Dhartinu Run - 8 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 8 - 1

Featured Books
Categories
Share

ધરતીનું ઋણ - 8 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

અલવિદા દોસ્ત

ભાગ - 1

જેલમાં ધમા-ધમી મચી ગઇ હતી. જેલરની રાડા-રાડ સાથે સાયરનનો તીવ્ર અવાજ ચારે દિશામાં ગુંજતો હતો. કેદીઓ છટકી ગયા હોવાથી જેલર ગુસ્સાથી લાલ-પીળો થઇ ગયો હતો. ગુસ્સાથી તેની આંખોના ડોળા લાલ-ચોળ અને ભયાનક બની ગયા હતા.

ગટરની ચેમ્બર્સના દરવાજા ખોલવામાં આવ્યા પણ ત્યાં સુધી કેદીઓ ઘણા આગળ વધી ગયા હતા. જેલરને ખબર હતી કે તે લોકો હવે ક્યાંથી બહાર નીકળી શકે.

‘ચાલો...જલદી ગાડીઓ બહાર કાઢો. મારી સાથે દશ સિપાઇઓ ચાલો અને મહેમુદ તું જેલમાં મચેલી ધમાલ સંભાળ અને તે જે ચાર જણા ઝઘડતા હતા તેને મારી-મારીને ધોઇ નાખી બરાબર તેની રિમાન્ડ લેજે.’ આવેલી તેની જીપ્સીમાં બેસંતા જેલરે આદેશ આપ્યો.

ત્યારબાદ બે જીપ્સી સાથે જેલર કેદીઓને પકડવા માટે જેલની બહારની તરફ ભાગ્યો.

મુસ્તફાની ગાડી રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી જેમ ભયાનક વેગ સાથે કરાંચીના મેઇન હાઇવે લીઆરી એક્સપ્રેસ પર દોડતી હતી. બપોરનો ટાઇમ થયો હોવાથી હાઇવે પર બંદરનો ટ્રાફિક નહીંવત હતો.

વાઉ...વાઉ...વાઉ...સાયરન વગાડતી સામેની જેલના બે ગાડીઓ આવતી જોઇ મુસ્તફા પળભર માટે ખચકાયો પછી તેની પરવાહ કર્યા વગર ફરીથી લીવર દબાવ્યું.

‘થોભો...થોભો...’ અચાનક જેલર ચિલ્લાયો.

ચી...ઇઇઇઇ...બ્રેક લગતાં ગાડીના ટાયર અવાજ સાથે ડામરના રોડ સાથે ચિચાયારી કરતાં ઘસડાયા.

‘ગાડી વાળો...જલદી...આ કાળી ટોયેટોનો પીછો કરો...ચિલ્લાતાં જેલર બોલ્યો. સામે આવેલ મુસ્તફાએ ગાડી ખચકાઇ અને ધીમી પડ્યા બાદ તરત સ્પીડમાં આવેલી તે હિલચાલ જેલરની નજર ચડી ગઇ હતી. વળી ગાડીના વિન્ડ સ્ક્રીનમાં ખુલ્લા બદને બેઠેલા પ્રલયને પણ તેણે જોયો.

ઝડપથી ગાડીને યુ ટર્ન લઇ ડ્રાઇવરે ટોયેટા ગાડીનો પીછો શરૂ કર્યો.

મુસ્તફાએ પાછળ ધસી આવતી જેલની ગાડીઓને બેકવ્યુ મિરરમા જોઇ તેણ હોઠ ભીંસ્યા. એની આંખો શિકારી વરુની જેમ ચમકવા લાગી, ચહેરો ખેંચાઇને પથ્થર જેવો બની ગયો. તેણે સ્પીડ વધારવા પગને એક્સીલેટર પર જોરથી દબાવ્યો. અને પછી દબાવતો જ ગયો. ગાડીની ગતિ એંસીથી નેવું અને પછી સો, એક સો દસ, એકસો વીસ, એમ ક્રમશ: સ્પીડ વધતી ગઇ. તેની નજર બેકવ્યુ મિરર પર સાવચેતી પૂર્વક જડાયેલી હતી. કરાંચીના ફોર-વે હાઇવે પર ગાડી માખણની જેમ ચાલતી હતી. પાછળની સીટમાં સૂતેલા આદિત્યના ઘામાં નીકળતું લોહી અટકાવવા આનંદે એક કાપડનો મોટો ટુકડો હાથેથી દબાવી રાખ્યો હતો.

