rasoima janva jevu - 11 in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | રસોઇમાં જાણવા જેવું - ૧૧

Featured Books
Categories
Share

રસોઇમાં જાણવા જેવું - ૧૧

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૧૧

સંકલન- મિતલ ઠક્કર

* રીંગણના કાપેલા ટુકડા થોડીવાર પાળીમાં પલાળી રાખી મસળીને ધોઇ નાખવાથી બીજ સરળતાથી નીકળી જાય છે.

* ઢોંસાને તાજા રાખવા માટે તવા પરથી ઉતાર્યા બાદ તરત જ થોડુંક પાણી છાંટી દો.

* દાળ બનાવતાં પહેલાં હથેળીઓ પર સરસિયાનું તેલ લગાવીને દાળને હાથથી મસળવી. એમ કરવાથી દાળ જલદી ગળી જશે અને સ્વાદિષ્ટ બનશે.

* સંભાર બનાવતી વખતે જો બે-ચાર લવિંગ નાખશો તો તે વધુ તાજો રહેશે.

* રોટલીને ડબ્બામાં મૂકતાં પહેલાં તેમાં આદુંનો ટુકડો મૂકી દો. રોટલી વધુ તાજી અને મુલાયમ રહેશે.

* સખત ચામડીવાલા શાકને છોલવાનું કઠિન બને છે. તે સરળ બનાવવા શાકને બે-ત્રણ મિનિટ માટે માઇક્રોવેવમાં રાખો. પછી સરળતાથી છોલી શકાશે.

* કેક બનાવતી વખતે તેમાં બ્રેડનો ભુક્કો ભેળવવાથી કેક વધારે સ્વાદિષ્ટ બનશે.

* આલુ ટીક્કી બનાવતી વખતે બટાકામાં આરા લોટ ભેળવી દેવાથી તે તવા પર ચોંટશે કે ફાટશે નહીં અને કરકરી પણ બનશે.

* બટાકાની કટલેસ બનાવતી વખતે તેમાં પૌંઆને પલાળીને મસળી નાખશો તો સ્વાદિષ્ટ લાગશે.

* રીંગણનું ભરતું બનાવતા પહેલાં રીંગણ પર સરસિયાનું તેલ ચોપડી દો. એમ કરવાથી છાલ જલદી અને સરળતાથી નીકળી જશે.

* ઢોંસા કે ઇડલીના ખીરામાં એક ચમચી સરકો ભેળવી દેવાથી તે મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે. અથવા ખીરામાં થોડો પૌંઆનો ભૂકો નાખવાથી પણ નરમ બને છે.

* બટાકાની કચોરી બનાવતી વખતે બટાકાના મસાલામાં થોડુંક શેકેલું બેસન ભેળવી દેવાથી કચોરી તળતી વખતે ફાટશે નહીં.

* સૂકી શાકભાજી કે પરાઠા બનાવતી વખતે જો તમારી પાસે લીલા ધાણા ઉપલબ્ધ ન હોય તો સસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો.

* આમલી ઉપલબ્ધ ન હોય તો ખટાશ માટે આમચૂર કે લીબું વાપરી શકો છો.

* રાજમા તથા ચણા ઝડપથી બાફવા તેમાં બે-ત્રણ ટીપાં કોપરેલનાં નાખવા.

* કાપેલા બીટને વધારે સમય તાજું રાખવા માટે તેના ઉપર થોડું મીઠું લીંબુનો રસ નાખો.

* પનીર બનાવવા દૂધને લીંબુંના રસને બદલે દહીં ભેળવી ફાડવાથી પનીર નરમ અને મુલાયમ બને છે.

* કસ્ટર્ડને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાંડની સાથે સાથે એક ચમચી મધ પણ નાખો.

* પીનટ બટર જો બે-ત્રણ માસમાં વપરાઇ જવાનું હોય તો તેને ફ્રિઝમાં રાખવાને બદલે બહાર જ રાખો.

* બટાકાની તળેલી કાતરીને લાંબા સમય સુધી તાજી રાખવા તેમાં લાલ મરચાંનો ભુક્કો ભેળવવો અને ડબ્બામાં મીઠો લીમડો રાખવો.

* કોઇપણ વાનગી બનાવતી વખતે બેસનને એક જ તરફ હલાવવાથી તે પોચું બનતા વાનગી નરમ બને છે.

* એલચી દળતી વખતે તેમાં થોડી સાકર ભભરાવી દેવાથી એલચીનો ભુક્કો સરસ અને બારીક બનશે.

* નવા માઇક્રોવેવ ઓવનમાંથી વાસ ના આવે એ માટે તેમાં ગુલાબના બે ફૂલ મૂકી ઓવન થોડીવાર ચલાવો. ગુલાબની સુગંધથી ઓવન મહેકી ઊઠશે.

* બટાકાના શાકમાં થોડોક એલચીનો પાઉડર નાખવાથી સ્વાદ સરસ આવશે.

* લસણની વાસ દૂર કરવા હાથ પર થોડું મીઠું ઘસો.

* પાલકની ભાજી સુધાર્યા પછી તેની ડાંડલીઓને ફેંકી દેવાને બદલે ઝીણી સમારી વાટીને કાંદા સાથે ગ્રેવી જેવું બનાવી દાળમાં નાખવાથી દાળ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.

