Man Mohna - 10 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૧૦

Featured Books
Categories
Share

મન મોહના - ૧૦

મોહનાને ઘરે બેઠેલાં મનને ચા આપવા છોકરો આવ્યો એણે ધીમેથી કહ્યું,

“શું સાહેબ તમેય, નાના સાહેબનું તો લગ્નની રાત્રે જ મોત થઈ ગયેલું."

“નાના સાહેબ એટલે? મોહનાનો પતિ?” મને આંચકો સમાવતા આંખો ફાડીને પૂછ્યું.

“હા. એમને એટેક આવી ગયેલો. લગ્ન થયા એજ રાત્રે. આખું ગામ આ વાત જાણે છે તમારે કોઈને પૂછીને આવવાં જેવું હતું."



મોહનાના પતિનું લગ્નની રાત્રે જ ખૂન થઈ ગયેલું એ જાણીને મનને ખુબ નવાઈ લાગી. એણે મોહનાને દુઃખી કરી હતી. મન ઊભો થયો અને ચા પીધા વગર જ બહાર જવા નીકળી ગયો. બંગલાના કંપાઉન્ડમાં પહોંચી એ અટક્યો હતો, પાછળ ફરી એણે એક નજર બંગલા પર નાખી.

ઉપર બીજા માળની બાલ્કનીમાં ઊભેલી મોહના દેખાઈ. એ ચૂપચાપ ત્યાં ઊભી આકાશમાં જોઈ રહી હતી. નીચેથી મન એને જોઈ રહ્યો હતો એ તરફ પણ એનું ધ્યાન ન હતું. એ રડતી ન હતી, બસ એક પૂતળાની માફક સ્થિર ઊભી રહી ગઈ હતી..

મનનો જીવ કપાઈ ગયો. એને હવે નિમેશ ઉપર ગુસ્સો આવ્યો. એણે સો ટકા પોતાના કોઈ મતલબથી જ આટલી મોટી વાત પોતાનાથી છુપાઈને રાખી હશે. લોકો સાચું જ કહે છે, પોલીસવાળાની ના દોસ્તી સારી, ના દુશ્મની! એ બહાર નીકળવા ગેટ પાસે પહોંચ્યો ત્યારે કેપ્ટન અશોક ત્યાં જ ઊભો હતો.

“નિમેશનો જાસૂસ બનીને આવેલો ને તું? શું જાણી લીધું તે?” કેપ્ટન દબાયેલા પણ ગુસ્સેલ અવાજે કહી રહ્યો, “હાલત જોઈ છે એ છોકરીની? એનો પતિ લગ્નની રાત્રે જ મરી ગયો એમાં એનો શું વાંક તે બધા એની પાછળ પડ્યા છો!”

“મને ખરેખર આ બાબતની જરાય ખબર નહતી. મોહના દુઃખી થાય એવું કામ હું મારી જિંદગીમાં ના કરું.” મને ખેદપૂર્વક જણાવ્યું.

“જિંદગીમાં એવું કરવાનું વિચારતોય નહી નહીંતર જિંદગી જ નહિ બચે. કંપાઉન્ડની બહાર નર્યું જંગલ છે, મારીને દાટી દઈશ ક્યાંક તો તારો નિમેશ આખી જિંદગી ઝખ મારે તોય તારી લાશેય નહીં શોધી શકે!” કેપ્ટન મનને સહેજ ધકેલતો બોલી રહ્યો હતો. એના ફોનની રીંગ વાગી. એણે ફોન લીધો.
“જી.” એટલું કહીને ફોન કટ કર્યો.

મને અનુમાન લગાવ્યું કે સામે છેડે મોહના હતી. એણે કેપ્ટનને પોતાની સાથે આવી બદતમીજી કરવા માટે ઠપકો આપ્યો અને ફોન નંબર લેવાનું કહ્યું હશે. કેપ્ટને મન પાસે એનો ફોન નંબર માગ્યો હતો અને એને એનાં ઘર સુધી મૂકી આવવા પૂછ્યું હતું.