જલદી ભગાવ...સાલ્લા હરામખોરો હાથમાંથી ન છટકવા જોઇએ. જીપ્સીમા આગળના દરવાજા પાસે અધ્ધર બેઠેલા જેલર જોર-જોરથી ચિલ્લાતો હતો. એક હાથે તેણે આગળ લોખંડનો પાઇપ પકડ્યો હતો અને બીજા હાથમાં તેની રિવોલ્વર ચમકતી હતી.

સહસા ધડામ...ધડામ...અવાજ સાથે ગરમા-ગરમ બે ગોળી ભયાનક અવાજ સાથે છૂટી અને મુસ્તફાની ગાડીની બાજુમાંથી પસાર થઇ ગઇ. ક્રોધથી પ્રલયનાં ભવાં સંકોચાયા.

‘સાલ્લા હરામખોરો આપણી ગાડી પર ગોળીબાર કરી રહ્યા છે.’ ક્રોધથી હાથ પછાડતાં પ્રલય બોલ્યો.

ધાંય...ધાંય...ધડામ ફરીથી પાછળથી ગોળીબાર થયો અને એક ગોળી ટોયેટોના પાછળના ગ્લાસમાં લાગી.

ધુમ્મ...અવાજ સાથે પાછળના ગ્લાસના ભુક્કા થઇ ગયા.

હરામખોરો...સાઇડ ગ્લાસ ઉતારતા પ્રલયે પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર ખેંચી કાઢી અને આગળના દરવાજાના ખોલેલા ગ્લાસમાંથી તેણે માથું બહાર કાઢ્યું.

ધાંય...ધાંય...અચાનક બે ગોળીઓ તેના માથા પરથી પસાર થઇ ગઇ. પ્રલયે એક ઝાટકા સાથે પોતાનું માથું અંદર ખેંચી લીધું. ત્યારબાદ તરત જ ઝડપથી તેણે પોતાના હાથ અને માથાના ભાગને બહાર કાઢ્યો અને પાછળ આવતી ગાડી પર બે ફાયર કર્યાં.

ધડામ...ધડામ...પ્રલયે છોડેલી ગોળીઓ પાછળ આવતી જીપ્સીના બોનેટ સાથે ટકરાઇ.

આગળ વસ્તીવાળો ઇલાકો શરૂ થતો હોવાથી સડક પર ગાડીઓના ટ્રાફિકનું પ્રમાણે વધારે હતું.

‘પ્રલય...સાંભળ થોડે દૂર મારી બીજી ગાડી તૈયાર પડી છે. ગાડીની ચાવી પણ ઇગ્નીસમાં લટકે છે, આગળ ટ્રાફિક ઘણો છે. તે ગાડી પાસે હું ગાડી એક ક્ષણ માટે થોભાવું છું. તમે ફટાફટ નીચે ઊતરીને તે ગાડીમાં ઘૂસી જજો. ટ્રાફિક ઘણો હોવાથી પાછળ આવતી જીપમાં કોઇને ખ્યાલ નહીં આવે કે તમે ગાડીમાંથી ઊતરી રહ્યા છે. ત્યારબાદ હું તેઓને ચકડોળે ચડાવવા માટે ગાડીને રાઇટ તરફ અને તેઓને ચકમા દઇને તમારી પાસે આવી જઇશ. તમારે બે કિલોમીટર દૂર આગળ આવેલ અવારી ટાવર્સ નામની બિલ્ડિંગમા પહોંચવાનું છે. ત્યાં દસમાં માળે મારો ફલેટ છે. તેમાં છુપાઇ જજો, મારા ફ્લેટ પર ડ્રેસિંગનો સામાન, દવા, ગોળી, ટ્રેટાનુશનું ઇંન્જેકશન બધું તૈયાર પડયું છે. બરાબરને...હવે ઝડપ કરો. તે ગાડીથી આપણે નજીક આવી ગયા છીએ...’ ઉતાવળા અવાજે મુસ્તફા બોલ્યો.

