Papa ni pari na kapayela pankh in Gujarati Women Focused by Hetal Chaudhari books and stories PDF | પાપા ની પરી ના કપાયેલા પંખ

Featured Books
Categories
Share

પાપા ની પરી ના કપાયેલા પંખ

શિવાની કેટલું રડી પપ્પા આગળ પણ તેના પપ્પા એકના બે ના થયા,મમ્મી નું તો તેમની આગળ કશું બોલી ન શકતાં એટલે તે પણ બસ તેને રડતી જોઇ આંસુ ભરી આંખે રસોડામાં ભરાઇ ગયા.
શિવાની અભ્યાસમાં ખુબ તેજસ્વી હતી, સાથે અન્ય પ્રવૃત્તિઓ માં પણ તે અવ્વલ રહેતી,સુંદર પણ એટલી કે અપ્સરા પણ તેની આગળ પાણી ભરે,તેના લાંબા કાળા વાળ ને જ્યારે તે ખુલ્લા મુકતી ત્યારે તો તેની સુંદરતા મા ચાર ચાંદ લાગી જતાં પણ આજ સુંદરતા તેના માટે સમસ્યા બની ગઈ હતી.તેના કપડાં હંમેશા તેના પપ્પા જ પસંદ કરતાં, હંમેશાં ડ્રેસ જ પહેરવાનો તેમા પણ બધાં ડ્રેસ લાંબી બાંયના અને બંધ ગળા વાળા જ રહેતા.
જ્યારથી સમજણી થઇ ત્યાર થી તેણે જોયું હતું કે ગલ્સૅ સ્કૂલ હતી છતાં તેને લેવા અને મૂકવા માટે પપ્પા અથવા મોટાભાઇ હેમંત રોજ આવતા, કશે બહાર જવુ હોય તો પણ તેમની સાથે જ જવુ પડતું.મમ્મી પણ ક્યાંય એકલી જઇ શકતી નહીં ,કોઇ સગા સંબંધીઓ ને ત્યાં જવુ હોય તો પણ તેમની સાથે જ જઇ પાછું આવતુ રહેવુ પડતું રાત રોકાવાની તો વાત જ દૂર, મમ્મી એ તો આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી પરંતુ તે આ બંધન માં ગૂંગળાતી હતી.
૨૦૫૦નું વર્ષ ચાલતુ હતુ દુનિયા ક્યાં થી ક્યા પહોંચી ગઈ હતી પણ તેને તો ઘર માં સ્માટૅ ફોન તો દૂર ની વાત સાદો ફોન વાપરવાની પણ પરમીશન ન હતી. જ્યારે તે સ્કૂલ જતી ત્યારે ત્યાં મળતા સાત કલાક જ તે જાણે આઝાદ હોય તેમ જીવતી પણ હવે તો એટલી આઝાદી પણ તેને નહીં મળે એ વિચારીને તેની આંખમાં આંસુ ઉભરાતા હતા.
આજે તેનું દસમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું હતું ૭૨ ટકા સાથે તે પાસ થઈ હતી તેણે સાયન્સ લઇ ડોક્ટર બનવુ હતું પણ પપ્પા એ તો આગળ ભણવાની જ ના પાડી દીધી તે આગળ ભણવા દેવા માટે કેટલુ કરગરી પણ પપ્પા એ કઠોર અવાજે હવે ઘરનું કામ શીખો એમ કહી દીધું હતું.
તે પોતાના રૂમમાં જઈ રડતી રહી એટલા માં તેને કોઈ નો પગરવ સંભાળતા ઉભી થઇ જોયું તો દરવાજે મમ્મી ચાનો કપ લઇ ને ઉભા હતા તે અંદર આવ્યા કે તરત જ તેમને વળગી પડી અને બોલવા લાગી આવા નિર્દય માણસ સાથે તમે કઇ રીતે રહી શકો આ ગુલામી ની માનસિકતા માંથી બહાર આવો દુનિયા ક્યાંથી ક્યાં વધી ગઇ છે ૨૦૫૦ ની સાલ માં પણ પપ્પા હજુ૧૯૫૦ ની સાલમાં જીવે છે જ્યાં સ્ત્રી ને બોલવાની કે પોતાની રીતે જીવવાની પણ આઝાદી નથી.
