* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૦)
રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.
લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતર્ગત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે આપ જોઈ શકો છો.
મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનાર પરથી રસ્તો શોધીને ઉતરતી વખતે એક જગ્યાએ અમે ગબડી પડીએ છીએ અને તે દરમિયાન કલ્પેશનો પગ ઠીક થઈ જાય છે. આગળ જતાં એક રાયણના ઝાડ પર અમે અજગરના ભરડામાંથી આશિષને છોડાવીએ છિએ. જંગલમાં થઈને આગળ વધતાં બિલાડીના બચ્ચાં જેવા લાગતાં દીપડીના બચ્ચાં અમે પકડીએ છીએ પરંતુ તેમ કરવા જતાં અમને દીપડીનો ભેટો થઈ જાય છે. મોતના મુખમાંથી અમે ભાગી છૂટીએ છીએ પરંતુ તે દરમિયાન ભાવેશ અમારાથી અલગ પડી જાય છે. હવે આગળ...
ભાવેશ આમ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તે વિશે અમને કંઈ સૂઝ પડતી નહોતી. કલ્પેશ પણ રડવા જેવો થઈ ગયો હતો. એણે રડમસ અવાજે છેલ્લી બૂમ પાડી..ભાવેશ....!! પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં.
બધા દોડી - દોડીને ખૂબ જ થાકી ગયા હતા પરંતુ ચિંતા અત્યારે થાકની કે જલદી ઉતરવાની નહોતી પણ ભાવેશ મળી જાય તો જ બધાને નિરાંત થાય એમ હતી. બધાના ચહેરા પર નિરાશા અને દુ:ખના ભાવ સ્પષ્ટ પણે જોઈ શકાતા હતા.
મનોજભાઈ : "ભાવેશ આખરે ગયો ક્યાં? આટલા સુધી આગળ એ એકલો આવ્યો જ ના હોય."
આશિષ : "વાત તો સાચી છે પણ તે આટલામાં ક્યાંય છે જ નહીં. જો આટલામાં ક્યાંય હોય તો આપણો અવાજ એ સાંભળી જ લેત."
"હવે આપણે ઘરે શું જવાબ આપશુ! ભાવેશ વિના ઘરે જવું પણ કઈ રીતે!મને તો એ વિચારીને જ ધ્રૂજારી છૂટી જાય છે." રાહુલે રડમસ અવાજે કહ્યું.
" એવું કંઈ જ નહીં થાય. ભાવેશ આપણને મળી જ જશે. આમ કોઈએ હિંમત હારી જવાની જરૂર નથી. આવા ખોટા વિચારો કરવાને બદલે આપણે તેને શોધવાનું ચાલુ રાખવું જોઈએ." મેં રાહુલ અને બીજા બધા સામે જોઈને કહ્યું.
કલ્પેશ : "હા, જનાબની વાત સાચી છે. અત્યાર સુધીમાં આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તો આ સ્થિતિનો સામનો કરીને આપણે ભાવેશને જરૂર શોધી લેશું."
ડૂબતો માણસ તરણાનો પણ સહારો લે એમ અત્યારે અમે ભાવેશને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ભાવેશના કોઈ સગડ મળતા નહોતા.
મારા મનમાં એક ગડમથલ ચાલી રહી હતી કે એવી કોઈ શક્તિ જરૂર હતી જે અમને અહીં આવતા રોકી રહી હતી છતાં પણ અમે આવ્યા અને વળી પાછા અવળે રસ્તે ચડી ગયા. મતલબ કે અમે જો અગાઉના સંકેતો માન્યા હોત તો આવી રીતે હેરાન ન થાત.
મેં કોઈ એક બુકમાં વાંચ્યું હતું કે કોઈપણ ઘટના ઘટતા પહેલાં આપણા મગજમાં તે બને છે પરંતુ તેને સમજવી ખૂબ જ અઘરી હોય છે. એના માટે મગજની શક્તિઓને આત્મસાત કરવી પડે છે. મહાન યોગીઓ કોઈપણ અઘટિત ઘટનાને પોતાની મગજની શક્તિઓથી જોઈ લેતા હતા. આ બધી શક્તિઓ કદાચ આપણી અંદર જ હોય છે પણ તેને સમજવા અને સિદ્ધ કરવા માટે વર્ષો સુધીનો અભ્યાસ જરૂરી છે.
આવા બધા વિચારો અત્યારે મારા મગજમાં ચાલી રહ્યા હતા પણ કોણ જાણે કેમ એવું લાગી રહ્યું હતું કે ભાવેશ આટલામાં જ ક્યાંક છે.
મેં બધાને ઉદ્દેશીને કહ્યું, " મને એવો આભાસ થઈ રહ્યો છે કે જાણે ભાવેશ આપણી આસપાસ જ ક્યાંક છે."