મન ‘ના’ કહીને નીકળી ગયો હતો. એને ખૂબ સારું લાગ્યું. મોહનાએ પોતાના માટે ચિંતા કરી, એને ઘર સુધી મૂકી આવવા કહ્યું, ફોન નંબર લેવાનું કહ્યું...!

મન બહાર આવ્યો ત્યારે નિમેશ પહેલાથી જ ગાડીમાં બેઠેલો હતો. મન કંઈ કહે એ પહેલા જ એણે હોઠ ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મન દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો અને ગાડી ચાલું કરી આગળ ચલાવી મારી.

“પેલો એનો ડ્રાયવર બહું ચાલાક છે. એ છેકથી તારા ઉપર નજર રાખી રહ્યો હતો એટલે જ તને ચૂપ રહેવાનું કહેલું." નિમેશ વાત શરૂ કરતાં બોલ્યો.

મનને એની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. પણ હાલ એ ચૂપ રહ્યો. એણે ભરત કેટલું જાણે છે આ બાબતમાં એ પહેલા જાણી લેવાનું નક્કી કર્યું જેથી ખબર પડે કે નિમેશ એકલો એને ભોળવી રહ્યો છે કે બંને ભેગા મળીને પોતાને ઉલ્લુ બનાવી રહ્યાં છે!

“એણે તારો નંબર લીધો એ ખૂબ સારી વાત છે. એ ફોન કરે તો વાત કરજે અને તને મળવા બોલાવે તો હા પાડી દેજે.” નિમેશ કહી રહ્યો પણ મન ચૂપ જ રહ્યો.

મનને એના ઘરે છોડી નિમેશ જતો રહ્યો. મને તરત ભરતને ફોન કર્યો.

“બોલ યારા. શું કરીને આવ્યો? મોહના સાથે વાતો કરી કે છુઇમુઈની જેમ ચૂપચાપ જ બેઠો રહેલો?”

ભરત એની ધૂનમાં જ બોલે જતો હતો. એને અટકાવી મને સીધું જ પૂછ્યું, “તું એના પતિ વિશે શું જાણે છે?"

“મોહનાનો પતિ? એ કોઈ આર્મી ઓફિસર છે એટલું જ. એય તે નીમલાએ કહેલું. કેમ આમ પૂછે છે? એ ઘરે હતો? એણે તને માર્યો તો નથીને..?"

“ના..એવું કંઈ નથી.” મનને નિરાંત થઈ ભરત નિમેશ સાથે મળેલો ન હતો.

“એ કંઈ બોલ્યો હોય તો કહી દેજે એના ઘરે પચીસ માણસો લઈને ઝઘડો કરવા જઈશું. આર્મી ઑફિસર હોય તો એના ઘરનો,”

“ભરત તું સાંભળ પહેલાં. એ મરી ગયો છે! એના લગ્નની રાત્રે જ. આ વાતની નિમેશને પહેલાથી જાણ હતી. આખા ગામને ખબર છે!” મને ભરતને અટકાવી કહ્યું.

“ઓ... મને જરાય ખબર ન હતી. હા હું આ ગામમાં ન હતો ત્યારે એટલે. હું વલસાડ એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે આ બન્યું હશે. મેં નહતું કહ્યું, મોહનાના લગન વિશેય મને પાકી ખાતરી ન હતી. નિમેશ બોલ્યો ત્યારે જ ખબર પડેલી."

“નિમેશ એની વાત કઢાવવા મારો ઉપયોગ કરી રહ્યો છે. આજે એના લીધે મોહના દુઃખી થઈ અને એનું નિમિત્ત હું બન્યો.” મને લાગણીવશ થઈને કહ્યું.

“તું નીમલાની ચિંતા ના કર. પોલીસવાળો હશે એના ઘરનો. સાંજે મળે ત્યારે એની બરોબરની ખબર લઉં છું!"

