Movie Review Mission Mangal in Gujarati Film Reviews by Siddharth Chhaya books and stories PDF | મુવી રિવ્યુ – મિશન મંગલ

Featured Books
Categories
Share

મુવી રિવ્યુ – મિશન મંગલ

“હોમ સાયન્સથી રોકેટ સાયન્સ સુધી!”

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જેની હાઈપ એટલી બધી નથી હોતી તેમ છતાં પણ હોય છે. મિશન મંગલ વિષે લોકોમાં ઉત્કંઠા તો જરૂર હતી પરંતુ એટલી બધી ન હતી કે તેને જોવા માટે લોકોની લાઈન લાગી જાય. તેમ છતાં આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થઇ રહી છે અને દેશની એક મહત્ત્વની સિદ્ધિ પર આધારિત છે અને એમાંય વળી અક્ષય કુમાર પણ છે એટલે મોટાભાગના લોકોને મિશન મંગલ જોવાની ઈચ્છા તો હતી જ. તો શું આ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે ખરી? આવો જોઈએ!

મિશન મંગલ

કલાકારો: અક્ષય કુમાર, વિદ્યા બાલન, શર્મન જોષી, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, દલીપ તાહિલ, વિક્રમ ગોખલે, સંજય કપૂર અને એચ જી દત્તાત્રેય

નિર્દેશક: જગન શક્તિ

રન ટાઈમ: ૧૨૭ મિનીટ્સ

એક રીતે જોવા જઈએ તો મિશન મંગલની જો વાર્તા કહેવી હોય તો એક કે વધુમાં વધુ બે લીટીમાં કહી શકાય. સ્પેસ સાયન્ટીસ્ટ રાકેશ ધવનના નેતૃત્ત્વ હેઠળ ઈસરો ચંદ્ર પરના એક મિશનમાં નિષ્ફળ જાય છે. આથી ઈસરો તેમને અશક્ય એવા મિશન મંગલનું કામ સોંપીને નાસાથી આવેલા વૈજ્ઞાનિક રૂપર્ટ દેસાઈને ચંદ્રયાનનું કામ સોંપે છે.

બસ, મિશન મંગલની વાર્તા અહીં પૂરી થઇ જાય છે. પરંતુ જે પૂરું નથી થતું એ છે કે કોઇપણ પ્રકારના કપરા સંજોગોમાં હકારાત્મક કેમ રહેવું અને એ જ હકારાત્મકતાથી વિચાર કરીને અઘરામાં અઘરું અને અશક્ય કામ કેવી રીતે પાર પાડવું તેનો છૂપો સંદેશ. તો આ ફિલ્મમાં મનોરંજન મેળવવા ઉપરાંત શીખવાનું પણ ઘણું છે.

ફિલ્મની શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે સત્ય હકીકતો પર આધારિત છે પરંતુ આપણે સમજી શકીએ છીએ કે જો ફિચર ફિલ્મમાં મનોરંજનનું તત્વ ઉમેરવામાં ન આવે તો તેમાં અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કોઈજ ફરક નથી રહેતો. આથી મિશન મંગલમાં ઘણી બધી છૂટ લેવામાં આવી છે.

જેમકે ગમે તેટલું ટેન્શન હોય તો પણ ધવન સાહેબ હિન્દી ફિલ્મોના ગીતો ગાય, નિષ્ફળતાની ઉજવણી લાડુ ખાઈને કરે, વિદ્યા બાલનને મંગળ પર યાન કેવી રીતે પહોંચાડવું એનો આઈડિયા એના રસોડામાંથી મળે અને વળી પાછો ઈસરો એના પર અમલ પણ કરે! ઉપરાંત અમુક કરોડનું બજેટ આમથી આમ ચપટીમાં એક પ્રોજેક્ટમાંથી બીજામાં ટ્રાન્સફર થઇ જાય અને એક અવકાશ યાનના સાધનો મંગળયાનમાં ફીટ કરીને ખર્ચ ઓછો કરવાનો આઈડિયા પણ આવે!

આ બધું પ્રેક્ટીકલી ખોટું લાગે પરંતુ જ્યારે ફિલ્મ સત્ય હકીકત પર આધારિત હોવાનો દાખલો આપવામાં આવે ત્યારે આપણે માનવું પડે કે આમાંથી મોટાભાગની વાતો સાચી હશે. અને જો ખરેખર એવું હોય તો ફિલ્મનો એક બીજો સંદેશ પણ આપણે સ્વીકારવો પડે કે આપણી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આપણી આસપાસ અને આપણી જીવનશૈલીમાંથી જ મળી જતા હોય છે, બસ આપણે આપણા આંખ-કાન અને મન ખુલ્લા રાખવાના અને ઉકેલ શોધી લેવાનો.

અને આ જ પ્રકારની વાતોથી ફિલ્મ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના વિષય સાથે જોડાયેલી હોવા છતાં, જે સામાન્ય માનવીની સમજની બહાર છે, તેમ છતાં તે માણવાલાયક બની છે. મંગળ પર ઇસરોનું યાન કેવી રીતે ઓછા ખર્ચે અને ઓછા ઇંધણથી પહોંચશે એ આખી વાત સામાન્ય માનવીને સમજાય એ રીતે અહીં સમજાવવામાં આવી છે જેથી બાકીની ફિલ્મ જોવામાં તેને રસ પડે છે.

જો ફિલ્મની વાર્તા બે લીટીની હોય અને તેમ છતાં તેમાં ભારેભરખમ સંદેશ આપવામાં આવ્યો હોય તો પછી એ ફિલ્મ આટલી મનોરંજક અને રસપ્રદ બની છે તો તેની પાછળ ફિલ્મનું નિર્દેશન ઉપરાંત ફિલ્મના કલાકારોની દમદાર અદાકારી જ જવાબદાર હોઈ શકે એ આપણે માનવું જોઈએ.

અહીં કોઈજ રોમેન્ટિક હીરો-હિરોઈન નથી પરંતુ તેમ છતાં આ આખી ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલનને એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ફ્રેમ બાય ફ્રેમ આપણને લાગે જ કે આ ફિલ્મ અક્ષય અને વિદ્યા માટે જ બની છે. વિદ્યા બાલન એના ચિતપરિચિત અંદાજમાં મજા કરાવે છે. તો અક્ષય કુમાર તો હવે દેશભક્તિની ફિલ્મોમાં લગભગ એવો ફીટ થઇ ગયો છે કે તેને આ વિષય પર આપેલો કોઇપણ રોલ ફીટ થઇ જ જાય.

અહીં અક્ષય એક અવકાશ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવે છે એટલે ઘણો કંટ્રોલમાં છે, પરંતુ તેમ છતાં તે પોતાની અમુક ખાસ હરકતો તો દેખાડી જ જાય છે જેનાથી અક્ષય ફેન્સને પણ મજા આવશે. આમ જુઓ તો ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને તાપસી પન્નુ જેવા બીજા મોટા કલાકારો પણ છે પરંતુ અક્ષય અને વિદ્યાની સરખામણીએ તેમના રોલ નાના છે પરંતુ મહત્ત્વના જરૂર છે. આવીજ રીતે શર્મન જોષી, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનનનું પણ એવુંજ છે. એચ જી દત્તાત્રેય જે એક સિનીયર વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકામાં છે તેમનો રોલ નાનો હોવા છતાં હળવાશથી ભરપૂર છે પરંતુ તેમ છતાં લોકોને સહુથી વધુ એમની અદાકારી ગમી જશે તેમાં કોઈજ શંકા નથી.

ઉપર કહેલા બે મહત્ત્વના સંદેશ ઉપરાંત મિશન મંગલમાં એક છૂપો મેસેજ એ પણ છે કે એક અવકાશી મિશન પાછળ કેટલા બધા વૈજ્ઞાનિકોની મહેનત રહેલી છે અને ઘણીવાર એ મહેનત નિષ્ફળ પણ જતી હોય છે ત્યારે આપણે એ જ વૈજ્ઞાનિકોની ક્ષમતા પર સવાલ ઉભો કરી દેતા હોઈએ છીએ જે ન થવું જોઈએ.

સરકાર પણ એક નિષ્ફળતા બાદ હોંશિયારમાં હોંશિયાર વૈજ્ઞાનિક પર ઇન્ક્વાયરી બેસાડીને એને સાવ અજાણ્યા અને અશક્ય મિશનોમાં બીઝી કરી દે છે તો આપણું મિડિયા પણ કોઇપણ મિશન પહેલા કે તે દરમ્યાન ખૂબ મોટો હાઈપ ઉભો કરીને જાણેકે કોઈ ફિલ્મ જોવા જેવું સરળ હોય એવી હાલત એ મિશનની કરી દેતા હોય છે.

મિશન મંગલ એ દેશભક્તિની ફિલ્મ જરૂર છે પરંતુ અહીં દેશભક્તિ પડદા પાછળ છે અને ફ્રન્ટ રોમાં ભારતનું અવકાશ વિજ્ઞાન અને અવકાશ વૈજ્ઞાનિકોની મહેનત અને લગન છે જેને જોવા અને સરળ ભાષામાં સમજવા માટે આ ફિલ્મને જોવી અત્યંત જરૂરી છે!

૧૭ ઓગસ્ટ ૨૦૧૯, શનિવાર

અમદાવાદ