9. દારૂડિયો
હજુ થોડાં વર્ષો પહેલાં ઘણાખરા લોકોને માટે બેંક એટલે પૈસા મુકો અને ઉપાડો એ જગ્યા એટલો જ ખ્યાલ હતો. એટીએમ 2005 પછી જ બ્યાપક બન્યાં. અને એમની સમજ મુજબ ઓફિસરનું કામ એટલે એ વખત મુજબ ઊંચી, આજના કોઈ સર્વર જેવી દેખાતી કેબિનેટમાં સ્લાઈડ થતી ટ્રે બહાર કાઢી સહી જોઈ પાસ કરવાનું. મેં બેંકની ડીગ્રી CAIIB શરૂ કરી ત્યારે પાઠ્યપુસ્તકનું પહેલું જ વાક્ય બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ આવતું.. prime function of a bank is accepting deposit for the purpose of lending. એ સિવાય બેંકનાં અનેક મુખ્ય અને આનુષંગિક કાર્યો હોય છે. એમાં નવાં ઉમેરાતાં જાય અને જુનાં ઇતિહાસની વાત બનતાં જાય. એવું એક કાર્ય છે ક્લિયરિંગ. ક્લિયરિંગ એટલે શું? એક બેંકના ખાતાંમાંથી ચેક આપીએ એ બીજી બેંકનાં ખાતામાં સામેવાળો ભરે એ. બધી બેંકોના બધા ખાતાઓના એક જગ્યાએ એક બેંકના કુલ ઉધાર થઈ બીજી બેંકના ખાતાંમાં કુલ જમા થાય. બેંકો એ તમારા ખાતામાં જમા કરે, સામેની બેંકમાંથી ગ્રાહકનું ખાતું ઉધારે. અને ચેક રિટર્ન ન થાય તો બેંક તે ગ્રાહકને આ જમા થયેલી રકમ ઉપાડવા દે. થોડું ટેક્નિકલ થઈ ગયું, નહીં?
પહેલાં એ ક્લિયરિંગ હાઉસમાં ચેકોની આપ લે બેંકના ક્લાર્ક લોકો દ્વારા હાથો હાથ થતી. પછી ચેકની નીચેની પટ્ટી પરથી મેગ્નેટિક ઇન્ક દ્વારા મશીન વાંચી લે કે આ કઈ બેંકનું કઈ બ્રાન્ચનું ખાતું છે અને એ એક ઘણી ટેક્નિકલ પ્રોસેસ દ્વારા સામી બેંક માં જમા થાય. એ ટેકનોલોજીને માઈકર એટલે કે magnetik ink character recognition કહેવાતી.
તો દિવસ આખામાં ભરેલા ચેકો પ્રોસેસ રાત્રે થતા. અમદાવાદમાં એ આખા અમદાવાદનું બધી જ બેંકોનું ક્લિયરિંગ 1998 ઓક્ટોબરમાં મારી બેંક ઓફ બરોડામાં શરૂ થયું. એ પહેલાં મશીનો માટે માણસો નવા, માણસો માટે મશીનો અને લોકો માટે આ બધું અગડં બગડં. એટલે ટ્રાયલ રન શરૂ થયા.
હું એ માઈકર સેન્ટરની ઓપનિંગ ટીમ માં હતો અને વર્ષો પછી તેનો ઇન્ચાર્જ પણ બનેલો.
એ વખતે થનારું માઈકર સેન્ટર અમદાવાદ શિવરંજની પાસે ચીરીપાલ હાઉસમાં હતું. આજનો અતિ વ્યસ્ત રિંગરોડ એ વખતે બની રહેલો. અનેક અડચણો હતી. આજના હેલ્મેટ સર્કલ પાસે રબારીઓની વસાહત હતી જે ખસવાનું નામ લેતી ન હતી. લાકડાની જાળી વાળું એક મકાન રસ્તો બનતો હતો એની વચ્ચોવચ્ચ હતું. એક બે મોટાં ઝાડ આસપાસ ઓટલાઓ, ક્યાંક નાની દેરીઓ રાતોરાત નવી બની જતી હતી. નવા બનતા રસ્તે લાઈટ તો ક્યાંથી હોય?
