મર્ડર@રિવરફ્રન્ટ 38
ડીસીપી રાણા ની હત્યા માટે આવેલો સિરિયલ કિલર પોલીસ નાં બંદોબસ્તમાંથી ભગવામાં સફળ તો રહે છે પણ એ બાબતથી એ હત્યારો અજાણ હોય છે કે એને ડીસીપી રાણા પર નહીં પણ એક મૃત વ્યક્તિ પર ગોળી ચલાવી હોય છે..રાજલ હવે કોઈ રિસ્ક લેવાં નહોતી માંગતી માટે એ ડીસીપી રાણા નાં બેડ ની જોડે જઈને બેસી ગઈ.
સવારે લગભગ સવા આઠ વાગ્યાં ત્યાં ડીસીપી રાણા એ ધીરેથી પોતાની આંખો ખોલી..બે દિવસ નાં સતત ઉજાગરા નાં લીધે રાજલ કલાક પહેલાં જ ડીસીપી રાણા નાં બેડ ની જોડે ખુરશી પર જ સુઈ ગઈ..ડીસીપી રાણા સમજી ગયાં કે રાજલનાં લીધે જ આજે એ જીવિત છે..અને રાજલે જ થાક કે ઊંઘ ની પરવાહ કર્યાં વગર પોતાની સુરક્ષા કરી છે.
"રાજલ...રાજલ.."ઘીમાં અવાજે ડીસીપી રાણા એ રાજલને અવાજ આપતાં કહ્યું.
ડીસીપી રાણા નો અવાજ સાંભળતાં ની સાથે જ રાજલ સફાળી જાગી ગઈ..અને પોતાની તરફ જોઈ સ્મિત વેરતાં ડીસીપી રાણા ને જોઈ પ્રફુલ્લિત થઈ ઉઠી.
"સર,તમે ભાનમાં આવી ગયાં.હે ભગવાન તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.."ઉપરની તરફ જોઈ ભગવાનનો આભાર માનતાં રાજલ બોલી.
"બેટી,ઉપકાર તો મારે તારો માનવો જોઈએ કેમકે હું હવે જે શ્વાસ લઈશ એનું કારણ તું છે..તું ના હોત તો અત્યારે મારાં અંતિમ સંસ્કાર થઈ ગયાં હોત.."આંખોમાં આંસુ સાથે ડીસીપી રાણા એ જણાવ્યું.
"સર એવું ના બોલો..મેં જે કર્યું એ મારી ફરજ હતી..અને તમે મારાં માટે પિતાતુલ્ય છો..એક દીકરી ક્યારેય પોતાનાં પિતા પર ઉપકાર ના કરે.."રાજલ લાગણીસભર અવાજે બોલી.
"કાશ મારે તારાં જેવી દીકરી હોત.."નિઃસાસો નાંખતાં ડીસીપી રાણા મનોમન બોલ્યાં.
"તમે બે મિનિટ આરામ કરો..હું ડોકટર સાહેબ ને બોલાવતી આવું..ડોકટર બધું યોગ્ય જણાવે પછી જ આપણે આગળ ચર્ચા કરીએ.."રાણા સાહેબ ને ઉદ્દેશીને આટલું બોલ્યાં બાદ રાજલ રૂમ નંબર 306 માંથી બહાર નીકળી ડોકટર ને બોલાવી લાવી.
થોડીવારમાં તો બે ડોકટર આવીને ડીસીપી રાણા નું હેલ્થ ચેકઅપ કરી ગયાં અને બધું નોર્મલ લાગતાં એમને રાજલને રૂમની બહાર બોલાવીને કહ્યું.
"મેડમ,તમે હવે રાણા સાહેબને જે પૂછવું હોય એ પૂછી શકો છો..પણ એમનાં મન ઉપર તણાવ આવે એવી કોઈ વાત કરવાનું ટાળજો.."
"Thanks ડોકટર.."બંને ડોકટર નો આભાર માની રાજલ પુનઃ રૂમ નંબર 306 માં પ્રવેશી..ડીસીપી રાણાને સિરિયલ કિલર વિશે શું ખબર હતી એ વાત જાણવાં રાજલ ઉત્સાહિત હતી.
