an unopened letter in Gujarati Love Stories by hardik raychanda books and stories PDF | બંધ પરબિડીયું

Featured Books
Categories
Share

બંધ પરબિડીયું

વરસાદ હમણાં જ બંધ પડ્યો હતો, પણ મારી અંદર ના તોફાનો હજીય ચાલુ હતા. આકાશ પણ ઘેરાં વાદળો થી ઢંકાયેલું હતું. માણસ પોતા ની મનોસ્થિતિ પ્રમાણે કુદરતમાં ભાવ શોધી લેતો હોય છે. આજે ઉદાસ લાગતું આ વરસાદી વાતાવરણ એ દિવસો માં મને કેવું મનમોહક લાગતું હતું! બાળપણ ની એ મધુર સ્મૃતિઓ માં હું હજુ તો ખોવાઉં એ પહેલા જ ડ્રાઈવરનો અવાજ સંભળાયો. “શેઠ, બાર કિમી રહ્યા હવે.. બસ દસેક મિનીટ માં પહોંચી જશું ગામડે.” હું ઠાવકાઈ થી થોડું હસ્યો, કહ્યું “વર્ષો પહેલા અહી સાઇકલ ના ટાયરો ઘસી કાઢ્યા છે, અહીં ની ધૂળ માટી થી ય વાકેફ છું, જીવણ.. મામા નું ગામ ખરું ને... અને મેટ્રિક થયા પછી અહીં ત્રણ વર્ષેક નામું ય કર્યું ‘તું.... જો કે ખાસ્સા ત્રીસેક વર્ષ તો એને ય થયાં... ”


કાર હવે ડામર ના કાળા ડીબાંગ નિસ્તેજ રસ્તા ને છોડી ને પોતીકા ધુળીયા રસ્તા પર દોડવા લાગી, અને હું ફરી મારા સ્મૃતિપટ પર દોડવા લાગ્યો. શહેર થી જયારે પણ મોસાળ આવતો, અહીં બસ દોડ્યા જ કરવા નું મન થતું. બેઠક થી વંડી, દુકાન થી અવાડો, કુવે થી ચોક બધે જ. પણ મારા માટે સૌથી ખાસ જગ્યા હતી ગામ ની પ્રાથમિક શાળા. શહેર માં મારી સ્કૂલ માં હું ભલે સાતમી ચોપડી નો એક સાધારણ વિદ્યાર્થી શ્યામલો હતો, પણ અહીં શ્યામલ સાહેબ નો વટ પડતો. ગામડા માં મોટા ભાગે આહીરો ની વસ્તી, અને એ સમયે ભણવા પ્રત્યે વડીલો ની ભારે ઉદાસીનતા ના પગલે પંચાયતી શાળા ભગવાન ભરોસે જ ચાલતી. રડ્યા ખડ્યા માસ્તર થોડા થોડા સમય માટે અનુભવ લઇ ને બદલી કરાવી લે, એટલે હું આવું ત્યારે મામા મને અહીં ની શાળા એ છોકરાઓ ને મને જે આવડે એ ભણાવવા મોકલે. પેલી થી લઇ ને સાત ચોપડી ભણતા બધા છોકરાઓ છોકરીઓ ને બેસાડી ને હું પાડા અને બારાખડી કરાવતો, એમાં તો હું શ્યામલ સાહેબ કહેવાતો. આમ પણ પારંપરિક પહેરવેશ માં ફરતા એ ગામડિયાઓ મારા ખમીશ પાટલુન જોઈ ને જ અંજાઈ જતા.


જો કોઈ ના અન્જાતું તો એ હતી મારી બાળ સખા જમના. મામા ના ઘરે એની માં પાણી ભરી લાવતી ને એની સાથે જમના નાની હેલ ભરી ને આવતી. એની માં જયારે મામીને ઘર ના કામ કરાવતી, ત્યારે હું ને જમના અસ્ટો પગડી રમતા, હું જયારે એને લખોટી થી રમતા શીખવાડતો ત્યારે એ છણકો કરી ને કે’તી, “આના કરતા તો અમારી ઠીકરા ની રમત ઠીક, શ્યામલ શેઠ, આ તારા કાચ ના રાંધીકડા તો તૂટી જવા ની બીક રે’...” મારા થી ઉમર માં મોટી એટલે ગામ માં કોઈ મારા પર દાદા ગીરી કરે તો એ પેલા ના ઘરે જઈ ને એને ધમકાવી આવતી. શાળા માં એક વાર જયારે બીજા છોકરાઓ ની જેમ એ મને સાહેબ કે’વા માંડી ત્યારે મેં એને ટોકી, તો કે’ “હા, સાહેબ નહિ હું તો તને શ્યામલ શેઠ જ કઈશ, એક દી’ તારે મોટા શેઠિયા થવા નું છે હો...”


“શેઠ, ગાડી આગળ નહી ચાલે, વરસાદ ના કારણે ચોક માં પાણી વહી નીકળ્યું છે.. ટાયર ફસાઈ જશે તો સાવ અટકીશું..” ડ્રાઈવર એ ફરી સ્મૃતિ સફર ને બ્રેક આપી. “કંઈ નહીં, હું ચાલતો જ જતો રહીશ .. હવે નજીક જ છે આમ પણ..” ચોક માં આવેલ કુવા પર થી જ્યાં સાંજના બધી પનીહારીઓ પાણી ભરતા ગામની ગોષ્ટી કરતી, તે કુવા નો ઘણા સમયથી કોઈ વપરાશ થયો હોય એવું લાગતું નહોતું. “ઘેર ઘેર પાણીના નળ આવી ગયા છે, શેઠ..” જીવણ મારી મનોવ્યથા સમજી ગયો હોય એવું લાગ્યું. હું ચાલતો ચાલતો જમના ના ઘર તરફ આગળ વધ્યો. ચોક ની આગળ આવેલું દેરાસર નવા વાઘા પેરી ને સજ્જ થયું હતું, પણ જુનું શિવ મંદિર હજુ એવું ને એવું જ ભાસ્યું. ચુના થી રંગેલી ભીંતો માં થી પત્થર ની કાળાશ અને એના પર ની તાજી જામેલી લીલ કદાચ નવા વાઘા પેરવા તૈયાર ન’તી. ઓટલા પર હવે લાલ રંગ ના ઠીકરા થી કરેલ ભરત ચરત ના લીટા નો’તા દેખાતા, પણ દીવાલ ફાડી ને નીકળેલા પીપળા ના ઝાડ પર હજુ ય મીંઢળ ના દોરા બાંધેલા દેખાયા.


“મહાદેવ શેઠ અને શેઠાણી નું ધ્યાન રાખશે, શ્યામલ શેઠ.. તું તારે હામ રાખ..” જમના એ અહીં જ કહ્યું ‘તું. મામા મામી ની બારમાં ની વિધિ પતાવી ને હું ખુબ નિરાશ થઇ ને મહાદેવ મંદિરે બેઠો ‘તો ને જમના મારી ભાળ કાઢવા આવી ‘તી. મામા મામી ની બહુ માયા હતી મને. નમાયા છોકરડા ને માં બાપ ની જેમ જ સાચવ્યો ‘તો. “ફરી અનાથ થઇ ગયો હોઉં એવું લાગે છે, જમના..” મારા થી બોલાઈ ગયું. જમના શાંત હતી, “નાથ તો એક ઉપર વાળો જ... બસ એમનું નામ લીધા રાખજે.. બે વરસ માં તો તું મેધરીક થઇ જઈશ ને?” હું હસી પડ્યો, “મેધરીક નહિ, મેટ્રિક..” એ ય હસી ને બોલી, “હો, એ જ.. આ ફેરે જઈશ તો પાછો ક્યારે આવીશ?” મેં થોડી કટુતા થી ગામ ના નાકા ને જોતા કહ્યું, “બસ, હવે ક્યારેય નથી આવવું, જમના.. મામા મામી પછી ગામ સાથે ય મારો સંબંધ પૂરો..” નાકા પર બેસાડેલી ગોપીની નૃત્ય કરતી મૂર્તિ મારા નસીબ પર અટ્ટહાસ્ય કરતી હોય એવું લાગ્યું, “ગામ માં આવીશ તો એમ જ લાગશે કે મારું કોઈ જ નથી..” આટલું બોલી ને ભીની થયેલી મારી આંખો કદાચ જમના નું ઝંખવાયેલું મોઢું માપી શકી નહીં.


