Dhartinu Run - 10 - 4 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 10 - 4

Featured Books
Categories
Share

ધરતીનું ઋણ - 10 - 4

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

ધરતીનું ઋણ

ભાગ - 4

નેવીની બોટ પર થોડીવાર ધુમ્મસ છવાયેલું હતું. બોમ્બ ફૂટતાં બોટ પર વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થતાં. બોટ પર રહેલ સૌ બેભાન થઇ ગયા હતા.

વાતાવરણ ચોખ્ખું થયા બાદ કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ નેવીની બોટ પાસે આવ્યા અને બોટનો કઠોળો પકડીને ઉપર ચડી ગયા.

‘અરે...જુવો તો ખરા બધા મરી ગયા છે...’ આનંદ શર્માએ પૂછ્યું,

‘ના આનંદ...તેઓ ફક્ત બેભાન થયા છે. મારી સિગારેટની અંદર માઇક્રો બોમ્બ હતો. જે ફૂટતાંની સાથે જ વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થયો અને તેની અસરથી આ સૌ બેભાન થઇ ગયા છે...જોયું ને મારી સિગારેટનો કમાલ,’ કદમે કહ્યું.

‘હવે...આનું શું કરશું ? આને આમ ને આમ રહેવા દઇ ને આપણે આપણી બોટથી ભાગી છૂટીએ...’ આદિત્યે કહ્યું.

‘ના...આદિત્ય આ બધાને આપણી સાદી બોટમાં સુવડાવી અને આ પાકિસ્તાન નેવીની બોટ લઇને આપણે ભાગી છૂટીએ આપણે આ લોકોનાં કપડાં પણ ઉતારીને પહેલી લઇએ જેથી પાકિસ્તાનની સરહદમાં આપણને કોઇ જ રોકે નહીં.’ કદમે કહ્યું.

‘વા...કદમ… વા...સરસ આઇડિયા છે. ચાલો હવે ઝડપ કરો.’ પ્રલય બોલ્યો.

ત્યારબાદ સૌએ પાકિસ્તાન આર્મીના કમાન્ડોના કપડાં ઉતારીને પહેરી લીધાં ત્યારબાદ ઇ.આફ્રિદી તથા તે કમાન્ડોના બેભાન દેહને સાદી બોટમાં મૂકી દીધા.

‘ચાલો...હવે જલદી ભાગી છૂટીએ’ પ્રલયે ક્હ્યું.

‘એક મિનિટ...પ્રલય મને તારું ખંજર આપ...’ હાથ લંબાવી ગંભીર અવાજે કદમ બોલ્યો.

‘ખ...ખંજર...? તને હવે શું કરવું છે. ખંજરનું...? તું શું કરવા માંગે છે...? આપણે આ પાપીઓના લોહીથી હાથ નથી રંગવા’ અસમંજસમાં પડેલ પ્રલય બોલ્યો.

‘મને ખંજર આપ...’ કદમ ફરીથી હાથ લંબાવીને ગંભીરતાથી બોલ્યો. તેની આંખોના ડોળામાં લોહી ધસી આવવાથી લાલચોળ દેખાતા હતા.

‘આ લે...’ કમરમાંથી ખંજર કાઢી પ્રલયે કદમને આપ્યું.

ખંજર હાથમાં લઇને કદમ રોશભર્યા ચહેરે ઇ.આફ્રિદીના બેભાન દેહ તરફ વળ્યો.

ત્યારબાદ ખંજરને મજબૂતાથી પકડીને તે નીચે નમ્યો અને ખચ્ચ...કરતાં ખંજર...ઇ.આફ્રિદીની જમણીં આંખમા ખૂંપાવી દીધું.

આંખડો ડોળો તૂટી ગયો. ઇ.આફ્રિદીનો બેભાન દેહ સહેજ તરફડ્યો અને તેની આંખમાંથી લોહીની ધાર ફૂટી અને તેનો ચહેરો લોહીથી ખરડાઇને વિકૃત થઇ ગયો.

