Swastik - 3 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 3)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 3)

નયના કથાનક

હું કોલેજના ઓડીટોરીયમ હોલમાંથી પસાર થઇ જમણી તરફના ડ્રેસિંગ રૂમમાં દાખલ થઇ. ડ્રેસિંગ રૂમ જીમની જમણી તરફ હતો. એક્ઝેક્ટ એ ક્લાસની સામે જે ક્લાસમાં મેં પહેલીવાર કપિલને જોયો હતો.

રૂમમાં સેજલ, રશ્મી અને બીજી બે ત્રણ છોકરીઓ વૈશાલીને ધેરીને ટોળે વળેલી હતી. સેજલ એટલે નંબર સિક્સ જે દિલ્હીથી રાજસ્થાનના રણમાં કદંબથી બચવા માટે ગઈ હતી. ત્યાંથી નીકુલ (નંબર ફોર) સાથે તે ગુજરાત આવી અને પછી તે સ્ટાઈલ ચોકલેટી બોય શ્લોક ( નંબર સેવન ) ના પ્રેમમાં પડી હતી. કદંબના મૃત્યુ પછી (નંબર થ્રી) અંશ તેની માનવ મા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. નંબર વન, નંબર ટુ અને નંબર નાઈન ગુજરી ગયા હતા. નીકુલ ફરી રાજસ્થાન ચાલ્યો ગયો હતો. સેજલ અને શ્લોક તેમજ શ્લોકની બહેન પ્રિયંકા ( નંબર ફાઈફ ) અહી નાગપુરમાં જ રહેતા હતા. રશ્મી એટલે કે વિવેકની બહેન પણ વિવેક અને વૈશાલીનો રોમાન્ટિક ડ્રામા જોવા આવી હતી.

“નયના દીદી.” મને જોતા જ વૈશાલીએ કહ્યું, “આ લોકો મારા વાળ કરવામાં એક કલાકથી મને હેરાન કરી રહ્યા છે. એ મારા વાળ કેટ્નીસ જેવા કરવાની જીદ કરે છે.”

ઘડીભર હું તેને જોઈ રહી. તેના ચહેરા ઉપરની તાંબાવર્ણી ચમક, તેનું મધુર ખંજનવાળું સ્મિત, તેની મક્કમ આંખોને લીધે તે કાયમ સુંદર દેખાતી પણ આજે લોકો સામે વિવેક જે કરવાનો હતો તે વિચારે તેના ચહેરા ઉપર આપમેળે નિખાર વધ્યો હતો.

“તારા આ વાળ કોણે બનાવ્યા છે.” આખરે મેં પૂછ્યું. એના વાળ સરસ બનાવેલા હતા પણ શો મુજબ એ કામ લાગે એમ નહોતા.

“જાતે જ. વિવેક મને આજ રીતે જોવા માંગે છે.”

“હા, તો પછી હેર સ્ટાઈલીસને બોલાવવાની શું જરૂર હતી?” સેજલે ફુંફાડો કર્યો. એ નાગિન હતી, ફુંફાડો કરવો એનો જન્મજાત ગુણ હતો. જોકે આમ તો હું પણ નાગિન જ હતી. પણ મને ગયા જન્મ જેમ આ જન્મે પણ ખબર ન હતી કે હું એક નાગિન છું માટે એ જન્મજાત ગુણ મારામાં આવ્યો નહોતો.

“નયના, પ્લીઝ મેક હર હેર.” સેજલે મારા એક્સપ્રેશન જોઈ એના ફુંફાડાને હુંફાળા શબ્દોમાં ફેરવવાનો પ્રયાસ કર્યો.

“નયના દીદીને કેમ હેરાન કરે છે? તું જ વાળ બનાવી નાખને.” વૈશાલીએ પણ સામો છણકો કર્યો, “દીદીને અન્યાનું ધ્યાન રાખવાનું હશે.”

“અન્યાને હું થોડોક સમય સાચવીશ.” સેજલે આગળ વધી મારા હાથમાંથી અન્યાને તેડી લીધી, “હું મમ્મી નહિ તો શું થયું? માશી તો છું જ ને?”

અન્યા એક વર્ષની થવા આવી હતી. એ મારા પપ્પાના જંગલ કિનારે આવેલા ઘરમાં જન્મી હતી માટે એનું નામ અમે અન્યા રાખ્યું હતું. એ નામ કપિલે જ પસંદ કર્યું હતું. મને અને મમ્મીને પણ આ નામ પસંદ આવ્યું એટલે ખાસ કોઈ ચર્ચા વિના એ નામ રાખી લીધું.

“હવે ચેરમાં ગોઠવાઈ જા.” મેં સામેની દીવાલ પરના આયના પર પડદો ઢાંકી દીધો.

“કેમ પડદો પાડી દીધો?” વૈશાલીએ ખુશીમાંથી અડધા ઊંચા થઇ પૂછ્યું.

“હું પહેલા વાળ બનાવું પછી જ આયનામાં જોજે.” મેં એના વાળ પર કામ શરુ કર્યું. ઓનેસ્ટલી વૈશાલીના વાળ જેટલા સિલ્કી અને સ્મૂથ હેર મેં ક્યારેય જોયા નથી. એ વાળ કદાચ દરેક સુંદર છોકરીની કલ્પના કે મહેચ્છા જેવા હતા.

“બહુ સુંદર લાગતી હશે તો ક્યાય વિવેક પાગલ ન થઇ જાય નહીતર અમને શો જોવા નહિ મળે.” રશ્મિએ મજાક કરી સેજલને તાળી આપી. મેં એ તરફ જોયું, અન્યા પણ ટગર ટગર વૈશાલીના વાળ જોઈ રહી હતી.

“એ પાગલ તો દિલ્હીમાં મને જોઈ ત્યારનો થઇ ગયો છે.” વૈશાલી પણ ચુપ ન રહી, એના ચહેરા પર મંદ સ્મિત આવ્યું. એ સાચી પણ હતી મેં વિવેકને હમેશા લડતા જ જોયો હતો મને અંદાજ પણ ન હતો કે એ પણ મારી અને કપિલની જેમ પ્રેમપથ પર પગલા માંડી પાગલ થઇ જશે.

હું વૈશાલીના સ્મૂથ-સિલ્કી વાળ પર કામ કરવા લાગી.

“આજે શો પૂરો થાય ત્યારે વિવેક બધાની વચ્ચે મને પ્રપોઝ કરશે, મારી જિંદગીની એ અનમોલ પળ હશે.” વૈશાલીના ચહેરા પર એક એક શબ્દ સાથે ચમક વધવા લાગી.

કેમ ન વધે?

જયારે કપિલે મને પહેલીવાર તાવીજ આપી કહ્યું હતું કે એને મારા પ્રેમની નિશાની સમજી પહેરી લેજે મારા માટે શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું હતું. એક પળ માટે હું દુનિયા ભૂલી ગઈ હતી.

કદાચ મારી અને કપિલની જેમ વૈશાલી અને વિવેક વચ્ચે પણ જન્મો જન્મનો સંબંધ હશે. મને તો લાગે અમારા બધા વચ્ચે કોઈ સંબંધ હશે પણ ગયા જન્મનો તો નહિ જ. કેમકે મેં કપિલનું નાગમણી હાથમાં લીધું હતું અને ગયા જન્મની દરેક યાદ્દો મેળવી લીધી હતી. એમાં વિવેક કે વૈશાલી ક્યાય ન હતા. કદાચ એના પણ પહેલા અમારા વચ્ચે કોઈ ગાઢ સંબંધ હશે. ત્યારે મને ખબર ન હતી કે અમારા વચ્ચેનો એ જુનો સબંધ ક્યારેય ન નીકળે એમાં જ ભલાઈ હતી. એ સબંધ નીકળતા જ અમે એકબીજાના જાની દુશ્મન બની જવાના હતા.

