મર્ડર@રિવરફ્રન્ટ 39
ડીસીપી રાણા નો પુત્ર આદિત્ય રાણા જ હકીકતમાં રિવરફ્રન્ટ સિરિયલ કિલર હોય છે એ વાતથી રાણા સાહેબ રાજલને અવગત કરે છે .સાથે એ પણ જણાવે છે કે એમનાં આદિત્ય ની માં દેવકી સાથેનાં વ્યવહાર નાં લીધે આદિત્ય આવો ઘાતકી હત્યારો બની ગયો.રાજલ આદિત્ય ને પકડી પાડવા ની યોજના બનાવી પોલીસ ની મોટી ટીમ લઈ શીલજ સ્થિત આદિત્યનાં બંગલા તરફ જવાં નીકળી પડી..આ બાબતથી અવગત આદિત્ય પોતાનાં પિતાજી ની મોત નું જશ્ન મનાવી રહ્યો હતો.
સવારનાં દસ વાગી ગયાં હતાં પણ કોઈ ન્યૂઝચેનલ પર ડીસીપી રાણા ની હત્યા થઈ હોવાની વાત નાં ન્યૂઝ નહોતાં આવી રહ્યાં. આ વાત એ સિરિયલ કિલરને અજુગતી લાગી.. કેમકે આટલાં મોટા ન્યૂઝ કોઈ ન્યૂઝ ચેનલ પર ના આવે એવું શક્ય જ નહોતું..આદિત્ય ને દાળમાં કંઈક કાળું લાગતાં એને કંઈક વિચાર્યા બાદ આઈ.જી જોબનપુત્રા નો નંબર ડાયલ કર્યો.આઈ.જી જોબનપુત્રા ને એ વાતની ખબર હતી કે રાજલે પોતાની બુદ્ધિશક્તિથી ડીસીપી રાણા ને તો બચાવી લીધાં છે પણ એમનો દીકરો આદિત્ય જ સિરિયલ કિલર હોવાની વાતથી તેઓ અજાણ હતાં.
"હેલ્લો સર..કેમ છો..?"જોબનપુત્રા દ્વારા કોલ રિસીવ કરતાં જ આદિત્ય એ પુછ્યું.
"બસ બેટા સારું છે..બોલ કેમ ફોન કર્યો હતો..?"આઈ.જી જોબનપુત્રા એ સામો સવાલ કરતાં કહ્યું.
"એતો પિતાજી ની તબિયતમાં સુધારો આવ્યો હોય તો મારે એમને મળવું છે.."લાગણીસભર અવાજે ઢોંગ કરતાં આદિત્ય બોલ્યો.
આદિત્ય ની આ વાતનાં પ્રત્યુત્તર માં આઈ.જી સાહેબે રાજલ દ્વારા કઈ રીતે ચાલાકીથી ડીસીપી સાહેબને બચાવી લેવામાં આવ્યાં છે એની વાત કરી..સાથે-સાથે એ પણ જણાવ્યું કે ડીસીપી રાણા સંપૂર્ણપણે ભાનમાં આવી ગયાં છે.
આઈ.જી જોબનપુત્રા ની વાત સાંભળી તો આદિત્ય ધુંવા-પુંવા થઈ ગયો..એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું..છતાં સ્વસ્થતા પ્રાપ્ત કરી એ ખુશ થતો હોય એ રીતે આઈ.જી જોબનપુત્રા ને ઉદ્દેશીને બોલ્યો.
"આતો ખૂબ સરસ ન્યૂઝ છે..એસીપી રાજલ ખરેખર એસીપી રાજલ છે..હું હમણાં જ પપ્પા ને મળવા નીકળું.."
"સારું ત્યારે..જય હિંદ.."આટલું કહી આઈ.જી સાહેબે કોલ કટ કરી દીધો.