‘ઇ.આફ્રિદી...હવે જિંદગીભર મને યાદ રાખીશ...’ આફ્રિદીના લોહીથી ખંરડાયેલા ખંજરને દરિયાના પાણીથી સાફ કરતાં કદમ બોલ્યો.

‘ચાલ કદમ...’ કદમના માથા પર પ્રેમપૂર્વક હાથ ફેરવતાં પ્રલય બોલ્યો. અને સૌ આર્મીના બોટમાં પ્રવેશ્યા.

પ્રલયે બોટનું અન્જિન ઓન કર્યું.

આછી ઘરઘરાટી સાથે બોટનું એન્જિન સ્ટાર્ટ થયું અને પ્રલયે બોટનો લીવર દબાવ્યો.

દરિયાના પાણીને ચીરતી બોટ સ્પીડ સાથે દોડવા લાગી.

‘હલ્લો...હલ્લો...’

‘યસ...પ્રલય...’

‘સર...અમે ભાગી છૂટવામાં કામયાબ થયા છીએ અને થોડા સમયમાં ભારતીય જળસીમામાં પ્રવેશ કરશું, સર...!’

‘કોન્ગ્રેચ્યુલેશન… એવરીબડી પ્રલય...મિશન કામયાબી માટે....’ સામેથી માઇક્રોફોનમાંથી મેજર સોમદત્તનો હર્ષભર્યો અવાજ સંભળાયો.

‘થેન્કયું...સર અત્યારે આપ ક્યાં છો...?’

‘પ્રલય...હું ભુજ (કચ્છ) આવી પહોંચ્યો છુ,અને અહીંથી આર્મીના હેલીકોપ્ટરથી તમને સૌને લેવા માટે આવું છું. મને તમારું લોકેશન બતાવ...’

‘સર...અહીંથી અમને કચ્છની કોટેશ્વર સીમા નજદીક થાય, તેથી અમે કોટેશ્વરની દિશા તરફ જઇ રહ્યા છીએ...સર...કોટેશ્વર સીમાદળને તમે જલદી સૂચના આપો...’

‘પ્રલય...ફક્ત બે મિનિટમાં જ તેમને સંદેશો મળી જશે અને સીમા સુરક્ષાદળની બોટો કોટેશ્વરની જળસીમામાં તમને લેવા સામે આવશે...ઓ...કે...’

‘ઓ...કે… સર… જય હિન્દ...’

‘જય હિન્દ...’

પ્રલયની સ્પીડ બોટ થોડીવારમાં જ ભારતીય જળસીમામાં વિના વિધ્ને પ્રવેશી ગઇ.

‘હોલ્ટ...હોલ્ટ...’ ભારતીય જળસીમા સુરક્ષાદળની લગભગ દસ બોટોએ પ્રલયની બોટને ચાલુ સ્પીડે ઘેરી લીધી. પ્રલયે બોટને એકદમ ધીમી પાડી પછી સ્થિર કરી.

એક સીમા સુરક્ષાદળની બોટ પ્રલયની બોટથી ખૂબ જ નજીક આવી સ્થિર થઇ. તે બોટ પર જળસીમાના વડા ઊભા હતા. જે પ્રલયને ઓળખતા હતાં.

‘કેપ્ટન પ્રલય...’ ભારે અવાજે તેઓ બોલ્યા.

‘યસ સર....’ સેલ્યુટ મારતાં પ્રલય બોલ્યો.

‘પ્રલય...તારો કોડ નંબર બોલ...’ સિક્યુરિટીના નિયમ અનુસાર તેઓ બોલ્યા.

‘સર...101 મિશન...’

‘ઓ...કે...વેલકમ માય બોય...તમને ખૂબ...ખૂબ...અભિનંદન’ પ્રલયની બોટ પર આવી હાથ લંબાવતા જળસીમાના વડા બોલ્યા અને ત્યારબાદ સૌને પોતાની બોટ પર લઇ કોટેશ્વર તરફ રવાના થયા.