મારી વાત સાંભળીને એક પછી એક બધાએ મારી વાતને સહમતી આપતાં કહ્યું કે તે બધાને પણ એવું જ લાગી રહ્યું છે.આ ખરેખર ચોંકાવનારી બાબત હતી.
અમે બધા ભૂખ તરસ બધું ભૂલી ગયા હતા. પાણી હવે કોઈ પાસે નહોતું એટલે આગળ એ પણ એક ચિંતાનો વિષય હતો પણ અત્યારે તો ભાવેશ મળી જાય એ જ એકમાત્ર લક્ષ્ય હતું.
અમે એકદમ ઝીણવટભરી તપાસ આદરી. કદાચ કોઈ પગલાં મળી જાય તો તેના આધારે પણ શોધી શકાય તેવો પણ અમારો મત હતો પરંતુ તેની કોઈ શક્યતા દેખાઈ નહોતી રહી કારણકે જ્યાં જુઓ ત્યાં બસ પાંદડાંઓ અને પથ્થરો જ હતા.
અમે સીધા રસ્તે જવાને બદલે જંગલની અંદર ઢાળ તરફ તપાસ આદરી. આ એવો ભાગ હતો જ્યાં હવે જંગલી પ્રાણીઓનો પણ ડર લાગી રહ્યો હતો. અમે દીપડીથી બચીને આવ્યા હતા પરંતુ માત્ર એક જ દિપડી હોય એવું જરૂરી નહોતું. ઘણીવાર આ વિસ્તારોમાં સિંહ પણ આવી ચડે છે.
શરૂઆતમાં જે ફોટાઓ પાડવાનો ક્રેઝ હતો તે તો ક્યારનો ભૂલાઈ ગયો હતો. વચ્ચે એકાદવાર તો વાત વાતમાં એવી વાત પણ અમે કરી હતી કે આપણે અહીંથી નીકળી નહીં શકીએ તો આ ફોટાઓ બતાવીશું કોને?
તો વળી ભાવેશે ત્યારે ક્હ્યું હતું કે આપણા વડવાઓ મૃત્યુ પામે એ પછી વાર તહેવારે આપણે એને ચોખા જવારતા હોઈએ છીએ. તો શું આપણે ગીરનારમાં ખોવાઈ જશું તો આપણા બધાના ચોખા જવારવા અહીં આવવું પડશે કે! ત્યારે એની વાતમાં સૌ હસી પડ્યા હતા.
અમારી તપાસ દરમિયાન અમને એક વાત વારંવાર ખટકી રહી હતી કે બધા દોડીને જતા હતા ત્યારે ભાવેશ અચાનક કેમ અલગ થઈ ગયો! કારણકે જ્યારે બધા ભાગ્યા હતા ત્યારે એ સૌની નજરમાં જ હતો. તો આમ અચાનક એ ક્યાં જઈ શકે? એક વાત તો નક્કી જ હતી કે ભાવેશ સાથે કંઈક બન્યું હોવું જોઈએ નહિંતર આમ બને નહીં.
અમે આગળ જઈ રહ્યા હતા તે દરમિયાન આશિષે કહ્યું કે, "ક્યાંક કોઈ જંગલી પ્રાણીએ ભાવેશ પર હુમલો કર્યો હોય અને એ તેને ઉપાડી ગયું હોય એવું તો નહીં થયું હોય ને?"
આશિષની વાત સાંભળીને બધાના મોંઢા રડવા જેવા થઈ ગયા. અમારી સાથે જે ઘટનાઓ બની હતી તે જોતાં કોઈપણ શક્યતાને નકારી શકાય તેમ નહોતી. છતાં આવી વાતો સાંભળીને બધાંની હિંમત તૂટી જાય એવી સ્થિતિ હતી.
મેં બધાને ફરી હિંમતમાં લાવવા માટે કહ્યું, " એવું ન બને, કારણ કે જો કોઈ પ્રાણી આસપાસ હોય તો આપણને કેમ ન દેખાયું? અને ખરેખર જો એ જંગલી પ્રાણી જ હોય તો ભાવેશે બચાવ માટે આપણને બૂમો પાડી હોત. એટલે ખરેખર એવું કશું બન્યું નથી. ભાવેશ જ્યાં પણ હશે ત્યાં હેમખેમ જ હશે."
મારી વાત સાંભળીને બધામાં હિંમત આવી હોય તેમ તેઓને લાગ્યું કે ખરેખર ભાવેશ હેમખેમ જ હશે પરંતુ હું પોતે જાણે હિંમત હારી ગયો હોય એમ અંદરથી ભાંગી પડ્યો હતો.