તેની મમ્મી એ તેને પલંગ પર બેસાડી અને પહેલા શાંતિ થી ચા પીવા જણાવ્યુ પછી જાણે દુર દૂર ના ભૂતકાળમાં ઝાંખતા હોય તેમ વાત ની શરૂઆત કરી.
તારા પપ્પા આજે છે એવા બિલકુલ ન હતા ખૂબ જ ફ્રેન્ક અને જીંદાદિલ માણસ હતા હુ પોતે એમ.બી.એ થઇ છું અને લગ્ન પછી પણ હું એક સારી કંપનીમાં જોબ કરતી હતી.
લગ્નના બે વર્ષ થયાં અને મે તારા જેવી જ એક સુંદર દીકરી ને જન્મ આપ્યો આ વાત તને નથી ખબર પણ હેમંત પહેલાં પણ એક દીકરી હતી જે તારા પપ્પા ની ખૂબ વહાલી હતી તેનું નામ પણ તેમણે જ પાડયું હતું પરી, જોતા જ હેત ઉભરાઇ આવે તેવી. હુ તો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી એટલે સાત વાગ્યા પછી જ ઘરે આવતી પણ તારા પપ્પા તો ગવર્મેન્ટ ઓફિસર એટલે છ વાગ્યા સુધીમાં ઘરે આવી જતાં ઓફિસમાંથી ઘરે આવે કે પહેલા પરીને જ ઊંચકીને વહાલ કરે.સ્કુલથી આવી તે તારી દાદી સાથે રહેતી .પણ પાપા ના આવ્યા બાદ તો એક ક્ષણ પણ તેમનાથી અળગી ના થાય.પાપા ની સાથે ને સાથે જ રહે.
પણ એક દિવસ તે ઓફિસથી આવ્યા આખા ઘરમાં પરીને શોધી પણ ન મળી ,દાદી તેને ઘરે રમતી મૂકીને બાજુના ઘરે જ વાત કરતા બેઠાં હતાં તેમને પૂછ્યું તો હમણા તો રમતી હતી એમ કહ્યું, મને ફોન કરીને પૂછ્યું તો હું પણ બેબાકળી થઇ ગઇ તરત ઘરે પરત આવવા નીકળી હું આવુ એટલી વારમાં ધરની આજુબાજુના ઘરોમાં અને તેની ફ્રેન્ડ બધાના ઘરે તપાસ કરી પણ પરી નો કોઇ પત્તો ન લાગ્યો.
હજુ તો તે ચાર જ વર્ષ ની હતી, એકલી કશે બહાર જાય એમ ન હતું, પપ્પા એ પોલીસ ફરિયાદ કરી, જાતે પણ ખાવા પીવાનું ભૂલી ભરબજારમાં લોકોને પરીનો ફોટો બતાવી ને પૂછતા રહેતા પણ કોઇ જાણકારી ન મળી.
આખરે ત્રીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે પરી મળી ગઇ છે. અમે ઝડપથી ત્યાં પહોંચ્યા પણ જઇ ને જોયું તો પોલીસ વાળા જુઠ્ઠું બોલતા હતા તેમને પરી નહીં પણ પરીની લાશ મળી હતી,આટલું બોલતાં બોલતાં મમ્મી રડી પડ્યા શિવાની એ તેમને પાણી લાવીને પિવડાવ્યુ થોડા સ્વસ્થ થઇ તેમણે આગળ વાત શરૂ કરી.
જેને અમે જરા સરખી ચોટ પણ નોહતા આવા દેતા તેને આખા શરીરે ઉઝરડા પડ્યા હતા, ધૂળ થી રગળાયેલી,અને જેના માટે તારા પપ્પા આખુ બજાર ફરીને સારામા સારા કપડાં લાવતા તેની ચીંથરેહાલ લાશ જોઈ અમારો આટલા દિવસથી રોકી રાખેલો સબરનો બાંધ તુટી ગયો.