મેજર સોમદત્ત ખુલ્લા દરિયાના કિનારા પર આવેલ ભગવાન કોટેશ્વર મહાદેવના દર્શન કરી મંદિરમાંથી બહાર આવ્યો તે જ વખતે ભારતીય નેવીની બોટો કોટેશ્વર કાંઠે પહોંચી.

પ્રલય, કદમ, આદિત્ય અને આનંદ સાથે ભારતીય જળસીમાના વડાએ ધરતી પર પગ મૂક્યો.

મેજર સોમદત્ત દોડ્યા...આંખમાંથી હર્ષનાં આંસુઓ વહી રહ્યાં હતા. પોતાનાં બાળકો સુરક્ષિત પાછાં આવેલા જોઇ તેઓ ખૂબ આનંદમાં આવી ગયાં હતાં. સાથે વર્ષોથી ખોવાયેલ પોતાના સાથી આનંદ શર્માને જોઇ હર્ષઘેલા થઇ તેઓ દોડ્યા.

‘આનંદ...આનંદ… પ્રલય… કદમ… આદિત્ય...’ મેજર સોમદત્તે એક સાથે સૌને બાથમાં સમાવી લીધા.

થોડીવાર પછી સૌને લઇને મેજર સોમદત્ત એરફોર્સના હેલીકોપ્ટરથી ભુજ પહોંચ્યા. ભુજમાં આઇ.જી.સેન ગુપ્તા સાહેબ સૌને લેવા એરફોર્સના એરપોર્ટ પર આવ્યા હતા. સૌને પ્રેમથી ગળે લગાવી તેઓએ અભિનંદન આપ્યાં.

થોડીવારમાં સૌ આઇ.જી. સાહેબની ગાડીમાં બેસી તેઓના ઘરે પહોંચ્યા. આઇ.જી.સાહેબનાં પત્નીએ સૌનું સ્વાગત કર્યું.

લગભગ કલાકમાં સૌ નાહી-ધોઇને ફ્રેશ થયા ત્યારબાદ ચા-નાસ્તો કરી આઇ.જી.સાહેબની ઓફિસ પર આવ્યા.

સુંદર અને સ્વચ્છ ઓફિસમાં અલ્હાદક એરકિંડિશનરની ઠંડક વ્યાપેલી હતી. એકદમ છવાયેલી શાંતિમાં ફક્ત એ.સી. ચાલવાનો આછો અવાજ ગુંજતો હતો.

‘વેલ...આનંદ, હવે બતાવ કે તું પાકિસ્તાન કેવી રીતે પહોંચી ગયો અને કદમ, પ્રલય તમે મિશન કેમ પાર પાડ્યું તે વિગતવાર કહો.’

‘સર...ધરતીકંપના સમયે આપની સાથે હું કચ્છ આવ્યો હતો. તમે કદમને લઇને દિલ્હી ચાલ્યા ગયા. ત્યારબાદ સાથે હું એક સંગદિત આદમી પાછળ પડ્યો હતો. મને લાગતું હતું કે તે ચોક્કસ વિદેશી જાસૂસ છે. અને ધરતીકંપની તબાહીનો લાભ લઇને કચ્છ બોર્ડરની માહિતી એકઠી કરવા આવ્યો છે અને ખાસ તો તે પાકિસ્તાનનો હોય તેવું મને જણાતું હું તેની પાછળ પડી ગયો...’ આંખો બંધ કરી આનંદ શર્મા બોલતો હતો. તેની બંધ આંખોના પટ પર ત્યારનાં ર્દશ્ય ર્દષ્ટિમાન થતાં હતાં. વાત કરતાં-કરતાં તે અતીતમાં ખોવાતો જતો હતો. (આનંદ શર્માની પૂરી દાસ્તાન આગળના ચેપ્ટરમાં આલેખાયેલી હોતાં ફરીથી અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.)