એક રાત્રે તો કાળી ભેંસ કાળાં ડિબાંગ અંધારામાં સ્કુટરની સાવ નજીક આવી ત્યારે એની પીઠ પરથી લાઈટ રીફલેક્ટ થતાં ખબર પડી કે આ અંધકાર નથી, ભેંસ છે. લગભગ અથડાતો રહી ગયેલો. રસ્તાની સાઈડે ઊંડા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતાં તેમાં મોટી સાઈઝનાં મચ્છર થતાં જે લાઈટ પડતાં જ ઉડીને કરડતાં.
એવી એક ઓગસ્ટ '98ની મેઘલી રાત્રે 11 વાગ્યે હું છૂટીને પ્રપોઝડ રિંગરોડ પરથી જઈ રહેલો. મને છૂટ્યા પછી 'જવું પાંસરૂ ઘેર' ટેવ હતી. ટીમના બીજા સભ્યો વાતો કરવા ઊભતા. મને કોણ જાણે કેમ, તેમની સાથે વાતો સૂઝતી નહીં એટલે હું આગળ ભાગેલો.
અંધારામાં એક સીટી વાગી અને એક લાઈટ મારી આંખમાં ફેંકાઈ. હું ઉભો રહ્યો.
પોલીસના એક જમાદારે મને સ્કૂટર આગળ લાકડી રાખી ઉભો રાખ્યો.
"ક્યાં જાઓ છો? આમ સ્પીડમાં કેમ ભાગો છો?"
(સ્પીડ? કલાકના 27 થી 30 વચ્ચે.)
"ડ્યુટી પરથી છૂટી ઘેર જાઉં છું" મેં કહ્યું.
લાઇસન્સ વ. જોયું. ત્યારે પીયૂસી જેવી વસ્તુ ન હતી. નહીંતો એકેય વાહન ન ચાલે.
"એ..મ? અત્યારે ડ્યુટી શેની?"
બીજા 'કર્મઠ, બાહોશ'(!) જમાદારે સીધું જ પૂછ્યું "દારૂની હેરાફેરી કરવાની, કાં? ડેકીમાં કેટલી બોટલો છે?"
એ જૂનું વિજય સુપર સ્કૂટર હતું. પગ પાસે ડેકી રહેતી. રાક્ષસના મોં ની જેમ ઢાંકણું ઉભું ખુલે ત્યારે રાક્ષસ આ.. કરી જીભ બહાર કાઢતો હોય તેવું લાગે. જમાદારે ડેકી પોતે જ ચાવી લઈ ખોલી. પ્લગ સાફ કરવાનો કાળો પડી ગયેલો ગાભો, બે ચાર ચીંથરા, એક જૂની પંચર પડેલી ટ્યુબ (રોડ પથરાની કપચી પાથરેલો હોઈ પંચર તો વારંવાર પડતાં) અને એક પ્લાસ્ટિકનો ડબ્બો મળ્યો. ડબ્બો ખોલ્યો. તેલના ડાઘા અને બટાકાની કાતરીના અવશેષ.
"સાચું બોલી દો. આજકાલ પૈસા માટે સારા દેખાતા લોકો પણ દારૂની બાટલીઓ લઈ જાય છે."
(હું મનોમન ખુશ થયો. મને સારો દેખાતો કહ્યો એટલે.)
"અરે હું ડ્યુટી એટલે નોકરીએથી આવું છું. બેંકમાં છું."
"બેંક? એ..મ? આવી રાત્રે 11 વાગ્યે? કયો તારો બાપ અત્યારે બેંક ખોલીને બેઠો હોય ?' (એ પછી મારાં અંતિમ પોસ્ટિંગમાં સવારે 10 વાગ્યે જઈ રાત્રે 11પછી છૂટ્યો છું. એની વાત પછી.)
