમાં આવીને સાજીદે એના હાથ ઉપર પોતાના હોઠ ઘસેલા ત્યાં બળતરા ઉઠી હતી. ક્યાં કાશ્મીરી ગુલબદન, તાજુ ખીલેલું ગુલાબ હોય એવી ગુલાબી છોકરીઓ અને ક્યાં આ થોડાંક રૂપિયા માટે ગમે તેની સાથે સુવા તૈયાર રહેનાર બનાવટી લાગણીવાળું, વાસી શરીર! સાજીદને એના જેવી જ નાજુક કાયા ધરાવતી મોહના પહેલી નજરે જ ગમી ગઈ! આજની રાત એ ભલે અમર સાથે વિતાવતી પણ પછી એ પોતાની બાહોમાં હશે એવા સપના જોતો સાજીદ બારી બહાર સીડી પર લટકી રહ્યો હતો.

અડધી રાત વીતી ગઈ પછી મોહનાના રૂમનું બારણું ખૂલ્યું હતું. અમર અંદર આવેલો અને બારણું અંદરથી બંધ કરેલું. બેઠા બેઠા અકળાયેલી મોહનાના શરીરમાં થોડો સળવળાટ થયેલો અને બહાર બારીએ લટકે લટકે અમરને ગાળો દેતો સાજીદ પણ ચોકન્નો થયો હતો. અફઝલે આપેલો કેમેરો નાઈટ મોડમાં સુટિંગ ઉતારવા તૈયાર હતો. મોહનાનું અનાવૃત શરીર જોવા સાજીદ તડપી રહ્યો હતો.

અમરે અંદર આવતાં જ મોહનાની માફી માંગી હતી. એક જરૂરી ફોન આવી ગયેલો એટલે પોતાને મોડું થયું એમ કહી અમરે મોહનાનો હાથ પકડેલો. એના માથા પરથી ચૂનરી નીચે સેરવી દઈને અમર પોતાની દુલ્હનને જોઈ રહેલો.

જાણે અમરની નજરોથી વીંધાઈ જતી હોય એમ શરમાઈને મોહના અમરને વળગી પડેલી. એણે એનું મોઢું અમરના સીનામાં છુપાવી દીધેલું. અમરનો હાથ મોહનાની પીઠ પર ફરી રહ્યો હતો. મોહનાએ એનું મોઢું ઉપર ઉઠાવી અમરને ગળે ચૂમી ભરી હતી. અચાનક કોઈ આવેગ આવી ગયો હોય એમ અમરે એના બંને હાથે મોહનાની કમર અને પીઠને ભીંસી લીધા. એક બે પળ એમ જ ચાલ્યું અને પછી અમર ધીરે ધીરે નીચે ઝૂકવા લાગ્યો. મોહના એની ઉપર ઝૂકવા લાગી. બંને પલંગ પર લેટી ગયા. નીચે અમર ઉપર મોહના. અમરની પકડ ઢીલી પડી ગઈ. એના હાથ મોહનાની પિંઠ પરથી સરીને પલંગ પર પડી ગયા. મોહના હજી એની એ જ સ્થિતિમાં હતી. સાજીદ અકળાઈ ગયો. એની એકેય મુરાદ પૂરી ના થઈ.

આટલું મસ્ત જોડું અને સુહાગરાત આવી! છી... અમરની જગ્યાએ પોતે હોત તો..! એના મોઢામાં પાણી આવી ગયું. એના દાંત એના પોતાના જ હોઠ પર ભિંસાયાને ત્યાંથી લોહીનો ટશીયો ફૂટ્યો. સાજીદનો મૂડ ખરાબ થઈ ગયો હતો. એનું મન હવે બીજા કામ વિશે વિચારવા લાગ્યું જેના માટે એ આવ્યો હતો...