‘આનંદ...તો તે જાસૂસ એટલે કે અનવર હુસેનનું શું થયું...? તે પાકિસ્તાન ચાલ્યો ગયો કે ફરીથી કચ્છ આવ્યો હોય તને કાંઇ તેની વાતો પરથી અનુમાન આવી શકે છે...?’ મેજર સોમદત્ત આનંદ શર્માની વાત પૂરા ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ બોલ્યા...

‘સર...મને માથામાં પથ્થર મારીને તે ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ હું બેભાઇ થઇ ગયો હતો અને પછી તો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પાકિસ્તાનમાં આમદ નામનો એક દયાળુ શખ્સના ઘરમાં હતો અને ત્યાંથી હું કરાંચીની જેલમાં પહોંચી ગયો હતો. એટલે અનવર હુસેનનું શું થયું તે મને ખબર નથી.’

હં...હવે જરા ધ્યાનથી આ વસ્ત્રોને જો, તને લાગે છે કે આ અનવર હુસેનનાં વસ્ત્રો હોઇ શકે...?

‘અરે...હોઇ શકે નહીં...આ અનવર હુસેનનાં કપડાં લાગે છે. જે છેલ્લે અમે ભાગી છૂટ્યા ત્યારે તેણે પહેર્યા હતા. પણ સર દસ-દસ વર્ષના ગાળા પછી હું ચોક્કસપણે કહી પણ નથી શકતો, પણ...સર આ કપડાં ક્યાંથી મળ્યાં હતાં...’

‘આનંદ...તારા ગુમ થઇ ગયા પછી બે-ત્રણ દિવસ બાદ એક માણસ ભુજ રેલવા લાઇન પર એક્સિડન્ટમાં માર્યો ગયો હતો. તેનો પગ રેલવે ક્રોસિંગમાં ફસાઇ ગયો અને ટ્રેન નીચે તે કચડાઇ ગયો હતો. તેણે ભુજમાં એક પાગલ છોકરી જેના ઘરનાં બધાં ધરતીકંપમાં દટાઇને માર્યાં ગયા હતાં અને તે પાગલ છોકરી એક જ જીવતી હતી. તેને તેના ઘરમાંજ મારી નાખી તેના ઘરમાંથી સોનું લૂંટીને ભોગ્યો હતો અને હા, ઘરમાં પડેલ રૂપિયાને તે અડયો પણ ન હતો. તેથી એવું તારવી શકાય છે કે તે ભારતીય ન હતો, કેમ કે ભારતીય કરન્સીની નોટો તેને ઉપયોગમાં આવે તેવી ન હતી અને તેના કપડાં પર પાકિસ્તાનના ટેઇલરનો માર્ક છે. તેથી તે પાકિસ્તાન હોવાનું સાબિત થાય છે.

હવે જો આનંદ તેની ક્ષત-વિક્ષત લાશ પાસે તૂટેલો આ ચાઇના બનાવટનો કેમેરો મળી આવ્યો હતો. તેમાં પાડેલ ફોટાઓ એનલાર્જ કરાવ્યા તો તે ફોટાઓ કચ્છનાં મહત્ત્વના સ્થળો અને ટી.વી. સ્ટેશનમાં છે, જોઇ લે...!’

આનંદે ફોટા હાથમાં લીધા અને નીરખીને જોવા લાગ્યો. તેને અનવર હુસેનની વાત યાદ આવી જ્યારે તે પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેણે કહેલું કે મેં કચ્છનાં મહત્ત્વના સ્થળોના ફોટા લીધાં છે અને સામત્રા ટી.વી. સ્ટેશનનો ફોટો તો તેણે આનંદની હાજરીમાં જ લીધો હતો.