“ક્યાં ખોવાઈ ગઈ, નયના?” સેજલના અવાજે મને કલ્પનાની દુનિયામાંથી બહાર ખેચી લાવી, “કપિલ બહાર જ છે, તું કહે તો બોલાવી લાવું.”

“તું તારા શ્લોકને સંભાળે તોય ઘણું છે. એ ચોકલેટી બોય જેસલમેર ગયો ત્યારનો રાજસ્થાન પાછળ ઘેલો થયેલો છે. ક્યાક રાજસ્થાનની કોઈ રાજકુમારીની માયા ન લાગી ગઈ હોય એ ચોકલેટી બોયને?” રશ્મિએ ઊંચા અવાજે કહ્યું.

“એક નાગિન સાથે માયા લાગ્યા પછી કોઈ રાજકુમારીની તાકાત નથી કે એ પોતાની માયા લગાવી શકે.” સેજલે ખુરશી પરથી ઉભા થઇ જતા કહ્યું અને પછી ફરી ખુરશી પર બેસી ગઈ. એને શ્લોક વિશે કઈ મજાકમાં પણ કહીએ તો એ ગુસ્સે થઇ જતી.

“કેટલી વાર છે હજુ?” મેં દરવાજા તરફ જોયું, દરવાજો ખુલવાનો અવાજ અને એ પ્રશ્ન મને સાથે જ સંભળાયા હતા. વિવેક ખુલ્લા દરવાજામાંથી અંદર આવ્યો.

“કેમ થોડોક સમય રાહ નથી જોઈ શકતો?” રશ્મીએ એને ભોઠો પાડતા કહ્યું, “કે પછી તૈયાર કર્યા વિના જ ભાભીને સ્ટેજ પર મૂકી દઉં.”

“રશ્મી...” મેં વિવેકના ચહેરા પર બલસ પહેલીવાર જોઈ. એ ચહેરા પર મેં ગુસ્સો અને આંખોમાં રતાસ જોઈ હતી પણ એ ગાલ પર શરમની લાલાશ એક અદભુત દ્રશ્ય હતું.

“બસ, વિવેક પાંચ મિનીટ..” મેં વાતનો મુદ્દો બદલતા કહ્યું.

“હા, હા મને કોઈ ઉતાવળ નથી બસ ઓડીયન્સ અધીરી બની ગઈ છે. ઓડીટોરીયમ હોલમાં લોકો આંખો બિછાવીને રાહ જોઈ રહ્યા છે.” વિવેક સેજલના હાથમાંથી અન્યાને લીધી અને એના ગાલ પર ચુંબન કર્યું.

“યુ નો નયના આજે શું સ્પેસીઅલ છે?” એ અન્યાને લઈને મારી પાસે આવ્યો.

“હમમ... આજે તું શો પછી વૈશાલીને પ્રપોઝ કરીશ, હજારોની ભીડ વચ્ચે...”

મેં જવાબ આપતી વખતે વૈશાલી તરફ નજર કરી, એની પલકો ઢળી ગઈ હતી અને ગાલ પર એક ગજબ લાલાશ ઉતરી આવી હતી.

“એ સિવાય?”

“તું આજે પહેલીવાર નાગપુરમાં જ શો કરવાનો છે.” વૈશાલીએ મને હેલ્પ કરી.

“હા પણ એનાથી વધુ સરપ્રાઈઝિંગ કઈક છે..” તે મલક્યો.

“અમે ક્યા તારા જેમ જાદુગર છીએ કે અમને બધી ખબર હોય.” રશ્મિએ અમને ચુપ જોઈ વહારે આવવાનું નક્કી કર્યું.

“જાદુગર નથી પણ જાદુગર સાથે જોડાયેલા તો છો જ કમ-સે-કમ ગેસ તો કરી જ શકોને?”

“આઈ થીંક તું..” હું બોલું એ પહેલા દરવાજા તરફથી એ અવાજ સંભળાયો જે અવાજ મને દુનિયાની દરેક ચીજ કરતા વધુ પસંદ છે.

“એ આજે શોમાં પહેલીવાર કોઈને સાચે જ ગાયબ કરવાનો છે.” કપિલ રૂમમાં દાખલ થયો. તેણે આજે કાળો શર્ટ અને કાળું પેન્ટ પહેર્યા હતા. બ્લેક એન્ડ બ્લેકમાં તે હતો તેનાથી વધારે ગોરો દેખાતો હતો.

“તને શું ખબર?” મેં નવાઈથી પૂછ્યું.

“તે આ સરપ્રાઈઝ પહેલા મને ન આપી અને કપિલને આપી?” વૈશાલીએ ફરિયાદી અવાજમાં કહ્યું, જોકે એ મીઠો ઠપકો હતો એનો આશય એવો ન હતો, અમારા બધા વચ્ચે જ એક જ પરિવારના સભ્યો જેટલો પ્રેમભાવ હતો.

“મેં નથી આપી પણ એ નાગ મારું મન વાંચી શકે છે.” વિવેકે સ્વબચાવમાં દલીલ કરી ત્યારે મને યાદ આવ્યું કે વિવેક અને કપિલ એક બીજા સાથે મેન્ટલ બોન્ડથી જોડાયેલા છે. તેઓ કોઈ અજીબ સંપર્ક વિધા જાણતા હોય એમ માત્ર આંખોથી પણ વાત-ચિત કરી શકતા.

“સોરી...” કપિલ આસક્ડ ફોર એપોલોઝાઈઝ, “હું તારું મન વાંચી શક્યા વિના નથી રહી શકતો.”

“ઓકે, હવે તું નયાનાને કોઈ સરપ્રાઈઝ આપવાનું નક્કી કર, હું પણ તારું મન વાંચી એ બધાને જાહેર કરી દઈશ.” તેણે આંખો ફેરવીને મોઢું બનાવ્યું.

“ના, વિવેક પ્લીઝ.. આઈ લાઈક સરપ્રાઈઝ.” મેં વિનતી કરી.

“ઓહ! જાણે મને તો સરપ્રાઈઝ ગમતી જ નહિ હોય!” વૈશાલીએ દખલ કરી.

“અરે! હા આ બધું જવાદો અને તારો મિત્ર બહાર કેમ બધાથી એકલો બેઠો છે?” કપિલે વિવેકને પ્રશ્ન કર્યો.

“કોણ અરુણ?” વિવેકના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું, “એ મારા સિવાય કોઈ સાથે ભળી નથી શકતો, હી ઇઝ નોટ ટેમ.”

“ઓકે, તો હવે તું સ્ટેજ પર જઈ શોની તૈયારી કર. અમે આવીએ છીએ.” કપિલે અન્યાને વિવેકના હાથમાંથી લીધી, “કોલેજીયન્સ તારા શો માટે અડધા પાગલ થઇ ગયા છે.”

“શો પૂરો થાય ત્યારે પુરા પાગલ થઇ જશે..” મેં કહ્યું, ત્યારે મને ખબર ન હતી કે એ શો પછી ઘણું બધું બદલાઈ જવાનું હતું. માત્ર ઓડીયન્સ જ નહિ પણ હું કપિલ અને વિવેક બધા પાગલ થઇ જવાના હતા.

વિવેકે વૈશાલીને વેવ કર્યું અને બહાર ચાલ્યો ગયો.

“શું વાત થઇ ઇશારાઓમાં?” મેં વૈશાલીના વાળની છેલ્લી શેરને જમણી તરફ એના કાન પાછળ બેસાડતા પૂછ્યું.

“કઈ નહિ, તું ફટાફટ વાળનું પતાવ, હું શોને જરાય મિસ કરવા નથી માંગતી.”

“હા, ખબર છે.” મેં આયના પરથી પડદો હટાવ્યો, વૈશાલી પોતાની જાતને આયનામાં જોઈ રહી. એ કોઈ સ્વર્ગની અપ્સરા જેવી દેખાઈ રહી હતી. એની સુંદર આંખો અને વાળની ખુલી શેરો એના ચહેરાને અલૌકિક ઝલક આપી રહ્યા હતા. એનો સફેદ એસીમેટ્રીકલ પેટર્ન સાથેનો ડ્રેસ એનામાં પરીની પરિકલ્પનાને જીવંત બનાવી રહ્યો હતો. અલબત્ત તેના ખંજન આયનામાં હસું હસું થઇ રહ્યા. તે સાચોસાચ ઐતિહાસિક પાત્ર જેવી લાગતી હતી. તે આંખો પહોળી કરીને ગણગણી, “માય ગોડ...”

“હમમમ યસ નાઉ સી ઈઝ વૈશાલી...” મેં તેના ગાલ ઉપર હાથ મુક્યા. તે ઉભી થઇ ગઈ.

“થેન્ક્સ, નયના.” એ મને ભેટી પડી, “થેન્ક્સ ટુ ગીવ મી ધીસ મુમેન્ટ, તારી જીદના લીધે જ આ શો શકય બન્યો છે.”

“જા, જા હવે ચણાના ઝાડ પર ન ચડાવ..” મેં એને મારાથી જરાક અળગી કરી, “હવે આંખો ભીની ન કરતી નહીતર એક કલાક મહેનત કરીને જે મેકઅપ કર્યો છે એ મેસ થઇ જશે.”

મારા શબ્દોએ એના ચહેરા પર એક સ્મિત સજાવી નાખ્યું.

“હવે શોમાં જઈશું કે પછી તમે અહી અલગ શો ચાલુ કરવાના છો?” સેજલ બેબાકળી બની હતી, હું જાણતી હતી એને કેમ એટલી ઉતાવળ હતી. એનો શ્લોક પણ સ્ટેજ પર જવાનો હતો માટે એ અધીરી બની હતી.

અમે બધા સ્ટેજ પર ગયા. સ્ટેજની સામે પ્રથમ હરોળમાં અમારા માટે સ્પેસીઅલ ચેર ગોઠવવામાં આવી હતી. સ્ટેજ પછી લાકડાની રંગીન પટ્ટીઓ ગોઠવીને ટેમ્પરરી ફેન્સીંગ કરવામાં આવી હતી અને એના પછી એવી જ લાકડાની ચેર્સ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ ફરી એજ લાકડાની રંગીન પટ્ટીઓનો ફેન્સીંગ અને એના પાછળ પ્લાસ્ટિકની ખુરશીઓ અનેક હારમાં ગોઠવેલી હતી જે કોલેજીયન છોકરા છોકરીઓથી ખીખોખીચ ભેરેલી હતી.

અમારે ઓડીટોરીયમનું ચક્કર કાપીને એ ચેર સુધી પહોચવું પડ્યું કેમકે સ્ટેજ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો અને એ પડદાને જાદુગરની એન્ટ્રી પર જ હટાવવાનો હતો. હૈયે હૈયું ભીંસાઈ જાય તેવી ભીડ હતી. આંખો હોલ એની કેપીસીટી કરતા વધુ માણસોથી ભરાયેલો હતો માટે અમને ચેર્સ સુધી પહોચતા પાંચેક મિનીટ જેટલો સમય લાગ્યો.

અમે ચેર પર ગોઠવાઈ વિવેકના સ્ટેજ પર આવવાની રાહ જોવા લાગ્યા. મેં પાછળની તરફ નજર કરી. આંખી ગીર્દી એના આવવાની રાહ જોઈ રહી હતી. આ જ કોલેજમાં વૈશાલીએ એડમીશન લીધ હતું અને રશ્મી પણ અહી જ ભણી હતી. વિવેક વૈશાલીને કોલેજ અવાર નવાર છોડવા અને મળવા આવતો આથી કોલેજના મોટા ભાગના છોકરા છોકરીઓ તેને ઓળખતા થઇ ગયા હતા. મોટા ભાગના કોલેજ પ્રોફેસરો પણ એને ઓળખતા હતા. એમાય વૈશાલીના કલાસમાં તો કોઈ એવું ભાગ્યે જ હશે જેને વૈશાલીએ વિવેક વિશે હજાર વાતો ન કહી હોય. મોટા ભાગના વૈશાલીના કલાસમેટ વિવેકને પસંદ કરતા હતા. વૈશાલીએ દિલ્હી જેમ અહી પણ ઘણા મિત્રો બનાવી નાખ્યા હતા.