"બેંક ઓફ બરોડા. મારાં મા ને બાપ જે કહો એ છે."
"વાયડીનો થા મા. એક અડબોથ આલીશ હમણે." કર્મઠ પોલીસ બોલ્યો.
" અમારી રાતની જ નોકરી છે. સાંજે 6 થી 12. આજે વહેલા છીએ."
હવે કદાચ એ લોકોનો લીડર હશે એ કશું સમજ્યો.
"અત્યારે શેનું કામ કરો છો?"
" ચેકોનું ક્લિયરિંગ. એક બેંકના ચેક બીજી બેંકમાં જમા ઉધાર. એમાં મશીનો આવે છે એના ટેસ્ટ રન.."
"બસ બસ. પણ રાત્રે નોકરી?"
" સાહેબ, એ રાત્રે જ કરવું પડે એવું કામ છે." (ચોરી કે ધાડ પાડવા જેવું નથી લાગતું?)
" બેંકમાં છો તેની સાબિતી?"
મેં મારું આઈકાર્ડ બતાવ્યું. સદભાગ્યે મારા ખિસ્સામાં હતું. દોરી.કે ક્લિપથી લટકાવવાનું બધે જ એ પછી 5-7 વર્ષે આવ્યું.
ઉત્સાહી કર્મઠ જમાદારને કદાચ રાત્રીની બોણી ગઈ તેમ લાગતાં નજીક આવ્યો.
" ગમે તે કહો. આ માણસ બાટલી સંતાડીને નહીં તો પી ને આવ્યો હશે. લાવ. તારું મોં નજીક લાવ. સુંઘું. દારૂડીયો જ હોય. નહીંતો આમ એકલદોકલ આવા રસ્તે બૈરાં છોકરાં મૂકી વાહન પર રખડે?"
એણે મારૂં મોં સૂંઘયું. ફરીથી સુંધયું. કેળાની વાસ આવી.
"આ કેળું ખાધું હોય એવી વાસ શેની છે? વાસી દારૂ ચડાવ્યો છે?"
"મેં સાચે જ દોઢ કલાક પહેલાં કેળાં ખાધાં છે. શ્રાવણ મહિનાનો ઉપવાસ એટલે ફરાળ કર્યો છે."
પેલા હેડ એ નજીક આવી ફરી મોં સૂંઘયું.
"સાચે જ કેળું ખાધાની વાસ છે. હશે. … ભા, જવા દો આ શખ્સને."
હું સ્કૂટરને એ વખત મુજબ નમાવી ઓવરફ્લો હોય એટલે ખાલી કિકો મારતો હતો ત્યાં 6-7 લાઈટો અને હસવાના હોકાટા સંભળાયા.
મેં સ્કૂટર ચાલુ કરતાં કહ્યું "આ પાછળ આવે મારા સાથી બેંકવાળાઓ."
સ્કૂટર ભ્રાઓ.. કરતું સ્ટાર્ટ થયું. હેડ સાઈડે હટ્યો. કર્મઠ જમાદાર મોં વકાસી ઉભો રહ્યો.
હજુ પણ હું સાથીઓ માટે ઉભો નહીં. કારણ હતું. પણ એ લોકોને ન પકડ્યા કે ન મોં સૂંઘયાં.
પછીથી ટીમના કોઈએ અમારો હોદ્દો પણ કહ્યો હશે. હવે હું નીકળતો ત્યારે ક્યારેક એ જમાદાર સલામ જેવું કરતો. સ્મિત તો આપતો જ.
રસ્તે એક બે જગ્યાએ કૂતરાં હજુ અમને ઘેરી વળી સમૂહમાં ભસતાં. એમની રાત્રી ડ્યુટી સાથે અમારી ડ્યુટી એમને પસંદ ન હતી.
-સુનીલ અંજારીયા