Break vinani cycle - Udhaar mangi sharmavsho nahi in Gujarati Comedy stories by Narendra Joshi books and stories PDF | બ્રેક વિનાની સાયકલ - ઉધાર માંગી શરમાવશો નહી...!

Featured Books
Categories
Share

બ્રેક વિનાની સાયકલ - ઉધાર માંગી શરમાવશો નહી...!

ઉધાર માંગી શરમાવશો નહી...!

લગભગ દરેક દુકાને આવું એક બોર્ડ બકરીના નકલી કાન જેમ લટકતું હોય છે. દુકાનમાં જો મફતિયો ઘરાગ આવે તો દુકાનદાર આવા બોર્ડ સામે વારંવાર જોયા કરશે. નોકરને એ બોર્ડને ગાભો મારીને સાફ કરવાનું કહેશે. દુકાનદાર આવા મફતિયા ઘરાકને સંકેતમાં સમજાવવા મથતો હોય છે. તો પણ પેલો ઘરાક વસ્તુઓ લઈને સામે ચાલીને કહશે...

“શેઠ, આપણા ખાતામાં લખી નાખજો...!” રુઆબથી ઉધાર પણ માગી શકાય છે.

દુકાનદાર પણ આની રાહમાં હોય છે, કે ક્યારે કુકરી મેદાનમાં આવે? દુકાનદાર ઉછળી ઉછળીને કહેશે કે: “જુઓ મોટા... આપડે ઉધાર આપવાનું બંધ કર્યું છે, એ માટે આ બોર્ડ પણ માર્યું છે. હવે કોઈનું ખાતું અમે લખતા નથી..”
ચીકણો ઘરાક: “તમે પણ ભલાં-માણસ અમારા (ઉધારી કરનાર વ્યક્તિ પોતાને આદર ખૂબ આપે) આબરૂના કાંકરા કર્યા કરો છો.... હવે, જટ ખાતે લખીને ઉધાર આપી દો ને..! વારા-ઘડીયે એક જ વાત બોલ્યા કરો છો... કે ઉધાર માંગી શરમાવશો નહી... ખી..ખી...ખી... આમને આમ તમે ક્યાંક ગાંડા થઇ જશો...”
દુકાનદાર: “મારા ગાંડા થવાની ચિંતા છોડીને, તમને કોઈક ઉધાર આપે તેની ચિંતા કરો. તમને બહુ થતું હોય કે ગામમાં અમારી આબરૂ છે, અને આ આબરૂના કાંકરા થાય છે તો રોકડે થી લઇ જાઓ. બાકી ઉધાર માંગી અમને શરમાવશો નહીં.. ઉધાર આપી આપીને અમારા પાળિયા થશે... માટે માફ કરજો ભઈલા”
“અરે શેઠ ! આમ વાણીના એક ઘા અને બે કટકા ન કરાય... કઈક વિવેક બિવેક રખાય.. અમે તમારાં જુના ઘરાક છીએ. આંખની ઓળખાણ પણ આપણી બે પેઢીની છે. ક્ષમા વીરનું ભૂષણ છે.. લ્યો હવે આપો ઉધાર... લખો આપણે ખાતે... એટલે વાત પતે...” એટલું કહીને મફતેશ્રી ગુંદરીયાં ગ્રાહક જીદ કરીને બેસે... એટલે પેલો પણ જીવ છોડાવવા ઉધાર આપે... દુકાનમાં પેલું બોર્ડ એમજ લટકતું રહે... ઉધાર માંગી શરમાવશો નહી...!
એ બોર્ડની કિંમત કોડીની જ રહે.
અમારો આવો જ એક મિત્ર મફતેશ્રી ગુંદરીયાં ગ્રાહક અમને કહે.. “હું આખું ગામ ફર્યો, પરંતુ મારે જે વસ્તુ જોઈએ છે.. એ આપણા ગામમાં મળતી જ નથી.”
અમને બહુ નવાઈ લાગી કે...