રૂમમાં પ્રવેશી રાજલ ફરીથી ડીસીપી રાણા નાં ચહેરા નજીક ખુરશી લાવીને બેસી ગઈ..રાણાએ પણ પોતાનાં પીઠ નો ટેકો ઓશિકા ને આપ્યો અને પલંગમાં થોડાં બેઠાં થયાં.
"સાહેબ..તમને ગોળી વાગી અને હું હોસ્પિટલમાં તમને લઈને આવી એ પહેલાં તમે જણાવ્યું હતું કે તમે સિરિયલ કિલર વિશે જાણો છો કે એ કોણ છે..તો તમે જણાવી શકશો કે એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર આખરે કોણ છે..?"રાજલે પ્રશ્નસુચક નજરે ડીસીપી સાહેબ તરફ જોઈને કહ્યું.
રાજલની વાત સાંભળી ડીસીપી રાણા નાં ચહેરા નાં ભાવ બદલાઈ ગયાં..કંઈક અજાણી લાગણીથી એમને થોડો સમય માટે આંખો બંધ કરી લીધી..થોડાં સમયની ચુપ્પી બાદ ડીસીપી રાણા એ થૂંક ગળે ઉતારી આંખો ખોલી રાજલ તરફ જોયું અને બોલ્યાં.
"રાજલ,ઘણાં દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે રિવરફ્રન્ટ સિરિયલ કિલર બીજું કોઈ નહીં પણ મારો દીકરો આદિત્ય જ છે.."
"શું.. આદિત્ય અને સિરિયલ કિલર..લાગે છે તમારી કોઈ ભૂલ થતી લાગે છે.એક ન્યુરોલોજીસ્ટ ડોકટર જે હજારો લોકોની સેવા કરતો ફરે છે એ આટલો ખૂંખાર સિરિયલ કિલર હોય એ વાત ગળે ઉતારવી અઘરી છે..એમાં પણ તમારી ઉપર જાનલેવા હુમલો કરવાનું આદિત્ય સપને પણ ના વિચારી શકે.."ડીસીપી રાણા ની વાત સાંભળી એકસાથે સેંકડો સવાલ અત્યારે રાજલનાં મનને અને હૃદયને ઘેરી વળ્યાં હતાં.
"હા દીકરી,આદિત્ય જ આ બધી હત્યાઓ પાછળ જવાબદાર છે અને એનો સૌથી મોટો દુશ્મન એ મને માને છે.."ડીસીપી રાણા એ કહ્યું.
"પણ આ બધું કરવાં પાછળ નો આદિત્ય નો મકસદ શું છે..?અને તમને એ પોતાનો દુશ્મન કેમ માને છે.?"રાજલે આશ્ચર્ય સાથે ડીસીપી રાણા ની તરફ જોઈને પૂછ્યું.
"આ માટે તારે મારો અને આદિત્ય નો ભૂતકાળ જાણવો જરૂરી છે.."પોતાનું માથું ઓશિકા પર ઢાળી ડીસીપી રાણા એ ભારે અવાજ સાથે પોતાનો ભૂતકાળ કહેવાનો શરૂ કર્યો.
"આજથી અઠ્ઠાવીસ વર્ષ પહેલાં ની વાત છે.જ્યારે મારું પોસ્ટીંગ પાલનપુર નજીક આવેલાં ગઢ ગામમાં થયું હતું..આ ગામ માં પોલીસ સ્ટેશનનો મુખ્ય ઈન્ચાર્જ હું હતો..પણ અમારે કંઈ કામ નહોતું આવતું અને આખો દિવસ અમે નવરાં બેસી રહેતાં..સ્ટાફ માં ઘણાં નીચી જાતિનાં લોકો કામ કરતાં અને હું એક ક્ષત્રિય હતો જેનું એ સમયે મને ઘણું અભિમાન હતું.. એટલે હું નવરાશ નાં સમયમાં પોલીસ સ્ટેશનમાં બેસવાનાં બદલે ગામમાં ચક્કર મારવાં નીકળી પડતો."
