મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 26
અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં. અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ ગુરુ ની શોધી જ કાઢે છે પણ એ બંધ થઈ જાય છે.. બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.
રાતે ગુરુ અને જોહારી સાથે શું થયું એ વાતથી બેખબર બાકીનાં લોકો જ્યારે સવારે નીંદરમાંથી ઉઠયાં ત્યારે એમને જોયું કે જોહારી અને ગુરુ એમની જગ્યાએ નથી.. પણ આ વાતને કોઈએ વધુ ધ્યાનમાં ના લીધી.. બધાં ને એમ કે એ બંને સ્નાન કરવાં કે નિત્યક્રિયા માટે ગયાં હશે માટે એ સમયે તો ચિંતા કરવાનું કોઈ કારણ એ લોકોને મળ્યું નહીં.
પણ જ્યારે એ છ જણા નિત્યક્રિયા અને સ્નાન કરીને પાછા આવ્યાં ત્યારે પણ ગુરુ અને જોહારી એમની નજરે ના ચડતાં એ લોકોની ચિંતા બેવડાઈ ગઈ.
"આ ગુરુ અને જોહારી ક્યાં ગયાં હશે..? "ચિંતિત સ્વરે સાહિલ બોલ્યો.
"ભાઈ.. ત્યાં ઊંટ બાંધ્યા છે એ જગ્યાએ પણ કોઈ નથી.. હું ચેક કરીને આવ્યો.. "ડેની ત્યાં આવતાં હાંફતા હાંફતા બોલ્યો.
"તો પછી એ બંને ગયાં તો ગયાં ક્યાં..? "ગુસ્સો અને અકળામણ બંને કાસમ નાં અવાજમાં મહેસુસ થતાં હતાં.
"આપણે વધુ સમય બગાડયાં કરતાં એ બંનેને ઝડપથી શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.. મને નથી લાગતું એ બંને વધુ દૂર ગયાં હશે.. મારાં મત મુજબ મેં ગુરુની આંખોમાં ભૂગર્ભ રસ્તો શોધી કાઢવાનું જે ઝનૂન જોયું હતું એ પરથી તો લાગે છે નક્કી એ રાતે જોહારીની સાથે બીજો રસ્તો શોધવા ગયો હશે.. "વિરાજે મનોમન કંઈક વિચાર્યા બાદ કહ્યું.
"ચાલો તો પછી એ બંને ને શોધવાનું શરૂ કરીએ.. "માઈકલ બધાંને ઉદ્દેશીને બોલ્યો.
ત્યારબાદ એ છ જણા નાસ્તો કરવાનું પણ પડતું મૂકીને ગુરુ અને જોહારીને શોધવાની કોશિશમાં જોતરાઈ ગયાં.
***
આ તરફ ગુરુ અને જોહારી સુરંગ જેવાં રસ્તા પર જમીનની નીચે અસહાય ઉભાં હતાં.. ઉપર જવાનો કોઈ માર્ગ એ લોકોને દેખાતો નહોતો.. થોડો સમય અંધારામાં રહ્યાં બાદ એ લોકોની આંખો આ ગાઢ અંધકારમાં જોવાં માટે થોડી ઘણી તો ટેવાઈ ચુકી હતી.. બાકીનાં બધાંને કહ્યાં વગર એકલાં જ અહીં આવવાની ભૂલ ગુરુ ને સમજાઈ રહી હતી.
"ગુરુ, હવે બહાર જવાનો તો કોઈ રસ્તો વધ્યો નથી.. એક કામ કરીએ આ ભૂગર્ભ ગુફામાં આગળ વધીએ.. "પોતાનાં મનમાં આવેલી વાત ગુરુ સમક્ષ મુકતાં જોહારી બોલ્યો.
"પણ ભાઈ.. હવે આપણી જોડે ટોર્ચમાં પણ સેલ પૂરાં થઈ ગયાં છે તો પછી આગળ કેમ કરીને વધીશું..? "જોહારીનાં અવાજ પરથી એ ક્યાં ઉભો હતો એનો ખ્યાલ લગાવી એની તરફ ચહેરો કરી ગુરુ એ સવાલ કર્યો.
"ભાઈ આ રહી સુપર ટોર્ચ.. "આટલું કહી જોહારીએ પોતાનાં જેકેટમાંથી એક પાતળી લાકડી બહાર કાઢી.. અને પોતાનાં ખિસ્સામાંથી કાઢેલું લાઈટર સળગાવી.. એ વસ્તુ શું હતી એ ગુરુને બતાવ્યું.