એ સાંજે લગભગ નવ વાગે એ ત્રણેય જણાં હાઇવે પર આવેલી હોટલના એક ટેબલ પર ગોઠવાઈ ડ્રાય મંચુરિયનની રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે મને ટેબલ નીચેથી ભરતના પગે હળવી લાત મારી નિમેશને બોલવાનો ઈશારો કર્યો. ભરત એની વાત સમજ્યો અને કહ્યું,

“નીમલા તને ખબર હતી પેલીનો પતિ ઉકલી ગયો છે તો તે પહેલાં કહ્યું કેમ નહિ? તારા લીધે આજે મોહના ઉદાસ થઈ ગઈ અને નિમિત્ત મારો દોસ્ત બન્યો.”

“જો એમાં મારો કોઈ વાંક નથી. મેં એટલા માટે આ વાત છુપાવી હતી કે મોહના શું કહે છે, એનો પતિ કેવી રીતે મર્યો એ મારે જાણવું હતું. આ ચંબુ એ જરાક સરખી રીતે વાત કરી હોત તો આજે નક્કી કંઇક નવું જાણવા મળત.”

“એય...ચંબુ કોને કહે છે? જબાન સંભાળીને બોલજે!” ભરતે નિમેશને ટોક્યો.

“ચંબુ, ચંબુ અને ચંબુ! સાડી સત્તરવાર ચંબુ! ખૂણામાં કોઈ બાળકીનો ફોટો જોયો તો પૂછે, આ તારી બેબી છે? આટલાં વરસો બાદ, પોતાની લવર સાથે થોડી ક્ષણો ગાળવા મળી હોય તો કેવા કેવા સવાલ પૂછી શકાય એનુંય મારે એને ટ્યુશન આપવું પડશે?" નિમેશને અચાનક હસવું આવી ગયું, “તું કેમ છે? તું ખુશ તો છે ને? એવું કંઈ નહિ અને સીધો બંપર સવાલ, આ તારી બેબીનો ફોટો છે? અલ્યા એના મેરેજને હજી વરસ માંડ થયું હશે, ત્યાં ચાર પાંચ વરસની છોકરીનો ફોટો જોઈને પૂછે, આ તારી બેબીનો ફોટો છે? કોમનસેન્સ નામની કોઈ વસ્તુ છે કે નહિ?"

નિમેશ ખડખડાટ હશે જતો હતો. એને હસતો જોઈ એનો ચેપ ભરતનેય લાગ્યો હોય એમ એય હસવા લાગ્યો.

“હોય તે બધા કંઈ તારી જેમ પોલીસની નજરથી ના જોતા હોય. પૂછી લીધું તો પૂછી લીધું.” ભરતે પરાણે હસવાનું રોકી પાંગળો બચાવ કર્યો.

“આ તારી બેબીનો ફોટો છે?” નિમેશ ફરી હસતાં હસતાં બોલ્યો.

“તમારો હસવાનો પ્રોગ્રામ પૂરો થયો હોય તો કંઈ કામની વાત કરીએ?” મને અકળાઈને કહ્યું.

“સોરી હો યારા! મારે હસવું નથી પણ આ નીમલો હસાવે છે.” ભરતે નિમેશના ખભે એક ધબ્બો મારતા કહ્યું.

“હું તને ગલી ગલી કરી હસાવું છું... આના કારનામાં જોઈને હસવું આવે છે સીધું બોલને!”

એક છોકરો મંચુરિયન લઈને આવ્યો અને એ લોકો હસતાં બંધ થયા. ત્રણે જણાએ ખાવાનું શરૂ કર્યું.

“એના પતિને એટેક આવેલો એ વાત આખું ગામ જાણે છે તો એમાં તારે શું નવું સાંભળવું હતું?” મને સવાલ કર્યો.

“આખું ગામ જે જાણે છે એવું એમને કહેવામાં આવ્યું છે. મોહનાને બચાવવા!” નિમેશ ગંભીર થઈને બોલ્યો.

“મોહનાને બચાવવા, એટલે?” નિમેશ શું કહેવા માંગે છે એ મનની સજમાં ના આવ્યું.