Prem ke Pratishodh - 22 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 22

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 22

પ્રેમ કે પ્રતિશોધ-22




(કોલ રેકોર્ડીંગ સાંભળીને અજયનું મૃત્યુ કેવી રીતે થયું તેનો અંદાજ તો અર્જુનને આવી ગયો હતો. પણ કોણે અને શા માટે તેની હત્યા કરી એનો જવાબ હજી સુધી અર્જુન મેળવી શક્યો નહોતો.)


હવે આગળ......


“હું અંદર આવી શકું સર," હાથમાં ચાનો કપ લઈને રમેશ કેબિનના દરવાજે ઉભો હતો.
“હમ્મ" અર્જુને હકારમાં જવાબ આપતાં કહ્યું. અને ઈશારો કરી રમેશને સામે પડેલી ખુરશી પર બેસવા કહ્યું.
ચાનો કપ અર્જુન તરફ લંબાવતા રમેશે કહ્યું,“સર, અજયે દિવ્યાને પ્રપોઝ કરી હતી એટલે તો કદાચ..... કોઈએ...?"
“હોઈ શકે, તો શિવાનીનું મર્ડર પણ એક પ્રશ્ન જ છે."અર્જુને રમેશના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નનું નિરાકરણ કરતાં કહ્યું.
“અજય તેના ભક્ષકને જ રક્ષક સમજવાની ભૂલ કરી બેઠો, અને તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો."
“અજય અને શિવાનીનું કોલેજ સિવાય અન્ય કોઈ કોમન કનેક્શન?"
“ના સર, હજી સુધી તો આપણી પાસે જે માહિતી છે તે મુજબ બસ કોલેજ જ...."
“રમેશ, અત્યારે રાધી કોઈ ભૂતકાળમાં બનેલ ઘટના કે કોઈ વાતથી ભયભીત છે, કદાચ બની શકે કે એનું અનુમાન સાચું હોઈ"
“તો સર, આપણે અત્યારે જ તેની પૂછતાછ કરવી જોઈએ?"
“ના રમેશ, એને આપણી રીતે સવાલજવાબ કરીશું તો કદાચ તે પોલીસના ચક્કરમાં પડવાના ડરથી આપણાંથી અમુક વાતો છુપાવી શકે છે."
“તો સર?"
“વિનયનો મેસેજ હતો તે રાધીને લઈને કેફેમાં આવશે જ્યાં હું તેમને મળવા જઈશ કદાચ જે સખ્તાઈથી જાણકારી ન મળે તે નરમાઈથી મળી શકશે"
“ok sir, તો હું સાથે આવું કે?"
“ના, હું એને મળીને આગળ શું કરવું તે તને જણાવીશ. તું પહેલા આ કોલેજની આખી હિસ્ટ્રી તૈયાર કર, ખાસ તો વિનય અને તેના મિત્રો કોલેજમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીની નાનામાં નાની બાબત પણ છૂટવી ન જોઈએ"
“યસ સર,"
અર્જુન પોતાની કેપ પહેરી બહાર પાર્કિંગમાં પડેલી જીપ સ્ટાર્ટ કરીને વિનયે મેસેજમાં જણાવેલ કેફે શોપ તરફ દોડાવી.....
અર્જુન જ્યારે કેફેમાં પહોંચ્યો ત્યારે છ વગવામાં થોડી વાર હતી વિનયે છ વાગ્યે આવવાનું કહ્યું હોવાથી તે એક ખાલી ટેબલ જોઈ ત્યાં જ બેસીને વિનય અને રાધીના આવવાની રાહ જોઈ રહ્યો.