ટોયેટો ગાડી હજી પણ ખૂબ જ રફતારથી ભાગી રહી હતી. તેની પાછળ જેલર ક્રોધથી ધૂંવાંપૂંવા થતો જેલની બે ગાડીઓ સાથે પીછો કરી રહ્યો હતો અને જેલની બે ગાડીઓ પાછળ એક કાળા વેશમાં પરાધીન થયેલ મોટરબાઇક પર સવાર થઇ. એક યુવાન પણ સૌનો પીછો કરતો આવી રહ્યો હતો. કાળાં કપડાં, માથા પર હેલ્મેટ, કાળા ગ્લોઝ અને ઘૂંટણ સુધીના પહેરેલા ચામડાના બૂટમાં તે પરાધીન હતો.

‘જો...જો...ટ્રાફિકમાં ગાડી છટકી જવી ન જોઇએ.’ ડ્રાઇવર સામે જોઇ જેલર ઊંચા અવાજે બોલ્યો.

મુસ્તફા આગળની ગાડીઓને ઓવરટેક કરતો ગાડીઓની લાઇનમાં પોતાની ગાડીને ઘુસાડતો ઝડપથી સ્ટીયરિંગને આમથી તેમ ફેરવતો ગાડી દોડાવતો હતો. થોડા આગળ જતાં જ આમીર હસીમ રજા હાઉસનું મોટું સર્કલ આવતું હતું અને તે સર્કલથી જ મુસ્તફાને પુરાણા કિલ્લા તરફ આગળ વળવાનું હતું અને તે સર્કલ પાસે મુસ્તફાની બીજી ગાડી પડી હતી, જેમાં પ્રલયે બધા સાથે છટકવાનું હતું.

મુસ્તફાની ગાર્ડ સર્કલ પાસે પહોંચી તે જ સમયે સર્કલ પર લગાડેલી સિગ્નલ લાઇટોમાં લાલ લાઇટ ચમકવા લાગી. ઉત્તરથી દક્ષિણ તરફ રેડ લાઇટ શરૂ થઇ અને પશ્ચિમથી પૂર્વ તરફ ગ્રીન લાઇટ ચાલુ થઇ.

મુસ્તફાનાં જડબાં ભીંસાઇ ગયા. જો તેની ગાડી અટકી જાય તો તરત તેઓ પાછળ આવતા જેલર અને સિપાઇઓના હાથે પકડાઇ જાય.

‘પ્રલય, તમે જલદી ઊતરી જવા માટે તૈયાર રહો. આપણી પાસે હવે બે મિનિટનો જ સમય છે.’ કહેતાંની સાથે તેણ રેડ સિગ્નલની દરકાર કર્યા વગર ગાડીને સર્કલ તરફ ઘુસાડી દીધી.

સ્પીડમાં દોડી રહેલી ગાડીને મુસ્તફાએ એકાએક રાઇટ તરફ ટર્ન માર્યો. ગાડી ડ્રાઇવર સાઇડ ત્રાંસી થઇ પછી પૂર્વ તરફના રસ્તા તરફ વળી કે તરત મુસ્તફા ચિલ્લાયો.

‘પ્રલય...જલદી ઊતરી જાવ, જુઓ સામે ગ્રીન કલરની વેગનઆર પડી છે, તેમાં ભાગો.’