વિવેક લેટ કરી રહ્યો હતો. વૈશાલીના વાળ બનાવવામાં અને એને તૈયાર કરવામાં જ શો વીશેક મિનીટ જેટલો લેટ થઇ ગયો હતો અને હવે વિવેક કેમ વાર લગાવી રહ્યો છે એ મને સમજાયું નહિ.

“વિવેકને કેમ આટલી બધી વાર થઇ?” વૈશાલી પૂછ્યા વિના રહી ન શકી.

“એ શોમાં એની કારનો ઉપયોગ કરવાનો છે માટે કારને સ્ટેજ પાછળ લઇ આવવામાં વાર થઇ હશે. ત્યાં લાકડાનો સ્લોપ પણ બનાવવો પડશે ને, કદાચ એમાં વાર થઇ હશે.” કપિલે વૈશાલીને એક ફેમીલીઅર સ્મિત આપ્યું.

“પણ આટલી...”

વૈશાલી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ સ્ટેજ પર મુઝીક ચાલુ થયું. બધાનું ધ્યાન એ તરફ ગયું. વૈશાલીની આંખો પણ એ તરફ ફેરવાઈ. પડદો ખસ્યો અને ગ્રેટ મેજીસિયનની એન્ટ્રી થઇ. મને સમજાયું વિવેકને આટલો સમય કેમ લાગ્યો હતો. તેણે ડ્રેસ ચેન્જ કર્યો હતો. તેણે લાંબો ઓવરકોટ પહેર્યો હતો અને માથા પર મેજીસિયન હેટ લગાવી હતી. એના હાથ બિલકુલ ખાલી હતા. એના હાથમાં બીજા જાદુગરો જેમ કોઈ છડી કે દંડો ન હતો.

“વિવેક, યુ આર લેટ..”

“મેજીસિયન યુ આર લેટ..”

પાછળ બેઠેલા લોકો બુમો પાડવા લાગ્યા. એના બે કારણ હતા એક તો વિવેક એમના માટે ફેમીલીયર હતો અને બીજું ખરેખર શો અડધો કલાક મોડો હતો.

“આજે હું તમને ભારતીય જાદુ બતાવીશ..” વિવેકે કહ્યું, “જેમાં એક પણ ટ્રીક વિદેશી શોની નકલ નહિ હોય. પ્યોર ઇન્ડિયન.”

એના અવાજ સાથે જ સ્ટેજ પર ઝગારા મારતી લાઈટો ચાલુ થઇ અને સ્લો મ્યુઝીક શરુ થયું.

“વોટ અબાઉટ ડીલે?” ફરી એક યુવાનીયાએ બુમ પાડી.

“જરાક મોડું થયું એમાં આ લોકો કેમ ડીલે પર ફોકસ કરે છે.. ચીપ સ્પેક્ટેકલસ.” વૈશાલીએ ખીજાઈને કહ્યું. વૈશાલી ક્યારેય વિવેકને ઝાંખો પડતો જોઈ ન શકતી.

“આઈ એમ સોરી પણ યુવા મિત્રો તમે તમારી ઘડિયાળ જોઈ શકો છો. શો સમયસર જ શરુ થયો છે.” વિવેકે ગંભીર અવાજે કહ્યું.

મેં મારી રિસ્ટ વોચ તરફ નજર કરી. એ આઠ વાગ્યાનો સમય બતાવી રહી હતી. હાઉ ઈઝ ધીસ પોસીબલ? સવા આઠે તો હું વૈશાલીનો મેકઅપ કરતી હતી.

“એણે સમયને બદલી નાખ્યો.” વૈશાલીએ ખુશીથી ઉછળી પડતા કહ્યું.

મેં પાછળ નજર કરી, કેટલાક કોલેજ યુવકો પોતાનો મોબાઈલ નીકાળી એમની ઘડિયાળનો સમય મેળવી રહ્યા હતા. મેં પણ મોબાઈલ નીકાળી સમય તપાસી જોયો, મોબાઈલમાં પણ આઠ જ વાગ્યા હતા.

“તો સાહેબાન, કદરદાન. શો લેટ છે?” વિવેકે હસીને બે હાથ ફેલાવી સવાલ કર્યો.

વળતા જવાબમાં હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.

“ગ્રેટ મેજીસિયન..”

“ગ્રેટ મેજિક..”

“ઇન્ડિયન મેજિક..” હોલમાં અલગ અલગ બુમો પડવા લાગી.

“તો મિત્રો મારા લેટ થયાની સમસ્યાનું સમાધાન થઈ ગયું હોય તો આપણે શોમાં આગળ વધીએ.” વિવેક જાદુગરની અદાથી કમરમાંથી સહેજ નમ્યો અને જુકીને પૂછ્યું, “શેલ વી ગો અહેડ..?”

“યસ.. યસ... પ્લીઝ....” ફરી હોલ પ્રેક્ષકોના અવાજથી ગુંજી ઉઠ્યો.

“તો આગળ વધતા પહેલા ફરી એકવાર ઘડિયાળ જોઈ લો એટલે ખબર પડે કે શો કેટલા વાગ્યે શરૂ થયો હતો.”

બધા ફરી ઘડિયાળમાં જોવા લાગ્યા અને ફરી હોલ તાળીઓના ગડગડાટથી ઉભરાઈ ગયો.

“નયના એક મિનીટમાં સમય બદલાઈ ગયો...”

વૈશાલી પણ પ્રેક્ષકોની જેમ ખુશી અને નવાઈથી પાગલ થઈ ગઈ હતી. મેં પણ જો વિવેકને ભેડાઘાટ પર જાદુઈ તાકાતથી લડતા જોયો ન હોત તો મને પણ એ ટ્રિક જોઈ નવાઈ થઈ હોત.

“તો મિત્રો શો આગળ વધારવા આપણે તમારામાંથી કોઈ એક વ્યક્તિની ઘડિયાળની જરૂર પડશે.” વિવેકે એક નજર ઓડીયન્સ પર ફેરવી, “કોઈ એક મિત્ર મોંઘી ઘડિયાળ સાથે સ્ટેજ પર આવશે?”

એક યુવક પ્રેક્ષકોમાંથી ઉભો થઇ સ્ટેજ સુધી જવા માટે બનાવેલ ફેન્સીંગ વેમાંથી પસાર થઇ સ્ટેજ પર ગયો.

“એ રઘુ છે. મારો કલાસમેટ..” વૈશાલીએ મારા તરફ જોઈ કહ્યું, “એને વિવેક પસંદ છે, એ ક્યારનોય વિવેકનો શો જોવા માંગતો હતો. જયારે મેં એને પહેલીવાર વિવેકના જાદુની વાત કરી, એણે દિલ્હીમાં બતાવેલા કરતબ કહ્યા ત્યારનો એ વિવેકનો ફેન બની ગયો છે.”

“હમમ..” મેં હોકારો પાઠવ્યો અને અમે ફરી સ્ટેજ તરફ જોવા લાગ્યા. રઘુ વિવેક પાસે જઈ ઉભો રહ્યો. તે બંને ઉપર વધારે લાઈટ ફેકાઈ.

“જેન્ટલમેન, યોર નેમ?”

“રઘુનાથ... બટ યુ કેન કોલ મી જસ્ટ રઘુ..” તેણે સ્મિત વેર્યું.

“નાઈસ નેમ.” વિવેકે ફિલ્મી જાદુગરની છટાથી કહ્યું, “રઘુ તો તમે મને તમારી ઘડિયાળ આપી શકશો?”

