એક યુવાન પોતાને જંગલમાં ફરવાનો અને કુદરતી વસ્તુઓ નિહાળવાનો ઘણો શોખ હતો એટલે તે એકવાર જંગલમાં નીકળી પડ્યો, તે યુવાનનું નામ મલિક હતું અને તેની ઉંમર લગભગ વીસેક વર્ષની હશે. આમ તો મલિક નીડર હતો એટલે જંગલના પ્રાણીનો અવાજ આવવાથી ડરતો ન હતો તે ધીમે ધીમે તે જંગલની વચ્ચે પહોંચી ગયો હતો.
વચ્ચેનું જંગલ એટલું ગાઢ હતું કે સૂર્યનો પ્રકાશ પણ ધરતી પર પડતો ન હતો. આવા ગાઢ જંગલમાં મલિક કુદરતની કરામત નિહાળી રહ્યો હતો, હરણનું ટોળું ઘાસ ચરતા ચરતા મલિકના પગનો અવાજ સાંભળી બધા તેનું મોઢું ઉંચુ કરી મલિકને જોઈ રહ્યા હતા. સસલા ઉંચા ઉંચા ઘાસમાં કૂદી રહ્યા હતા, આજુબાજુ રહેલા ફૂલોમાંથી મીઠી મહેક નાકને સ્પર્શી રહી હતી. પતંગિયા, મધમાખી અને ભમરાઓ તે ફૂલની આસપાસ ઉડી રહ્યા હતા.
વાંદરાઓના ટોળાં ઝાડ પર બેઠા બેઠા ફળ તોડીને ખાતા હતા, તો કેટલાક વાંદરા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી રહ્યા હતા. તેમાં વાંદરાના બચ્ચા તેની મમ્મીને કુદતા સમયે એકદમ ચીપકેલા જોવા મળતા, તો કેટલાક વાંદરા વડની વડવાઈએ લટકતા હતા. આ જોઈ મલિકને એવુ લાગ્યું કે જાણે પોતે પ્રકૃતિના ખોળે બેઠો છે, પ્રાણીને હેરાન ન કરતા તે પાછો વળી અને બીજી તરફ ચાલતો થયો.
થોડો ચાલ્યો હશે કે એક અજનવી ઘોડ઼ો તેમણે ચરતો જોયો, આ ઘોડ઼ો એકદમ સફેદ હતો અને તેના શરીર પરના વાળ એકદમ ચાંદી જેવા હતા અને ચમકતા હતા. તે ઘોડાના માથા પર એક સીધું અને અણી વાળું શીંગ હતું અને આ ઘોડ઼ો એકદમ ચમકી રહ્યો હતો, માનો જાણે આ ઘોડ઼ો સ્વર્ગનો હોઈ તેવું લાગતું હતું. મલિક તેનાથી દૂર હતો એટલે તેને નજીકથી જોવાની ઈચ્છા થઇ.
મલિક ધીમા ડગલે આગળ વધવા લાગ્યો, પરંતુ ઘોડાએ તેના પગનો અવાજ સાંભળી લીધો હતો. જેથી તેણે ચરતા ચરતા માથું ઉંચુ કરી મલિક સામે જોવા લાગ્યો, તેના મોંમાં ઘાસ હતું અને તે ચાવી રહ્યો હતો. આ જોઈ મલિક ત્યાંજ ઉભો રહી ગયો અને તેને જોવા લાગ્યો, થોડીવારમાં મલિકની આંખો પહોળી થઇ ગઈ. પેલો ઘોડ઼ો મોંમાં ઘાસ ચાવતો ચાવતો મલિક તરફ આવવા લાગ્યો, મલિક એકદમ ચોકી ગયો.
ઘોડ઼ો ધીમે ધીમે મલિક તરફ આગળ વધવા લાગ્યો, જેમ ઘોડ઼ો મલિક તરફ આવતો હતો તેમ મલિકના ધબકારા વધી રહ્યા હતા. હવે ઘોડ઼ો એકદમ તેની બાજુમાં પહોંચી ગયો હતો, મલિક તો તેને જોતો જ રહી ગયો જાણે આ કોઈ માયાવી ઘોડ઼ો હોઈ. તે પાસે આવી અને તેણે સુંઘવા લાગ્યો અને તેની ચારેય બાજુ ફરવા લાગ્યો, મલિક એકદમ શાંતીથી અને હાલ્યા વગર ઉભો હતો.
