આજથી માતૃભારતી પર આપણે એક નવી સિરીઝ શરુ કરીએ છીએ ‘બોલિસોફી’. આ સિરીઝનો હેતુ બોલિવુડની ફિલ્મોમાં રહેલી ફિલોસોફી પર ધ્યાન આપવાનો છે. આપણે આપણી હિન્દી ફિલ્મોને માત્ર મનોરંજનના હેતુથી જોતા હોઈએ છીએ પરંતુ ઘણીવાર આ ફિલ્મોમાં કેટલોક ગહન વિચાર પણ સમાયેલો હોય છે જે મનોરંજન પાછળ છુપાઈ જતો હોય છે. આપણે નવી રિલીઝ થતી કે પછી જૂની ફિલ્મો પર પણ બોલિસોફી હેઠળ ચર્ચા કરીશું અને તેની પાછળ રહેલા સંદેશને સમજવાની કોશિશ કરીશું.
તો આજની બોલિસોફી છે મિશન મંગલ પાછળ રહેલી એક ફિલોસોફીને સમજવા અંગેની જે આપણને કદાચ આપણા અંગત અને વ્યક્તિગત જીવનમાં પણ મદદરૂપ થાય.
આમ તો મિશન મંગલ ફિલ્મમાં દેશભક્તિની ભાવના ખૂબ ભરેલી છે. આ એક એવા મિશનની વાત છે જેણે ભારતને અને સમગ્ર ભારતીય પ્રજાને ગૌરવ અપાવ્યું હતું. પરંતુ આ મિશનમાં અસંખ્ય તકલીફો પણ રહેલી હતી. જેમ આપણે ફિલ્મમાં જોયું કે અક્ષય કુમાર જ્યારે ચંદ્રને લગતા એક મિશનમાં નિષ્ફળ જાય છે ત્યારે તેને એક રીતે ડીમોશન આપીને મિશન મંગલની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયે અક્ષય કુમાર પણ કહે છે કે આખા ઈસરોને ખબર છે કે આ મિશનનું સફળ થવું તો શું એનું લોન્ચ થવું પણ શક્ય નથી જ!
જીવનમાં આપણે ઘણીવાર એવી પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ છીએ જ્યારે આપણને એ કાર્ય શરુ કરતી વખતે લગભગ વિશ્વાસ હોય છે કે આપણે આ કાર્યમાં નિષ્ફળ જ જઈશું. પરંતુ તેમ છતાં જેમ અક્ષય કુમારને નોકરી કરવાની મજબૂરી હતી એમ આપણી પણ કોઈ મજબૂરી હોય છે એ ન્યાયે એ કામ શરુ કરી દઈએ છીએ. ફિલ્મમાં જે રીતે વાર્તા આગળ વધે છે એનાથી વિરુદ્ધ આપણે તો આપણને સોંપવામાં આવેલું એ કામ ખરેખર અઘરું થતું જાય એટલે આપણા હથિયાર હેઠા મૂકી દેતાં હોઈએ છીએ.
પરંતુ, મિશન મંગલમાં અક્ષય કુમાર સાથેજ નિષ્ફળતાનો બોજ સહન કરી રહેલી વિદ્યા બાલન તેની મદદે આવે છે અને એ પણ કેવી રીતે? વિદ્યા બાલનને પોતાના ઘરના રસોડામાં જ અનુભવ થાય છે કે બધી જ પૂરીઓ તળવી હોય તો કાયમ ગેસ ઓન રાખવો જરૂરી નથી. બસ આ ઉપાય વિદ્યા બાલન મંગળ ગ્રહ પર જઈ રહેલા યાનમાં ઓછા બળતણ માટે ઉપયોગમાં લેવાનું અક્ષય કુમારને સૂચવે છે. આવી જ રીતે જ્યારે ઈસરોના ચીફ બજેટ ઓછું હોવાની વાત અને મિશન મંગલ માટે જરૂરી કેટલાક ભાગ મોંઘા હોવાથી નહીં ખરીદી શકાય તેવી વાત કરે છે ત્યારે પણ વિદ્યા બાલન પોતાની આસપાસ જ રહેલા ઉપાયને ઉપયોગમાં લાવે છે.