લગભગ પાંચેક મિનિટ પછી વિનય અને રાધી પણ કેફેમાં પહોંચ્યા વિનયે ચારેતરફ નજર ફેરવી, કેફેના કોર્નરમાં બેસેલા અર્જુન પર દ્રષ્ટિ પડતાં તેણે રાધીને તે ટેબલ તરફ જવાનો ઈશારો કરી આગળ ચાલ્યો. બંને અર્જુન જ્યાં બેઠો હતો ત્યાં પહોંચ્યા.
વિનયે કહ્યું,“સર, સોરી તમારે રાહ જોવી પડી.."
“ના ના, હું પણ થોડીવાર પહેલા જ આવ્યો છું, બેસો."
વિનય અને રાધી અર્જુનની સામેની સાઈડમાં ખુરશીમાં ગોઠવાયા ત્યાં તો અર્જુને વેઇટરને ત્રણ કોફી લાવવાનો ઓર્ડર આપ્યો.
“હા, તો તમે શું છુપાવી રહ્યા હતા?"અર્જુને સીધી મુદ્દાની વાત પર આવતાં કહ્યું.
વિનય અને રાધી એકબીજા તરફ જોઈ રહ્યા. બંને કદાચ એકબીજાને વાતની શરૂઆત કરવાનું કહી રહ્યા હતા. રાધીના ચહેરા પર ભયનું મોજું ફરી વળ્યું.
અર્જુને બંનેને સમજાવતાં કહ્યું,“તમે જે પણ થયું હોઈ તે વિગતવાર જણાવો જેથી હું તમારી કઈ મદદ કરી શકું"
“સર, અમને અન્ય કોઈને તો નહીં પણ રાધીના મનમાં આ વાત ઘર કરી ગઈ છે, એના ધાર્યા મુજબ શિવાની અને અજયની હત્યા પાછળ..અમારા જ ગ્રુપમાં એક વિદ્યાર્થીનો હાથ હોઈ શકે.. "વિનય આટલું બોલીને રાધી સામે જોઇને અટકી ગયો.
“વિદ્યાર્થી હતો એટલે? તો એવું તે શું થયું હતું તેની સાથે કે તમને લાગે છે કે આ હત્યાઓ પાછળ એ જ હશે?"અર્જુને આશ્ચર્યપુર્વક પૂછ્યું.
રાધી કંઈક બોલવા તો માંગતી હતી પણ અર્જુન સામે બોલવામાં ખચકાટ અનુભવી રહી હતી.
વિનયે વાત આગળ વધારતા કહ્યું,“પ્રથમ વર્ષમાં અમારા ગ્રુપમાં કુલ 7 વ્યક્તિઓ હતા. વિકાસ અને સુનિલ તો આ વર્ષે કોલેજમાં આવ્યા, તે પહેલાં હું, નિખિલ, અજય, દિવ્યા, રાધી, શિવાની અને પ્રેમ એમ કુલ સાત મિત્રો હતા. જેમાંથી શિવાની અને અજયની હત્યા થઈ ગઈ અને બીજા અમે ચાર તો તમારી સમક્ષ કોલેજમાં જ છીએ."
“અને આ પ્રેમ ક્યાં છે?"અર્જુને પૂછ્યું.
“એની કઈ ખબર જ નથી સર, એ અચાનક જ કોલેજ છોડીને ચાલ્યો ગયો હતો...."
“અચાનક એટલે....."
“અમારી બધાની નાનકડી ભૂલના કારણે.. ખાસ શિવાની,અજય અને નિખિલ...."વિનયે કહ્યું.
“નાનકડી ભૂલ એટલે તમે એવું શું કર્યું હતું?"અર્જુને ફરી પ્રશ્ન કર્યો.
રાધીએ થોડી હિંમત કરી થોથવાતા સ્વરે કહ્યું,“સર, અને આ બધાની કેન્દ્ર મને બનાવવામાં આવી..."
“એક કામ કરો બંને સ્પષ્ટ વાત કરો."અર્જુને બંનેને અનુલક્ષીને કહ્યું.
વિનય કંઈક બોલવા જ જઈ રહ્યો હતો ત્યાં અર્જુનના ફોનની રિંગ વાગતાં તે અટક્યો....
“એક મિનિટ,"અર્જુને કોલ રિસીવ કરતાં વિનયને કહ્યું.
“જય હિન્દ સર,"સામેના છેડેથી રમેશનો અવાજ આવી રહ્યો હતો.
“જય હિન્દ, કોઈ ખાસ ખબર..."અર્જુને પૂછ્યું.
