નમણી પણ,નબળી નહીં- @ રવીન્દ્ર પારેખ
સ્ત્રી,નારી,ઔરત,female...વગેરે અનેક નામે મહિલા ઓળખાય છે.અનેક કથાઓ,દંતકથાઓ,ઉપકથાઓમાં મહિલાની ઉત્પત્તિ વિશે વાતો થઇ છે.આદમની પાંસળીમાંથી ઈવ ઉત્પન્ન થઇ એવી કથા પણ છે.હિંદુ પુરાણોમાં દેવ-દેવીની પણ અનેક વાતો છે.વરાહ,વામન,મત્સ્ય,નૃસિંહ,પરશુરામ,રામ,કૃષ્ણ જેવા અવતારો થયા છે.એ વિષ્ણુના અવતારો છે.લક્ષ્મીના અવતારો નથી.પશુ,પંખીઓમાં નર અને માદા રૂપે બે જાતિઓ અલગ ઓળખાઈ છે.આ બધામાં એક વાત સ્પષ્ટ છે કે પશુપંખી કે મનુષ્યમાં નર,સશક્ત,કદાવર,રક્ષક,આક્રમક,નિર્ણાયક સામાન્ય રીતે ગણાયો છે. અથવા સ્ત્રી નાજુક,નમણી,માતૃત્વ ધારણ કરનારી સાધારણ રીતે ગણાઈ છે.આમ નાજુક હોવામાં સ્ત્રીને વેઠવાનું વધારે આવ્યું છે.બળીયાના બે ભાગ-ની જેમ પુરુષ ભોગી,સત્તાભૂખ્યો,શોષણખોર વધુ રહ્યો છે ને નારી ભોગ્યા,સમર્પિત ને શોષિત વધુ રહી છે.પિતૃસત્તાક માનસનાં આ પરિણામો છે. આ સારું છે કે ખરાબ તેમાં ન પડીએ,પણ તે છે ને આજે ય વત્તે ઓછે અંશે એ છે તેની ના પાડી શકાશે નહીં.
આજે શિક્ષણ,સમાજ,વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે સ્ત્રીઓની સ્થિતિ સુધરી છે ને તેનું કાર્યક્ષેત્ર પણ વિકસ્યું છે.આર્થિક જવાબદારી એક તબક્કે પુરુષની જ હતી,આજે સ્ત્રીઓ પણ આર્થિક જવાબદારીઓ ઉપાડતી થઇ છે.સ્ત્રીને એક તબક્કે એનો પતિ જ પરમેશ્વર હતો,આજે પતિ-પત્ની સખ્યભાવે જીવે છે.મૈત્રીભાવ વધ્યો છે. સ્ત્રી બોલતી ને હક માંગતી થઇ છે.બાપની મિલકતમાં દીકરીનો ભાગ એ તેનો અધિકાર છે હવે.ઓફિસોમાં,ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં,અધ્યાપનમાં,ન્યાયપાલિકામાં,રાજકારણમાં,કળા,સંગીતમાં
.લશ્કરમાં,બાંધકામોમાં,વિજ્ઞાનમાં,સ્પેઈસમાં એમ અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ પોતાને સિદ્ધ કરી છે.તે પુરુષ સમોવડી બની છે.તે એટલી હદે કે પુરુષોની જેમ જ તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે.સારામાં તો બરાબરી ખરી જ,ખરાબમાં ય ખરી.જોકે મને આ પુરુષ સમોવડી શબ્દ જ મંજૂર નથી.પુરુષ જેવા થવું એનો અર્થ જ એ કે પુરુષ હોવામાં જ કૈક એવું છે કે સ્ત્રીએ જાણે તે થવાનું બાકી છે.એવું શું કામ?સ્ત્રી, સ્ત્રી છે,તેણે પુરુષ જેવા શું કામ થવાનું?તે સ્ત્રી રહે તો નીચી ન થઇ જાય. સ્ત્રીએ સ્ત્રી રહીને બધું જ સિદ્ધ કર્યું છે તો તેને પુરુષ જેવા થવાની જરૂર જ શી છે? અહી પુરુષના નકારની વાત નથી.વાત સમાનતાની છે.સ્ત્રીપુરુષ એકબીજાના પૂરક,સહાયક બને એ અપેક્ષિત છે.બંને એકબીજામાં ખૂટાડે નહિ,એક બીજામાં ખૂટતું ઉમેરે એની વાત છે.વાત સ્પર્ધાની નથી,સહકાર દ્વારા એક બીજાને સ્વીકારવાની છે.શોષણ નહીં,પરસ્પરનું સમર્પણ,સ્ત્રીપુરુષ મૈત્રીનાં મૂળમાં અપેક્ષિત છે.
