Be imaan in Gujarati Short Stories by jigar bundela books and stories PDF | બે ઈમાન

Featured Books
Categories
Share

બે ઈમાન

એક શોર્ટ બ્રેક સાથે ફટીચર ચાલી પાસે આવી ગાડી ઊભી રહી. ચાલીમા રહેતાં લોકો આવા જ હોય એમ બબડતાં બબડતાં એ-વ્રજેશ ઘર નંબર 176 તરફ આગળ વધ્યો.દરવાજો બઁધ હતો એણે ખખડાવ્યો, દરવાજો ખુલતા જ એક નાની બાળકી બહાર આવી અને દરવાજે ઉભેલા અજનબી ને જોવા લાગી. વ્રજેશનો ગુસ્સો એનાં માસુમ હસતાં ચહેરાને જોઇ થોડો ઠંડો પડ્યો. એણે પૂછ્યું ઘરે કોઈ નથી? માં તો બંગલે કામ કરવા ગઇ છે, એ નાની છોકરી બોલી. ત્યાં જ અંદરથી એક બુઢ્ઢા માણસનો ખાંસતો શ્વાસથી ભરેલો અવાજ આવ્યો, કોણ છે મુન્ની? મુન્નીએ કહ્યું કોઈ ભઈ છે. ડોસાએ કહ્યું અંદર બોલાવ. વ્રજેશ અંદર ગયો. એક બુઢ્ઢો માણસ ખાટલામાં સુતો હતો,કદાચ માંદો હશે. એણે કહ્યું ભાઈ આવો, સાવિત્રી હમણાં આવશે. કામ બઁધાવવા આવ્યા છો? ઘરડાં ને માંદા માણસને શું કહેવું એમ માની એણે કહ્યું , હા. ઘરમાં એક જુનો સડી ગયેલો પંખો ગરમ હવા ફેકતો હતો. ગરમી બહુ છે નહીં? માફ કરજો તમને ACવાળાને થોડી તકલીફ પડશે.બેસો એક જૂની ખખડી ગયેલી ખુરશી તરફ આંગળી ચીંધી એણે કહ્યું, ને મુન્નીને પાણી આપવા કહ્યું. વ્રજેશે મુન્નીને રોકતા કહ્યું કે નથી પીવું. વ્રજેશ ઘરને જોવા લાગ્યો.બે તપેલી, બે થાળી, ચાર વાટકી,ગેસના જમાનામાં પ્રાયમસ, કેરોસીનનું ડબલું ને તૂટેલું કબાટ જેમાં અરીસા પર એક બે ફોટા ચોંટાડેલા હતા. જેમાં એક પીળો આછો પડી ગયેલો ફોટો કોઈ પોલીસવાળાનો કે આર્મીમેનનો હોય એવું લાગતું હતું.

ડોસાએ કંઇક વાત કરવી પડે એટલે વાત ચાલુ કરી કે મુન્નીનો બાપ હવાલદાર હતો.પ્રામાણિક હવાલદાર. એ તો ઘર જોઈને જ લાગ્યું, વ્રજેશ મનમાં બોલ્યો કે બહુ પ્રામાણીક હશે નહિ તો આજકાલનાં હવાલદારનું ઘર આવું ન હોય. ડોસાએ આપવીતી શરુ કરી, ચાર વર્ષ પહેલા છોકરીઓને ધન્ધામાં નાંખવા ઉપાડી જતી એક ગુનેગાર ટોળકીનો પીછો કરતાં કરતાં સામસામા ફાયરીંગમાં મરી ગયો. શહીદ થયાં એમ કહેવાય કાકા, વ્રજેશે ડહાપણ કરતાં કહ્યું. હા ભાઈ, ડોસાએ કહ્યું, સારા શબ્દોમાં શહીદ કહેવાય, એ મરી ગયો. ડોસો આગળ બોલ્યો મેં જ ગળથૂથીમાં પ્રમાણિકતાનો ઘૂંટડો પાયો હતો એની સજા મેળવી રહ્યો છું, ભોગવી રહ્યો છું. કમરથી નીચે લકવો મારી ગયો છે.ડોસો રોદણાં રોવા બેસે એ પહેલાં વ્રજેશે વાત બદલવાના ઇરાદે મુન્નીને પૂછ્યું, મુન્ની ભણવા જાય છે? મુન્નીએ ડોકું નકારમાં ધુણાવ્યું. ડોસોએ કહ્યું અરે ભાઈ ક્યાંથી ભણવા જાય અહિંયા ખાવાના ફાંફા છે ત્યાં ફી ક્યાંથી ભરીએ? નથી ચોપડા લાવવાના પૈસા કે નથી યુનિફોર્મ લાવવાના પૈસા.આતો ભલું થજો એક માણસનું કે એનાં બાપે મુન્નીના નામનું એકાઉન્ટ ખોલાવ્યું હતું એમાં પૈસા જમા કરાવે છે. કોણ કરાવે છે? કેમ કરાવે છે? કાંઈ ખબર નથી.અમે એના જ રોટલા ખાઈએ છીએ.