“ના સર, અમે અજયના ઘરે અને પીસીઓમાં મળેલ બધા ફિંગરપ્રિન્ટ ચેક કર્યા. અજયના ઘરેથી એના પરિવાર અને મિત્રો સિવાય કોઈ અલગ પ્રિન્ટ મળી નથી જ્યારે પીસીઓમાં તો પ્રશ્ન જ નથી કેમ કે વીડિયોમાં આપણે જોયું ત્યારે એ કોલ કરનારે હાથમાં મોજા પહેર્યા હતા."
“ok"અર્જુને આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કર્યો..
“વિનય, શરૂઆતથી વિસ્તાર પૂર્વક વાત કર"અર્જુને વિનય સામે જોઈ ને કહ્યું.
“સર, અમે બધા લગભગ બ્રેકના સમયમાં કેન્ટીનમાં સાથે જ બેસતાં તેથી ધીમે ધીમે એકબીજા વિશે જાણતા ગયા અને અમારી મિત્રતા વધારે ગાઢ બની.....પ્રેમ થોડોક ગરમ મિજાજ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ ગુસ્સે થઈ જતો. એમાં વળી શિવાની,અજય અને નિખિલને ક્યાંયથી ખબર પડી ગઈ કે તે રાધીને પસંદ કરે છે...જ્યારે રાધીને તો એ વાતની ખબર સુધ્ધાં પણ નહોતી...
સામે શિવાની અને નિખિલ એ પણ જાણતાં હતા કે હું અને રાધી એકબીજાને પસંદ કરીએ છીએ પણ એકબીજાને કહેવાની ક્યારેય હિંમત જ નહોતી કરી...
આમ જ લાસ્ટ વર્ષમાં જ્યારે ફેબ્રુઆરીમાં પ્રપોઝ ડે પર સવારમાં શિવાની અને નિખિલે મને રાધીને પ્રપોઝ કરવાં કહ્યું પણ ત્યારે મેં એમની વાત ન માનતાં રાધીને પ્રપોઝ ન કરી.
હવે મને ચિઢવવા માટે શિવાની,અજય અને નિખિલ એક યુક્તિ વિચારી તેમાંથી શિવાનીએ પ્રેમ પાસે જઈને રાધી પણ એને પસંદ કરે છે એમ કહી એને રાધીને પ્રપોઝ કરવા માટે ઉકસાવ્યો...
એક તો પ્રેમ પહેલાથી જ રાધીને પસંદ કરતો અને શિવાની દ્વારા રાધી પણ તેને પસંદ કરે છે એવી ખબર પડતાં એતો જ્યારે કોલેજમાં બ્રેક પડી ત્યારે કોલેજના કેન્ટીનની સામે જ લગભગ બધા વિદ્યાર્થીઓની હાજરીમાં રાધીને પ્રપોઝ કરી. મને હજી યાદ છે ત્યારે રાધી અને દિવ્યા કેન્ટીન બાજુ આવી રહી હતી તેમનો રસ્તો રોકીને પ્રેમે રાધી સામે પોતાનો પ્રસ્તાવ મુક્યો. પણ રાધીમાં ત્યારે ક્યાંથી એટલી હિંમત આવી ગઈ કે એણે બધાની સામે પ્રેમને......


વધુ આવતાં અંકે......

રાધીએ પ્રેમને શું જવાબ આપ્યો હતો? અત્યારે પ્રેમ ક્યાં છે?
શું ખરેખર આ શિવાની અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવેલી ભૂલનું જ પરિણામ હતું?
અર્જુન આ કેસમાં હવે કઈ રીતે આગળ વધશે?
તેમજ રાધી અને વિનયની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ?

જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*******
તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.

તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

આભાર
વિજય શિહોરા-6353553470