અમે ધીમે - ધીમે અને એકદમ સાવચેતી પૂર્વક આગળ વધી રહ્યા હતા ત્યાં જ અમારાથી થોડેક દૂર ઢાળ પર એક માટીનાં ઢગ જેવું દેખાયુ. દૂરથી જોતાં એ માટીનો ટેકરો હોય એવું લાગતું હતું.
રાહુલ : " પેલું માટીનાં ઢગલાં જેવું કંઈક છે ચાલો ત્યાં જઈને તપાસ કરીએ કે શું છે! "
અમે બધા તે માટીનાં ઢગલા તરફ આગળ વધ્યા. જેમ જેમ અમે નજીક ગયા તેમ તેમ તે માટીનો ઢગલો કોઈ મોટો ખાડો હોય તેવું અમને લાગવા માંડ્યું.
અમે જેવા ત્યાં પહોંચ્યા તો અમારી નવાઈનો પાર ન રહ્યો. કારણ કે, અમે જેને માટીનો ઢગલો સમજતા હતા તે ખરેખર એક ગુફા કે ભોંયરા જેવું હતું.
ઉપરથી અમે જોયું તો અંદર એકદમ અંધારું હતું. કંઈ જ દેખાતું નહોતું. અમે એકબીજાની સામે જોયું જાણે કે એક બીજાને પૂછતા હોય કે અંદર જવું કે કેમ!
કલ્પેશ : "આ ભોંયરું કોઈ પ્રાણીનું તો નહીં હોય ને! ક્યાંક આપણે ઉલમાંથી ચૂલમાં પડીએ એવું થાય નહીં."
મનોજભાઈ: "જે હોય તે પણ આપણે તપાસ તો કરવી જ જોઈએ."
મેં કહ્યું, "મનોજભાઈની વાત સાચી છે. આપણે અંદર ઉતરીને તપાસ કરવી જ જોઈએ. આપણે બધે જ તપાસ કરી પણ ભાવેશના કોઈ સગડ મળ્યા નથી. આપણે અંદર ઉતરીએ જે થશે તે જોયું જશે."
મને અચાનક યાદ આવ્યું કે મેં ઘરેથી નીકળતી વખતે બેટરી સાથે લીધી હતી. મેં તરત જ થેલામાંથી બેટરી કાઢી. અંદર બેટરીનો પ્રકાશ ફેંકીને જોયું તો માટીની કરાડો હતી અને થોડેક ઊંડે નીચેની જમીન દેખાઈ રહી હતી.
મેં આગળ વધીને ભોંયરામાં ઉતરવાની તૈયારી દર્શાવી. માટીની કરાડો પર પગ ટેકવીને મેં સીધો અંદર કૂદકો માર્યો. જેવો મેં કૂદકો માર્યો એવો મારા કૂદકાનો અવાજ અંદર પડઘાઈ ઉઠ્યો. અંદરનું દ્રશ્ય જોઈને હું થોડીવાર તો ડરી ગયો કારણ કે ઉપરથી નાનું લાગતું ભોંયરું અંદરથી ખૂબ જ વિશાળ હતું. અંદર એટલું અંધારું પડતું હતું કે કંઈપણ સૂઝતું નહોતું.
મેં આસપાસ બેટરીનો પ્રકાશ ફેંકીને જોઈ લીધું એ પછી મેં બધાને અંદર આવી જવા કહ્યું. બધા એક પછી એક ભોંયરામાં ઉતરી ગયા.
અમે અંદર અંધારામાં બેટરીના પ્રકાશમાં આગળ વધ્યા. ભોંયરું માટીનું બનેલું હોય એવું લાગ્યું. ભોંયરાની દિવાલો પર જ્યાં ત્યાં વૃક્ષોનાં મૂળીયા દેખાઈ રહ્યાં હતાં. ઘણી જગ્યાએ છોડ પણ ઉગેલા હતા. આ ભોંયરું ખરેખર કઈ રીતે બન્યું હશે તે પણ એક કોયડો હતો.
અંદરથી તે એટલું વિશાળ હતું કે અમે જાણે કોઈ અંધારીયા મહેલમાં આવ્યા હોય એવું લાગતું હતું. બધા એકબીજાના હાથ પકડીને ચાલી રહ્યા હતા. અમારા ચાલવાનો અવાજ છેક ઊંડે સુધી અવાજ ઉત્પન્ન કરી રહ્યો હતો. મેં નીચે બેટરીનો પ્રકાશ ફેંકીને જોયું તો નીચે આસપાસ ઘણાં બધાં પ્રાણીઓનાં પંજાના નિશાન હતાં. એનો મતલબ એવો હતો કે રાતના સમયે કે અવારનવાર જંગલી પ્રાણીઓ આ ભોંયરામાં આવતા હોવા જોઈએ. મરેલા પ્રાણીઓનાં હાડકાં પણ આસપાસ પડ્યાં હતાં.