‘સર...આ ચોક્કસ અનવર હુસેન જ હતો. જે પાકિસ્તાનની સંસ્થા આઇ.એસ.આઇ.નો એજન્ટ હતો. તેનું સાચું નામ અલરસીદ હતું. પણ સર જો તે અનવર હુસેન જ હોય તો એણે લૂટેલું તે ડોશીનું સોનું ક્યાં ગયું...?’ આનંદ બોલ્યો.

‘આનંદ સોનું તેની પાસે હતું તે ચોક્કસ છે. પણ તેની પાસેથી કોઇએ પડાવી લીધું હોય અથવા તો તેણે ક્યાંક છુપાવી...’

‘એક મિનિટ...એક મિનિટ સર...’ હાથ ઊંચો કરી મેજર સોમદત્તને બોલતાં વચ્ચેથી અટકાવી ખૂબ જ ઉત્તેજનાપૂર્વક આનંદ બોલ્યો.

‘સર...અમે જ્યારે કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ પસાર કર્યું ત્યારબાદ રણમાં એક મોટું વૃક્ષ હતું અને પહેલાં અમે નક્કી કરતા હતા કે સોનું તે વૃક્ષના થડ પાસે દાટી દેવું કેમ કે તે વૃક્ષ વ્હાઇટ ડેઝર્ટ પૂરું થયા પછી એક માત્ર મોટું વૃક્ષ હતુ. તેથી તે નિશાની યાદ રહી જાય અને સર...કદાચ તે મને મારી ફરીથી કચ્છના રણ તરફ ભાગ્યો હોય અને સોનું તે વૃક્ષ પાસે દાટી દઇ અને કોઇ કારણસર કચ્છ પાછો આવ્યો હોય...સર...મને ચોક્કસ ખાતરી છે કે સોનું ત્યાં જ દટાયેલું પડ્યું હશે...’

‘ઠીક છે, આપણે બે દિવસ પછી કચ્છના રણમાં ત્યાં તપાસ કરીશું...’ સેન ગુપ્તા સાહેબ બોલ્યા.

‘હા, તો પ્રલય હવે તું અને કદમ મિશનની પૂરી વાત વિગત જણાવો...’ મેજર સોમદત્ત બોલ્યો.

‘સાંભળો, સર...’ કહી પ્રલયે શરૂ કર્યું. તેઓ કેવી રીતે કરાંચીની જેલમાં પહોંચ્યા ત્યાંથી કેવી રીતે ભાગી છૂટ્યા અને ભાગી છૂટવા જેલની ગટર અંદર આદિત્ય કેવી રીતે પીરાના માછલીઓનો શિકાર બન્યો, ત્યારબાદ આગળ શું થયો તે એક-એક વિગત પ્રલયે જણાવી ત્યારબાદ કદમે પોતે કેવી રીતે કરાંચી પહોંચ્યો. ત્યાં લેન્ડ ડેવલોપર્સ બની કેવી રીતે સર્વે કર્યું તે ટેક્ષી ડ્રાઇવરે તેને મદદ કરી, જેલમાંથી જ્યારે પ્રલય પલાયન થયો ત્યારે તેમણે બાઇકથી તેનો પીછો કર્યો અનેપુરાણા કિલ્લામાં મુસ્તફાને બચાવવાની કોશિશ કરી પણ તે મોડો પહોંચ્યો અને જેલરે મુસ્તફાને મારી નાખ્યો ત્યારબાદ જેલરને મારી તે ત્યાંથી ભાગ્યો અને તેણે જોયેલું પ્રલયનું તે એક બિલ્ડિગમાંથી બીજી બિલ્ડિંગ પર પાઇપ પર કુશળ ખેલાડીને જેમ ચાલી ભરપૂર સાહસ પછી તેણે પ્રલય વગેરેને કેવી રીતે છોડાવ્યા તે પૂરી વિગત જણાવ્યા બાદ કદમે કહ્યું.