"ડીસીપી બચી ગયો તું..રાજલ..રાજલ...તારાં લીધે જ મારો સૌથી મોટો દુશ્મન બે-બે વાર બચી ગયો..અને એનો અર્થ કે તને મારાં વિશે ખબર પડી ગઈ હશે..મારાં મોબાઈલની લોકેશનનો ઉપયોગ કરી રાજલ અહીં નજીકમાં પહોંચી જશે..માટે મારુ અહીં રહેવું ઉચિત નથી.."મનોમન વ્યગ્ર ભાવે બબડતાં બબડતાં આદિત્ય સોફામાંથી ઉભો થયો અને પોતાની વિકટીમની હત્યાઓ એ જે જગ્યાએ કરતો એ ટોર્ચર રૂમમાં આવ્યો..અહીં આવીને એને એક ટાઈમ બૉમ્બ એક્ટિવ કર્યો..જેમાં એને વિસ મિનિટ બાદ નો સમય સેટ કરી દીધો.
આટલું કર્યાં બાદ કપડાં બદલી,એક જર્મન બનાવટની રિવોલ્વર પેન્ટમાં ભરાવી ફટાફટ આદિત્ય પોતાની બાઈકની ચાવી હાથમાં લઈને ત્યાંથી રવાના થવાં તૈયાર થયો..જતાં પહેલાં આદિત્ય એ ફટાફટ એક લેટર લખ્યો અને પહેલેથી જ એને તૈયાર કરીને રાખેલાં ગિફ્ટબોક્સમાં મૂકી ને ગિફ્ટબોક્સ રાજલનાં હાથમાં આવે એમ મૂકી દીધું.ત્યારબાદ આદિત્ય પોતાનું બાઈક લઈને ત્યાંથી ઝડપભેર નીકળી ગયો.ત્યાંથી નીકળવા માટે એને હાઈવે તરફ જવાનાં બદલે ખેતરોનો વાંકો-ચૂંકો રસ્તો પસંદ કર્યો..જેથી રાજલ નો નસીબજોગે પણ સામે ભેટો ના થાય.
*********
આ તરફ રાજલે પોતાની સાથે હોસ્પિટલમાં મોજુદ બે ઇન્સ્પેકટર ભરતસિંહ અને કમલેશ ત્યાગી ની સાથે બીજાં દસ કોન્સ્ટેબલ ની બે ટીમ બનાવી.આ બંને ટીમ ને અલગ અલગ બે જીપમાં બેસાડી આદિત્યનાં મોબાઈલની લોકેશનનાં આધારે રાજલ શીલજ નાં મેઈન રોડથી અંદર ની તરફ જતાં કાચા રસ્તે જીપ લઈને પહોંચી ત્યાં એની ઉપર આઈ.જી જોબનપુત્રા નો કોલ આવ્યો.
"હેલ્લો, રાજલ..ક્યાં છે તું..?"રાજલનાં કોલ રિસીવ કરતાં જ આઈ.જી એ સવાલ કર્યો.
"સર,હું એ સિરિયલ કિલર નાં અડ્ડા ઉપર જાઉં છું..નજીકમાં એ જીવતો કે મૃત મારી પકડમાં હશે.."રાજલ બોલી.
"સારું તો એ માટે all the best.. આતો એ જણાવવા કોલ કર્યો હતો કે હમણાં આદિત્ય નો કોલ હતો અને એ પૂછતો હતો ડીસીપી રાણા ની તબિયત વિશે..તો મેં બધી હકીકત જણાવી એટલે એ પોતાનાં પિતાજી ને મળવા આવવાનું કહેતો હતો..આતો તમે હોસ્પિટલમાં હોય તો આ વિકટ સમયમાં એની જોડે રહો આ માટે તમને કોલ કર્યો.."આઈ.જી જોબનપુત્રા એ કહ્યું.
"શું.. આદિત્ય નો કોલ..shit...આઈ.જી સર,હકીકતમાં આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે અને એને જ ડીસીપી સાહેબ પર હુમલો કર્યો છે..એની માનસિક સ્થિતિ ઠીક નથી..તમે ફટાફટ હોસ્પિટલમાં અત્યારે જે પોલીસ અધિકારીઓ હાજર છે એમને આ વાતથી અવગત કરી જ દો.. અને ડીસીપી સાહેબની સુરક્ષામાં પણ વધારો કરી દો..જો આદિત્ય અહીં નહીં મળે તો જરૂર એ કંઈપણ કરી હોસ્પિટલમાં આવવાનો પ્રયત્ન જરૂર કરશે.."બેબાકળી બનીને રાજલ બોલી.