અચાનક તે ઘોડ઼ો મલિકની સામે આવી ઉભો રહી ગયો અને જાણે તે પોતાના પર સવારી કરવાનું કહી રહ્યો હોઈ તેવું મલિકને લાગ્યું. મલિકે ધીમે ધીમે પોતાનો હાથ ઘોડા તરફ લઇ ગયો અને તેની પીઠ પર હાથ રાખ્યો પણ તે કશું બોલ્યો નહિ એટલે મલિક તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. ઘોડાનું રૂપ જોઈને કોઈ પણ વ્યક્તિને તેની સવારી કરવાનું મન થાય એવી જ રીતે મલિકને પણ તેની સવારી કરવાનું મન થયું.
મલિકને લાગ્યું કે હવે મોકો છે સવારી કરવાનો તેમણે છલાંગ મારી અને તેના પર સવાર થઇ ગયો. ઘોડ઼ો ધીમે ધીમે દોડવા લાગ્યો, તેની ઝડપ ધીમે ધીમે વધાવા લાગી, મલિકે તેના ગળામાં પહેરેલા પટ્ટાને મજબૂત રીતે પકડી રાખ્યો હતો. ઘોડ઼ો તો એકદમ તેજીથી દોડી રહ્યો હતો, ઝાડીઓ અને પાણીના નાળા કૂદતો ઘોડ઼ો જંગલમાં દોડી રહ્યો હતો.
અચાનક મલિકની નજર એક વૃક્ષ પર પડી, તે વૃક્ષ કદમાં નાનું હતું પણ તેનું થડ લગભગ બે મીટર જેટલું પહોળું હતું. ઘોડ઼ો તે વૃક્ષ તરફ દોડવા લાગ્યો, પહેલા મલિકને લાગ્યું કે હમણાં તે વળી જશે પણ તેવું બન્યું નહિ. ઘોડ઼ો તે ઝાડ તરફ જ દોડવા લાગ્યો, મલિકના મનમાં થોડો ડર પેદા થયો, ઝાડના થડ સાથે અથડાય તે પહેલા જ મલિકે આંખો બંધ કરી અને ઘોડાના ગળામાં રહેલ પટ્ટો પકડી અને પોતાનું મસ્તક, ઘોડાના મસ્તકની પાછળ સંતાડી લીધું.
થોડીવાર પછી કશું ન થયું એટલે મલિકે ધીમે ધીમે આંખો ખોલી તો ઘોડ઼ોને પાંખો આવી ગઈ હતી અને તે આકાશમાં ઉડી રહ્યો હતો. હવે મલિકનો જીવ હેઠે બેઠ્યો અને પોતાનું મસ્તક ઉંચુ કરી અને આકાશના શેરની મજા માણવા લાગ્યો. થોડીવાર પછી તેમણે એક દ્રશ્ય જોયું અને તે ચોકી ગયો, અમુક લોકો ઘોડા પર આકાશમાં સવારી કરી રહ્યા હતા. મલિકના મનમાં અલગ અલગ વિચારો આવવા લાગ્યા આટલા બધા ઘોડા ધરતી પર ક્યાંથી આવી ગયા?
મલિકનો ઘોડ઼ો ધીમે ધીમે જમીન તરફ ઉતરવા લાગ્યો અને જમીન પર ઉતારતા તેની પાંખો ગાયબ થઇ ગઈ. તેટલી વારમાં ઘોડ઼ો બોલ્યો જાદુઈ નગરીમાં આપણું સ્વાગત છે. આ સાંભળી મલિક ગભરાઈ ગયો અને નીચે ઉતરી ગયો અને વિચારવા લાગ્યો કે આ અવાજ ક્યાંથી આવ્યો. તે આમતેમ જોવા લાગ્યો તો વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
હવે મલિક વધારે પરેશાનીમાં મુકાઈ ગયો, તેને ખબર નહોતી પડતી કે તે ક્યાં આવી પહોંચ્યો. તેને પાક્કી ખાતરી થઇ ગઈ કે તે ધરતી પર તો નથી જ.
ઘોડ઼ો: મલિક આ બાજુ આવ.
આ વખતે મલિકને ખબર પડી ગઈ કે આ ઘોડ઼ો જ બોલે છે.
મલિક: તું બોલી શકે છે??
ઘોડ઼ો: હા, મલિક આ જાદુઈ નગરી છે.
મલિક: તું મારું નામ કંઈક રીતે જાણે છે??
ઘોડ઼ો: હું કોઈ પણ ગંધ પારખી તેનું નામ બતાવી દઉં છું.
મલિક: પણ, મને અહીં શું કામ લાવ્યા છો??
ઘોડ઼ો: મલિક તારી અમને જરૂર છે એટલા માટે હું તને અહીંયા લાવ્યો છું.
મલિક: પણ, હું તમારી મદદ કંઈક રીતે કરી શકું??
ઘોડ઼ો: ચાલ મારી સાથે હું તને મારાં રાજકુમારી સાથે મળવું. બેસી જા મારાં પર.
મલિક ઘોડા પર સવાર થઇ ગયો અને ઘોડ઼ો ચાલતો થયો, ઘોડ઼ો રસ્તા પર દોડતો જાય છે અને મલિક ચારેય બાજુ જોતો જાય છે. રસ્તામાં લોકોના ઘર આવી રહ્યા હતા તેના લોકો અમારા નીકળવાથી તે મસ્તક નમાવી આદર કરી રહ્યા હતા. પછી તો આ ઘોડ઼ો માનવ વસ્તી માંથી પસાર થઇ જંગલમાં દોડવા લાગ્યો અને જંગલ પૂરું થતા એક ઉંચો પર્વત દેખાયો. ઘોડ઼ો પર્વતની ભેખડોને પાર કરવા લાગ્યો અને ઉપર પહોંચતા તે ગુફામાં દાખલ થયો અને તે ઉભો રહી ગયો.
ગુફામાં ખુબ જ અંધારું હતું એટલે મલિક તેના પરથી ઉતરી ગયો, એટલે ઘોડ઼ો ગુફા તરફ ચાલવા લાગ્યો. મલિક તેની સાથે ચારેય બાજુ નજર કરતો ચાલવા લાગ્યો, બંને જણ અંધારામાં પ્રવેશ કરતા મલિકની આંખો બંધ થઇ ગઈ અને પછી આંખો ખોલી તો અંદર એક સિંહાસન હતું તેના પર કોઈક બેસેલુ હતું.
મલિક આગળ વધ્યો અને બધું જોવા લાગ્યો, સભામાં કેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને માનવી પણ હતા અને તે બધા વચ્ચે કંઈક ચર્ચા ચાલી રહી હતી પણ મારી એન્ટ્રી થવાંથી તેની વાત અટકી ગઈ હતી અને બધા મારાં સામે જોઈ રહ્યા હતા. ઘોડ઼ો રાજકુમારી તરફ આગળ વધ્યો.
ઘોડ઼ો: રાજકુમારીજી આ છે ધરતીનો માનવ, મને તેનામાં કોઈ ખાસ વાત લાગી એટલે હું તેને અહીંયા લાવ્યો છું.
રાજકુમારીએ હાથનો ઈસરો કરી પોતાના તરફ આવવવાનું કહ્યું. મલિક ચાલતો ચાલતો ઘોડા પાસે આવી અને અટકી ગયો.
ઘોડ઼ો: રાજકુમારીજી આનું નામ મલિક છે.
રાજકુમારી: મલિક, જાદુઈ નગરીમાં તારું સ્વાગત છે. આ અમારી જાદુઈ નગરીમાં કેટલીક મુશ્કેલીઓ આવી છે જેથી તેના માટે તને પસંદ કર્યો છે. તો શું તું અમારી મદદ કરીશ?
મલિક: રાજકુમારીજી આ તમારી નગરી છે અને તમે તેના રાજકુમારી છો. જો તમે જ મુશ્કેલી દૂર કરી શકતા ન હોઈ તો, હું તો એક સામાન્ય માણસ શું તો હું તમારી મદદ કંઈક રીતે કરી શકું?
રાજકુમારી: અત્યારે હું આ નગરીની રાજકુમારી નથી પણ પહેલા હતી અને હા આ મુશ્કેલી અમારામાંથી કોઈ માનવી દૂર કરી શકે તેમ નથી કારણકે બધા જાદુઈ વિદ્યા જાણે છે એટલે આ કામ કોઈ સામાન્ય વ્યક્તિ જ કરી શકે છે.
મલિક: અત્યારે તમે અહીંના રાજકુમારી નથી તો અહીંનું શાસન કોણ કરે છે?
રાજકુમારી: અત્યારે જુમ્માનું શાસન ચાલે છે.
મલિક: તમે રાજકુમારી છો તો પછી જુમ્માનું શાસન કરી રીતે?
રાજકુમારી: આ નગરીમાં જેની પણ જાદુઈ વિદ્યા વધારે હોઈ તે રાજ કરે છે. પરંતુ.....
મલિક: પરંતુ શું?
રાજકુમારી: જુમ્માએ કોઈ મેલી શક્તિથી બીજાની શક્તિઓ છીનવી લીધી અને તે તાકાતવર બની ગયો અને તે બીજાની શક્તિઓ ગ્રહણ કરવાની તાકાત ધરાવે છે.
મલિક: જુમ્મા શું ખરાબ વ્યક્તિ છે??
રાજકુમારી: જાદુઈ નગરીમાં સૌથી ક્રૂર વ્યક્તિ હોઈ તો તે જુમ્મા છે.
મલિક: તો શું તમારામાંથી કોઈ તેને હરાવી શકતું નથી?? તમે લોકો એકબીજાની શક્તિ મેળવીને તેને હરાવી શકતા નથી??
રાજકુમારી: ના, જાદુઈ નગરીના કોઈ પણ વ્યક્તિ આવું કરી શકતું નથી એટલે તેને કોઈ હરાવી શકતું નથી.
મલિક: તો હું તમારી મદદ કંઈ રીતે કરી શકું??
રાજકુમારી: (ઊંડો શ્વાસ લેતા) મલિક તે આટલો સફર કર્યો હશે એટલે તું થાકી ગયો હશે માટે તું અત્યારે આરામ કર પછી આપણે વાત કરીશું.
રાજકુમારીએ કોઈ એક વ્યક્તિને મલિકનો રૂમ દેખાડવા મોકલ્યો. મલિક ચારેય બાજુ જોતા જોતા રૂમની અંદર પ્રવેશ કરે છે. રૂમની અંદર બેડ હતો અને બાજુમાં ટેબલ હતું ટેબલ પર ફળોની ટોકરી પડી હતી તેમાં દ્રાક્ષ, કેળા, સફરજન, સીતાફળ વગેરે જેવા ફળો પડેલા હતા અને તેની બાજુમાં પાણીનો જગ ભરેલો હતો.
મલિકે ટોકરી માંથી સફરજન ઉપાડ્યું અને ખાવા લાગ્યો.તે રૂમમાં બારી હતી જ્યાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. રૂમની દીવાલ પર જાદુઈ નગરીના ફોટા લગાવેલ હતા અને એક સુંદર કોઈ સ્ત્રી રાજગાદી પર બેઠી હોઈ તેવો એક ફોટો હતો. મલિક તે ફોટાની નજીક જઈને જોવા લાગ્યો અને સફરજનનો ટુકડો બારીમાંથી ફેંકી બેડ ઉપર બેઠો.
મલિકને અહીં અવનવું લાગતું હતું થોડી વારમાં તેની આંખો નીંદરથી ભરાવવા લાગી, તેમણે એક મોટુ બગાસું ખાધું અને બેડ પર ઢળી પડ્યો એટલી વારમાં સુગંધી ફૂલોની વેલ બારી માંથી થઇ મલિકના બેડ પર લટકવા લાગી અને તેના ફૂલોની ખુશ્બૂથી આખો રૂમ ભરી દીધો. મલિકે સુતા સુતા ફૂલોની મહેક સૂંઘી અને હોઠ પર થોડી સ્માઈલ આપી અને ગાઢ નિંદ્રામાં પહોંચી ગયો.