મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 25
અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં. અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ ગુરુ ની બુદ્ધિક્ષમતાનાં જોરે એ લોકો આખરે શોધી જ કાઢે છે.. પરંતુ એ રસ્તો અચાનક બંધ થઈ જતાં ગુરુ પુનઃ એને ખોલવાનો પ્રયાસ કરવાં લાગે છે.
બીજાં સ્તંભમાંથી લોકેટ નીકાળ્યાં બાદ ગુરુ એ લોકેટ ને દીવાલ પર બનેલાં ત્રિકોણાકાર નિશાનમાં રાખી દીધું.. આમ કરતાં બધાં ને હતું કે હવે ચોકની મધ્યમાં પથ્થરો ખસીને રસ્તો બની જશે પણ એવું કંઈપણ થયું નહીં.. દીવાલમાં લોકેટ ભરાવતાં ના કોઈ ભૂગર્ભમાંથી અવાજ પેદા થયો.. ના કોઈ જાતની ધ્રુજારી ઉત્તપન્ન થઈ.આમ થતાં બધાં એકબીજાનું મોઢું તકતાં ઉભાં રહ્યાં.
"ગુરુ.. એકવાર ફરીથી પ્રયત્ન કરી જો.. ક્યાંક બીજાં પ્રયાસે રસ્તો ખુલી જાય.. "પ્રથમ પ્રયાસે માર્ગ ના ખુલતાં ગુરુની તરફ જોઈ અબુ બોલ્યો.
અબુ નાં કહેવાથી ગુરુ એ બીજી વાર ફરીથી પ્રયત્ન કરી જોયો છતાં કોઈ જાતની હલચલ પેદા ના થઈ.. વળી ડેની એ સલાહ આપી કે આ વખતે લોકેટ રાખવાનો ક્રમ બદલીને પ્રયત્ન કરી જોવો જોઈએ એટલે ગુરુ એ અલગ-અલગ ત્રણ પેટર્ન મુજબ લોકેટ ને નિશાનોમાં રાખી જોયું પણ બધું વ્યર્થ.
"ભાઈ.. આ રસ્તો તો હવે ખુલી નથી રહ્યો.. "ગુરુએ નંખાયેલાં સુરમાં કહ્યું.
ગુરુની વાત સાંભળી બાકીનાં સાતેય જણા ચોકની ઉપર આવ્યાં અને ગુરુની સમીપ જઈને ઉભાં રહ્યાં.
"ગુરુ, લાગે છે આપણે બીજો કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.. આ રસ્તો પુનઃ ખુલે એવું મને નથી લાગતું.. "ગુરુનાં ખભે હાથ મૂકી કાસમ બોલ્યો.
"હા ભાઈ.. અત્યારે તો આ રસ્તો ખુલવો રહ્યો.. માટે ચાલો જઈને સુઈ જઈએ.. આમ પણ બે વાગી ગયાં છે.. "અબુ એ બધાં ને સંબોધીને જણાવ્યું.
અબુની વાતનાં પ્રતિભાવ સ્વરૂપે બીજાં બધાં લટકતાં મોંઢે એ લોકોનો સામાન જ્યાં પડ્યો હતો એ તરફ ચાલી નીકળ્યાં.. હાથમાં આવેલો કોળિયો છેક મોંઢા આગળથી ઝુંટવાઈ જવાનું દુઃખ એ લોકોનાં ચહેરા પર સાફ-સાફ વર્તાઈ રહ્યું હતું.
એમનો સામાન પડ્યો હતો એ જગ્યાએ પહોંચી પોતપોતાનાં બેગમાંથી સ્લીપિંગ બેગ કાઢી એ આઠેય જણા એ સુવા માટે લંબાવ્યું.. બાકી બધાં તો સુઈ ગયાં પણ કેમેય કરીને ગુરુની આંખમાંથી ઊંઘ જોજનો દૂર હતી.કેમ એ રસ્તો ફરીવાર ના ખુલ્યો એ વિષયમાં વિચારતાં વિચારતાં ગુરુ છેક એક કલાક પછી સૂતો.