"પણ આદિત્ય આ બધું કરી રહ્યો છે એનું કારણ..?"રાજલની વાત સાંભળી વિસ્મય સાથે આઈ.જી જોબનપુત્રા એ સવાલ કર્યો.
"કારણ છે પણ એ જણાવવાનો અત્યારે સમય નથી સર..તમે પ્લીઝ અત્યારે મેં કહ્યું એમ કરો..પછી હું બધું વિગતે શાંતિથી જણાવીશ..જય હિંદ.."આટલું બોલી રાજલે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
"ડ્રાઈવર,જીપ ને થોડી વધુ સ્પીડમાં ચલાવો.."કોલ કટ કરતાં જ રાજલ જીપનાં ડ્રાઈવર ને ઉદ્દેશીને બોલી.
રાજલનો ઓર્ડર મળતાં જ જીપ ચલાવી રહેલાં કોન્સ્ટેબલે જીપને પુરપાટ વેગે આદિત્ય નાં બંગલા તરફ ભગાવી મૂકી..રાજલની પાછળ બીજી જીપમાં બેસેલાં ભરતસિંહ એ પણ એમની જીપને રાજલ બેસી હતી એ જીપની પાછળ ભગાવવા એમની જીપ ચલાવી રહેલાં ડ્રાઈવર ને જણાવી દીધું.
બે મિનિટ ની અંદર તો રાજલ પોતાની ટીમ ની સાથે આદિત્ય જ્યાં રહી બધી હત્યાઓને અંજામ આપતો હતો એ બંગલે જઈ પહોંચી..જીપમાંથી ઉતરતાં જ રાજલ ઉતાવળાં પગલે હાથમાં પોતાની રિવોલ્વર લઈને બંગલાની તરફ આગળ વધી..રાજલનાં સાથી બંને ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલો પણ પોતપોતાની રિવોલ્વર હાથમાં લઈને રાજલની પાછળ પાછળ દોરવાયાં.
ભરતસિંહ અને બીજાં ત્રણ કોન્સ્ટેબલ ને બંગલા ની પાછળની તરફ જવાનો ઈશારો કરી રાજલ સીધી જ બંગલાનો મુખ્ય દ્વાર ખોલી બંગલાનાં મુખ્ય હોલમાં આવી પહોંચી જ્યાં થોડી મિનિટ પહેલાં જ આદિત્ય બેઠો હતો.
"આદિત્ય પોલીસે તને ચારે તરફથી ઘેરી લીધો છે..તું આત્મ સમર્પણ કરી લે એમાં તારી ભલાઈ છે..નહીં તો ના છૂટકે મારે તને મારવો પડશે..કેમકે તારાં શૂટ એન્ડ સાઈટ નાં ઓર્ડર મારી જોડે મોજુદ છે."બંગલા નાં મધ્ય ભાગમાં ઉભાં રહી રાજલે ઊંચા સાદે કહ્યું..પણ આદિત્ય અહીં હાજર હોય તો રાજલની વાત સાંભળે ને.
બે-ત્રણ વખત પોતાની વાતનું પુનરાવર્તન કરવાં છતાં કોઈ પ્રત્યુત્તર ના મળતાં રાજલને લાગ્યું કે નક્કી આદિત્ય અહીંથી નીકળી ચુક્યો છે.એને પોતાની સાથે રહેલાં કમલેશ ત્યાગી અને કોન્સ્ટેબલો ને આદેશ આપતાં કહ્યું.
"તમે જલ્દીથી દરેક રૂમ અને બંગલા નાં દરેક ખૂણા ને ખુંદી વળો.. કોઈપણ શકમંદ વસ્તુ લાગે તો એને બેગમાં મૂકી દો..પણ હાથમાં ગ્લોવ્ઝ પહેરી..કોઈપણ વસ્તુ ઉપરથી ફિંગરપ્રિન્ટ નાશ ના થવી જોઈએ"
રાજલની વાત પૂરી થાય એ પહેલાં તો પ્રથમ માળે આવેલાં ટોર્ચર રૂમમાં જોરદાર ધડાકો થયો..જે સાંભળી રાજલ સમેત બધાં પોલીસ કર્મચારીઓ એ તરફ દોટ મૂકીને ભાગ્યાં. રાજલે ધીરેથી ટોર્ચર રૂમનો દરવાજો ખોલી અંદર જોયું તો આખો રૂમ અત્યારે ખાખ થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું..ઘણી જગ્યાએ હજુ પણ ધીમી-ધીમી આગ મોજુદ હતી.