વ્રજેશને જ્યારે બેન્કમાંથી ખબર પડી કે એકાઉન્ટ નઁબરના એક આંકડાની ભૂલને કારણે દર મહિને પાંચ તારીખે એના દીકરાના એકાઉન્ટમાં જમા કરવાનાં પૈસા કોઈ બીજાના એકાઉન્ટમાં જમા થાય છે, ત્યારે એના ગુસ્સાનો પાર ન રહ્યો. બેંકમાથી એ વ્યક્તિનું એડ્રેસ લઇ અત્યાર સુધી જમા કરાવેલા બધા પૈસા વ્યાજ સાથે વસૂલ કરવાનું નક્કી કરી એણે ગાડી એ એડ્રેસ તરફ મારી મૂકી હતી ને અત્યારે એ જ ઘરમાં બેઠો હતો સાવિત્રીની રાહ જોતો પૈસા વ્યાજ સાથે વસુલ કરવાનાં ઇરાદે.

એટલામાં સાવિત્રી આવી ગઈ.

એકબીજાને જોઇ વ્રજેશ ને સાવિત્રીના હાવભાવ બદલાઈ ગયા.

વ્રજેશને નારોલના બ્રિજ નીચે બુકાની બાંધી ઉભી રહેતી છોકરીઓ, હોટલનો એ રૂમ ને બુકાની ખોલતાં જ જોયેલો સાવિત્રીનો એ ચહેરો યાદ આવી ગયો. અને સાવિત્રી જેણે કહ્યું હતું કે આવતાં જતાં છોકરીઓ ઉભેલી જોઇ હતી, આજે પહેલીવાર એ નારોલ બ્રિજ નીચે ઊભી હતી બે પૈસા કમાવવા માટે, ભૂખ ભાંગવા માટે. શરીરની ભુખ ભાંગવા આવેલા એ વ્યક્તિને એ કેવી રીતે ભુલે જેણે કંઇ પણ કર્યા વગર ફક્ત વાતો કરવાના ડબલ પૈસા આપ્યા હતા, અને કહ્યું હતું કે તું સારાં ઘરની લાગે છે, આ કામ છોડી બીજું કોઈ કામ કર. ને એણે એ કામ છોડી નસીબને કચરા-પોતા વાસણ ધોઈ ને સાફ કરવાનું - ચમકાવવાનું ચાલુ કર્યું હતું.

તમે અહિં ક્યાંથી? સાવિત્રીએ પુછ્યું. ડોસાએ કહ્યું, તું એમને ઓળખે છે? સાવિત્રીએ હાથ જોડતાં ઈશારાથી કંઇ ન કહેવા કહ્યું ને બોલી, હા એમના ત્યાં કામ કરવા જવાનું હતું આજે, પણ હું ભૂલી ગઈ. વ્રજેશ પણ ઈશારો સમજી ગયો. સાહેબ કાલથી આવી જઈશ, સાવિત્રીએ કહ્યું. વ્રજેશ ત્યાંથી નીકળી ગયો.

એક મહિના પછી પાંચ તારીખે ડોસો મુન્નીને કહેતો હતો, "ગજબ નો માણસ છે હવે ત્રણ હજાર ને બદલે પાંચ હજાર ભરવા લાગ્યો, ભગવાન એનું ભલું કરે."