Premni anokhi dastan - 7 in Gujarati Love Stories by HINA DASA books and stories PDF | પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 7

Featured Books
Categories
Share

પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 7

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ને ગિરિકા બને છુટા પડી જાય છે, અર્ણવ એક સફળ ગાયક બની જાય છે, ગિરિકાને એ શોધે છે પણ ક્યાંય મળતી નથી, હવે આગળ....)

વાગીશાને પોતે ગોદ લઈ લે તો એકલતા પણ દૂર થઈ જાય. એવું વિચારી અર્ણવ આજે ટ્રસ્ટીની ઓફીસમાં ગયો. વાગીશા વિષે વાત કરી કે એ નાનકડી એન્જલને ગોદ લેવા માંગે છે. આયોજક મેડમે બાળક દત્તક લેવાના નિયમો જણાવ્યા, જેમાં બંને પતિ પત્ની હોય તો જ બાળક દત્તક લઈ શકાય એવો નિયમ હતો. અર્ણવ તો અપરણિત હતો એટલે આ શક્ય ન હતું. તેણે ઘણી આજીજી કરી, પણ નિયમો વિરુદ્ધ કઈ કરી શકાય એમ હતું નહીં.

અર્ણવને ખૂબ નિરાશા સાંપડી. પણ છતાં એને એ વાતની ખુશી હતી કે એ રોજ વાગીશા સાથે રમી તો શકતો હતો. ગિરિકાના પ્રેમે એને એટલો મજબૂત બનાવી દીધો હતો કે એ ભાંગી પડે એમાનો ન હતો.

આ પ્રેમમાં અજબ સંજીવની હોય છે. જો હકારાત્મકતા આવે તો માણસ તરી જાય છે, ને નકારાત્મકતા ઘેરી વળે તો માણસ ડૂબી જાય છે. પણ સાચો પ્રેમ તો તારનાર જ હોય છે નહીં કે ડૂબાવનાર. પ્રેમની તો પરિભાષા જ એ છે તમને જીવતા શીખવે એ પ્રેમ. પામવાની પરાકાષ્ઠા નષ્ટ થઈ જાય ત્યારે પ્રેમનો બાગ ખીલે છે.

અર્ણવ પાસે હવે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ બસ ગિરિકાને યાદ કરી ને એનું સ્વપ્ન જીવી જિંદગી પસાર કરતો હતો.

એક દિવસ એ ટ્રસ્ટીની ઓફિસમાં બેઠો હતો, ત્યારે આયોજકે એમને એક વાત કહી

"મી. અર્ણવ તમને ખબર પેલી આપણી નાની એન્જલ વાગીશા છે ને એને એક મેડમ દત્તક લેવા માટે આવ્યા હતા. એ પણ તમારી જેમ આ ટ્રસ્ટની એક બીજી સ્કૂલમાં આચાર્ય છે, પણ એ પણ તમારી જેમ જ અપરણિત છે એટલે એમને પણ ના પાડવી પડી. વાગીશા પણ કેવી કમભાગી કહેવાય પોતાના મા બાપની છત્રછાયા તો ગુમાવી બેઠી, ને કોઈ આપવા માંગે છે તો નિયમો આડા આવી જાય છે."

આ નસીબ પણ અજીબ છે, બધું બરોબર હોય ત્યારે એ વાંકુ થઈ જાય છે, ને નસીબ સીધુ હોય ત્યારે પરિસ્થિતિઓ વાંકી હોય છે. અર્ણવ ને પોતાની અને વાગીશાની જિંદગી સરખી લાગી. બંને એકલા.

એક દિવસ વર્ગમાં રમતા રમતા વાગીશા પડી ગઈ, માથાના ભાગે એને ઇજા થઇ, અર્ણવ તો દ્રવી ઉઠ્યો, એ વાગીશાની આવી હાલત જોઈ ન શક્યો, એણે ટ્રસ્ટી મંડળને રજુઆત કરી કે એ વાગીશાને થોડા દિવસ પોતાની સાથે લઈ જઈ શકે, એ સારી થઈ જશે ત્યારે એ ફરી અહીં મૂકી જશે. ટ્રસ્ટીઓ મુંઝાયા કારણ કે પેલા મેડમે પણ આવી જ વાત કરી હતી, ને સ્ત્રી તરીકે એ વાગીશાની ખૂબ સુંદર રીતે સારવાર કરી શકશે એમ વિચારી એમને હા પણ પાડી દીધી હતી.