જો કે મારી નિયતિ ને પણ એ મંજૂર નહિ હોય. બે-અઢી વર્ષ તો મેં ગામડે નજર પણ ન નાખી, ન કોઈ ની પૂછા ય કરી. પણ મેટ્રિક પૂરું કરી ને મામા ના એક મિત્ર મારફતે અહીં જ હિસાબનીશ તરીકે નોકરી લાગી. નજીક ના નવા બનેલા બંદર ના કારણે ગામડા ના કેટલાક સમર્થ રહીશો એ ટ્રાન્સપોર્ટની પેઢીઓ ચાલુ કરેલી અને એ ધમધોકાર ચાલી રહી હતી. એમાં થી એક માં મારે નામું સાંભળવાનું હતું. પેઢી નો શેઠિયો હવે ખરતા પાન જેવો હતો. અને એનો દીકરો અરજણ ઓચિંતા ના આવેલા કાવડિયા જોઈ ને છકી ગયેલો. એની દારૂ ની લત અને પ્રમાદી સ્વભાવના કારણે પેઢી નો કારોભાર હજુ ય ડોસલો જ સંભાળતો.


કામ સંભાળ્યા ના ચારેક દિવસ પછી પરશાળ માં થી ચીર પરિચિત અવાજ સંભળાયો, “શ્યામલ શેઠ, નામું બરોબર કરજો હો કે..” ઓહો આ એ જ જમના હતી? મારી બાળ સખા? હા, એ જ. પણ ત્રણ જ વર્ષ માં તો એ કેટલી બદલાઈ ગયેલી. વિચારો માં પરિપક્વતા તો પહેલા થી હતી જ, પણ આંખો અને ચેહરો પણ હવે ખાસ્સો પીઢ દેખાતો હતો. એની ઉમર કરતા ખાસ્સી મોટી દેખાતી થઇ ગયેલી. એના પહેરવેશ માં નો ઠસ્સો પણ ઉડી ને આંખે વળગે એવો હતો. સાથે ઉભેલી કોઈ વ્યક્તિ જોડે એ વાત કરતી હતી ત્યારે એના અવાજ માં હુકમ નો રણકો સ્પષ્ટ વર્તાય એવો હતો.


“નાના શેઠાણી છે.. ક્યારેક પેઢી એ આવે ખરા..” નોકર ફટાફટ અસ્ત વ્યસ્ત ચીજો ઠીક રાખતા બોલ્યો. “અરજણ શેઠ ના ઘરે થી? જમના?” મારા થી આશ્ચર્યવત બોલાઈ ગયું. “હં..” નોકરે ટુંકાણ માં જવાબ વાળ્યો.


“હરજીવન, બહાર ઓશરી માં તારા ઘર માટે થોડું ભાજીપાલું રાખ્યું છે. જા, ઘરે પોચાડી આવ.” જમના એ આવતા વહેંત જ નોકર ને હેત થી કહ્યું. હરજીવનના જતાં જ મારા પ્રશ્નો ની વણજાર ચાલુ થઇ, “જમ્મી, કેમ છો? પાનબાઈ કેમ છે? ને તે લગ્ન કરી નાખ્યા? આ અરજણ...?” છેલ્લો સવાલ પૂછતાં તો પુછાઈ ગયો પણ ક્ષોભ માં પૂરો ન થઇ શક્યો. જમના થી વ્યંગાત્મક હસાઈ ગયું, “એક પછી એક પ્રશ્ન પૂછો શ્યામલ શેઠ.. હા, હું ય બરાબર ને માડી ય ઠીક એકદમ..” એ એક સાથે બધા જવાબો આપતા બોલી, ”હા, એક વરસ થયા લગન ને.. કટુંબ નામી ને સધ્ધર હતું, માડી ની ઈચ્છા હતી, ને મારે ય આખો જનમારો એની જેમ વાશિંદુ નો’તું કરવું..” આ વાત નો શું પ્રતિભાવ આપવો એ સમજ માં નહિ આવતા હું થોડી ક્ષણ ચુપ રહ્યો. મારી મૂંઝવણ કળી ગઈ હોય એમ જમના વાત બદલતા બોલી, “સાંભળ્યું, તું તો કંઈ બો રૂપાળી વહુ થી પૈણ્યો છે ને શહેર માં? ને સાંભળ્યું એણે પણ મેધરીક કર્યું છે.. શું નામ છે?” “નિર્મલા..., અને જમ્મી.. તું એ વાતે એવી ને એવી રહી.. મેધરીક નહિ, મેટ્રિક.” એની ચિરપરિચિત નિખાલસતા થી મારો એ વસવસો કૈંક અંશે ઓછો થયો કે એણે મારી બધી ખબર અંતર રાખી ‘તી ને મને તો એ ય ખબર નો’તી કે એના લગ્ન લેવાઈ ગયા છે. “અત્યારે એની પરીક્ષા જ ચાલે છે મેટ્રિક ની.. એટલે એની માં ને ત્યાં રોકાઈ છે..થોડા દિવસો માં અહી લઇ આવીશ.”