જોહારીનાં હાથમાં જે લાકડી હતી એ પોતે ક્યાંક જોઈ હતી એ વિશે વિચારમંથન કરતાં ગુરુ ઝબકારા સાથે બોલ્યો.
"આ લાકડી તો વિરાજને પેલો ભેદી માણસ આપી ગયો હતો એ છે.. "
"હા આ એજ લાકડી છે.. મેં કાલે જ્યારે વિરાજ સ્નાન કરવાં ગયો હતો ત્યારે એનાં સામાન જોડે આ લાકડી પડેલી જોઈ.. આ જ્યોતિકા વૃક્ષ ની નાની લાકડી પણ એક વખત સળગાવ્યા બાદ કલાકો સુધી મશાલની જેમ પ્રજ્વલ્લિત રહે છે એ મને ખબર હતી.. એટલે મેં ચોરીછુપી એક લાકડી મારી જોડે રાખી લીધી.. મને હતું કે ક્યાંક તો એ કામ જરૂર આવશે.. અને આજે કામ આવી પણ ગઈ.. "પોતાની જોડે એ લાકડી ક્યાંથી આવી એ વિશે જણાવતાં જોહારી બોલ્યો.
"ઉત્તમ.. તો પછી તું આ લાકડી ને આગ લગાવ.. આપણે એનાં પ્રકાશમાં આગળ વધીને આ રહસ્યમય રસ્તા પર બીજું શું છે એ જોઈ શકીશું.. "જોહારી તરફ જોઈ ગુરુ બોલ્યો.
જોહારીએ લાઈટર વડે જ્યોતિકા વૃક્ષ ની લાકડીને આગ ચાંપી એ સાથે જ એ પાતળી લાકડી કોઈ મશાલ ની જેમ પ્રકાશ ફેંકવા લાગી.. એ પ્રકાશમાં ગુરુ અને જોહારી ગુફામાં આગળ વધવા લાગ્યાં.. એમનું આમ કરવું કેટલું જોખમકારક હતું એ તો સમય જતાં જ ખબર પડવાની હતી.
એક તો બીજાં લોકોની જાણ બહાર અહીં આવવાની ભૂલ એ બંને કરી ચુક્યાં હતાં અને હવે ત્યાં પોતાનાં દોસ્તોની રાહ જોયાં વગર આગળ જવાની ભૂલ ને પણ તેઓ અંજામ આપી ચુક્યાં હતાં.. આ ભૂલનું પરિણામ કોને અને કેટલું ભોગવવું પડે એમ હતું એ બધું હાલપુરતું તો કોઈ જાણતું નહોતું.
***
આ તરફ ગુરુ અને જોહારીને સતત ચાર કલાકથી પણ વધુ સમય શોધ્યા બાદ વિરાજ, સાહિલ, માઈકલ, ડેની, અબુ અને કાસમ થાકી ગયાં હતાં.. એ બંનેને અવાજ આપતાં આપતાં એ લોકોનું ગળું પણ બેસી ગયું હતું.. સૂરજ પણ હવે માથે ચડી ચુક્યો હતો.. એટલે થાકી-હારીને એ લોકો પુનઃ એમનો સામાન પડ્યો હતો ત્યાં આવીને બેસી ગયાં.
એ છ લોકો બે-ત્રણ વખત પેલાં ચોક સુધી પણ જઈ આવ્યાં હતાં જ્યાં ભૂગર્ભ માર્ગે આગળ જવાનો રસ્તો ખુલતો હતો પણ બધાં એ ત્યાં પહેલાંની માફક જ પથ્થરોને પોતાની જગ્યાએ જોઈને વધુ ધ્યાન આપ્યું નહીં.
"નક્કી આ બે જણા જાણીજોઈને ક્યાંક ગયાં હોવાં જોઈએ.. નહીં તો આટલી શોધખોળ પછી પણ એ બંને હાથ ના આવે એવું બને જ નહીં.. "વિરાજ કંઈક વિચારીને બોલ્યો.
"હા ભાઈ.. મને પણ એવું જ લાગે છે.ભગવાન કરે બંને જ્યાં હોય ત્યાં સહી-સલામત હોય.. "સાહિલ મનોમન પોતાનાં ઈષ્ટદેવને યાદ કરતાં બોલ્યો.