“એવું તે શું છે કે જે આપણાં ગામમાં ન મળે? અરે ! આપણાં ગામમાં તો બાજુના ગામમાંથી પણ ખરીદી કરવા લોકો આવે છે. આપણાં ગામનું બઝાર વખણાય છે. અરે હા ! તું જો કન્યા ખરીદવા ગયો હશે તો નહી મળે... (ખી..ખી...ખી...) બાકી તો બધી વસ્તુઓ મળે છે... પહેલાં તું એ કહે કે શું લેવા ગયો હતો?” બધા મિત્રો એક જ અવાજમાં બોલ્યા....
એટલે મહાકુંવારો ઉધાર માંગીને ન શરમાતો... મિત્ર બોલ્યો કે: “હું આપણાં ગામમાં ઉધાર વસ્તુ લેવા ગયો હતો, પણ તે ન મળી. લગભગ મને બધાએ કહ્યું કે પહેલા જુનું બિલ ચૂકતે કરો. આપણા ગામમાં ઉધાર નામની કોઈ વસ્તુ મળતી નથી. ખરેખર ! આપણા ગામમાં કોઈને દયા-બયા જેવું રહ્યું જ નથી. હવે આ દુનિયાનો સત ઘટી ગયું છે.”
બધા મિત્રો કહે: “આ દુનિયાનું સત નથી ઘટ્યું, ઉધાર માંગનારાની સંખ્યા વધી છે.”
ઉધાર પરથી એક બહુ જૂની પણ મજાની જોક યાદ આવી...
વર્ગમાં સાહેબે પૂછ્યું કે: “અર્થશાસ્ત્ર એટલે શું?”
વર્ગમાં મોટાભાગે પહેલી હરોળમાંથી ઉત્તર ન મળે એટલે આપણને આવા મહા-મુશીબતભર્યા સવાલોના ઉત્તર છેલ્લી બેંચ પરથી અચૂક મળે... આ સવાલ માટે પણ છેલ્લી બેંચ પરથી મહાજ્ઞાની પર્કાંડ પંડિત ઉભો થયો.. અને બોલ્યો કે: “સર, એક એવો માણસ કે જેની પાસે અર્થ નથી, તો પણ શાસ્ત્રોની વાતો કર્યા કરે.”
સાચે જ ! આપણી આ વાત માટે, ઉધાર માગવા માટે પણ એક કહેવત લાગુ પડે...
“નાણાં વગરનો નાથિયો, નાંણે નાથાલાલ.”
ગામમાં જેની કોડીની પણ કિમત નથી તેને કોઈ ઉધાર ન આપે. જે સુખી છે, આબરૂદાર છે તેને બધા ઉધાર આપે.
આપણે સંસ્કૃતમાં એક શુભાષિત ભણવાવમાં આવતો... “આ કુદરત પણ મોટાં લોકોને મદદ કરે છે, જયારે નાનાં માણસોને મદદ નથી કરતી. એ માટે એક સુંદર વ્યંગાત્મક ઉદાહરણ પણ આપ્યું કે આ પવનને જુઓ... આ પવન નાનકડાં દીવડાંને ઓલવી નાખે છે, જયારે જંગલમાં આગ લાગી હોય તો એજ પવન તેને સળગવામાં મદદ કરે છે. જંગલ મોટું છે તો તેને મદદ, અને દિવડો નાનો તો તેને મદદ નહીં. વાહ રે કુદરત...! સરસર અન્યાય છે ઈશ્વરના દરબારમાં...!
યથાર્થ.. દુકાનદાર પણ મોટાં માણસોના ખાતા લખે. અને નાનાં માણસોને કહે કે ‘ઉધાર માંગી શરમાવશો નહીં...!’

લાસ્ટ બેંચ...!
સેલ્સમેન માટે એક રૂબરૂ મુલાકાત યોજાઈ હતી.
શેઠ: “શું તમને બેજીજક ખોટું બોલતા આવડે છે? શું તમે ઢગલાં મોઢે જુઠું બોલી શકો? શું તમે ગલ્લાં-તલ્લાં કર્યા વગર ખોટું બોલી શકો?
ઉમેદવાર: “ના, હું એમ તરત ખોટું ન બોલી શકું.”
શેઠ: “તો પછી તમે તમારી સેલ્સ્મેન તરીકેની કારકિર્દી ન વિચારો. કોઈ બીજો વિચાર કરો.”
લેખન: નરેન્દ્ર જોષી. (૧૮/૦૮/૨૦૧૯)