વિદ્યા બાલન આઈડિયા આપે છે કે ચંદ્રયાન હવે ક્યારે જશે તે નક્કી નથી તો ચંદ્રયાન અને મિશન મંગલમાં જે કોમન ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે તે ચંદ્રયાનમાંથી જ ઉછીના લઇ લઈએ તો? અહીં અક્ષય કુમાર ઈસરો ચીફને હળવી ટીપ્પણી કરતા કહે પણ છે કે આ બીજો હોમસાયન્સનો આઈડિયા, રાત્રે વધેલું ભોજન સવારે ગરમ કરીને નાસ્તામાં પીરસી દેવાનું!
મિશન મંગલમાં દર્શાવવામાં આવેલી બે અતિશય મહત્ત્વની ઘટનાનો મતલબ એક જ છે કે સમસ્યાતો આપણી ઘણી હોય છે પરંતુ તેનો ઉકેલ કદાચ આપણી આસપાસ જ હોય છે, આપણે ફક્ત તે ઉકેલને શોધવાનો છે. હા, જ્યારે સમસ્યા આપણા મનને એટલી બધી ઘેરી વળી હોય છે કે આપણને ઉકેલ આપણી આસપાસ જ હોય છે એ સૂઝતું નથી. આવું થવું સ્વાભાવિક છે અને એવું દરેક સાથે થાય પણ છે. પરંતુ આવા સમયે સમસ્યા સામે હારી જવાથી તો કોઈ ફાયદો થવાનો નથી?
તો આવા સમયે કેમ આપણે આપણા કામમાંથી થોડો સમય બ્રેક લઈએ અને મનને શાંત કરવાનો પ્રયાસ કરીને આ સમસ્યાનો ઉકેલ આપણને કેવી રીતે મળે તે અંગે ન વિચારીએ? એ બિલકુલ શક્ય નથી કે આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ આપણને આપણા રોજીંદા જીવનમાંથી જ મળી રહે પરંતુ પ્રયાસ તો કરી શકાય ને? ઘણીવાર ખુલ્લા મને વિચારો બહુ આસાનીથી આવી જતા હોય છે. આથી અહીં સમસ્યાથી ઘેરાયેલા મનને ખુલ્લું કરવાની જ વાત છે જે કરવું શક્ય છે જ!
મિશન મંગલમાં એક બીજી ઉડીને આંખે વળગે એવી ઘટના પણ દર્શાવવામાં આવી છે. જ્યારે મિશન મંગલને મંજૂરી તો મળી ગઈ અને એક વખત મિશન અધવચ્ચે પડતું મુક્યા બાદ ફરીથી બજેટ મળી જતા તેને ફરીથી શરુ પણ કરાયું પરંતુ અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ટીમના સભ્યો બિલકુલ આ મિશન સાથે દિલથી જોડાયેલા નથી હોતા. દરેકને પોતપોતાની સમસ્યા છે અને એ પણ વ્યક્તિગત સમસ્યા. ૫૮ વર્ષના વડીલથી માંડીને યુવાન વૈજ્ઞાનિકો સુધી આ તમામને પોતાની સમસ્યાને લીધે મિશન મંગલ પોતાનું લાગતું નથી.
એ વાત તો સાચી છે કે તમે દુકાન ચલાવતા હોવ કે નોકરી કરતા હોવ કે પછી ખેતી કરતા હોવ અથવાતો મોટો ઉદ્યોગ ચલાવતા હોવ, જ્યાં સુધી તમે તમારા કામને પ્રેમ નથી કરતા ત્યાં સુધી તેનું ૧૦૦% પરિણામ નથી જ આવતું. તમે ગમે તેટલી મહેનત કરશો પણ તમને તમારા કામમાંથી ધાર્યું ફળ નહીં જ મળે જો તમે તમારા કામને પ્રેમ નહીં કરો. અહીં પોતાની ટીમના સભ્યો જે તમામ વૈજ્ઞાનિકો હતા તેમ છતાં તેમના મિશન મંગલ પ્રત્યેના પ્રેમને જાગૃત કરવા વિદ્યા બાલન એક આઈડિયા અજમાવે છે.