***
સવારે એ બધાં જ્યારે જાગ્યાં ત્યારે સવારનાં નવ વાગી ચુક્યાં હતાં.. થોડો ઘણો નાસ્તો કરી બધાં એ કુંડનાં પાણી વડે સ્નાન કર્યું.આ દરમિયાન જોહારી જઈને એમનાં ઊંટ ને થોડું પાણી પીવરાવતો આવ્યો.
"ચલો ત્યારે હવે આપણને એ તો ખબર પડી ગઈ છે કે આપણે ત્રિકોણાકાર નિશાન શોધવાનાં છે.. એટલે આ ખંડેરોમાં એવાં નિશાન શોધવાનાં પ્રયત્નમાં લાગી જઈએ.. "સાહિલે તૈયાર થયાં બાદ બધાંને ઉદ્દેશીને કહ્યું.
સાહિલ ની વાત સાંભળી બધાં મિત્રો પાછાં અલગ-અલગ ટુકડીઓમાં વિભાજીત થઈને હબીબી ખંડેરની નાનામાં નાની જગ્યાએ શોધવાની મુહિમમાં જોતરાઈ ગયાં.. બાકીનાં લોકો તો ત્રિકોણાકાર નિશાન શોધવા માટે પુરજોશમાં કોશિશ કરી રહ્યાં હતાં પણ એક ગુરુ હતો જેનું મન એને વારંવાર એ ત્રણ ત્રિકોણાકાર નિશાન ધરાવતાં ચોક તરફ જવાં માટે આદેશ આપી રહ્યું હતું.
"ગુરુ.. તારે ત્યાં જઈને ફરીવાર કોશિશ કરવી જોઈએ.. "ગુરુ પોતાની જાતને વારંવાર આમ કહી રહ્યો હતો.
વચ્ચે-વચ્ચે ગુરુ પોતાની જોડે ટીમમાં સામેલ જોહારીની જાણ બહાર બે વાર એ ચોક ઉપર જઈને લોકેટને પુનઃ ત્રિકોણાકાર નિશાનો ની અંદર મૂકી રસ્તો ખોલવાનો પ્રયત્ન જરૂર કરતો આવ્યો હતો.. પણ એને બંને વખત નાકામયાબી જ મળી હતી.
આમ ને આમ એ લોકો આખો દિવસ આખાં ખંડેરનો ખૂણે ખૂણો શોધતાં રહ્યાં પણ કોઈની નજરે કંઈપણ જાતનું નિશાન ચડ્યું જ નહીં.. આખરે સૂરજ ઢળતાં થાકી હારીને એ બધાં પુનઃ એ લોકોનો સામાન મોજુદ હતો એ ચોક તરફ આવી પહોંચ્યાં.
દોસ્તો, જ્યારે તમે કોઈ કામ સતત કરે જાઓ અને એમાં સફળતા મળી જાય તો એ કામ નો થોડો પણ થાક મહેસુસ થતો નથી.. પણ જ્યારે તમને એજ કામ માં નિષ્ફળતા મળે ત્યારે તમને જે થાક લાગે છે એની અસર મન અને શરીર બંને ઉપર જોવાં મળે છે.. એવું જ કંઈક આ આઠેય લોકોની સાથે અત્યારે થઈ રહ્યું હતું.. દિવસ ભર પ્રયત્ન કરવાં છતાં એ લોકો નવો રસ્તો શોધી શક્યાં નહોતાં.. વધારામાં ગઈકાલે નજરો સામે ભૂગર્ભમાં ઉતરવાનો રસ્તો હોવાં છતાં એમનાંમાંથી કોઈ અંદર પ્રવેશી શક્યું જ નહીં.
સાંજે આવીને જલકુંડ માં હાથ પગ ધોઈ એ લોકો થોડાં તાજગીસભર બન્યાં એટલે કાસમે અને અબુ એ એમનાં લગભગ છેલ્લા વધેલાં જમવાનાં સ્ટોકમાંથી સૂપ અને ટોસ્ટ જમવા માટે તૈયાર કર્યાં.. કકડીને ભૂખ લાગી હોવાં છતાં આનાથી વધુ જમવા મળવાનું નહોતું એમ વિચારી એ આઠેય જણાં ચૂપચાપ પોઢી ગયાં.
રાત નાં લગભગ બે વાગે ગુરુની આંખ ખુલી.. ગુરુ એ ઘડિયાળમાં સમય જોયો ત્યારે એને ઝબકારો થયો કે પોતે આ જ સમયે કાલે પેલો ખુફિયા માર્ગ ખોલ્યો હતો.. ક્યાંક એવું હોય કે એ રસ્તો એકવાર ખોલ્યાં બાદ બીજાં ચોવીસ કલાકે જ ખુલતો હોય તો..? મનમાં ઉદ્દભવેલા સવાલોનાં જવાબ શોધવા ગુરુ ચૂપચાપ પોતાની સ્લીપિંગ બેગમાંથી બહાર નીકળ્યો અને પેલાં બે સ્તંભ અને દીવાલ ધરાવતાં ચોક તરફ ચાલી નીકળ્યો.
ગુરુ જ્યારે સ્લીપિંગ બેગમાંથી નીકળ્યો ત્યારે જોહારી પણ જાગતો હતો.. ગુરુ ને ત્યાંથી જતો જોઈ જોહારી એની પાછળ પાછળ જઈ પહોંચ્યો.
"ગુરુ કઈ તરફ ચાલ્યો..? "ગુરુ નાં ખભે હાથ અડકારી એને રોકતાં જોહારીએ પૂછ્યું.
જવાબમાં પોતે ક્યાં અને કેમ જઈ રહ્યો હતો એ વિશે ગુરુએ જોહારીની સવિસ્તર જણાવ્યું.. ગુરુની તર્ક સંગત દલીલ સાંભળ્યાં પછી જોહારી પણ ગુરુની સાથે જવાની તૈયારી બતાવતાં બોલ્યો.
"ભાઈ.. તું વિચારે છે એવું હોવાની સંભાવના ખરી.. માટે ચાલ હું પણ તારી સાથે આવું.. "
ત્યારબાદ ગુરુ અને જોહારી બે સ્તંભ અને દીવાલ માં લોકેટનાં આકારનું ત્રિકોણાકાર નિશાન ધરાવતાં ચોક તરફ ચાલી નીકળ્યાં.. રાત્રીનાં અંધકારમાં ટોર્ચનાં પ્રકાશમાં એ લોકો યોગ્ય જગ્યાએ આવી પહોંચ્યા.
"ભાઈ.. તું કાલે જે રીતે ક્રમમાં લોકેટ ત્રણેય નિશાનો માં ભરાવ્યું હતું એમ જ આજે પણ અત્યારે ભરાવી જો.. "ચોક પર પહોંચતાં જ જોહારીએ દબાતા અવાજે ગુરુને કહ્યું.
"સારું.. તું આ ટોર્ચ ને વ્યવસ્થિત પકડીને જોડે ઉભો રહેજે.. "જોહારીની વાત સાંભળી પોતાનાં હાથમાં મોજુદ ટોર્ચ જોહારીનાં હાથમાં પકડાવતાં ગુરુ બોલ્યો.
ગુરુની વાત સાંભળી જોહારીએ ટોર્ચ હાથમાં લીધી અને એનો પ્રકાશ પ્રથમ સ્તંભની ઉપર બનેલાં ત્રિકોણાકાર નિશાન પર ફેંક્યો.. ગુરુ એ પોતાનાં ખિસ્સામાંથી હશરત દ્વારા આપવામાં આવેલું હાથી દાંત નું બનેલું સફેદ રંગનું લોકેટ બહાર કાઢ્યું.. ગુરુ એ લોકેટને આંખો બંધ કરી ચૂમી લીધું.. એ પછી ગુરુએ એ લોકેટને સ્તંભની અંદર મોજુદ નિશાન ની અંદર રાખી દીધું.
આમ થતાં જ ભૂગર્ભમાંથી કંઈક અવાજ આવ્યો અને એની સમાંતર ધ્રુજારી પણ આસપાસમાં ઉત્તપન્ન થઈ.. આમ થતાં ગુરુ અને જોહારીનાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.
"ભાઈ.. હવે આ તરફ ટોર્ચ કર.. "બીજાં સ્તંભ તરફ આગળ વધતાં ગુરુએ જોહારીને આદેશ આપતાં કહ્યું.. જેનાં પ્રતિભાવ સ્વરૂપે જોહારીએ ટોર્ચનો પ્રકાશ બીજાં સ્તંભની ઉપર ફેંક્યો.
પ્રકાશનો શેરડો પડતાં જ ગુરુએ પોતાની જોડે રહેલું લોકેટ સ્તંભ પર બનેલાં નિશાન માં મૂકી દીધું.. આમ કરતાં જ પ્રથમ વખતની માફક જ એક મોટો ધ્વનિ પેદા થયો અને આસપાસની ધરા ધ્રુજી પડી.. આ બંને સ્તંભમાં લોકેટ મુકતાં આ બધું થવાની ઘટના તો પહેલાં પણ ગુરુ નાં બાકીનાં પ્રયાસો દરમિયાન બની હતી પણ છેલ્લે જ્યારે દીવાલ પર લોકેટ રાખવામાં આવતું ત્યારે કોઈ જાતની હલચલ નહોતી થતી.
"ચલ ભાઈ.. હવે લોકેટને છેલ્લાં નિશાનમાં રાખી દે..."ગુરુની તરફ જોતાં જોહારી બોલ્યો.
જોહારીની વાત સાંભળી ગુરુ ચોકની એક તરફ બનેલી દીવાલ ની સામે જઈને ઉભો રહ્યો.. પોતાનાં ઈષ્ટદેવ નું સ્મરણ કરીને ગુરુએ લોકેટને હાથમાં લીધું અને જોહારીની તરફ જોયું.. જોહારીએ આંખોનાં ઈશારે ગુરુને પ્રયત્ન કરવાની સહમતી આપી એ સાથે જ ગુરુએ લોકેટને દીવાલ ની અંદર બનેલાં ત્રિકોણાકાર નિશાન ની અંદર રાખી દીધું.
જેવું ગુરુ એ લોકેટને ત્યાં બનેલાં નિશાન પર રાખ્યું એ સાથે જ જોરદાર ધ્વનિ પેદા થયો અને ધણધણાટી સાથે ચોકની મધ્યમાં રહેલાં પથ્થરો ખસવા લાગ્યાં.. થોડી પળોમાં તો ત્યાં ગઈકાલે રાતે બન્યો હતો એવો રસ્તો બની ગયો.
"ભાઈ.. રસ્તો ખુલી ગયો.. "રસ્તો નજરે ચડતાં જ ઉત્સાહમાં આવી જોહારીએ ગુરુને કહ્યું.
"હા દોસ્ત.. મારી ગણતરી સાચી પડી.. આ રસ્તો એકવાર ખોલવામાં આવે એનાં ચોવીસ કલાક પહેલાં બીજીવાર નથી ખુલતો એવી તકનીક વપરાઈ છે.. "ત્યાં બનેલાં રસ્તા તરફ આગળ વધતાં ગુરુ બોલ્યો.
ગુરુ એ એકદમ નજીક પહોંચી એ રસ્તા ની અંદર શું હતું એ નિહાળવાની કોશિશ કરી જોઈ.. પણ નીચે ઘોર અંધારું હોવાથી ગુરુની નજરે કંઈપણ ચડ્યું નહીં.. આમ થતાં ગુરુએ જોહારીને અવાજ આપી, ટોર્ચ લઈ પોતાની પાસે આવવાં કહ્યું.
ટોર્ચના પ્રકાશમાં એ બંને એ જોયું કે અંદર પથ્થરનાં પગથિયાં બનેલાં હતાં.. આ પગથિયાં ની સંખ્યા ચોક્કસ તો કહી શકાય આએમ નહોતી પણ એ પગથિયાં પંદર જેટલાં હોવાનું ગુરુ અને જોહારીને પ્રથમ નજરે જણાયું.
"ગુરુ.. તું અહીં ઉભો રહેજે.. અને લોકેટને પણ દીવાલમાં રહેવા દેજે.. હું આપણાં બાકીનાં દોસ્તોને આ ખુશીનાં સમાચાર આપતો આવું.. "ગુરુની તરફ જોઈ જોહારી બોલ્યો.
"ભાઈ.. જ્યાં સુધી આ લોકેટ દીવાલમાં છે ત્યાં સુધી તો આ રસ્તાનું પ્રવેશદ્વાર બંધ નહીં થાય.. તું જઈને બધાંને બોલાવે એ પહેલાં આપણે બંને નીચે જઈને જોતાં આવીએ કે અંદર બધું સલામત તો છે ને..."જોહારીની વાત સાંભળી ગુરુ બોલ્યો.
"ચલો ત્યારે.. જતાં આવીએ અંદર.. "ટોર્ચ ને પોતાનાં હાથની હથેળી પર પછાળતાં જોહારી બોલ્યો.. હકીકતમાં જોહારીનાં હાથમાં મોજુદ ટોર્ચ નાં સેલ લગભગ મૃતપાય સ્થિતિમાં હતાં.. એટલે જોહારી ટોર્ચ ને હાથ પર અફળાવી એને મહાપરાણે ચાલુ રાખવાની ભરચક કોશિશ કરી રહ્યો હતો.
જોહારીનાં પોતાની સાથે નીચે ભૂગર્ભ રસ્તાની સુરક્ષા ચેક કરવાં પોતાની જોડે નીચે આવવાની વાત સાંભળી ગુરુ નીચેની તરફ જતાં એ ખુફિયા રસ્તાનાં પગથિયાં તરફ આગળ વધ્યો.. જોહારી પણ ગુરુની બિલકુલ પાછળ-પાછળ એ જ દિશામાં આગળ વધી રહ્યો હતો.
એ લોકો હજુ માંડ પાંચેક પગથિયાં ઉતર્યા હતાં ત્યાં જોહારીનાં હાથમાં રહેલી ટોર્ચ સાવ બંધ થઈ ગઈ.. આમ છતાં તીવ્ર અંધકારમાં ગુરુ અને જોહારી આગળ વધતાં રહ્યાં.. બીજાં પાંચેક પગથિયાં હજુ એ ઉતર્યા હશે ત્યાં એ બંને ધડામ કરતાં નીચે પછડાયાં.. જાણે પગથિયાં અચાનક ગાયબ થઈ ગયાં હોય એવું ગુરુ અને જોહારીને મહેસુસ થયું.
હજુ એ બંને વધુ કંઈપણ સમજે એ પહેલાં તો જોરદાર અવાજ અને ધ્રુજારી સાથે નીચે આવવાનો રસ્તો બંધ થવાં લાગ્યો.. હવે ઈચ્છવા છતાં પણ પગથિયાં વગર એ બંને ઉપર જઈ શકવામાં અસમર્થ હતાં.. એ બંને ઉપર કઈ રીતે જવું એ વિશે વિચારતાં વિચારતાં જ બહાર નીકળવાનો રસ્તો એની મેળે બંધ થઈ ગયો.. આ સાથે જ જોહારી અને ગુરુ ભૂગર્ભમાં ભરાઈ ગયાં.. !
★★★
વધુ નવાં ભાગમાં.
જોહારી અને ગુરુ નીચે ભૂગર્ભમાં મોજુદ હોવાની ખબર બાકીનાં બધાં ને ક્યારે પડશે...? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***