‘સર...હું મારા મિત્ર અને પાકિસ્તાન સ્થિત ‘રો’ના એજન્ટ મુસ્તફાને ન બચાવી શક્યો. સર...મને મદદ કરનાર ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું...સર...આ બંનેનું બલિદાન હું ક્યારેય નહીં ભૂલી શકું...અને સર...મેં ઇ.આફ્રિદીની જમણી આંખ છેલ્લે ભાગી છૂટતી વખતે ફોડી નાખી જેથી તે મને જિંદગીભર યાદ કરતો રહે...સર...મારા બે પ્યારા દોસ્તોને મેં ગુમાવ્યા...’ દુખી અવાજે કદમ બોલ્યો.

એક લાંબો શ્વાસ લઇ તે આગળ બોલ્યો.

‘સર...આ કચ્છની ધરતી મારી જન્મભૂમિ છે. સર...મારી માતા છે. સર...આનંદે મારી માતાના દુશ્મનોને પકડવા માટે કેટલાય વર્ષો કરાંચીની જેલમાં યાતના ભોગવી સર...આ બધું મારા કારણે થયું હતું. તમે મને લઇને દિલ્હી ચાલ્યા ગયા મારી જિંદગી માટે, સર...અને તેનું માઠું પરિણામ આ આનંદ શર્માને ભોગવવુ પડ્યું. કદાચ તમે તેની સાથે હોત તો તેની હાલત ન થાત...’

‘સર...હું પાકિસ્તાન એટલે જ ગયો હતો. મારી આ ધરતીમાનુ ઋણ મારે અદા કરવું હતું, સર...જુવો હું આનંદને પાછો કચ્છ લઇ આવ્યો છું, સર...મેં મારી માતનું મારી ધરતી માતાનું ઋણ મેં અદા કર્યું છે. સર...’

આટલુ બોલી, કદમ ચુપ થઇ ગયો. તેની બંને આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. તે આંસુના બે બુંદ ધરતી પર પડ્યા.

વાતાવરણ એકદમ પુલકિત થઇ ગયું હતું, કદમની વાત સાંભળી સૌ કદમ તરફ એક અનેરી લાગણી સાથે જોઇ રહ્યા હતા. મેજર સોમદત્ત પોતના આ બાળકના માથા પર પ્રેમપૂર્વક હાથ સંવારતા રહ્યા.

અને જાણે...ધરતીમાંથી અવાજ ઊઠી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

મા ધરતી, કચ્છની ધરા જાણે કહી રહી હોય... ‘બેટા’ કદમ...તેં મારું ઋણ અદા કર્યું છે...

બીજે જ દિવસે ખુદ મેજર સોમદત્ત અને સેન ગુપ્તા સાહેબ આનંદની સાથે કચ્છના રણમાં ગયા.. તેઓ આખો દિવસ કચ્છના વ્હાઇટ ડેઝર્ટમાં ફર્યા, છેવટે તેઓ આનંદ શર્માએ બતાવેલ તે વૃક્ષ પાસે પહોંચ્યા. સેન ગુપ્તા સાહેબના કહેવાથી સાથે આવેલ તેમના માણસોએ તે વૃક્ષની આજુબાજુ ખોદકામ કર્યુ હતું.

અને આનંદ શર્માની વાત સાચી પડી. થોડીવારમાં જ તે ડોશીનો ખજાનો ત્યાં દાટેલો મળી આવ્યો. આનંદ શર્માના હર્ષનો પાર ન રહ્યો. મોડી સાંજે સૌ ભુજ પરત ફર્યા.

ટન… ટન… ટન... તે બંગલમાં ચારે તરફ બેલનો અવાજ ગુંજી ઊઠ્યો.

‘અરે...મોહનભાઇ જરા જુઓ તો કોણ આવ્યું છે...?’ રઘુનાથ શેઠે મોહન નામના પોતના માણસને કહ્યું.