"ભાઈઓ એમ હિંમત થોડી હારી જવાય.. હવે થોડું જમીને.. બપોરે થોડો આરામ કરીએ પછી ફરીથી આપણાં દોસ્તોને શોધવાની કોશિશ કરીશું.. મને વિશ્વાસ છે એ બંને જલ્દી મળી જશે.. "કાસમ મક્કમ સ્વરે બોલ્યો.
ત્યારબાદ એ છ લોકોએ થોડી ચોકલેટ, ખજૂર અને સૂકોમેવો ખાધો.. અને પછી એ છ જણા થોડો સમય આરામ કરવાનાં ઉદ્દેશથી સુઈ ગયાં.. બે કલાક બાદ અચાનક વિરાજને ઊંઘમાં જાણે ઝબકારો થયો હોય એમ ઉભો થયો અને બાકીનાં બધાંને સંભળાય એમ મોટેથી બોલ્યો.
"મને ખબર છે એ બંને ક્યાં ગયાં છે."
"શું કહ્યું.. તું જાણે છે એ બંને અત્યારે ક્યાં છે..? "વિરાજની વાત સાંભળી બાકીનાં બધાં ઉંઘમાંથી સફાળા જાગતાં બોલી પડ્યાં.
"હા.. તમે જોયું ગુરુ અને જોહારીની સાથે પેલું હશરત દ્વારા આપવામાં આવેલું લોકેટ પણ ગાયબ છે.. જેનો અર્થ એવો નીકળે કે એ બંને પેલાં જુનાં રસ્તે નીચે ગયાં હોવાં જોઈએ અથવા બીજો નવો રસ્તો શોધીને એ રસ્તે આગળ વધ્યાં હોવાં જોઈએ.. "વિરાજે પોતાની વાત રજૂ કરતાં કહ્યું.
"પણ નીચે જવાનો જે રસ્તો આપણે પહેલાં શોધ્યો હતો એ તો અત્યારે બંધ છે.. આપણે બે-ત્રણ વખત એ તરફ જઈ આવ્યાં."માઈકલ દલીલ કરતાં બોલ્યો.
"તો એકવાર વધુ.. મને લાગે છે ત્યાં આપણાંથી કંઈક છૂટી ગયું છે.. "પોતાનાં ચહેરા પર ઊગી નીકળેલી આછી દાઢીમાં હાથ ફેરવતાં ફેરવતાં વિરાજ બોલ્યો.
"તો ચલો ત્યારે ત્યાં જઈને જોઈ લઈએ ફરી એકવાર.. એ બહાને મનનો બધો વહેમ દૂર થઈ જશે.. "અબુ પોતાની જગ્યાએ ઉભાં થતાં બોલ્યો.
બાકીનાં બધાં પણ પોતાનાં સ્થાને ઉભાં થયાં અને અબુની સાથે-સાથે એ તરફ ચાલી નીકળ્યાં જ્યાંથી ભૂગર્ભમાં જતાં રસ્તા દ્વારા ગુરુ અને જોહારી નીચે ઉતર્યા હતાં.ત્યાં પહોંચીને પહેલાં તો એ લોકોને કોઈ એવી વસ્તુ નજરે ના ચડી જે પરથી પુરવાર થતું હોય કે ગુરુ અને જોહારી અહીંથી નીચે ગયાં હોવાં જોઈએ.
અચાનક સાહિલની નજર દીવાલ પર બનેલાં નિશાનની અંદર લગાવેલાં લોકેટ પર પડી.. આમ થતાં ની સાથે જ સાહિલ મોટાં સાદે બધાંને ઉદ્દેશીને બોલ્યો.
"દોસ્તો.. ત્યાં જોવો.. દીવાલ પર.. "
સાહિલની વાત સાંભળી બધાંનું ધ્યાન એ તરફ ગયું.. હકીકતમાં દીવાલ પર જે વેલાં હતાં એની વૃદ્ધિ પામવાની ઝડપ એટલી હતી કે એ વેલાં નાં ઉપર આવી જવાથી લોકેટ ઘણુંખરું ઢંકાઈ ગયું હતું.. જેનાં લીધે ધારીને ના જોવામાં આવે તો એ લોકેટ નજરે પડે એમ હતું જ નહીં.. એ જ કારણથી અત્યાર સુધી એ લોકો લોકેટને જોઈ નહોતાં શક્યાં.
દીવાલમાંથી લોકેટને કાઢતાં વિરાજ બોલ્યો.
