મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1
(માથા વગરની ઢીંગલીઓ)
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્યો. શેરીમાંથી મુખ્ય રસ્તે પહોંચ્યો. ત્યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...!
મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્યાં ગયો.
તે બોલ્યો, ‘‘સાહેબ, મને ઓળખ્યો?''
મેં માથું ‘ના'માં ધુણાવ્યું.
તો તે બોલ્યો, ‘‘હું ધના વના સોલંકી. તમારી પાસે ભણતો. તમે જેને ‘ઠોઠડો' કહીને બોલાવતા!''
મને ઝાંખું-ઝાંખું યાદ આવી ગયું. મેં તેની બાજુમાં ઊભેલા બુઝુર્ગ તરફ જોયું. તેઓ તો અવાચક જ બની ગયા હતા. ઘડીક મારા તરફ જુવે, તો ઘડીક પેલા છોકરા તરફ. મેં દુકાનમાં નજર નાખી, હવે અવાચક બનવાનો વારો મારો હતો.
દુકાનમાં અનેક જાતની ઢીંગલીઓ હતી, પણ કોઈની માથે માથું નહોતું. મેં હાથના ઈશારાથી પેલા બુઝુર્ગને પૂછયું.
તેઓ બોલ્યા, ‘‘આ મારો દીકરો ધનો. ઢીંગલીઓ ખૂબ સારી બનાવે. પણ માથું માથે રાખવા જ ન દે. કોઈ ઢીંગલી લેવા આવે, તો માથે માથું રાખીને દેખાડે.''
મેં પૂછયું, ‘‘કેમ?''
હવે ધનો બોલ્યો, ‘‘સાહેબ, એક વખત હું ને મારી બેન રસ્તે ચાલતાં હતાં. ત્યાં એક ‘બાઈક'વાળો મારી બેનને ઠોકરથી ઉડાડતો ગયો. તે ઊડીને પડી ગાડીના પાટા ઉપર. ત્યાં જ ગાડી આવી. મારી બેનનું માથું કપાય ગયું સાહેબ! મારી ઢીંગલીનું માથું કપાય ગયું સાહેબ!''
તેને અટકાવી બુઝુર્ગ બોલ્યા, ‘‘તે દિવસથી ધનો સૂનમૂન રહેવા લાગ્યો. કોઈ સાથે બોલે નહિ. શાળાએ જાય નહિ. બસ, બેઠો જ રહે! થોડા દિવસ પછી બબડવા લાગ્યો, મારામાં શકિત છે, મારામાં કલા છે. અને ઢીંગલીઓ બનાવવા લાગ્યો. સરસ અને સુંદર ઢીંગલીઓ. પણ બધી આ રીતે. છતાંયે ખૂબ કમાણી થાય છે.''
ફરી ધનો બોલ્યો, ‘‘સાહેબ, તમે જ કહેતાને? ‘દરેક માણસમાં ખૂબ શકિત કે આવડત હોય છે. તેને બહાર લાવતા આવડવું જોઈએ.'
હા, તમે એ પણ કહેતા, ‘તું ભણવામાં નબળો છો, પણ તારામાં કલાની સૂઝ છે. તું આગળ વધજે. સાહેબ, હું જે બબડતો હતો, એ તમે કહેલી જ વાત હતી. જે આજે તમને જોયા પછી મને યાદ આવ્યું.''
તે મારા પગે પડી ગયો.
મારા મનમાં ઝબકારો થયો, ‘‘કોઈએ કહેલા પ્રોત્સાહનના બે શબ્દો કોઈની જિંદગીને સજાવી જાય છે.''
(શિક્ષકના શબ્દોની કેવી અસર થાય છે તેની આ વાત છે. એક નાનું બાળક મોટું થયા પછી પણ શિક્ષકને ભૂલતું નથી. આ વાત વાંચશો તમે પણ સમજી શકશો. આ વાત ઘણાને પ્રેરણા પૂરી પાડશે. આવા બનાવો શિક્ષકના જીવનમાં બનતા જ રહે છે. એની પ્રેરણાથી આગળ વધેલા અનેક બાળકો સમાજમાં મળી આવતા હોય છે. વાત નાની હોય, પણ તેનું પરિણામ મોટું મળતું હોય છે. શું તો એક શિક્ષકે ભણાવતી વખતે આ બાબતનું ધ્યાન ન રાખવું જોઈએ? શિક્ષક જાગૃત હશે તો સમાજ પણ જાગૃત રહેશે. આ વાત વિચારવા જેવી ખરી. મને તો એવું લાગ્યું કે મારી આ વાત સીધી હ્રદય સુધી ઊતરી જશે. બાકી તો વાંચનાર શું ગ્રહણ કરે છે એ તો એ જાણે. મારે જે કહેવું હતું તે અહીં કહ્યું છે. આશા રાખું છું, સૌ સ્વીકારશો. મારા મનની વાત વધુ લોકો સુધી પહોંચે એવું માનું છું.)
‘સાગર’ રામોલિયા
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **