bhajiya in Gujarati Comedy stories by Salima Rupani books and stories PDF | ભજીયા

Featured Books
Categories
Share

ભજીયા

અમને ભજીયા બહુ પ્રિય નથી પણ ખાઈ લઈએ. દાળવડા જરા પ્રેમથી ખાઈ લઈએ અને બટેટાવડા ઉમંગથી.

હવે બન્યુ એવુ કે અમુક સગાની ફરિયાદ હતી કે લગ્નમાં ન બોલાવ્યા. પણ મોઢુ બતાવવા તો ભાભીને લઈને આવો. પેંડા બેન્ડા ખવડાવો.( લગ્ન સાદાઈથી અનિવાર્ય સંજોગોને લીધે થયેલ. અને બેન્ડા નામનો કોઈ ખાદય પદાર્થ લગભગ નથી.)

અમે નક્કી કર્યુકે આમને ફોટા તો મોકલ્યા પણ એમાં કદાચ ધની( નામ તો ધનશ્રી છે પણ યુ નો લવનેમ) બરાબર નહી દેખાઈ હોય તો રૂબરૂ દર્શન કરાવી દઈએ.

એક રવિવારે ગોંડલ જવાનુ નક્કી કર્યું. ત્યાં ત્રણ સગા રહેતા હતા. હજી સ્ટેશને ઉતર્યા ત્યાં જ સ્ટેશન સામેજ મસ્ત ગરમાગરમ ભજિયાની સુગંધ આવી. ધનીનુ મન વિચલિત થઈ ગયુ અને અહીંના દિલખુશના ભજીયા ફેમસ છે એ એને યાદ આવ્યુ તો ત્યાં ગરમાગરમ ભજીયા ખાધા. ધનીને મજા આવી તો બીજી બે પ્લેટ લઈને બન્નેએ ખાધા. ( ખાવા પડ્યા. કમ્પની ન આપુતો ધનીનો તોબરો ચઢી જાય. બાકી યુ નો બહુ પ્રિય નથી. )

એ પછી પહેલા સગા-ફોઇને ત્યાં ગયા. ફોઇને ખબર તો હતી અમે આવવાના છીએ પણ ક્યારે એ ફિક્સ નહોતુ. અમને એમકે નજીકના કહેવાય તો ત્યાં વધારે વાતો થશે. જમીશુ અને પછી બીજે જઈશુ.

હવે ફોઇને એ લોકો તો નાસ્તો કરીને ઉભા થતા હતા. હવે જ ખબર પડીકે રવિવારે સરકારી કચેરીની જેમ બધુ એમને ત્યાં બે ત્રણ કલાક લેટ ચાલે.

ધનીનુ દર્શન થઈ ગયુ. આશીર્વાદ અપાઇ ગયા. અમે લઈ ગયેલ ભગતના પેંડા ફ્રીઝમાં મુકાઇ ગયા પછી ભજિયાની સુગંધ શરૂ થઈ. મને થયુકે ધનીના મોંમાંથી આવે ફોઇને ખબર પડશે તો ખરાબ લાગશે. તો મેં તો કોઈ ન જુએ એમ મોં સૂંઘવા માંડ્યું. ધની ખબર નહિ શુ સમજી તે શરમાઈને છણકા કરવા લાગી. ત્યાં ગરમ ભજિયાની ડીશ આવી. હું અચરજથી જોઈ રહ્યો. ફોઈ કહે અમારે ચાર પહેલા રવિવારે રસોઈ બમ ન થાય. હવે તમે બન્ને ભૂખ્યા હશો. વળી હંસી માસી અને સરલાકાકીને ત્યાં ય જવુ જ છે ને. તો કીધુ ભજીયા ખાઈ લો તો ટેકો રહે.

ફોઈએ અતિઆગ્રહ કરીને ગોટા તો ચાખો, ફુલવડી તો લો કરી કરીને ઉભા થવામાં ટેકો લેવો પડે એમ ખવડાવ્યા.

અમે પરાણે ભજીયા ખાધા અને પ્રયાણ કર્યું. એક સવા જેવુ થઈ ગયુ. હંસીમાસી મમ્મીના પિતરાઈ બહેન થાય એમને ત્યાં વાસણ ઘસાતા હતા. ધની દર્શન કરીને એમણે પણ આશીર્વાદ અને પેંડા એક્સચેન્જ કર્યા.

ત્યાં રહસ્ય ખુલ્યું. રવિવારે વહેલુ પરવારી શકાય અને આરામ થઇ શકે એટલે એ લોકો સાડાબાર વાગે જમી લે. અમે બસ થોડા મોડા પડ્યા. જોકે બે રાઉન્ડ ભજીયા પછી જમવામાં રસ હતો જ નહી. માસીને બહુ અફસોસ થતો હતો કે અમે લેટ પડ્યા. વધ્યું પણ હતું પણ ગાય માતાને ધરાવ્યાં! અમે ફરી રસોઈ બનાવવાની ભારપૂર્વક ના કહી ત્યારે એમની વહુના મોં પર એકદમ હળવાશ ફેલાઈ. એ દોડીને કિચનમાં ગાયબ થઈ ગઈ. થોડીવારમાં ભજીયા અને કેચપ સાથે પ્રગટ થઈ. યાદ કરુ તો પણ નવાઈ લાગે છે કે આટલી સ્પીડથી કેમ બનાવ્યા. પછી થયુ કદાચ માસી ફરી આગ્રહ કરે ને બધી જ રસોઈ બનાવવી ન પડે એટલે જ એ ઉત્સાહ આવ્યો હશે.

ગોટા જોઈને પેટમાં ગોટા વળવા લાગ્યા પણ અપમાન કેમ કરવુ. જેમ ભજીયુ મોમાં નાખુ એમ પેટ પાછો ધક્કો મારે. ભજિયામાં ભયંકર ફસાઈ ગયા એમ થયુ.

છેવટે માંડ ઉભા થયા કાકીને ત્યાં રહી જશે એમ કરીને રસ્તામાં સોડા પીધી.કદાચ એ ઉછળતા ગોટાને બેસાડી દે.

સરલાકાકીને ત્યાં ગયા તો એ આરામથી ટીવી જોતા હતા. ધની દર્શન પછી આશીર્વાદ. પેંડા બધુ પત્યું. વાતો ચાલતી રહી.ભજીયા બેસવા નહોતા દેતા આંખો ઘેરાતી હતી. કાકી પારખી ગયા. કહે થાક્યા લાગો છો કલાક લંબાવી દો ને. અમે તો રૂમમાં ઢળી જ પડ્યા.

ફોનની રિંગ વાગી આને આંખો માંડ ખુલી. બહાર નીકળ્યા રસોડુ ચુપ હતુ તો શાંતિ થઈ પણ બસ ચા મળી જાય તો, ત્યાં કાકી અમને જોઈને હરખાતા કહે ઉઠી ગયા બન્ને, ચલો નાસ્તો આવી ગયો હું જગાડવા જ આવતી હતી. નાસ્તાની તો પેટમાં જગ્યા કેમ કરવી, સરલાકાકીને વાતે વાતે ખરાબ લાગી જતુ. તો બે ચાર ચમચી જે હોય તે ચાખી લેશું. જોકે અંદરના ભજીયા તો બહાર આવવા માટે લડતા હોય એવી ભીંસ અનુભવાતી હતી. પણ થયુ હાશ ભજીયા તો ન બનાવ્યા. બચી ગયા. ત્યાં કાકીએ ફોડ પાડ્યો. "અમારે સ્ટેશન પાસે દિલખુશના ભજીયા બહુ ફેમસ. તો કીધું તમારા માટે, એ બહાને અમે પણ ખાઈએ. કે દિવસના નથી ખાધા." એ ભજીયા જોતા જ પેટમાં સ્થાયી થવા ધક્કામુક્કી કરી રહેલ ભજિયાએ જે કૂદકો માર્યો છે. શુ થયું ખબર નહી પણ હું મુઠ્ઠી વાળીને દોડવા માંડ્યો. મારી પાછળ. ધની અને પાછળ સરલાકાકી બુમો પાડે.

ક્યારે ટ્રેન આવી, ચડ્યા, ઘેર પહોંચ્યા, ખબર જ નહીં. બે દિવસ નાજુક પેટને લીધે દવા લઈ ઘરે રહેવું પડ્યું. તે દિવસ અને આજની ઘડી ભજીયા નામ પડે ને મુઠ્ઠી વાળીને દોડી જવાય છે.