નિર્મલા ના અહીં આવી જવા પછી જમના જોડે એની સારી જામતી. નિર્મલા અને જમના એક બીજા માટે થોડા જ સમય માં નીમુબેન ને જમીબેન થઇ ગયા. જોત જોતા માં જ ત્રણ વર્ષ નીકળી ગયા. જમના ના સમજાવવા થી અરજણ પણ ક્યારેક પેઢીએ આવતો થઇ ગયો હતો. પણ પેઢી માં એનો મોટા ભાગ નો સમય ખોટા નિર્ણયો લેવા માં અને ડ્રાઈવરો, મિકેનીકો સાથે માથાકૂટ કરવા માં નીકળતો. ડોસલા ની તબિયત પણ નરમ ગરમ રેવા ને કારણે મોટા ભાગ નો વહીવટ મારે કરવાનો આવતો. વિચારો ના ફરક ને કારણે અરજણ અને મારા વચ્ચે પણ ગણી વાર ચકમક ઝરતી. ડોસલની મર્યાદા ના કારણે એ મને નિભાવી લેતો, અને હું એમ વિચારતો કે પેઢી ની જવાબદારી છોડી ને હું જતો રહીશ તો અરજણ થોડા સમય માં જ પોતાની અણાવડત ને કારણે સોથ વાળશે, પછી ડોસલ અને જમના ને ખરાબ દિવસો જોવા નો વારો આવશે.


એક દિવસ નિર્મલા હાંફળી ફાંફળી થતી પેઢી એ આવી, “ગજબ થયું, તમે આવો સાથે. અજજુભાઈ એ જમીબેન ને બહુ ફટકારી છે. હું સ્કૂલમાં હતી ને..” મેં આગળ વધુ સાંભળ્યા વગર દોટ મૂકી. જમનાને આંખે અને માથા પર ખાસું વાગેલું. સદા હસતી એની આંખો માં પરવશતા હું સહન ન કરી શક્યો. પી ને ઉસ્તાદી કરતા અરજણ ના ગાલ પર મેં કસી ને એક લાફો જડી દીધો. નિર્મલા અને હરજીવન ફાટી આંખે મારો ગુસ્સો જોઈ રહ્યા. બીજા દિવસે જમના પેઢી એ આવી. એ દિવસે મેં જમના ને છેલ્લી વખત જોઈ.


આજે આટલા વર્ષે હું એના એ જ ઘરે આવી રહ્યો હતો. આજુ બાજુની મોટા ભાગ ની લાકડા ની ડેલીઓ લોખંડ ના મોર્ડન ઝામ્પાઓ માં ફેરવાઈ ગઈ ‘તી. જમના ના ઘર ની જૂની ડેલી આજ પણ એવી જ પણ મરમ્મત ના અભાવે એની કથળેલી હાલત ની ચાડી ખાઈ રહી હતી. ઘરની બહાર જ હરજીવન નો પરિચિત ચેહરો નજર આવ્યો. ઉમરની પરિપક્વતાએ એની સાલસતા ને પડકારી લાગતી નહોતી. એને જોઈ ને તે દિવસે એ જે રીતે મને ભેટી ને રડ્યો ‘તો એ યાદ આવી ગયું.