"મારો શક સાચો નીકળ્યો.. ગુરુ અને જોહારી નક્કી આજ રસ્તે આગળ ગયાં હશે.. એ લોકોએ ગઈકાલે રાતે લોકેટની મદદથી અહીં મોજુદ રસ્તો ખોલ્યો અને પછી નીચે ઉતર્યા.. "
"પણ કાલ સાંજ સુધી તો આ રસ્તો નહોતો ખુલી રહ્યો.. તો પછી રાતે અચાનક કેમ ખુલ્યો..? "ડેની એ પોતાનાં મનમાં ઉદ્દભવેલો સવાલ રજૂ કરતાં કહ્યું.
ડેનીનાં સવાલ નો જવાબ શોધવા બધાં થોડો સમય સુધી મગજને કસતાં રહ્યાં.. થોડીવાર બાદ સાહિલ વિચારીને બોલ્યો.
"પરમદિવસે પણ આ રસ્તો ખુલ્યો ત્યારે રાત નાં દોઢેક વાગ્યાં હતાં.. અને ગઈકાલે પણ લગભગ એ જ સમયે ગુરુ અને જોહારી આ રસ્તો ખોલીને નીચે જઈ પહોંચ્યા.. આનો અર્થ એવો નીકળે કે આ રસ્તો ચોવીસ કલાક બાદ જ ખુલતો હશે.. "
"તું કહે છે એ તર્ક માં વજન છે...છતાં એકવાર અત્યારે આ લોકેટની મદદથી રસ્તો ખોલવાનો પ્રયત્ન કરી જોઈએ.. જો રસ્તો નહીં ખુલે તો મોડાં રાતે આવીશું.. "અબુ બોલ્યો.
અબુ ની વાત સાથે બાકીનાં બધાંએ સહમતી દર્શાવી એટલે વિરાજે જે રીતે ગુરુ એ પ્રથમ બે સ્તંભ અને પછી દીવાલની અંદર મોજુદ નિશાનમાં લોકેટ ભરાવી નીચે જવાનાં રસ્તાનું પ્રવેશદ્વાર ખોલ્યું હતું એ જ રીતે વિરાજે પણ વારાફરથી ત્રણેય નિશાનમાં લોકેટ રાખી જોયું.. પણ એનાંથી રસ્તો ના ખુલ્યો.
રસ્તો ના ખુલતાં એ લોકોએ રાતે ત્યાં આવીને રસ્તો ખોલવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી એ લોકો જ્યાં સૂતાં હતાં એ ખુલ્લાં ચોકમાં જઈ પહોંચ્યાં.. ત્યાં જઈને બધાં એ પોતપોતાની રીતે સમય પસાર કરવાં અવનવાં નુસખા અજમાવી જોયાં.. રાત પડતાં એ લોકોએ છેલ્લી જમવાની વસ્તુ રૂપે વધેલાં બિસ્કિટ ખાધા અને પછી રાતનાં એક વાગ્યાં નું એલાર્મ મૂકીને સુઈ ગયાં.
જેવું જ એલાર્મ વાગ્યું એ સાથે જ એ છ લોકો જાગી ગયાં.. જાગતાં ની સાથે જ એ લોકો હાથમાં ટોર્ચ લઈને નીકળી પડ્યાં ત્રિકોણાકાર નિશાન ધરાવતાં સ્તંભ અને દીવાલ વાળાં ચોકની તરફ.. એ બધાં જ અત્યારે ખૂબ જ ઉત્સાહિત હતાં એ વિશે વિચારી કે આ વખતે તો ચોક્કસ એ લોકો નીચે ભૂગર્ભ માર્ગમાં પ્રવેશવાનો રસ્તો ખોલીને જ રહેશે.
થોડીવારમાં તો એ છ લોકો ત્યાં આવી પહોંચ્યાં.વિરાજે ત્યાં પહોંચતાં જ બાકીનાં બધાં ને નીચે ઉભાં રહેવાનું કહ્યું અને પોતે હાથમાં લોકેટ લઈને પહેલાં સ્તંભની જોડે જઈને ઉભો રહી ગયો.. સાહિલ, માઈકલ અને અબુ એ પોતપોતાનાં હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ સ્તંભની ઉપર મોજુદ ત્રિકોણાકાર નિશાન પર ફેંક્યો એ સાથે જ વિરાજે પોતાનાં ઈષ્ટદેવનું નામ લઈને લોકેટને નિશાનમાં મૂકી દીધું.. !!
★★★
વધુ નવાં ભાગમાં.
જોહારી અને ગુરુ કેવી સ્થિતિમાં હશે...? વિરાજ અને બીજાં બધાં ફરીથી રસ્તો ખોલવામાં સફળ રહેશે..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***