"જલ્દી આ આગ ને ઓલવી દો.."નાક પર રૂમાલ રાખી સાચવીને રૂમમાં પ્રવેશતાં રાજલ બોલી..રાજલનો હુકમ થતાં જ બધાં કોન્સ્ટેબલો એ મળીને પાંચ મિનિટમાં તો આગ બુઝાવી દીધી.
રૂમમાં રહેલી બંને બારીઓ ખોલીને રાજલે એ રૂમમાં જે વસ્તુઓ અડધી સળગેલી પડી હતી એનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું..તો ત્યાં રાજલને હરીશ ની હત્યા માટે વપરાયેલું ટ્રેડમિલ,વનરાજ ને જેની મદદથી માર્યો હતો એ વુડ સ્ટેન્ડ અડધાં સળગેલી હાલતમાં મળી આવ્યાં.રાજલે રૂમમાં મોજુદ લેપટોપ અને પ્રિન્ટર પણ જોયાં જે સાવ નકામી હાલતમાં હતાં. રૂમની અંદર ખૂણામાં રાખેલાં ફ્રીઝનો ખાલી દરવાજો જ સળગ્યો હતો..રાજલે સાવધાની સાથે ફ્રીઝનો દરવાજો ખોલી અંદર નજર કરી.
ફ્રીઝની અંદરની તરફ કેમિકલ ભરેલી બોટલ રાજલની નજરે પડી..જેમાંથી ચાર બોટલની અંદર મનુષ્ય ની કપાયેલી આંગળીઓ હતી..જે જોઈને રાજલ સમજી ચુકી હોય છે કે આ આંગળીઓ ખુશ્બુ,વનરાજ,મયુર અને હરીશ ની છે..રાજલે ફ્રીઝર ખોલીને જોયું તો એમાંથી લિકવિડ મરક્યુરી મળી આવ્યું..આ એજ પોઇઝન હતું જેનાં દ્વારા નિત્યા મહેતાની હત્યા થઈ હતી..આ બધું કાફી હતું આદિત્ય ને સિરિયલ કિલર પુરવાર કરવાં.
રાજલે સાથી કર્મચારીઓને આ બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ફોરેન્સિકમાં મોકલવાનો આદેશ કરી દીધો..આ બધું ચેક કરીને હજુ રાજલ રૂમમાંથી બહાર નીકળી ત્યાં બંગલા ની પાછળની તરફ તપાસ અર્થે ગયેલાં ભરતસિંહ ત્યાં આવી પહોંચ્યા..એમને આવીને રાજલને જણાવ્યું છે બંગલાની પાછળની તરફ એક સિલ્વર કલરની હોન્ડા સીટી કાર પડી છે..જેનું રજિસ્ટ્રેશન હજુ નથી થયું અને એનો આગળનો ભાગ ડેમેજ થયેલો છે.
આ સિવાય ભરતસિંહનાં હાથમાં એક ગિફ્ટબોક્સ હતું..જે જોતાં જ રાજલ સમજી ગઈ કે આ બોક્સ હત્યારા એ જ મુક્યું છે.
"આ બોક્સ તમને ક્યાંથી મળ્યું..?"રાજલે ભરતસિંહ ને ઉદ્દેશીને કહ્યું.
"મેડમ,આ બોક્સ પાછળ જે કાર પડી છે એનાં બોનેટ ઉપર પડ્યું હતું.."ભરતસિંહ એ ગિફ્ટબોક્સ રાજલનાં હાથમાં મુકતાં બોલ્યાં.
"સારું..હું જોઈ લઉં છું આ બોક્સ માં શું છે..તમે અંદર જઈને કમલેશ ભાઈ ને બધી વસ્તુઓ વ્યવસ્થિત સિલ કરી ફોરેન્સિક લેબમાં મોકલવાની સગવડ આરંભો.."રાજલે કહ્યું.