જમનાએ પેઢી માં આવી ને સીધું જ મને પાણીચું પકડાવેલું, “શેઠ, હવે તમે અહીં થી રજા લો.” એના મોઢે તું ની જગ્યા એ તમે સાંભળીને એની દ્રઢતા નો ખ્યાલ મને આવી ગયો, “મારો ધણી મને મારે કે ઘર બાર કાઢી મેલે, તમે એના પર હાથ ઉપાડનાર કોણ? શેઠ, સાહેબ કહી ને મેં જ તમને કાંધે બેસાડ્યા ને મારો જ કાન કરડવા આવી પુગા.” આગળ સાંભળવું મારા માટે અસહ્ય હતું, પણ એ બોલતી રહી, “પેઢી ના નોકરીયાત ને શેઠ કીધા એમાં તો હેસિયત ભૂલી ગ્યા. બાપડી જમી ની કોર દયા ના વેણ ફેંક્શું ને એના ધણી ને દબાવશું એટલે ધીરે ધીરે પેઢી હાથવગી થઇ જાશે, એમ ને? હાલતી ના થાવ ને મોઢું દેખાડતા નહિ આ કોર હવે..”


એ દિવસ પછી આજ સુધી મેં ગામ બાજુ મોઢું કર્યું નો’તું. થોડા સમયમાં જ એ સમાચાર મળેલા કે ડોસલના મૃત્યુ પછી પેઢી ઉઠી ગયેલી અને અરજણ અને જમના ની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નો’તી. અલબત્ત લેણદારોને ચૂકવ્યા પછી મકાન સિવાય એમની પાસે કોઈ મૂડી વધેલી નહિ. જયારે અપમાનની આગમાં આ વર્ષો દરમિયાન મેં અથાક મહેનત થકી મારું ઔધોગિક સામ્રાજ્ય બનાવેલું. ઘણી વખત મને થયેલું કે ગામ જઉં અને જમના મળે તો એને દેખાડી દઉં કે શ્યામલ શેઠની સાચી હેસિયત શું છે! પણ આજે હું જમના ને શું સંભળાવવાનો હતો? હરજીવન મને ઘર સુધી દોરી ગયો. અમુક પરિચિત-અપરિચિત ચેહરાઓ ની વચ્ચે જમનાની હાર ચડાવેલી ફોટોફ્રેમ પડી ‘તી. હવે રોષ રાખીને કોઈ ભલીવાર નો’તી. આમ પણ મારો બધો રોષ જમી ની મૃત્યુના સમાચાર સાંભળી ને જ શિયા વીયા થઇ ગયો ‘તો. અને એટલે જ એના બેસણા માં હું દોડતો મુંબઈ થી ગામડે પોચ્યો ‘તો.


જમી ની તસ્વીર કદાચ થોડા સમય પહેલા ની જ હશે. સમય ની થપાટો જીલી ને એનો ચેહરો કરચલીઓ પર જાણે વધારે મહેરબાન થયો હતો. પણ એની આંખો માં હજુ ય એ જુઠ્ઠી ભલમનસાઈ ટપકતી હતી. ‘છબીને પણ છેતરવામાં સફળ રહી તું, જમી !!’ મારા મન માં ફરી વ્યંગાત્મક વિચાર સ્ફૂર્યો. મારી તંદ્રા હરજીવને હાથ માં એક પરબીડિયું આપી ને તોડી, “બાઈ જતા દા’ડે કઈ ગયેલા કે શ્યામલ શેઠ ચોક્કસ થી જ આવશે. ત્યારે એમને આ કાગળ આપજે.


શું લખ્યું હશે એ બંધ પરબીડિયા માં? એના ને અરજણ માટે ઘસાવાનું બંધ કરી ને સાધારણ નોકરિયાત માં થી હું શ્યામલ ‘શેઠ’ થાઉં એ માટે મને જમના એ તગેડી મુકેલો? અને આટલી દારુણ ગરીબી માં મેં એની પૂછા કાછા ય ન કરી? સત્ય વાંચી ને શું હું મારી બાકી ની જીંદગી અફસોસ કર્યા વગર ની જીવી શકીશ? જમના ના ‘હું આવીશ જ’ એવા મારા માં વિશ્વાસ થી જ બંધ પરબીડિયાનું લખાણ ઘણુંખરું સ્પષ્ટ જ હતું. એ બંધ પરબીડિયું ખોલવાની મારી હિંમત ચાલી નહીં. આંખો માં ઉતરી આવેલી ભીની ખારાશ વચ્ચે પણ હું આ વખતે એની આંખો ની ભલમનસાઈ માપી શક્યો.


હાર્દિક રાયચંદા (૦૬/૧૦/૨૦૧૬)