‘હા, શેઠ...’ કહી મોહન દરવાજા પાસે આવ્યો અને દરવાજો ખોલ્યો, તેની સામે એક શખ્સ ઊભો હતો. બ્લેક કલરનાં તેમણે કપડાં પહેર્યા હતા. આંખો પર ગોગલ્સ ચશ્માં ચડાવેલાં હતાં અને હાથમાં એક મોટી સુટકેશ હતી.

‘કોણ છો, ભાઇ...?’ મોહન અજાણ્યા શખ્સ સામે જોઇ પૂછ્યુ.

‘મારે રઘુને મળવું છે...?’ તે શખ્સ બોલ્યો.

‘રઘુને...? ભાઇ અહીં રઘુનાથ શેઠ રહે છે, બાકી રઘુ...’

‘હા...હા.. તે જ રઘુનાઠ શેઠને મળવું છે..’ તે શખ્સ મોહનની વાત વચ્ચેથી કાપી નાખી.

‘આવો...અંદર આવો...’ દરવાજાને પૂરો ખોલતાં મોહન બોલ્યો.

‘કોણ છે...? મોહનભાઇ...’

‘સાહેબ...આપને કોઇ મળવા આવ્યું છે...’

‘ઠીક છે, તેને દીવાનખંડમાં બેસાડ અને ચાની વ્યવસ્થા કર હું જોઉં છું, કોણ છે,’ કહેતાં રઘુનાથ શેઠ ઊભા થયા, અને દીવાનખંડમાં આવ્યા.

‘આપ...આપ...કોણ છો...? તે અજાણ્યા શખ્સને નીરખી-નીરખી જોતાં રઘુનાથ શેઠ બોલ્યાં.

‘અરે...રઘુ મને ન ઓળખ્યો...? હું તમારો ચોથો પાર્ટનર.’

‘ચોથો પાર્ટનર...? અરે...તું...તું...હરામખોર તું જ તે ડોશીનું સોનું લઇને ફરાર થઇ ગયો હતો ને...? બહાર નીકળ...બહાર નીકળ...સુવર ક્યારેય અહીં પગ દેતો નહીં...નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશ...’ રઘુનાથ શેઠે તે અજાણ્યા શખ્સનું બાવડું પકડી બહારની તરફ ધક્કો મારતાં ગુસ્સાથી ચિલ્લાયા.

‘રઘુ...પ્લીઝ...પહેલા મારી વાત સાંભળી લે, પછી હું પોતે ચાલ્યો જઇશ...ક્યારેય તને મોં નહીં બતાવું.’

‘ઠીક છે...કહી દે જે કહેવું હોય તે, તને પૈસા જોતા હોય તોય બોલી દે...પછી ક્યારેય અહીં ન આવતો.’

‘રઘુ...દોસ્ત...હું અહીં કાઇ લેવા માટે નહિ પણ દેવા માટે આવ્યો છું, આ જો આ સુટકેશમાં તે ડોશીનું સોનું છે, ડોશીની તે અમાનત હું પાછી સોપવા માટે આવ્યો છું.’

‘તું...તું...આટલા વર્ષો પછી ડોશીનું સોનું પાછું આપવા માટે આવ્યો છે...?’ રઘુનાથનું મોં આશ્ચર્યથી પહોળું થઇ ગયું.

‘હા..રઘુ અને સાંભળ હું કોઇ ચોર ન હતો. હું સી.બી.આઇ. નો એક એજન્ટ આનંદ શર્મા છું. અને અનવર હુસેન પર મને શક હતો કે તે પાકિસ્તાનનો જાસૂસ છે. એટલે તેની પાછળ પડી ગયો હતો અને તમારા ચક્કરમાં સામેલ થઇ દસ વર્ષ કરાંચીની જેલમાં હવા ખાઇને પાછો આવ્યો છે.’

‘શું તું કરાંચીની જેલમા હતો, આટલા વર્ષ...?’ રઘુનાથે આશ્ચર્યની સાથે પૂછ્યું. તેના માટે તો એક પછી એક આશ્ચર્યના બોમ્બ ફૂટતા હતા.