રાજલનો આદેશ મળતાં જ ભરતસિંહ જ્યાં બ્લાસ્ટ થયો હતો એ ટોર્ચર રૂમમાં આવ્યાં અને રાજલ ગિફ્ટબોક્સ લઈને નીચે આવેલાં હોલમાં..!!
**********
રાજલે હોલમાં આવતાં ની સાથે જ ગિફ્ટ બોક્સ ઉતાવળમાં ખોલીને અંદર મોજુદ વસ્તુઓ સોફા ઉપર રાખી..બોક્સની અંદર એક નારંગી રીબીન,હરણ નું પોસ્ટર અને એક લેટર મોજુદ હતું..આ વખતે અંદરથી કોઈ રમકડું ના નીકળ્યું જેની નવાઈ રાજલને જરૂર થઈ..પણ ઉતાવળમાં આદિત્ય રમકડું મુકી નહીં શક્યો હોય એમ વિચારીને રાજલે એ તરફ મગજ કસવાનું પડતું મુક્યું.
નારંગી રીબીન જોતાં જ રાજલ સમજી ગઈ કે આદિત્ય પોતાનો નવો શિકાર જમાલપુર સ્થિત સરદાર બ્રિજની આસપાસ કરવાનો છે..અને હરણ નાં પોસ્ટર નો અર્થ હતો મેષ રાશિ એટલે આદિત્ય જેની હત્યા કરવાનો હતો એ વ્યક્તિ મેષ રાશિ ધરાવતું હોવું જોઈએ..એટલે કે એનું નામ અ,લ કે ઈ ઉપરથી શરૂ થતું હોવું જોઈએ.
રાજલે બોક્સમાંથી મળેલો લેટર ખોલ્યો અને આદિત્ય એ અંદર શું લખ્યું હતું એ વાંચવાનું શરૂ કર્યું..આ વખતે અંદરથી મળેલો લેટર ટાઈપ કરેલો નહીં પણ હાથ વડે લખેલો હતો.આ ઉપરથી રાજલે અનુમાન લગાવ્યું કે આદિત્ય હમણાં હમણાં જ અહીંથી ઘણી ઉતાવળમાં નીકળ્યો હોવો જોઈએ.
"એસીપી રાજલ..તને મારી અસલિયત તો ખબર પડી જ ગઈ છે.તને ડીસીપી રાણા એ જણાવ્યું ના હોય તો હું જણાવી દઉં કે આ બધી હત્યાઓ કરવાં એમને જ મને પ્રેરયો છે..ના એ મારી માં ને દગો આપત,ના વિકટ પરિસ્થિતિમાં મારું બાળપણ વિતત..અમદાવાદ આવ્યાં બાદ પણ હું સતત મારી માતા નાં વિરહમાં તડપતો રહ્યો.."
"દુનિયા ની નજરમાં ડીસીપી દામોદર રાણા મારાં બાપ હતાં પણ મારાં માટે એ મારી માં ની મોત નું કારણ હતો..મારો સૌથી મોટો દુશ્મન.વધારામાં સતત મારી ઉપર પોલીસ અધિકારી બનવાનું દબાણ અને મારાં ડોકટરી નાં અભ્યાસમાં જોડાતાં જ વારંવાર ડીસીપી દ્વારા મને નીચો બતાવવાનાં લીધે મારાં દિલમાં ડીસીપી માટે ફક્ત અને ફક્ત નફરત વધી હતી.."
"ડીસીપી હોય કે પછી મારાં આગળનાં પાંચ વિકટીમ..કોઇપણ માસુમ નહોતું..મેં ફક્ત એમનાં અપરાધોની સજા એમને આપી છે..હું કોઈ ગુનેગાર નથી..બસ સેવક છું ભગવાનનો જેને ગુનેગારો ને એમનાં કર્મની સજા આપી છે..મેં આ બોક્સમાં પણ હિન્ટ મુકેલી છે..તું ઈચ્છે તો રાતે 12 વાગે મારાં નવાં શિકારને બચાવવા આવી શકે છે..હું માનું છું ત્યાં સુધી તું બહાદુર છે..અને જો મારુ માનવું ખોટું ના હોય તો તું એકલી જ આવજે..રાતનાં બાર વાગે.."
લી.-આદિત્ય રાણા.
"આટલી બધી વિકટ પરિસ્થિતિમાં પણ આદિત્ય પોતાનાં નવાં શિકારની હિન્ટ મૂકીને ગયો..એ વધુ પડતો આત્મવિશ્વાસ રાખે છે..અને આ જ આત્મવિશ્વાસ એનાં મોત નું કારણ બનશે.હું એકલી જ જઈશ આદિત્યથી એનાં શિકારને બચાવવા.."
મક્કમ સ્વરે રાજલે આટલું કહી ગિફ્ટબોક્સમાંથી નીકળેલી બધી વસ્તુઓ હતી એમજ બોક્સમાં મૂકી દીધી.ત્યારબાદ પોતે સોંપેલું કાર્ય એની સાથે આવેલાં પોલીસ કર્મચારીઓ યોગ્ય રીતે કરે છે કે નહીં એ જોવાં રાજલ ટોર્ચર રૂમ તરફ આગળ વધી.
રાજલે આવીને ત્યાંથી મળેલી નાનામાં નાની વસ્તુ ને વ્યવસ્થિત રીતે સિલ કરી દીધી..રાજલે તાત્કાલિક mr. મિત્રા ને કોલ કરી ત્યાં બોલાવી લીધાં.કેમકે આ કેસનાં લીધે જેટલી ઉહાપોહ મચી હતી એ કારણોસર થોડી પણ ચૂક રહી જાય એ રાજલને પોષાય એમ નહોતું.
થોડીવારમાં જ ફોરેન્સિક એક્સપર્ટ mr. ગૌતમ મિત્રા પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા.રાજલનાં જણાવ્યાં મુજબ એમને આખાં બંગલાની નાનામાં નાની વસ્તુઓ નું નિરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું..આ જ શોધખોળ વખતે ફોરેન્સિક ટીમ ને ડસ્ટબીનમાંથી સાન્ટા કલારા સિગારનાં ઠૂંઠા અને વાયગ્રા ની ગોળીઓનો ડબ્બો મળી આવ્યો..આ સબુતો ભેગાં થઈ આદિત્ય સિરિયલ કિલર છે એ તરફ સીધો ઈશારો કરી રહ્યાં હતાં.
આ બધી કાર્યવાહી દરમિયાન રાજલ સતત VS હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે એનું પણ ધ્યાન રાખી રહી હતી..રાજલે સંદીપ અને મનોજ ને પણ ડીસીપી રાણાની સુરક્ષા માટે મોકલી દીધાં.મનોજ અને સંદીપનાં હોસ્પિટલમાં પહોંચી ગયાં બાદ રાજલ એ બાબતે આશ્વસ્થ થઈ ચુકી હતી કે હવે ડીસીપી રાણા પર કોઈ ખતરો નથી.
આખરે ચાર-પાંચ કલાક સુધી આદિત્ય નાં ગુનાઓની સાક્ષી બનેલાં એ બંગલા ની સઘન તપાસ અને એનાં ગુનાઓની માહિતી આપતાં સબુતો ને એકઠાં કર્યાં બાદ રાજલ જ્યારે પાછી નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે બપોરનાં સાડા ત્રણ થવાં આવ્યાં હતાં.સતત બે દિવસ સુધી રાતભર નાં ઉજાગરા નાં લીધે રાજલનું માથું ભારે થઈ ગયું હતું..આદિત્ય નો સામનો કઈ રીતે કરવો એ પોતે પછી નક્કી કરશે પણ અત્યારે થોડો આરામ જરૂરી હતો એમ વિચારી રાજલ પોતાની કેબિનમાંજ ટેબલ પર માથું રાખી સુઈ ગઈ.
આજની રાત કોની શામત લઈને આવવાની હતી એતો સમયની ગર્તામાં જ છુપાયેલું હતું..!
**********
વઘુ આવતાં ભાગમાં.
આદિત્ય નો છેલ્લો શિકાર કોણ હતું..?રાજલ કઈ રીતે આદિત્ય નો ખાત્મો કરશે..? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો છેલ્લો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન.આર.પટેલ (શિવાય)