આ આઈડિયા એ હતો કે દરેકને તેણે કહ્યું કે તેઓ પોતે જ્યારે નાના હતા ત્યારે કઈ વાતને પ્રેમ કરતા હતા જે વાતમાં તેમને તેમની કારકિર્દી દેખાતી હતી? બસ આ એક સવાલ વિદ્યા બાલન અને અક્ષય કુમારની આખી ટીમની દ્રષ્ટિ બદલી નાખે છે. આપણે પણ આપણા કાર્યમાં નિષ્ફળતા પર નિષ્ફળતા સહન કરી રહ્યા હોઈએ અથવાતો ધાર્યા પરિણામો ન મેળવી શકતા હોઈએ ત્યારે બે ઘડી બ્રેક લઈને વિચાર કરવો જોઈએ કે હું ખરેખર એ જ કામ કરી રહ્યો છું જેનું મેં સ્વપ્ન જોયું હતું?
કદાચ એવું બને કે જે કાર્યમાં આપણું મન જ ન ચોંટતું હોય એને લઈને આપણે બેઠા હોઈએ તો પછી સફળતા ક્યાંથી હાથમાં આવે? એવું નથી કે એક ઉંમર પછી સપનાઓ જોવાનો કોઈને હક્ક નથી. અત્યારસુધી જે ભૂલ કરી એ ગમેતે ઉંમરે સુધારી શકાય બરોબરને? તો ફરીથી કોઈ સ્વપ્નું જુઓ, એવા કયા કયા કાર્યો છે જેમાં તમને આનંદ આવે છે. આ દરેક કાર્યની ઓળખ કરો અને પછી તેનું એક લિસ્ટ બનાવો.
આ લિસ્ટનો વારંવાર અભ્યાસ કરો અને એમાંથી એકાદું કાર્ય પસંદ કરો. જો અત્યારે નોકરી ચાલી રહી હોય કે કોઈ અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોવ તો શનિ-રવિ કે પછી પાર્ટટાઈમ એ મનપસંદ કાર્ય કરવાનું શરુ કરો. તમે જેવું તમારું મનપસંદ કાર્ય શરુ કરશો કે તમને તરતજ એક નવી ઉર્જા તમારા શરીરમાં વહી રહી હોય એવું લાગશે અને એક બીજો ફાયદો એ પણ થશે કે તમને તમારું એ કામ જે અત્યારસુધી તમને બોજારૂપ લાગતું હતું તે કરવામાં પણ મજા આવશે.
આવી રીતે તમે ધીમેધીમે તમારું એ પાર્ટટાઈમ કાર્ય જો તેમાં સફળતા મળવા લાગે તો તેને ફૂલટાઈમ પણ કરી શકશો, અથવાતો આસાનીથી બે ઘોડે સવારી પણ કરી શકશો.
આમ આ રીતે મિશન મંગલમાં રહેલા બે ખાસ સંદેશાઓ, એક તો સમસ્યાથી ડરવું નહીં પરંતુ તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો કારણકે કદાચ એ ઉકેલ આપણી આસપાસ જ હોવાની સંભાવનાઓ રહેલી છે. બીજું, જે કાર્યમાં મન લાગે એ કરવું જરૂરી છે. જો અત્યારના કાર્યમાં મન ન લાગતું હોય તો મન કેમ લાગે તેનો ઉપાય શોધવો પણ જરૂરી છે.
આવતા અઠવાડિયે આવી જ કોઈ નવી બોલિસોફી લઈને ફરીથી મળીશું માતૃભારતી પર! ત્યાં સુધી આવજો.
૧૯ ઓગસ્ટ ૨૦૧૯, સોમવાર
અમદાવાદ