"એક દિવસ મારી નજર એક ગરીબ ઘરની વીસેક વર્ષની યુવતી પર પડી..શ્યામવર્ણી કાયા,માફકસરનો બાંધો,તીખાં નયનનક્ષ ધરાવતી એ યુવતીને જોતાં જ હું એનો દિવાનો બની ગયો.તપાસ કરતાં માલુમ પડ્યું કે એ યુવતીનું નામ દેવકી છે..મારે કંઈપણ કરીને એ યુવતીની નજીક આવવું હતું અને હું એની મથામણમાં લાગી ગયો."
"દેવકી નાં પરિવાર માં એની એક માં હતી જેને ટી.બી ની ભયંકર બીમારી થઈ ગઈ હતી..જેની સારવાર માટે દેવકી દર પંદર-વીસ દિવસે પાલનપુર જતી હતી..એક દિવસ દેવકી પાલનપુર જતી બસ ની રાહ જોઈ પોતાની માં સાથે બસ સ્ટેશન ઉભી હતી ત્યારે હું ત્યાં જઈ પહોંચ્યો.હું પોતે પાલનપુર જ જાઉં છું જો દેવકી ઈચ્છે તો હું એને અને એની માં ને પાલનપુર સુધી લિફ્ટ આપી શકું છું એવું મેં જણાવ્યું..શરુવાતમાં તો દેવકી આ માટે તૈયાર ના થઈ પણ બસ ની ટીકીટ નાં પૈસા બચી જવાની ગણતરીએ દેવકી મારી સાથે આવવાં તૈયાર થઈ ગઈ."
"હું દેવકી અને એની માં ને છેક હોસ્પિટલ સુધી મુકતો આવ્યો..અને દેવકી ની આનાકાની છતાં મેં હોસ્પિટલ અને દવા નું બિલ ચૂકવી દીધું..એમને લઈને હું પાછો પાલનપુર થી ગઢ આવ્યો ત્યારે દેવકી ની મારા તરફની નજર બદલાઈ ચુકી હતી..હું સમજી ચુક્યો હતો કે એનાં દિલમાં પણ મારાં માટે છુપી કુણી લાગણી પેદા થઈ ચૂકી છે."
"હું ત્યારે ભાડાનાં મકાનમાં રહેતો હતો..દેવકી ને કામની જરૂર હતી એટલે મેં દેવકી ને મારુ ઘરકામ અને રસોઈ માટે નોકરી માટે રાખી લીધી..મારાં એક પછી એક ઉપકાર નાં બદલામાં દેવકી પણ મારી તરફ આકર્ષાઈ ચુકી હતી..મેં તક વાપરી દેવકી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો જેને દેવકી એ સહર્ષ સ્વીકારી લીધો.પછી તો બંધબારણે મારાં અને દેવકી વચ્ચે ઘણીવાર શારીરિક સંબંધ બંધાયો..હું અને દેવકી પતિ-પત્ની ની જેમ જ રહેવાં લાગ્યાં હતાં..એમાં પણ દોઢેક વર્ષ બાદ દેવકી ની માં નું અવસાન થતાં અમને છૂટો દોર મળી ગયો."
"દેવકી પણ નીચી જાતની હતી પણ જ્યારે પુરુષ ને પોતાની વાસના સંતોષવી હોય ત્યારે આ વાતથી ફરક નથી પડતો જે એની જોડે પથારી પર જે સ્ત્રી છે એ ઊંચ જાતિની છે કે નીચી જાતિની..ફરક તો ફક્ત લગ્ન કરવાની વાત આવે ત્યારે જ પડતો હોય છે..ત્રણ વર્ષ સુધી ત્યાં જ ગઢ માં નોકરી કર્યાં બાદ મારી બદલી વડોદરા થઈ ગઈ..અને હું દેવકી ને ત્યાં મૂકી વડોદરા આવી ગયો..દેવકી સાથે ઘણીવાર મારે ફોન ઉપર વાત થતી હતી પણ જ્યારે દેવકી એ કહ્યું કે એ મારાં સંતાન ને જન્મ આપનારી છે..ત્યારે મેં એને એમ કહી ઉતારી પાડી કે ન જાણે કેટલાં લોકો જોડે પોતે મોઢું કાળું કરતી હશે અને હવે એ પાપ નો ઠીકરો મારાં માથે ફોડે છે.."