બંને જણા વચ્ચે કોઈ હિલચાલ ન થતાં સાજીદે માની લીધું કે એ લોકો સૂઈ ગયા હશે. ધીરેથી બારી ખોલીને, જરાય અવાજ ના થાય એમ એ બારીમાથી અંદર આવ્યો. રૂમમાં અમરનો જે જે સામાન પડ્યો હતો એ એણે મોઢામાં એક નાનકડી ટોર્ચ પકડીને ચેક કર્યો. બધા કબાટ ફેંદી નાખ્યાં છતાં કોઈ ફાઈલ ના મળી. એનું મગજ ફાટ ફાટ થઈ રહ્યું. ત્યાં જ અમરનો અવાજ આવ્યો. એ જાણે કરાહતો હતો. હા એ કણસી રહ્યો હતો. એ હલ્યો હતો અને મોહનાને એના શરીર પરથી નીચે ફેંકી હતી.

સાજીદ થોડો ગભરાઈને એની ટોર્ચ બંધ કરી એક બાજુ ઊભો રહી ગયો. મોહના જાગતી હતી. એનું શરીર પલંગ પરથી સરકીને નીચે પડ્યું હતું. એ નીચે બેસી પડી હતી. એનું માથું નીચે નમેલું હતું એ એણે ધીરેથી ઉપર ઉઠાવીને સાજીદ તરફ નજર માંડી.

સાજીદની હાલત કાપો તો લોહી ના નીકળે એવી હતી. સામે બેઠી મોહના એની તરફ જ તાકી રહી હતી. એ નજર કોઈ રાની પશુ જેવી હતી. અંધારામાં એ આંખો ચમકી રહી હતી. કોઈ જંગલી જનાવર જ્યારે એનો શિકાર કરીને, ખાતું હોય ત્યારે જે ખુશી એની આંખોમાંથી ટપકતી હોય એવી. એના હોઠ લોહી વાળા હતા... એમાંથી એના ચમકતાં સફેદ દાંત દેખાઈ રહ્યાં હતાં. કઠણ કાળજાના સાજીદનું હૈયું ફફડી ગયું. ભયનો માર્યો એ ભાગ્યો બારી તરફ. એની પાછળ મોહના પણ ઊભી થઈ હતી એને જોઈને ગભરાઈ ગયેલા સાજીદે બારીમાથી બહાર કૂદકો મારી દીધો. એનો એક પગ બુરી તરહથી એના શરીર નીચે દબાઈ ગયો હતો. છતાં એ ઊભો થઈને ભાગ્યો હતો. જીવ મુઠ્ઠીમાં લઈને ભાગ્યો હતો. ઘણે આગળ ગયા પછી એને એની પગની પીડાનો અહેસાસ થયેલો. એ પીડા કરતાંય જે દ્રશ્ય એની આંખોએ જોયું હતું એનો ડર હજી એની આંખોમાંથી ડોકાઈ રહ્યો હતો. એણે તરત અફઝલને ફોન કર્યો અને આખી ઘટના કહી હતી. અફઝલના મતે આ દુનિયામાં કોઈ ભૂત પ્રેત નથી હોતાં. આટઆટલા માણસો એ લોકો બોંબ બ્લાસ્ટ કરીને ઉડાડી મેલે છે એ બધા જો ભૂત થઈને આવતા હોત તો આ દુનિયામાંથી બધા આતંકવાદી ક્યારનાય ઉકલી ગયા હોત!

અફઝલે કહ્યું કે મોહનાએ એવી લાલચત્ટક લિપસ્ટિક લગાવી હશે અને એ જ હોઠો પર ફેલાઈ ગઈ હશે. છતાંય ડર લાગે તો કુરાનની આયાતો બોલવાનું જણાવ્યું...

સાજીદને થયું મોહના તો હિન્દુ છે એ કુરાનથી ના બિવાય તો? છેવટે એણે હનુમાન ચાલીસાની નાનકડી ચોપડી ખરીદી હતી જે હંમેશા એના શર્ટના ખિસ્સામાંથી રહેતી, એના દિલની પાસે!