‘એ બધી મોટી વાત છે. હું તને નિરાંતે જણાવીશ. પણ પહેલાં મને ડોશી પાસે લઇ ચાલ, અને હા મિરાદ ક્યાં છે.

‘મીરાદ તો હમણાં જ આવશે, પણ દોસ્ત માજી પોતાનું સોનું લેવા નહીં આવે. તું એક વરસ મોડો પડ્યો છે. ગયા વરસે માજીનાં સો વર્ષ પૂરાં થઇ ગયાં.’

‘ઓ માયગોડ...પરમ દયાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે. માજીને તો મુક્તિ મળી ગઇ પણ મારું બંધન બાકી રહી ગયું.’

‘આનંદ...તું ચિંતા ન કર માજી મરતાં પહેલાં થોડા પૈસા રાખી ગયા છે. અને તેઓ કહેતા કે જો મારં સોનું મને પાછું મળે તો તેમાંથી હું હોસ્પિટલ બનાવીશ, એટલે આનંદ તેમના ખજાનામાંથી આપણે એક સારી હોસ્પિટલ બનાવશું, એટલે તે માજીના ઋણના બંધનમાંથી આપણે સૌ મુક્ત થઇ જઇએ...હવે તારી કહાની બતાવ… અને હા… તારે આજ અમારે ત્યાં જ રોકાવાનું છે. આજ આપણે સાથે બેસી ભોજન લેશુ.’

‘રઘુ...મીરાદને આવવા દે...આપણે સાથે ભોજન લેશું, પછી નિરાંતે બેસીને તમને બેને પૂરી કહાની બતાવીશ, અને હા, અનવર હુસેન મૃત્યુ પામ્યો છે.’ એક સિગારેટ સળગાવતાં આનંદ બોલ્યો.

‘સારું થયું...ધરતી પરનો એક બોજ હળવો થયો.’

થોડીવાર પછી મીરાદ આવ્યો, પહેલાં તો તે પણ આનંદ શર્મા પર ક્રોધે ભરાયો પણ જ્યારે આખી વાતની સમજ પડી ત્યારે તે આદરભરી નજરે આનંદ સામે જોઇ રહ્યો. રાત પડી.

સૌએ સાથે બેસીને ભોજન કર્યું, ત્યારબાદ આનંદ શર્માએ પહેલેથી છેલ્લે સુધીની પૂરી સ્ટોરી કહી સંભળાવી. ત્રણે મિત્રો મોડીરાત સુધી વાતો કરતા રહ્યા,અને સિગારેટો ફૂંકતા રહ્યા, મીરાદે પણ પોતાની તથા રઘુની કહાની સંભળાવી, તેઓએ કેવી રીતે ડોશીને ઘરે લઇ ગયા. પોતાની સાથે રાખી ત્યારબાદ બંનેએ જાકુબીના ધંધા છોડી જમીનની દલાલી શરૂ કરી અને કમાણી કર્યા બાદ લેન્ડ ડેવસોપર્સ બની ગયા.

બાર મહિના બાદ મેજર સોમદત્ત, આદિત્ય, પ્રલય, આનંદ શર્મા અને કદમ સાથે ફરીથી કચ્છમાં પધાર્યા. તે ડોશીની મિલકતમાંથી અંજારમાં એક ટ્રસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને મેજર સોમદત્તના હાથે તેનું ઓપનિગં કરવાનું હતું.

મજેર સોમદત્તે જ્યારે રિબીન કાપી ઓપનિગ કર્યું ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે વાતાવરણ એકદમ પુલકિત બની ગયું. જાણે દેવલોકથી તે ડોશીમાનો આત્મા આર્શીવાદ આપતાં કહેતો હોય ‘‘બેટા, તેં ધરતીમાતાનું ઋણ અદા કર્યું છે.’’

સમાપ્ત