"એ દિવસ પછી દેવકી એ ક્યારેય મારો સંપર્ક ના કર્યો અને છ મહિના બાદ હું મારાં કુટુંબ દ્વારા શોધવામાં આવેલી સુધા નામની યુવતી જોડે પરણી ગયો..સુધા જોડે હું ખૂબ ખુશ હતો અને અમારું લગ્નજીવન પણ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું..લગ્નનાં છ વર્ષ પછી મને ખબર પડી કે સુધા ને ગર્ભાશયનું કેન્સર છે..ચાર મહિનાની લાંબી માંદગી બાદ સુધા અવસાન પામી."
"દેવકી જોડે મેં જે કંઈપણ કર્યું હતું એનાં બદલામાં કુદરતે મારી જોડે બદલો લઈ લીધો હતો..મારી જીંદગીમાં હવે ફરીવાર ખાલીપો વર્તાઈ રહ્યો હતો..હું ઘણીવાર ખૂબ રડતો કે નાત-જાતનાં અભિમાન માં આવી મેં દેવકી ને ના અપનાવી અને એની સજા હું ભોગવી રહ્યો છું..આખરે મારી ભૂલ સુધારવા હું ગઢ આવ્યો..દેવકીને મારી સાથે મારાં ઘરે લઈ જવાં હું દેવકીનાં ઘરે પહોંચ્યો ત્યારે દેવકી મોત નાં બિછાને પડી હતી.."
"મારાં થકી પેદા થયેલાં પુત્ર ને જીવાડવા દેવકી એ બીજો કોઈ રસ્તો ના મળતાં દેહ વ્યાપાર શરૂ કરી દીધો..એમાં જ એને એઈડ્સ ની જાનલેવા બીમારી લાગુ પડી ગઈ..મેં દેવકીની માફી માંગી અને એની સારવાર કરવાની તૈયારી બતાવી..પણ દેવકી એક ની બે ના થઈ અને મારી સાથે આવવાનો ઈન્કાર કરી દીધો.પણ જતાં જતાં દેવકીએ મારાં હાથમાં આદિત્ય નો હાથ મૂકી કહ્યું કે આદિત્ય અમારું સંતાન છે.આદિત્યનું દેખરેખ રાખવાની જવાબદારી મને સોંપ્યાનાં દસેક દિવસ બાદ દેવકી નું પણ અવસાન થઈ ગયું.."
"દેવકી નાં અંતિમ સંસ્કાર કરી હું આદિત્ય ને મારી સાથે જ લેતો આવ્યો..મેં માં અને બાપ બંને નો પ્રેમ આદિત્ય ને આપ્યો..એની દરેક નાની મોટી જરૂરિયાત પુરી કરી.હું ઈચ્છતો હતો કે આદિત્ય મોટો પોલીસ ઓફિસર બને પણ એને ડોકટર બનવું હતું..આખરે મેં મને-કમને એને ડૉક્ટરી નું ભણવાની છૂટ આપી દીધી..આમ છતાં ઘણીવાર હું એને કહેતો કે પોલીસ ની નોકરી શ્રેષ્ઠ છે..એમાં પણ તારી સાથે મુલાકાત થયાં બાદ તો હું આદિત્ય ની આગળ જ્યારે પણ સમય મળતો તારાં જ ગુણગાન ગાતો રહેતો.."