અચાનક ઘણાં બધાં ચામાચીડિયાં એકસાથે ઉડીને અમારાં માથેથી પસાર થયાં. અમે ડરીને એકદમ નીચે બેસી ગયા. આમ અચાનક જોરદાર અવાજ થયો એટલે અમારા બધાના હ્રદયનાં ધબકારા વધી ગયા.
મેં બેઠાં - બેઠાં ઊંચે બેટરી કરીને જોયું તો અમારાં દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા. ઉપર એક ખૂણામાં વૃક્ષનાં મૂળીયા પર એક કાળો ભમ્મર જેવો સાપ ફેણ ચડાવીને મૂળીયા આસપાસ વીંટળાઈને લટકી રહ્યો હતો.
આ બધું જોઈને આ ભોંયરું અત્યારે ખરેખર અમને મોતના કૂવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. આ અંધારીયા ભોંયરામાં જ્યાં જુઓ ત્યાં મોત લટકી રહ્યું હોય એમ દેખાતું હતું. કાળોતરો સાપ કદાચ ચામાચીડિયાંનો શિકાર કરવા બેઠો હોય એવું લાગ્યું.
મેં ધીમેથી બધાને ઉદ્દેશીને કહ્યું, "આપણે જેમ બને તેમ જલદીથી તપાસ કરીને અહીંથી નીકળી જવું જોઈએ. અહીં આ અવાવરૂ ભોંયરામાં વધારે રોકાવું સારૂં નથી."
મારી વાત સાંભળીને બધાંએ હકારમા માથું હલાવ્યું. મેં બધાને દીવાલથી દૂર રહેવા કહ્યું. કારણકે દીવાલ પર હાથ ટેકવવાથી ઝેરી જીવજંતુઓ કરડવાનો ખતરો હતો.
હું દીવાલ પર બેટરી કરીને જોઈ રહ્યો હતો તે દરમિયાન હું અને મનોજભાઈ નીચે પગમાં કંઈક અથડાવાથી નીચે પડી ગયા. અમે એકદમ ગભરાઈને ઊભાં થઈ ગયા. ત્યાં નીચે કોઈક પડેલું હોય એવું લાગ્યું.
અમે તરત જ બેટરીનો પ્રકાશ ફેંકીને ત્યાં જોયું તો અમને એક જોરદાર આંચકો લાગ્યો. ત્યાં ભાવેશ પડેલો હતો. અમને ખૂબજ ડર લાગી રહ્યો હતો પરંતુ હિંમતપૂર્વક અમે ભાવેશ પાસે જઈને જોયું તો તે બેભાન હોય એવું લાગ્યું. અમે ભાવેશને ઉઠાડવાની કોશિશ કરી પણ તે હોંશમાં નહોંતો.
અમે બધાની પાણીની બોટલ જોઈ. એક કલ્પેશભાઈની બોટલમાં થોડુંક પાણી હતું. અમે ભાવેશના મોંઢા પર પાણીની છાલક મારી કે તરત જ તે ભાનમાં આવ્યો અને એકદમ ડરીને ઊભો થઈ ગયો.
અમે તેને પૂછ્યું કે તું આ ભોંયરામાં કઈ રીતે પહોંચ્યો? ભાવેશે કહ્યું કે, " હું જ્યારે દોડીને ભાગી રહ્યો હતો ત્યારે મને એમ લાગ્યું કે તમે બધા મારી પાછળ જ છો અને અચાનક એક જગ્યાએ મને જોરદાર ઠેસ વાગી અને હું નીચે પડી ગયો એ પછી મને કંઈ જ યાદ નથી."
અમને બધાને પણ ખૂબ જ નવાઈ લાગી કે તે સીધો અહીં ભોંયરામાં જ કેમ આવીને પડ્યો! આ ખરેખર માન્યામાં ન આવે એવી વાત હતી પણ તે અત્યારે અમારી સામે બની હતી.
અચાનક બહારથી અમને એક અવાજ સંભળાયો. 'અલખ નિરંજન, જય ગીરનારી' ! એ અવાજ સાંભળીને અમે બધા તરત જ ત્યાંથી બહાર નિકળવા ભાગ્યા...
( વધુ આવતા અંકે)
ભાવેશ ભોંયરામાં કઈ રીતે પહોંચ્યો હતો? બહારથી આવેલો અવાજ કોનો હતો? અમે ગીરનારમાંથી બહાર નીકળી શકીશું?? અમારી સાથે આગળ શું બનવાનું હતું? જાણવા માટે વાંચતા રહો ગીરનારની આ ગેબી યાત્રાના આવનારા ભાગો. આવનારો દરેક અંક એક રહસ્ય લઈને આવશે.
મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.