* મેંદાની વાનગી બનાવતી વખતે તેમાં કકડતા ઘીનું મોણ નાખવાથી વાનગી ફરસી બનશે અને મોણમાં ઘી ઓછું જશે.

* લીલા શાકભાજીનો રંગ જાળવવા તેમાં ચપટી સોડા બાય કાર્બ નાખો.

* બેસનના પકોડા બનાવતી વખતે તેમાં એક મોતી ચમચી દહીં નાખવાથી તે ક્રિસ્પી બનશે.

* દહીંને જમાવવા મૂક્યા પછી તેને વારંવાર ખોલીને જોવું નહીં. એમ કરવાથી દહીં હવાના સંપર્કમાં આવવાથી જલદી જામશે નહીં અને પાણીવાળું બનશે.

* દાળ કે શાક બનાવતી વખતે તેમાં કાળાશ જણાય તો જરાક સિંધવ અથવા ચપટીક લીંબુના ફૂલ નાખો.

* મેથીના પરોઠા બનાવવા માટે લોટને દહીંમાં ગુંદવાથી વધારે સ્વાદિષ્ટ બનશે.

* કોથમીરના મૂળને પાણી ભરેલા પોટમાં ડૂબાડી રાખવાથી તે ત્રણ-ચાર દિવસ તાજી રહેશે. કોથમીરને સિલ્વર ફોઇલમાં રાખવાથી પણ તાજી રહેશે.

* બદામ ભરેલી બોટલમાં થોડી ખાંડ નાખવાથી તે ખોરી બનશે નહીં.

* દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણી નાખીને દૂધને ફીણવું. તેનાથી દહીં ઘટ્ટ બનશે.

* દૂધમાં કોફી અને ખાંડ ભેળવતી વખતે તેમાં થોડું બોર્નવિટા ઉમેરી દેવાથી તે કોફી લિજ્જતદાર બને છે.

* બટાકા બાફતી વખતે ફાટે નહીં એ માટે પાણીમાં સરકો નાખો.

* ચણાના લોટના લાડુ બનાવતી વખતે તેમાં ચપટી હળદર નાખવાથી સોનેરી રંગના બનશે.

* છોલે, દાલમખની અને રાજમા બનાવતી વખતે આખો ગરમ મસાલો બાફતી વખતે જ નાખવાથી તેનો સ્વાદ વધી જશે.

* માખણને ઠંડકમાં રાખવું જરૂરી છે. ઠંડકમાં રાખવાથી તેમાં જીવાણુંઓની ઉત્પત્તિ અટકી જાય છે. વાપરવું હોય ત્યારે થોડા સમય પહેલાં તેને ફ્રિઝમાંથી બહાર કાઢી લો.

* મેંદીના પાઉડરની શુધ્ધતા તપાસવા તેને બે કાચની સપાટીની વચ્ચે મૂકો અને તડતડ અવાજ આવે તો સમજવું કે મેંદી વાપરવા માટે યોગ્ય નથી.

* ઘઉંની રોટલીને વધારે સ્વાદિષ્ટ બનાવવા એમાં બેસન નાખો.

* પોપકોર્ન જલદી ફૂટે એ માટે ફોડવાના એક કલાક અગાઉ તેના પર થોડું પાણી છાંટી રાખો.

**રસોઇમાં અમુક સમયે અમુક વસ્તુ ઉપલબ્ધ ન હોય તો તમારી પાસે બીજા વિકલ્પ હોય જ છે. તેનો ઉપયોગ કરો. તેનાથી ખાવાના સ્વાદમાં કોઇ કમી રહેશે નહી.

* જો પૌઆ ના હોય તો મમરાનો પણ ઉપયોગ કરી શકો છો. મમરાને વાપરતા પહેલાં પાણીમાં પલાળી લેશો.

* જો કોઇ વાનગીમાં આદું નાખવાનું હોય અને ખલાસ થઇ ગયું હોય તો સૂંઠ કે આદુનો પાઉડર નાખી શકાય છે.

* કોઇપણ ગ્રેવી બનાવતી વખતે કાંદા ઉપલબ્ધ ના હોય તો દૂધી નાખી શકો છો.

* ભજીયા કે કટલેટ બનાવતી વખતે બ્રેડ ક્રમ્બસ ના હોય તો ક્રિસ્પી બનાવવા ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.

* કોઇપણ દક્ષિણની વાનગી બનાવતી વખતે સોજી ઓછી હોય તો ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.

* ઇડલી બનાવતી વખતે સોડા ન હોય તો ઇનો વાપરી શકો છો.

* ગાજરનો હલવો બનાવતી વખતે દૂધ ઓછું હોય તો મિલ્કમેડ વાપરી શકો છો. તેનાથી સ્વાદ પણ વધે છે.

* શાકભાજી બનાવતી વખતે આમચૂર ના હોય તો અથાણું નાખી શકો છો.

* પાતળી ગ્રેવીને ગાઢ બનાવવા કોર્નફ્લોર ના હોય તો એક ચમચી કાજુની પેસ્ટ નાખી શકો છો. બેસનનું ખીરું અને દહીં પણ નાખી શકો છો.

* રાજસ્થાની કઢી બનાવવી હોય અને બેસન ના હોય તો કોઇ લોટ પણ વાપરી શકો છો.

* પનીર બનાવવા લીંબુને બદલે સરકાનો ઉપયોગ કરી શકો છો.