Premni anokhi dastan - 6 in Gujarati Love Stories by HINA DASA books and stories PDF | પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 6

Featured Books
Categories
Share

પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 6

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકા પાસે લગ્નનોં પ્રસ્તાવ મૂકે છે ગિરિકા ના પાડે છે હવે આગળ....)

બે ઘડી શ્વાસ લઈ ગિરિકા ફરી બોલી,

" અર્ણવ, તારા વિનાનું જીવન હું કલ્પી પણ ન શકું હવે, તો પણ આ કલ્પનાને આપણે સાકાર કરવાની છે. પ્રેમ એટલે પામવું જ નહીં. સાથે રહીશું તો આપણો પ્રેમ એક દિવસ ખતમ થઈ જશે, હું તો અનંત પ્રેમને જીવવા માંગુ છું. તું શ્વાસ લે ને હું ધબકાર ભણું એવો પ્રેમ. માધ્યમ કદાચ કોઈ નહિ હોય આપણી વચ્ચે તો પણ આપણે જીવીશું એકબીજા માટે. તારી ને મારી દુનિયા અલગ છે, હું ધૂળનું ફૂલ છું ને તું શોકેશ નો તાજ. અમુક સમય કદાચ આપણે સાથે રહી એકબીજાને અનુકૂળ થઈ જઈશુ. પણ આજીવન એ શક્ય નહિ બને, આપણા લક્ષ્ય અલગ છે, શોખ અલગ છે, આપણે બંને અલગ છીએ. ને છતાં આપણે એકબીજામાં ધબકતા રહેવું છે.

એક દિવસ હું બધું છોડી જઈશ,
તને, તારી યાદો, તારી વાતો બધું...
હા એ દિવસે હું ખુદને પણ ખોઈ દઈશ,
હું.. ના ના હું તો છું જ ક્યાં, તારું બધું...
એક દિવસ આ અસ્તિત્વ છોડી દઈશ,
સહસ્તિત્વ, સહકાર ને સમન્વય બધું...
એ દિવસ હું, હું મટી જઈશ,
તોય છોડી જઈશ, બસ એમ જ બધું...."

ગિરિકા શાંત, પણ મક્કમ રીતે અર્ણવને સમજાવતી હતી. અર્ણવની આંખોમાં ઝળહળીયા હતા. અત્યાર સુધી બાંધેલા બંધ છૂટી ગયો, અર્ણવ હવે બોલ્યો,

"ગિરુ આ તે કેવો પ્રેમ, કદાચ ભવિષ્યમાં આપણે સાથે ન પણ હોઈએ, કે આપણે મેળ ન આવે એવી શક્યતા માટે તું મને અત્યારે સાથ આપવા નથી માંગતી. આ હવે તારી જીદ છે, તને શું મારા પર ભરોસો નથી. માન્યું કે હું પુરુષ છું, તારા જેટલો લાગણીશીલ ન પણ હોવ, પણ જ્યારે પુરુષ પ્રેમ કરે ત્યારે પોતાનું અસ્તિત્વ ભૂલીને કરે છે. સ્ત્રીઓની જેમ એને કદાચ અભિવ્યક્ત કરતા ન આવડે પણ ખુદને ખોઈને એ બધી હદો તોડીને પ્રેમ કરે છે. હું પણ તને એવો જ પ્રેમ કરું છું. જો આપણે બંને સહમત છીએ તો એક થવામાં વાંધો શું છે, ને દુનિયામાં દરેક વ્યક્તિ બીજીથી ભિન્ન જ હોય છે, આ તારું કારણ મને યોગ્ય નથી લાગતું. હું તારા વગર જીવી શકું એમ નથી શુ આ કારણ તારા માટે પૂરતું નથી ? ગિરુ પ્લીઝ હું તને હાથ જોડું મને આમ ન તડપાવ. હા કહી દે, તારા વિના મારું કોઈ જ નથી. "

અર્ણવ ઘૂંટણીયાભેર પડી ગિરિકા પાસે રડમસ થઈ ગયો. ગિરિકા અર્ણવ સાથે રડવા લાગી. બંને એકબીજાને ભેટી ખૂબ રડ્યા. એકબીજાનો પ્રથમ સ્પર્શ અલૌકિક લાગ્યો, બંને વહેતા ગયા ને રુહાની સ્પર્શ અનુભવતા રહ્યા, હવે શબ્દોની કશે જરૂર ન હતી, સ્પર્શની લિપીએ બધું વહાવી દીધું, બધી ફરિયાદો, બધી શક્યતાઓ બધું જ.....

સવાર થઈ એટલે ગિરિકા ફરી જવા માટે તૈયાર થઈ. પૂર્ણ સ્ત્રી બન્યાનો પરિતોષ એના મુખ પર દેખાતો હતો. અર્ણવ બસ એને નિહાળતો હતો. બંને વચ્ચે ફરી કોઈ વાતચીત ન હતી થઈ. મૌનની આપ લે તોડતા અર્ણવ બોલ્યો,

" ગિરુ ફરી આવીશ ને ?"

ગિરિકા બોલી, "હા, પણ ક્યારે એ નહિ પૂછતો.."

ને ફરી એ જ આહલાદક મૌન. બંને ફરી મળવાના ન હોય એમ એકબીજાને ભેટી પડ્યા. પ્રેમનું સ્થૂળ સ્વરૂપ કદાચ હશે તો આ બંને જેવું જ હશે. આજે બંને પ્રેમને સાર્થક બનાવવા મક્કમ થઈ રહ્યા હતા. એક નવી દાસ્તાન સાર્થક કરી રહ્યા હતા. સાથે રહેવું, રોજ પ્રેમ વ્યક્ત કરવો બહુ સહેલો છે પણ કહ્યા કે સાંભળ્યા વગર પણ પ્રેમમાં ઓટ નહિ આવે એવો સઁકલ્પ કરવો બહુ અઘરો છે. ને એવો સંકલ્પ આ બંને મનોમન કરી રહ્યા હતા.