"આદિત્ય અને હું એક છત નીચે તો રહેતાં પણ એનો મારી તરફનો વ્યવહાર પિતા-પુત્ર જેવો નહોતો..અંદરખાને એ મને પોતાની માં દેવકી ની દુર્દશા નું કારણ માનતો હતો એ વાત હું સમજી રહ્યો હતો..પણ મને હૃદયનાં ઉંડેથી એવી આશા હતી કે વધતી ઉંમર સાથે આદિત્ય નું મારી તરફનું વલણ બદલાશે..પણ એવું કંઈ બન્યું નહીં."
"ગઈકાલે સવારે આદિત્ય જ્યારે સ્નાન કરી રહ્યો હતો ત્યારે એક ગીત ગુનગુનાવી રહ્યો હતો.. જેનાં શબ્દો હતાં 'આજ કી રાત કોઈ આને કો હૈં..',તારાં દ્વારા એ સિરિયલ કિલર ની ફાઈલની જે ઝેરોક્ષ મોકલવામાં આવી હતી એમાં મેં વાંચ્યું હતું કે એ હત્યારો આ જ ગીત ગાતો હતો જ્યારે એને હરીશ દામાણીનાં કિડનેપિંગ ને અંજામ આપ્યો."
"આ ગીત સાંભળતાં જ મારું મન વિચારે ચડી ગયું..કેમકે આદિત્ય નાં શૂઝ ની સાઈઝ પણ 9 હતી..અને આજ સાઈઝની શૂઝ ની ફૂટપ્રિન્ટ તને હરીશનાં ફાર્મહાઉસ જોડેથી મળી હતી..આદિત્ય નાં જતાં જ મેં એનો રૂમ ચેક કર્યો..અંદર મને seven deadly sins ને લગતી ચાર બુક મળી આવી..અને એ સિરિયલ કિલર પણ આજ seven deadly sins મુજબ હત્યાઓ કરતો હતો."
"આ ઉપરાંત આ બધી હત્યાઓ શરૂ થતાં ની સાથે આદિત્ય નું સતત બહાર રહેવું પણ મને ખચકી રહ્યું હતું...મેં મારો આ શક ખોટો હોય એવી ભગવાનને પ્રાર્થના તો કરી પણ મનોમન મારું પોલીસ દિમાગ કહી રહ્યું હતું કે આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે..મેં મારો આ શક સાચો છે કે ખોટો એ નક્કી કરવા આઈટી ટીમ ને કોલ કરી તાત્કાલિક છેલ્લાં દસ દિવસની આદિત્ય નાં ફોન ની લોકેશન જણાવવા કહ્યું.."
"આઈટી ટીમ દ્વારા જણાવાયું કે આટલાં દિવસથી આદિત્ય અમદાવાદમાં જ હતો..શીલજ થી આગળ રોડ થી એક કિલોમીટર અંદર તરફ આદિત્ય નું લોકેશન મોટાંભાગે મોજુદ હોવાની માહિતી પણ મને પ્રાપ્ત થઈ..હું બધું આદિત્ય ને મળી ક્લિયર કરવાં માંગતો હતો..પણ બપોરે જ મારી ઉપર જીવલેણ હુમલો થઈ ગયો જે શાયદ આદિત્ય એ જ કર્યો હતો.."
"મારું પોતાનું ખુન મારી જાન નું દુશ્મન બન્યું છે..હે ભગવાન મને કયાં જન્મનાં પાપની સજા તું આ જન્મે આપી રહ્યો છે.."આટલું બોલતાં જ ડીસીપી રાણા રડી પડ્યાં.
"સર તમે આમ દુઃખી ના થાઓ..આદિત્ય આ બધું કરી રહ્યો છે એમાં તમે પોતાની જાતને અપરાધી ના ગણશો..તમારો કોઈ વાંક નથી.આદિત્ય ની નબળી માનસિકતા અને અપરાધી વૃત્તિ નાં લીધે જ એ આટલી ભયાનક હત્યાઓને અંજામ આપવાં પ્રેરાયો હશે."રાજલે આશ્વાસન આપતાં ડીસીપી રાણા ને કહ્યું.