જે પ્રેમિકાની બસસ્ટેન્ડ પર રાહ જોવામાં પ્રેમી અડધો અડધો થઇ જાય છે એને પત્ની બનાવ્યા પછી અડધી અડધી કેમ કરી નાખે છે,પતિ.?જે મહેબૂબની રાહ જોવામાં મહબૂબા કિતના જૂઠ બોલકર આતી હૈ,વો ખાવિંદ બન જાતા હૈ તો કયું હરવક્ત દહાડતા હી દિખાઈ પડતા હૈ?આમ થવાનું કારણ છે.હકની સ્થાપના.પતિનો પત્ની પર હક થઇ જાય છે. રાહ જોવાનું બંધ થઇ જાય છે,હાથમાં હાથ નાંખીને ફિલ્મો જોવાતી હતી તે હવે પકડાઈ જવાના ફફડાટ વગર જોવાય છે એટલે પેલો રોમાંચ જ રહેતો નથી.લગ્ન,નિકાહ ધીમે ધીમે રોમાંચને ખતમ કરે છે.ફેસબુક પર, વોટ્સ એપ પર વાતચીતનો જે રોમાંચ હતો તે તો હવે પથારીમાં બાજુમાં જ છે,તો રોમાંચ રહે ક્યાંથી?પ્રેમીઓ અમર છે,પતિ- પત્ની કેટલાં અમર હશે, નથી ખબર. એનો અર્થ એવો નથી કે લગ્ન કે નિકાહ બૂરી બાત હૈ.પ્રેમ, લગ્નમાં જ તો સફળતા પામે છે,પ્રેમીઓ પરણી નથી શકતા એટલે મરે છે ને કેટલાક પરણી શકે છે એટલે મરે છે. કેમ આમ થાય છે?એમ થાય છે કારણ પ્રેમ નું સ્થાન હક લઇ લે છે.જ્યાં પણ હક છે ત્યાં શોષણનેય તક છે. હક હટે,તો શોષણ ઘટે.પણ આ થતું નથી.હક હવે પુરુષ જ કરે છે એવું નથી,તે સ્ત્રી પણ કરે છે એટલે શોષણ પણ એકપક્ષી રહ્યું નથી.વાત સશક્તિકરણની થાય છે ને પરિણામ અશક્તિકરણમાં આવે છે.ગંભીરતાથી વિચારવા જેવું છે કે વિજ્ઞાન,ટેક્નોલોજી,શિક્ષણને કારણે શોષણ ઘટવું જોઈતું હતું,પણ વધતું આવે છે. આ દેશને અભણોએ કર્યું છે એના કરતા ભણેલાઓએ વધારે નુકસાન કર્યું છે. શિક્ષણે શોષણના નવા માર્ગો ખોલી આપ્યા છે ને આખું જગત નફાખોર વેપારી કરતા વધારે બદતર થઇ રહ્યું છે.ધનુષબાણથી થતી હિંસા કરતાં અણુબોમ્બથી થતી હિંસા વધુ વ્યાપક અને ઊંડી છે.આ શિક્ષણનું પરિણામ નથી?અભણ સ્ત્રીને ભોળવવાનું સહેલું છે,પણ શિક્ષિત સ્ત્રીને ફસાવવામાં વધુ બુદ્ધિની જરૂર પડે ને એ તક શિક્ષણ પૂરી પાડે છે.રાજકારણમાં ને ફિલ્મ જગતમાં તાજેતરમાં સ્ત્રીઓનાં શોષણના આરોપો અભણ વ્યક્તિ પર નથી આવ્યા,તે પ્રધાનો ને માંધાતાઓની કક્ષાની વ્યક્તિઓ પર આવ્યા છે.સ્ત્રી જ નહિ,પુરુષ પણ હવે ઉપયોગનું સાધન છે.સ્ત્રી અને પુરુષ ઘરમાં જ નહીં,તમામ ક્ષેત્રે પરસ્પરનો ઉપયોગ કરી લેવામાં નાનમ અનુભવતાં નથી. કેરિયર માટે પુરુષને શરણે જતી ને ઉપયોગ પૂરો થતા શોષણનો આરોપ મૂકતી સ્ત્રીઓની ખોટ નથી.
આ બધું છતાં કહેવું પડશે કે સ્ત્રીઓનાં શોષણની માત્રા ઉત્તરોત્તર વધતી આવે છે.બાળકી જન્મે તો તેને દૂધપીતી કરવામાં આવતી.દૂધના વાસણમાં ડુંબાડાતી બાળકીને જન્મવા તો દેવાતી હતી,હવે તો ગર્ભમાં જ નિકાલ કરી નાખવામાં આવે છે.જગત આખામાં દરેકને મૃત્યુ જન્મ પછી જ મળે છે,એમાં સ્ત્રી જ એવી છે જેને મૃત્યુ જન્મ પહેલાં મળે છે.પુરુષના જન્મ દર કરતાં સ્ત્રીનો જન્મદર આજે ય ઘટતો જ આવે છે.એ બતાવે છે કે સ્ત્રી હજી બીજા ક્રમે જ છે. તે સેકન્ડ સેકસ જ ગણાય છે.એવો એક દિવસ નથી જતો જેમાં વર્તમાનપત્રોમાં બળાત્કાર,હત્યાની નોંધ આવી ના હોય.પુરુષનું માનસ હજી અધિકાર અને ભોગવટાનું સાધન જ ગણે છે સ્ત્રીને.સ્ત્રીતરફ મનની લાગણી જન્મે એવું વાતાવરણ ઓછું છે,બલકે,તેને કઈ કઈ રીતે ખપમાં લઇ શકાય એવા સંજોગો ને મોકળાશ વધતી આવે છે.બે વર્ષની બાળકી કે ૮૦ વર્ષની ડોશી સાથે દુષ્કર્મ વિકૃતિનું પરિણામ છે.વૃત્તિઓ ઉશ્કેરનારું વાતાવરણ,બે નંબરનો પૈસો,ટૂંકે રસ્તે બધું મેળવી લેવાની દાનત ને અમર્યાદ મોજશોખ કદી પણ સારાં પરિણામો આપી શકે એમ લાગે છે?ઓછી જરૂરિયાતથી જીવવું કંજૂસાઈ નથી.એ ઘણા દુષ્પરિણામોથી આપણને બચાવી શકે એમ છે.એ અત્યંત દુખદ છે કે અનુભવે જે જે વિદેશે છોડવા માંડ્યું છે તેને આપણે મુક્તિને નામે અપનાવવા માંડ્યું છે,પણ એ સમજી લેવાનું રહે કે સ્વચ્છંદતા તે કદી પણ સ્વતંત્રતા કે મુક્તિ નથી જ!
@@@@@