ગિરિકા પાછળ જોયા વગર જ નીકળી ગઈ, એને ખબર હતી કે જો એ પાછળ જોશે તો એના માટે જવું અશક્ય થઈ પડશે. અર્ણવ પણ હવે મજબૂત બની ગયો. એક અહેસાસના સહારે એ જીવવા માટે તૈયાર થઈ ગયો. હવે મળવું, સાથે રહેવું એ બાબતો એના માટે ગૌણ હતી. ગિરિકાને એ જતી જોઈ રહ્યો.

બંને પોતપોતાની દુનિયામાં પરોવાઈ ગયા. પત્રોની આપ લે તો હતી જ પણ હવે આ પ્રેમ એક અલગ ઉંચાઈએ જઈ બેઠો હતો, જ્યાં આવી કોઈ પણ પ્રકારની ભૌતિકતાનું કોઈ જ મહત્વ ન હતું.

આમ ને આમ સમય સરતો ગયો. ગિરિકા ને અર્ણવ વચ્ચે પત્રવ્યવહાર ઓછો થતો ગયો. પણ પ્રેમ તો અકબંધ જ રહ્યો. બંને સફળતાનાં સોપાનો સર કરતા ગયા.

વર્ષો વીતતા ચાલ્યા, ગિરિકા તરફથી દુરી વધતી ચાલી, પત્રો બંધ થયા. અર્ણવ એના સંગીતમાં વ્યસ્ત રહેવા લાગ્યો, અનેક પુરસ્કારો, સન્માનો, સતત વાહવાહી વચ્ચે અર્ણવ ગિરિકાને શોધતો. પણ ગિરિકાના કોઈ સમાચાર મળતા ન હતા. એના ગામ જઈ અર્ણવ પૂછી આવ્યો, પણ કોઈને ખબર ન હતી ગિરિકા ક્યાં ગઈ એ.. એની મા પણ મૃત્યુ પામી હતી એટલે હવે ગિરિકા એકલી પડી ગઈ એ વાત જાણી અર્ણવની ચિંતા વધવા લાગી.

અર્ણવ જીવનના એ પડાવ પર આવ્યો કે હવે એને વાહવાહી, પુરસ્કારો બધું કઈ જ મહત્વનું ન હતું લાગતું. એ બસ એક પ્રેમને સહારે જીવતો હતો.

પ્રેમપૂર્ણ થવા કોઈ પર આધારિત થવું પડે તો એ પ્રેમ નથી, એકાંતમાં પણ તમે પ્રેમપૂર્ણ હોવ તો તમે પ્રેમને લાયક છો, બાકી તો તમે કોઈ વ્યક્તિ પર આધારિત છો, એ વ્યક્તિ ન હોય ત્યારે તમે બીજુ વ્યક્તિત્વ હોવ તો તમારો પ્રેમ નહીં સ્વાર્થ છે. તમને જો ગુસ્સો ગમે તે વ્યક્તિ પર આવી શકે, એમ પ્રેમ પણ બધા પર આવે ત્યારે તમે પ્રેમ આત્મસાત કર્યો ગણાય, પ્રેમી એટલે સંપૂર્ણ રીતે પ્રેમ દર્શાવે તે, તમને કોઈ માટે નફરત ન રહે ત્યારે પ્રેમ અંદર ઉતર્યો છે એમ માનજો. બસ આવો જ પ્રેમ અર્ણવે કર્યો હતો. હવે એ અલૌકિક પ્રેમની અનુભૂતિ કરતો.

આખો દિવસ એ કામ પર જ રહેતો, પણ રોજ સાંજે એ એની આત્માને સંતોષ થાય એ કામ કરતો, એક ટ્રસ્ટની શાળામાં શિક્ષક તરીકે જતો કે જ્યાં અનાથ બાળકો ભણવા આવતા. ને આ કરવાનું કારણ હતું માત્ર ને માત્ર ગિરિકા. ગિરિકાનું સ્વપ્ન હતું કે એ આવા બાળકોને ભણાવે. ને આ કેવી પ્રેમની પરિભાષા હતી કે પ્રિયજન માટે એનું સ્વપ્ન પોતે જીવતો હતો.

રોજ એ આ બાળકો વચ્ચે ખોવાઈ જતો હતો. ને નાનકડી વાગીશા તો રોજ એના ખોળામાં આવી ને બેસતી. વાગીશાને જોઈ એને પોતાની ગિરિકા યાદ આવતી. ને વાગીશાનો અવાજ તો જાણે કોયલ જોઈ લો. કાલીઘેલી ભાષામાં એવું મધમીઠું ગાતી કે અર્ણવ બસ સાંભળ્યા જ કરતો. હવે તો એનો નિત્યક્રમ થઈ ગયો કે રોજ વાગીશાની સાથે રમવું જ જોઈએ. એ પોતાનું પદ, પ્રતિષ્ઠા બધું ભૂલી જતો. બસ ખોવાઈ જતો.

એક દિવસ એણે મનોમન નિર્ણય કર્યો કે આ બાળકો વચ્ચે ભણતી વાગીશાને પોતે ગોદ લઈ લે તો......

(આગળની વાત આવતા ભાગમાં....)

©હિના દાસા