અને પ્રલય, આનંદ અને આદિત્ય એક જ ઝાટકે ગાડીની બહાર કૂદી પડ્યા અને નીચા નમીને સામે પડેલી વેગન-આર તરફ દોડ્યા.

મુસ્તફાએ ફરીથી એક્સીલેટર દબાવ્યું અને એક ઝાટકા સાથે તેની ગાડી આગળ ધસી ગઇ.

‘સાલ્લાએ જમણી તરફ ભાગે છે...’ ગુસ્સાથી હાથ પછાડતાં જેલર બોલ્યો, અને પછી ટ્રાફિક સિગ્નલની પરવા કર્યા વગર ગાડીને આગળ ધપાવવા તેણે આદેશ આપ્યો.

જેલરની ગાડી ટ્રાફિકમાંથી પસાર થઇ સર્કલ પાસે આવી ત્યાં સુધીમાં પ્રલય, આદિત્ય અને આનંદ ટોયેટો ગાડીમાંથી ઊતરી અને સામે પડેલી વેગનઆરમાં ઘૂસી ગયા હતા અને મુસ્તફાની ગાડી રાઇટ સાઇડ ટર્ન લઇ આગળ વધી ચૂકી હતી.

પાછળ આવતા બાઇક સવારને પણ તેનો ખ્યાલ આવ્યો ન હતો.

ગાડીને રાઇટ સાઇડ ટર્ન લઇ આગળ જતી જોઇ જેલર બોલ્યો, ‘એ જાય તે ગાડી, જલ્દી તેનો પીછો કરો.’

ત્યારબાદ મુસ્તફાની ગાડી અને જેલરની ગાડીની રેસ શરૂ થઇ. મેઇન હાઇવે મૂકીને મુસ્તફાએ એક સિંગલ પટ્ટી રોડ પર ગાડીને આગળ પૂરપાટ ઝડપે દોડાવી મૂકી. તેની પાછળ જેલરની ગાડી અને તેની પાછળ બાઇક સવાર પૂરપાટ વેગે આવી રહ્યા હતાં.

બે કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી આગળ પર્વતીય વિસ્તાર શરૂ થયો. આ વિસ્તાર બેહદ ભયંકર અને જીવલેણ હતો. ઠેર-ઠેર ઊંચી નીચી સડક તથા ખતરનાક વળાંક પર વળાંકો આવતા હતા. વાંકીચૂકી તે સડક પર જિંદગી અને મોત વચ્ચે થોડું જ અંતર હતું, મુસ્તફા હવે બેફિકરાઇથી કારને દોડાવતો હતો. સામેથી આવતાં એકલ-દોકલ વાહનો સાથે ટકરાઇ ન જવાય તેની પૂરી સાવચેતી તેને રાખવી પડતી હતી. સડક એકદમ સાંકડી હતી. સામેથી કોઇ વાહન આવતું ત્યારે બંને વાહનો વચ્ચે માંડ ચાર-પાંચ ઇંચનું અંતર રહેતું હતું અને એક તરફ ઊંડી ખાઇઓ હતી, ભય અને દહેશતથી હ્રદય ધડકી ઊઠે એટલી ઝડપથી બંને ગાડીઓ આગળ-પાછળ દોડતી હતી

મુસ્તફાની ગાડીના બેકવ્યુ મિરરમાં પાછલી ગાડીનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે ચમકતું હતું. વળાંકો ભયાનક હતાં. બે-ચાર મિનિટે ભયાનક વળાંકો આવતા હતા. મુસ્તફાની ટોયેટો ભયાનક ગતિ સાથે આગળ જઇ રહી હતી. આગળ સડકના બે ફાંટા પડતા હતા. મુસ્તફાએ રાઇટ તરફના રસ્તે ગાડીને વાળી, ત્યાંથી આગળ રસ્તો એકદમ નિર્જન હતો. કોઇ જ વાહન સામે આવતું ન હતું. નિર્જન બની ગયેલી સડક પર ગાડીનાં ટારોની ચિચિયારીનો ભીષણ શોર મચતો હતો. મુસ્તફાએ બેકવ્યુ મિરર પર નજર કરી. પાછળ છૂટી ગયેલા વળાંક પર જેલરની ગાડી પૂરપાટ વેગે દોડતી આવતી નજરે પડી.