"રાજલ ભલે એ મારો દીકરો રહ્યો પણ એ કાનૂન નો દુશ્મન છે માટે એનાં કરેલાં કર્મોની સજા એને મળવી જ જોઈએ..તું એનાં શીલજ સ્થિત સ્થાનક પર છાપો મારી એની ધરપકડ કરી લે અને જો એ ભાગવાની કોશિશ કરે તો એનું એન્કાઉન્ટર પણ કરી શકે છે.."મક્કમ સ્વરે ફરજનિષ્ઠ ડીસીપી રાણા એ કહ્યું.
"યસ સર,એવું જ થશે..જય હિંદ.."રાજલ પોતાની જગ્યાએથી ઉભી થઈ અને ઉતાવળાં ડગલે રૂમની બહાર નીકળી ગઈ.
બહાર નીકળતાં ની સાથે જ રાજલે ત્યાં હાજર બંને ઇન્સ્પેકટરને બોલાવી એ સિરિયલ કિલર વિશે ડીસીપી રાણાએ જણાવી દીધું છે એમ જણાવ્યું..પણ આ ઘણી મોટી ખબર હોવાનાં લીધે રાજલે એ સિરિયલ કિલર ડીસીપી નો ખુદનો દીકરો આદિત્ય જ છે એ વાત ગોપનીય રાખી..હવે ક્યાં અને કઈ રીતે એ સિરિયલ કિલર ને જીવતો અથવા તો મૃત પકડવો એનો પ્લાન બનાવવાનું રાજલે શરૂ કરી દીધું..!
***********
રાજલ પોતાને પકડવા પોતાનાં વેરાન વિસ્તારમાં આવેલાં બંગલા તરફ આવી રહી હતી એ વાતથી બેખબર આદિત્ય પ્રસન્ન ચિત્ત સાથે પોતાનાં બંગલે બેઠો હતો.એને હતું કે પોતે ડીસીપી રાણા ની હત્યા કરી દીધી છે અને પોતાનાં વિશે માહિતી ધરાવતાં એકમાત્ર વ્યક્તિનાં ખાત્મા પછી એની ઉપર કોઈ જાતનું જોખમ નથી.
હોસ્પિટલમાંથી ભાગતી વખતે રાજલે છોડેલી ગોળીનાં લીધે આદિત્ય નાં ખભે થોડો ઘસરકો પડ્યો હતો..જેની ઉપર પાટા પિંડી કરી આદિત્ય ખાલી નાઈટ પેન્ટ પહેરી સોફામાં બેસી હવે આગળ પોતાનાં સાતમાં અને છેલ્લાં શિકાર ની હત્યા કઈ રીતે કરશે એ વિષયમાં વિચારી રહ્યો હતો.
"રાજલ આજે ફરીવાર મેં પુરવાર કરી દીધું છે કે મારાં so called deddy ની સૌથી વધુ લાડકવાયી પોલીસ ઓફિસર કરતાં એમનો આ નમાલો દીકરો વધુ હોંશિયાર છે..પોતાની જાત નાં ઘમંડ માં પોતાની પત્ની ને ખોઈ અને પોતાનાં નોકરીનાં રુવાબમાં પોતાનો દીકરો..અને છેલ્લે પોતાનો જીવ.."આટલું બોલી આદિત્ય જોરજોરથી હસવા લાગ્યો.
એક ન્યુરોલોજીસ્ટ સર્જન આટલી હદે ક્રૂર હોઈ શકે એ કોઈ વિચારી પણ શકે એમ નહોતું..પણ કુમળા વયનાં આદિત્ય એ નાની વયે જે કંઈપણ જોયું અને અનુભવ્યું હતું એની આડઅસર રૂપે એ અત્યારે એક સામાન્ય વ્યક્તિ મટીને બની બેઠો હતો રિવરફ્રન્ટ સિરિયલ કિલર..!!
**********
વઘુ આવતાં ભાગમાં.
આદિત્ય નો છેલ્લો શિકાર કોણ હતું..?રાજલ કઈ રીતે આદિત્ય નો ખાત્મો કરશે..? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો છેલ્લો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન.આર.પટેલ (શિવાય)