“કેમ નહિ સર?” રઘુએ એની ઘડિયાળ એના કાંડા પરથી ઉતારી વિવેકના હાથમાં આપી, “કોલ મી જસ્ટ રઘુ, તમે મને તુકારો આપશો તો મને વધુ પસંદ આવશે, આઈ એમ યોર બીગ ફેન.”

“ઓકેય રઘુ...” વિવેકે એના હાથમાંથી ઘડિયાળ લીધી, “તારી આ ઘડિયાળ શું કિમતની છે?”

“ત્રણ હજાર...”

“હું એને તોડી નાખું તો તને દુખ થશે?”

“ના, સર પણ કોઈ બીજું તોડશે તો મને દુખ થશે..” રઘુએ ફરી સ્મિત આપ્યું, “તમે તોડશો તો નહિ.”

“ઓકે તો હું એને તોડી નાખું છું.” વિવેકે એ ઘડિયાળ જમીન પર મૂકી તેના કોટના ખિસ્સામાંથી એક નાનકડી હથોડી નીકાળી એ ઘડિયાળ પર ઝીંકી. ઘડિયાળના ટુકડે ટુકડા થઇ ગયા.

“આ ઘડિયાળે જ બધાને કહ્યું હતું ને કે હું મોડો પડયો છું. મેં એને તોડી નાખી. મારો બદલો પૂરો થયો.” વિવેકેના અવાજમાં ગુસ્સો ભળ્યો.

“પણ મારી જ ઘડિયાળ કેમ?” રઘુએ ગૂંચવાઈને કહ્યું, “બધાની પાસે ઘડિયાળ છે.”

“બધાની ઘડિયાળના એ જ હાલ થયા છે.” વિવેકે એક બેડ સોરસેસર (કાળા જાદુગર) જેમ અટહાસ્ય કર્યું.

બધા પ્રેક્ષકો પોતપોતાની ઘડિયાળ જોવા લાગ્યા, મેં અને વૈશાલીએ પણ અમારી કાંડા ઘડિયાળ પર નજર કરી. અમારી ઘડિયાળ પર કોઈએ હથોડી ઝીંકી હોય એમ એ ક્રેસ થઈ ગઈ હતી. બધાની ઘડિયાળો તૂટી ગઈ હતી.

“તારી ઘડિયાળની કીમત હું તને ચૂકવું છું કેમકે તારી ઘડિયાળે મને બીજી ઘડિયાળો સાથે બદલો લેવામાં મદદ કરી છે.” વિવેકે કોટના બીજા ખિસ્સામાંથી સો સોની નોટની એક નાનકડી થપ્પી નીકાળી રઘુના હાથમાં આપી.

“નો, સર હું તમારી પાસેથી પૈસા કઈ રીતે લઇ શકું? આઈ એમ બિગ ફેન ઓફ યુ.”

“મુર્ખ, જાદુગર વિવેકને ના સાંભળવાની આદત નથી. મારો ગુસ્સો ભડકે અને હું તને કબુતર બનાવી ઉડાડી નાખું એ પહેલા આ નોટો લઈલે.” વિવેકે બનાવટી ગુસ્સો જાળવી રાખતા ઊંચા અવાજે કહ્યું.

પ્રેક્ષકોમાં ખુશીની લહેર ઉપડી ગઈ. રઘુના કેટલાક મિત્રો એના માટે મુર્ખ સંબોધન સાંભળી ખુશીથી સીટીઓ વગાડવા લાગ્યા.

રઘુએ એ નોટો લઇ પોતાના ખીસ્સામાં મૂકી.

“હવે તું જઈ શકો છો રઘુ.”

રઘુ ઘડીભાર વિવેકને જોઈ રહ્યો અને પછી સ્ટેજ છોડી એની સીટ તરફ જવા લાગ્યો.

“એક મિનીટ રઘુ. તારા જેવા સંસ્કારી માણસ પાસે મેં આવી આશા નહોતી રાખી.” રઘુ સ્ટેજથી નીચે ઉતાર્યો એ જ સમયે વિવેકે કહ્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky