Sukhno Pasword in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ

જીવન ચલને કા નામ

આશુ પટેલ

માણસ હિંમત હાર્યા વિના કોશિશ કરતો રહે તો તેને સફળતા મળે જ છે

ગલશન ગ્રોવરે પ્રોફેસર કે બૅન્ક ઑફિસર તરીકેની સલામત નોકરીની ઓફર ઠુકરાવીને પોતાને ગમતી જિંદગી માટે સંઘર્ષ વહોરી લીધો હતો!

21 સપ્ટેમ્બર, 1955ના દિવસે દિલ્હીમાં જન્મેલા ઍક્ટર ગુલશન ગ્રોવરની પોતાની જિંદગી કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટને ટક્કર મારે એવી છે. 400 ફિલ્મમાં અભિનય કરી ચૂકેલા ગુલશન ગ્રોવરે અભિનેતા બનતા અગાઉ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમયની ઘણી રસપ્રદ અને ચોંકાવનારી વાતો તેમણે મુંબઈનાં જાણીતાં અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્યની મદદથી લખેલી આત્મકથામાં શૅર કરી છે. આ પુસ્તક વાંચીને ખ્યાલ આવે કે સફળ અભિનેતા બનતા અગાઉ ગુલશન ગોવરે કેવા-કેવ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું.

ગુલશન ગ્રોવરે 1974માં દિલ્હીની પ્રખ્યાત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું એ પછી તેમણે એ કોલેજમાં માસ્ટર ડિગ્રી માતે ફોર્મ ભર્યું. તેઓ હોશિયાર વિધ્યાર્થી હતા. તેમને એ જ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરીની ઓફર થઈ, પણ ગુલશન ગ્રોવરના મનમાં અભિનેતા બનવાની મહત્વાકાન્ક્ષા જાગી હતી. તેમણે પિતાને કહ્યું કે મને મુંબઈ જવા માટે પરવાનગી આપો. તેમના પિતા નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે કોઈ સલામતીવાળી નોકરી શોધીને જિંદગીમાં સ્થિર થઈ જા. પરંતુ ગુલશન મક્કમ હતા. તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું એ વખતે તેમણે એક્દમ કઠિન ગણાતી સી.એ.ની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. તેમને ઘણી બધી બેંકોમાં ઑફિસર તરીકે જોડાવાની તક પણ મળી રહી હતી. ગુલશન પોતાના નિર્ણયમાં મક્કમ છે એ જોઈને તેમના પિતાએ કહ્યું કે હું તને છ મહિનાનો સમય આપું છું. છ મહિનામાં મુંબઈમાં ઍક્ટર તરીકે સેટ થઈ શકે તો ઠીક છે પાછો દિલ્હીભેગો થઈ જજે.

એ પછી ગુલશન ગ્રોવર તેમની માતા પાસે પરવાનગી માગવા ગયા. તેમણે કહ્યું કે મારે નોકરી નથી કરવી, કશુંક બીજું કરવું છે. તેમની માતાએ કહ્યું કે તને જે ઈચ્છા થાય એ કર, પણ રોજ રાતે સૂવાના સમયે ઘરે પહોંચી જજે. ગુલશને કહ્યું કે એ તો અશક્ય છે. તેમની માતાએ કહ્યું, ‘કેમ?’ તો ગુલશને કહ્યું કે હું બીજા શહેરમાં જઈ રહ્યો છું. દીકરો મુંબઈ જઈ રહ્યો છે એ જાણીને તેમની માતા રડી પડી. તેણે કહ્યું કે હું કોઈ કાળે તને મુંબઈ નહી જવા દઉં. એ પછી ગુલશનના ભાઈ-બહેનોએ મહિનાઓ સુધી માતાને સમજાવી અને છેવટે છ મહિના પછી ગુલશનની માતા તેમને દિલ્હીથી મુંબઈ જવા દેવા માટે તૈયાર થઈ.

એ વખતે ગુલશનને બીજું કોઈ ઓળખતું નહોતું. એક પરિચિતના સગાનો કોન્ટેક્ટ શોધીને ગુલ્શન મુંબઈ આવ્યા. મુંબઈમાં તેમણે બાન્દ્રા સ્ટેશનની નજીક ‘મરીના’ ગેસ્ટ હાઉસમાં ઍક્ટર બનવા સંઘર્ષ કરતા અન્ય યુવાનો સાથે રહેવાનું શરૂ કર્યું. તેમના પિતા તેમને દર મહિને મનીઓર્ડર મોકલતા હતા. મુંબઈ આવ્યા પછી ગુલશને બીજા ઘણા સ્ટ્રગલર્સની જેમ બાન્દ્રાની નૅશનલ કોલેજની બહાર એવી આશામાં ઊભા રહેવાનું શરૂ કર્યું કે ત્યાંથી પસાર થતા કોઈ ફિલ્મ પ્રોડ્યૂસર કે ડિરેક્ટર કે ફિલ્મ સ્ટાર્સ ત્યાંથી પસાર થતા હોય એમાંથી કોઈની એમના પર નજર પડે ને કોઈ એમને તક આપે! એવી જ આશા સાથે તઓ મહેબૂબ સ્ટુડિયોમાં પણ જતા હતા અને ત્યાંના પાર્કીંગ એરિયામાં એ આશાએ ઊભા રહેતા કે કોઈ ફિલ્મસ્ટાર કે ડિરેક્ટર સિગરેટ પીવા બહાર આવી જાય અને તેમના પર તેમની નજર પડી જાય અને તેઓ બ્રેક આપે!

થોડા સમયમાં જ ગુલશનને સમજાઈ ગયું કે એ રીતે મુંબઈમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને બ્રેક મળતા નથી હોતા! તેમણે મુંબઈમાં બે મહિના જેમતેમ કાઢ્યા. એ વખતે ‘મરીના’ ગેસ્ટહાઉસમાં પહેલા અને બીજા માળ પર ગુલશન કુમાર જેવા એકદમ કડકા સ્ટ્રગલર્સ રહેતા હતા, જેમની પાસે માંડ ખાવા-પીવાના અને ભાડુ ભરવાના પૈસા હોય. ગુલશનને એક બાજુ કંઈ કામ નહોતું મળતું અને બીજી બાજુ પિતાએ આપેલો સમય વીતી રહ્યો હતો. એમાં કામ મળવાની લાલચે તેઓ અમુક લોકોની સાથે સંબંધ રાખતા થઈ ગયા હતા. જૂની ફિલ્મ્સના એક ખૂબ જાણીતા અભિનેતાનો સાળો તેમના સંપર્કમાં આવ્યો અને તેણે ગુલશન પાસેથી 300 રૂપિયા ઉછીના લીધા. એ પછી તે ગાયબ જ થઈ ગયો! એટલે ગુલશનની હાલત કફોડી થઈ ગઈ. તેમને પિતા પાસેથી પૈસા માગતા શરમ આવતી હતી.

આ રીતે ત્રણ મહિનાની રઝળપાટ પછી અને અનેક જગ્યાએ બ્રેક મેળવવા ઉધામા કર્યા પછી ગુલશન પાછા દિલ્હીભેગા થઇ ગયા. તેમનો ચહેરો અને આંખો જોઈને તેમના કુટુંબના સભ્યોને સમજાઈ ગયું કે તેમણે મુંબઈમાં કેવો સંઘર્ષ કરવો પડ્યો છે. એ સમયમાં વળી તેમને બેન્કોમાંથી ઓફર મળી હતી. તેઓ કોઈ બેંકમાં જોડાઈને સારા પગારની નોકરી મેળવી શક્યા હોત. શ્રીરામ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા ફરી તેમને પ્રોફેસર બનવા પણ ઓફર ફરાઈ, પરંતુ ગુલશને નક્કી કર્યું હતું કે હું પાછો મુંબઈ જઈશ. તેમણે પિતાને કહ્યું કે આ વખતે મને છ મહિનાનો નહીં અનિશ્ચિત ટાઈમ આપો. મારે અભિનેતા બનવું જ છે. એ વખતે તેમણે નક્કી કર્યું કે પુણેમાં એફટીઆઈઆઈમાં એડમિશન લેવું. પરંતુ ત્યારે પુનામાં એફટીઆઈઆઈમાં એક મહિનો લાંબુ આંદોલન ચાલ્યું એને કારણે ત્યાં એક્ટિંગ કોર્સ જ બંધ કરી દેવાયો એટલે ગુલશન ગ્રોવર પુનાથી મુંબઈ આવ્યા.

એ સમયમાં એક્ટિંગ ગુરુ રોશન તનેજાએ એક્ટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ એ સમયમાં પ્રથમ અને એક માત્ર એક્ટિંગ પિક્ચર હતા. તેમણે રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગ શરૂ કરી, જેમાં ગુલશને એક વર્ષનો ઍક્ટિંગનો કોર્સ શરૂ કર્યો. ગુલશન ગ્રોવર એ ક્લાસમાં જોડાયા. તેમની સાથે ક્લાસમાં અનિલ કપૂર, ખાન, સુરેન્દ્ર પાલ સિંઘ, મઝહર ખાન, મદન જૈન, રાજનાથ સિંઘ, રાજેશ માથુર જેવા ક્લાસમેટ હતા તો શશી કપૂરના શોફરનો દીકરો વસીમ ખાન ઉર્ફે વીકી અને હિરોઈન મુમતાઝનો ભાઈ શેહઝાદ અંસારી સહિત કુલ 20 સ્ટુડન્ટ એ ક્લાસમાં હતા.

મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગીતા ખન્ના અને બેંજામિન ગિલાની સહિતના ટીચર્સ તેમને ભણાવવા માટે આવતા હતા. અને વિઝીટીંગ ફેકલ્ટી તરીકે જયા બચ્ચન, શબાના આઝમી, શત્રુઘ્ન સિંહા અને રીટા ભાદુરી જેવા ઍક્ટર્સ આવતા હતા. તેમનું શૂટિંગ ન હોય એ વખતે તેઓ ત્યાં ક્લાસ લેવા માટે આવતા હતા.

ગુલશને એક વર્ષનો કોર્સ કર્યા પછી ફરી ફિલ્મ્સમાં કામ કામ શોધવાની શરૂઆત કરી પરંતુ તેમનો ગજ ન વાગ્યો. એ વખતે અનિલ કપૂરના પિતા સુરેન્દર કપૂર અને એ સમયના મોટા ગજાના ફિલ્મનિર્માતા તારાચંદ બડજાત્યા સહિતના ઘણા લોકો પણ ત્યાં આવતા. ગુલશનની નોંધ બધા લેતા હતા. જો કે તેમને કોઈ ફિલ્મમાં તક નહોતું આપતું! ગુલશન આર્થિક અને માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા. એ દરમિયાન રોશન તનેજાએ તેને એકટિંગ તરીકે નોકરીની ઓફર કરી. એ ઓફર ગુલશને ફટ દઈને સ્વીકારી લીધી.

ઍક્ટિંગ ટીચર બન્યા પછી ગુલશન સંજય દત્ત સહિતના નવા સ્ટુડન્ટને ભણાવતા એ રીતે તેમનો તેમની સાથે સંબંધ બંધાયો. ગુલશન જ્યાં રહેતા હતા એ જગ્યાએ જઈને સંજય દત્ત ઘણી વખત તેને પીકઅપ કરીને પોતાના બંગલે લઈ જતો. ‘બૅડમેન બુક’ના લેખિકા રોશમીલા ભટ્ટાચાર્ય ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા કહે છે કે ગુલશનના સંઘર્ષના દિવસો દરમિયાન એક સમય એવો હતો તેઓ અનિલ કપૂર અને વિનય શુક્લાના ઘરે સાંજે જમવાના સમયે પહોંચી જતા હતા, જેથી તેમને ઘરનું ખાવાનું મળી જાય! બાકી તેઓ પૈસા બચાવવા માટે અથવા તો ઓછામાં ઓછા પૈસા ખર્ચાય એ માટે ઈરાની રેસ્ટોરાંમાં થોડુંક ખાઈ લેતા હતા.

ગુલશન રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવતા હતા એ દિવસોમાં સુરજ બડજાત્યાના દાદા અને એ વખતના મોટા ગજાના ફિલ્મનિર્માતા તારાચંદ બડજાત્યા ત્યાં આવ્યા હતા. તેમણે ગુલશનને કહ્યું કે મારી ઓફિસે મળવા આવજે. તેઓ હોંશેહોંશે તારાચંદ બડજાત્યાની ઓફિસે પહોંચી ગયા. તારાચંદજીની ઓફિસમાં પ્રવેશતી વખતે ગુલશન દીવાસ્વપ્નો જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે આજે મને મોટો બ્રેક મળી જશે અને હું તારાચંદજીને મળીને બહાર નીકળ્યા પછી ઘરે કોલ કરીને કહી દઈશ કે હવે તમારે મને પૈસા મોકલવાની જરૂર નથી, હવે હું ઘરે પૈસા મોકલીશ! તેમણે તારાચંદ બડજાત્યાની ઑફિસમાં જઈને કહ્યું કે મને તારાચંદ બડજાત્યાજીએ મળવા માટે બોલાવ્યો છે. એ સાથે તરત જ બડજાત્યા પાસે લઈ જવાયા. ગુલશન તો સાતમા આસમાનમાં વિહરી રહ્યા હતા. તેમને હતું કે હું બહાર નીકળીશ ત્યારે મારા હાથમાં તારાચંદજીની નવી ફિલ્મનો કોન્ટ્રૅક્ટ હશે. પરંતુ તેમની આશા ઠગારી નીવડી. તારાચંદજીએ તેમની સાથે ઉમળકાથી વાતો કરી, પરંતુ તેમને કોઈ ફિલ્મમાં રોલની ઓફર ન કરી! ગુલશન બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર નિરાશાના ભાવ હતા અને તેમનો ઉત્સાહ ગાયબ થઈ ગયો હતો!

જો કે એ પછી એક સમય એવો આવ્યો કે સુનીલ દત્તે દીકરા સંજય દત્તને હીરો તરીકે લોન્ચ કરવા માટે ‘રોકી’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ વખતે સુનીલ દત્તે એને એ ફિલ્મમાં સંજય દત્તના મિત્ર જગ્ગી નો રોલ ઓફર કર્યો. એ રોલ એક કોમેડી લવગુરુનો હતો. જે મિત્રોને સલાહ આપતો રહેતો હોય. ગુલશને વિનંતી કરી કે એમાં એક નેગેટિવ પાત્રનો રોલ છે એ મને આપો. એમાં એક નેગેટિવ કેરેક્ટર હતું, જે પોતાના પિતાનું ખૂન કરે છે અને પુત્રને સાચી માતાથી અલગ કરે છે અને એ દીકરાને બદલો લેવા માટે પાનો ચડાવે છે. સુનિલ દત્તે કહ્યું કે ફિલ્મમાં જગ્ગીના રોલમાં તને હીરો સંજયની સાથે આખી ફિલ્મમાં ચમકવાની તક મળશે. એ સમયમાં ગુલશને હમ પાંચ ફિલ્મ પણ કરી હતી. જો કે તેમને એનાથી ખાસ કોઇ ફાયદો થયો ન હતો. પણ 1983માં ‘સદમા’ ફિલ્મ આવી જેમાં તેમણે નેગેટીવ રોલ ફોન કર્યો અને એ ફિલ્મથી તેમની ગંભીર નોંધ લેવાઈ. નોંધ લેવાઈ. ત્યાર બાદ રામલખન ફિલ્મમાં ‘કેસરિયા વિલાયતી’ન રોલથી તેઓ છવાઈ ગયા.

ગુલશન ગ્રોવરના કો-રાઈટર એવા જાણીતાં અંગ્રેજી પત્રકાર અને એક પ્રખ્યાત અખબારનાં એન્ટરટેઈનમેન્ટ એડિટર રોશમીલા ભટ્ટાચાર્ય કહે છે કે હું દર અઠવાડિયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ વિશે લખતી રહું છું. એક વખત મને ગુલશન વિશે લખતી વેળા વિચાર આવ્યો કે તેની આત્મકથા લખાવી જોઈએ. મેં એ વિચાર ગુલશન સાથે શૅર કર્યો અને ગુલશને મારી સાથે મળીને ઓટોબાયોગ્રાફી તૈયારી દર્શાવી.

ગુલશન ગ્રોવરના જીવનના ઘણા રસપ્રદ કિસ્સાઓ આ બુકમાં ટાંકવામાં આવ્યા છે. ગુલશન ગ્રોવર નાની ઉંમરમાં સ્કૂલમાં જતા પહેલા ડિટર્જન્ટ પાવડર અને સાબુ વેચવા જતા હતા. અને મુંબઈ આવ્યા પછી પણ તેમણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ગુલશને તેમની આત્મકથામાં લખ્યું છે કે અમે ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હતા. ગુલશન દિલ્હીથી એક કલાકના અંતરે રહેતા હતા. તેમનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને તેઓ ઝૂંપડા જેવા મકાનમાં માતા પિતા અને છ ભાઈ-બહેનો સાથે રહેતા હતા. તેમના પિતાની ટૂંકી આવકથી તેમના કુટુંબનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું અને તેમણે જીવનમાં એવા દિવસો પણ જોયા છે, જેમાં તેમણે ભૂખ્યા સૂઈ જવું પડતું હતું. ગુલશન તેમના ભાઈ-બહેનો સાથે મીણબત્તી કે ક્યારેક ફાનસના અજવાળામાં સાથે ભણવા બેસતા હતા. તેમના ઘરથી છ માઈલ સુધી ઇલેક્ટ્રિસિટી નહોતી અને જેવો સૂર્યાસ્ત થતો એ સાથે જ તેમના ઘરમાં ઘોર અંધારું છવાઈ જતું હતું. તેમના ઘર સુધી પહોંચવા માટે તેમણે ખેતરોમાંથી પસાર થઈને જવું પડતું હતું. ગુલશને જંગલી પ્રાણીઓ અને સાપના ડર સાથે એ રસ્તે ચાલીને ઘર સુધી પહોંચવું પડતું હતું. એ સમયમાં અને ઘણી વાર અમને ખાવાનું પણ મળતું નહોતું. એ પછી ગુલશનને અકલ્પ્ય સફળતા મળી ને એક એવો સમય આવ્યો કે ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સે તેમને પોતાના પેલેસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું!

જીવનના આવા તો ઘણા ચડાવ-ઉતાર ગુલશન ગ્રોવરે જોયા છે. માણસ હિંમત હાર્યા વિના કોશિશ કરતો રહે તો તેને સફળતા મળે જ છે એ વાતનો વધુ એક પુરાવો ગુલશન ગ્રોવર છે.

***