તારા પિતાએ તે દિવસે જે આક્રંદ કર્યુ હતું તે જોઇને ત્યાં હાજર દરેકના આંખમાં આંસુ આવી ગયા હતા,તેમને સંભાળવા ખૂબ કઠિન હતા જાણે તેમના હ્રદયનો એક ટુકડો તેમનાથી અલગ થઇ ગયો હતો.
પોલીસે બળાત્કારીઓ ની ખૂબ તપાસ કરી પણ કોઈ પત્તો ન લાગ્યો. સમચાર પત્રો માં પણ ખૂબ છપાયું પરીને ન્યાય મળે તે માટે પપ્પા એ ખૂબ પ્રયાસ કર્યો પણ આરોપી ઓનો કોઇ સુરાગ ન મળ્યો સમય વહેતો ગયો અને પરીનો કેસ બંધ થઇ ગયો.
પણ પરી ગઇ તેની સાથે તે તારા પપ્પા ના હ્રદયમાંથી જાણે પ્રેમ અને વહાલની સરવાણી સુકવતી ગઇ. પરીની હાલત માટે પોતાને કોશતા રહેતા તારા દાદીમા પણ વરસ પછી મૃત્યુ પામ્યા, મારે નોકરી છોડી દેવી પડી, છાશવારે બનતી બળાત્કાર ની ઘટનાઓ તેમને એટલા વિચલીત કરી દેતી કે તેઓ મને પણ કયારેય એકલી બહાર ન જવા દેતા, પાંચ વરસ પછી હેંમત નો જન્મ થયો, પછી પાંચ વરસે તારો જન્મ થયો તારો જન્મ થતા મને આશા હતી કે ફરી પરીની જેમ જ તુ પણ તેમનાં વાત્સલ્ય મા ભીંજાઇ જઇશ પણ ઉલટું થયું.
પરીને સાચવી ન શકવાનો ડંખ એટલો બધો હતો કે તારો જન્મ થયો ને બીજા જ મહિને તેમણે શહેર માંથી આ નાના એવા ગામડાંમાં બદલી કરાવી લીધી. અહીં આવીને પણ એમના મન નો ડર તેમને શાતિ થી જીવવા નથી દેતો તારી અને મારી સુરક્ષા માટે તેઓ એટલા પઝેશિવ થઇ ગયા છે કે તેમનું ચાલે તો કદાચ આપણને ધરમાં જ બંધ કરી ને પૂરી દે, કેમકે ભલે સાલ બદલાય અને વરસો વિતતા જાય પણ આપણી સ્ત્રીની ઇજ્જત હજુ પણ કાચની ઢીંગલી જેવી છે એકવાર તૂટી તો ગમે તે કરો, ફરી ક્યારેક નહીં જોડી શકાય.
તારા પપ્પા જેવા કેટલાય પપ્પા હશે જે પોતાની લાડકીઓની ચિંતા માં આખી રાત જાગતા વિતાવી કાઢતા હશે, કેટલીય મા હશે જે દીકરી જન્મતા જ નિશાશા નાખતી હશે કે સમાજમા જ રહેતા માણસના રૂપમાં શેતાનો ની બૂરી નજરથી કેમ કરી પોતાની આ નાનકી ઢીંગલી ને દૂર રાખશે. અને આજ ડર આપણને ફરી થી ઘરની દહેલીજ માં બાંધી રહ્યો છે. કેમકે વાસના માં અંધ બનેલા હેવાનો ક્યારે કોઇ પાપા ની પરી નો શિકાર કરી લે તે ડર મા- બાપ ને પોતાની લાડકી પરીના પંખ કાપવા મજબૂર કરે છે.


અંત - આ વાર્તા વાચકો ને અધુરી લાગશે પણ આ વાર્તા મે જાણીજોઇને અધુરી મૂકી છે કેમ કે જ્યાં સુધી આપણા સમાજ માંથી બળાત્કાર નામનુ દુષણ ખતમ નહી થાય છેડતીના બનાવો બંધ નહી થાય ત્યાં સુધી દરેક મા-બાપે આ દદૅને સહેવુ જ રહ્યું.