મુસ્તફાની ગાડીએ વળાંક પર ટર્ન લીધો કે તરત પાછળ આવતી જેલરની ગાડીમાંથી ધડામ… ધડામ… ધાંય… ધાંય… કરતી ગોળીઓ છૂટી.

પાછળ આવતો તે બાઇક સવાર યુવાન જેલરની ગાડીની નજરે ન ચડી જવાય એટલં અંતર રાખીને બાઇક દોડાવતો હતો.

ધાંય...ધાંય...ધાંય...ઉપરા-ઉપરી પાછળથી ગોળીઓ છૂટવા લાગી, ગુસ્સાથી મુસ્તફાનો ચહેરો લાલઘૂમ થઇ ગયો. જેલર ઉપરા-ઉપરી ગોળીનો વરસાદ વરસાવતો હતો. ખતરનાક વળાંકો જ મુસ્તફાને બચાવતા હતા.

મુસ્તફાએ ફરીથી બેકવ્યુ મિરરમાં નજર કરી. પાછળના વળાંક પર જેલરની ગાડી દેખાઇ.

અને પછી મુસ્તફાની નજર સડકથી આડે માર્ગે ફાંટતી એક કાચી સડક પર પડી, અને તે કાચા રસ્તા પર દૂર-દૂર તે પુરાણા કિલ્લાનાં ખંડેર પણ દેખાયાં. એકાએક ઝાટકા સાથે તેણે કારના સ્ટીયરિંગને વાળ્યું, ટોયેટો એક જોરદાર આંચકો ખાઇને મેઇન રોડ છોડીને ઊછળતી-ઊછળતી કૂદતી કે કાચી ખાડા-ટેકરા વાળી સડક પર ઊતરી ગઇ.

‘એ ખંડેર તરફ જઇ રહ્યા છે...’ પાછળ આવતી જીપ્સીમાંથી જેલર તે તરફ આંગળી ચીંધીને ચિલ્લાયો.

બીજી તરફ સર્કલ પર પડેલી ગ્રીન કલરની વેગનઆર કારમાં પ્રલય, આનંદ અને આદિત્ય ઘૂસી ગયા. સર્કલ પર ટર્ન લઇને જેવી જેલરની ગાડી આગળ વધી કે તરત જ પ્રલયે ગાડી ચાલુ કરી અને ગાડીને કરાંચી શહેર તરફ દોડાવી મૂકી. પણ મુસીબત તેઓનો પીછો છોડતી ન હતી.

આગળના પોલીસ સ્ટેસનમાં જેલરે ફોન કરી દીધો હતો અને કેદીઓ ભાગી છૂટ્યાની જાણકારી અને ટોયેટો ગાડીમાં એક કેદી ખુલ્લા બદને આગળ ફ્રન્ટ સાઇડમાં બેઠો છે. તેવું પણ જણાવી દીધું હતું.

પ્રલય પૂરપાટ વેગે ગાડી દોડાવી રહ્યો હતો. હજી તેઓએ માત્ર બે કિલોમીટર કાપ્યા હશે, ત્યાં જ સામેથી સાયરન વગાડતી ઝડપથી આવતી પોલીસની ગાડીઓ નજરે પડી.

ઇન્સ્પેક્ટર આફ્રિદી કાદરઅલી.

એક ખતરનાક પોલીસ ઇન્સ્પેક્ટર હતો પોણા છ ફૂટની ઊંચાઇ, લાંબો લંબોતર ચહેરો, માંજરી આંખો, ચહેરા પર વર્તાતી સખતાઇ, કાળાનાગ જેવો તે ખતરનાક હતો અને શિયાળ જેવી લુચ્ચાઇ તેનામાં ભરી હત. કરાંચીના પોલીસ બેડામાં તે એકદમ ક્રૂર અને ભયાનક આદમી તરીકે પ્રખ્યાત હતો. દુશ્મનને તડફડાવી-તડફડાવી મારવામાં તેને ખૂબ આનંદ આવતો.

સામેથી આવતી પોલીસની પહેલી ગાડીમાં ડ્રાઇવરની બાજુની સીટ પર તે બેઠો હતો. તેની બિલ્લી જેવી ભૂરી અને ચબરાક આંખો રસ્તા પર સામે આવતી ગાડીઓ તરફ મંડરાયેલી હતી.

અચનાક તે ચોંક્યો સામેથી આવતી એક ગ્રીન કલરની વેગન આર ગાડીમાં ગાડી ચલાવતો ડ્રાઇવર ખુલ્લા બદને બેઠો હતો. તે તેની નજરે ચડ્યો, કોઇ જ ડ્રાઇવર શર્ટ ઉતારીને ખુલ્લા બદને ગાડી ચલાવતો આજ સુધી તેણે જોયો ન હતો. તેના દિમાગમાં ઝાટકો લાગ્યો.

જેલરે પણ ખુલ્લા બદને બેઠેલા કેદીનું વર્ણન તેને કહ્યું હતું.

‘સ્ટોપ...સ્ટોપ...’ તે જોરથી ચિલ્લાયો. ‘જુઓ તે ગ્રીન વેગન આરમા કેદીઓ ભાગે છે, ગાડીઓ વાળો જલદી તેનો પીછો કરો.’ ક્રૂર અવાજે તે બોલ્યો.

‘પણ...પણ...સાહેબ તમે તો કહેતા હતા કે કેદીઓ એક ટોયેટો ગાડીમાં નાસૂ છૂટ્યા છે.’ ગાડીને ટર્ન વાળી ફરીથી દોડવતાં ડ્રાઇવર બોલ્યો.

તે લોકોએ ગાડી બદલાવી નાખી છે. જલદી કર તે નજરમાંથી છટકવો ન જોઇએ, ડ્રાઇવર સામે જોઇ તે બોલ્યો.

ત્યારબાદ કરાંચીના આલીશાન અને પોલીસ રોડ પર ફરીથી રેસ શરૂ થઇ ગઇ. આગળ પ્રલયની વેગન આર અને પાછળ પોલીસની ગાડીઓ ભયાનક વેગ સાથે દોડી રહી હતી. પોલીસની ગાડીના સાયરનના અવાજથી રોડ પર ચાલતી બીજી ગાડીઓ પણ તેને મારગ આપતી હતી.

ખાડા ટેકરાવાળી કાચી સડક પર ગાડીને ચાલીસથી વધુ સ્પીડે ચલાવવી મુશ્કેલ હતી. છતાં પણ મુસ્તફાએ સ્પીડ ઘટાડી ન હતી અને પાછળ આવતી જેલરની ગાડી પણ તે જ સ્પીડે આવતી હતી.

પંદર મિનિટમાં મુસ્તફાની ગાડી તે કિલ્લા જેવા ખંડેર પહોંચી ગઇ. એક ઝાટકે ગાડીને ઊભી રાખી. મુસ્તફા ઝડપથી નીચે ઊતર્યો અને સડસડાટ દોડતો તે ખંડેરમાં ઘૂસી ગયો.