અર્ણવને થયું કે વાગીશા સલામત હાથોમાં તો હશે ને ! અર્ણવે મેડમનુ સરનામું લઈ એમની ઘરે જવાનું નક્કી કર્યું. એક વખત જોઈ લે તો એને વાગીશાની ચિંતા ન રહે.

અર્ણવ મેડમના ઘરે ગયો, ડોરબેલ વગાડી પણ કોઈ ખોલવા ન આવ્યું, દરવાજાને ધકકો મારતા ખુલ્લો જ હતો, અર્ણવ અંદર ગયો, અંદર જતા વાગીશાનો રડવાનો અવાજ આવ્યો. અર્ણવને થોડો ગુસ્સો આવ્યો, કે તમે ધ્યાન આપી શકો એવી જવાબદારી જ લેવાય. રડવાના અવાજની દિશામાં અર્ણવ સંકોચ સાથે ગયો, અજાણ્યા ઘરમાં આ રીતે જવું એને થોડું અયોગ્ય લાગ્યું, છતાં એ પોતાની જાતને રોકી શક્યો નહિ. અંદર જતા જ એણે જોયું કે એક સ્ત્રી નીચે બેસી વાગીશાને કપાળ પર દવા લગાવતી હતી, વાગીશા રડતી હતી ને સાથે એ સ્ત્રી પણ રડતી હોય એવું અર્ણવને લાગ્યું.

અર્ણવે બારણાં પર ટકોર મારી એ સ્ત્રીએ અવાજ બાજુ જોયું ને.....

અર્ણવ તો રાડ પાડી ઊઠ્યો, "ગિરિકા"

સામે પક્ષે પણ એ જ સ્થિતિ, બંને એકબીજાને બસ ફાટી આંખે જોઈ રહ્યા. આટલા વર્ષે બે પ્રેમીઓ મળ્યા હતા. બંને પાસે શબ્દો ન હતા, બસ આંખો વહેતી હતી. કોઈને ભાન ન હતું કે એ શું બોલે, બસ બંને એકબીજાને જોઈ રહ્યા હતા. ત્યાં વાગીશા જોરથી રડવા લાગી. અર્ણવ ને ગિરિકાનું તપ ભાંગ્યું હોય એમ બંને જાગ્યા, વાગીશાને ચૂપ કરાવવા બંને દોડ્યા.

વાગીશાને દવા લગાવી ગિરિકાએ સુવાડી, હવે બંને એકલા પડ્યા કઈ કેટલાય સવાલો અર્ણવને પૂછવાના હતા, કેટલું કહેવું હતું, કેટલી ફરિયાદો પણ અત્યારે કશું જ યાદ ન હતું આવતું.

ગિરિકા ઓરડાની શાંતિ ભંગ કરતા બોલી, "અર્ણવ મજામાં તો છે ને.."

અર્ણવ શું જવાબ આપે, આટલા વર્ષો જેની રાહ જોતો હતો, જેના માટે જીવતો હતો એ આમ અચાનક મળી ગઈ ને હવે પૂછે છે કે કેમ છે તો હવે જવાબ પણ શું હોય. અર્ણવ કશું ન બોલ્યો.

ગિરિકા ફરી બોલી,
"અર્ણવ મેં તને ઘણો અન્યાય કર્યો છે તારા અનેક પ્રશ્નો હશે, ફરિયાદો હશે હું બધું જાણું છું. પણ મારી એક વાત માનીશ. મને તું વાગીશાની મા બનવાનો મોકો આપીશ ?"

અર્ણવ કઈ સમજ્યો નહિ, એણે કહ્યું,
"હું તને કઈ રીતે મદદ કરી શકું આમાં."

ગિરિકા અર્ણવનો હાથ પોતાના હાથમાં લઈ બોલી,"એનો પિતા બનીને...."

હવે તો કોઈ પ્રશ્ન હતા જ નહીં, ના કોઈ ફરિયાદ. પ્રેમની દાસ્તાન એક નવા શિખરને આંબી ગઈ હતી. ઈશ્વરે પણ વાગીશારૂપી છોડ દ્વારા આ વેલીઓને ફરી એક કર્યા હતા.

અસ્તુ........ ????????

© હિના દાસા