તે કોઇ મોગલ બાદશાહનો બનાવેલો કિલ્લો હતો. કિલ્લાને ફરતી દીવાલો ઠેકઠેકાણેથી તૂટેલી હતી. તેના મિનારાઓ પણ બિસ્માર હાલતમાં હતા. વચ્ચે મોટું ચોગાન હતું. ફરતાં મકાનો ખંડેર બની ગયાં હતાં. ખંડેરોની દીવાલો તૂટી ગઇ હતી. ઉપર બનાવેલ છતોનાં લાકડાં અને નળિયાં ગુમ થઇ ગયાં હતા. ખંડોની જમીન પર ઠેક-ઠેકાણે જંગલી ઘાસ ઊગી નીકળતું હતું. ઉપર જવા માટે ફરતાં પગથિયાં હતાં. તે પણ ચારે તરફથી તૂટી ગયાં હતા. જમાનાની થપાટો ખાઇ ચૂકેલ તે કિલ્લાની ઇમારતો પૂરી ખંડેર બની ગઇ હતી.

તૂટેલા એક ખંડેરમાં મુસ્તફા દાખલ થયો. ખિસ્સામાં પડેલી રિવોલ્વરને બહાર કાઢી તેમાં ગોળીઓ ભરી મજબૂતાઇથી હાથમાં પકડીને એક દીવાલના ટેકે તે ઊભો રહ્યો.

ખંડેરોમાં એકદમ ભયાનક શાંતિ છવાયેલી હતી. મુસ્તફાન ચહેરો એકદમ શાંત અને ગભરાહટ વિનાનો હતો. તેનાં જડબા ભીંસાયેલા હતાં. ચુપાચુપ તે જેલર અને સિપાઇઓની રાહ જોવા લાગ્યો.

થોડી જ વારમાં જેલની ગાડીઓ ખંડેર પાસે આવીને ઊભી રહી. ફેલાયેલા ચિર શાંત વાતાવરણમાં તેનો અવાજ સંભળાયો.

જેલર તથા સિપાઇઓ ખંડેરમાં આમતેમ નજર દોડાવતા ઘૂસી આવ્યા. જેલરના હાથમા રિવોલ્વર ચમકતી હતી અને બધા સિપાઇઓના હાથમાં રાયફલો તકાયેલી હતી.

દીવાલના બાકોરમાંથી મુસ્તફાએ નજર કરી જોયું.

સુલતાન...સુલેમાન...અડીખમ પહેલવાન જેવો જેલર મોટી આંખોને ફાડી-ફાડી ચારે તરફ નજર કરી બોલ્યો, ‘તે અહીં આટલામાં જ ક્યાંક છુપાયો હશે, બે જણ ઉપર જાવ, ત્રણ જણા સામેનો ખંડેરો ચેક કરો, બાકીના બધા પોઝીશન લઇ લો...’ સત્તાવાહી અવાજે જેલર જોરથી બોલ્યો.

તેણે બાઇકને ખંડેરોથી પાછળની તરફ વાળી ઝોડના ઝુંડમાં બાઇકને છુપાવીને તે કિલ્લાના પાછળના ભાગમાં આવ્યો અને કિલ્લાની દીવાલ પર કેમ ચડવું તે વિચારવા લાગ્યો.

બે સિપાઇઓ પગથિયાં ચડીને કિલ્લાના ઉપરના ભાગ તરફ જવા લાગ્યા, ત્રણ સિપાઇઓ તે ખંડેરો તરફ લપાતા-છુપાતા દીવાલોની ઓથ લઇને આગળ વધ્યા.

જેલર પોતાની રિવોલ્વર હાથમાં રાખી. ચારે તરફ નજર ફેરવતો ચોકમાં વચ્ચે એક મોટા પથ્થરની આડમાં ઊભો હતો. બાકીના સિપાઇઓએ પોઝીશન લઇ લીધી હતી.

જેલરને ચકમા દઇ ભાગી છૂટવાને બદલે પોતે ફસાઇ ગયો છે. તેવો અહેસાસ મુસ્તફાને થયો પણ હવે શું...? હવે તો પડશે તેવા દેવાશે સમજી મનને મક્કમ કરતાં દીવાલમાં પડેલા બાકોરામાંથી બહાર નજર કરી.

***