BE HEALTHY in Gujarati Motivational Stories by Mohammed Saeed Shaikh books and stories PDF | તંદુરસ્ત અને ઉર્જાવાન રહો

Featured Books
Categories
Share

તંદુરસ્ત અને ઉર્જાવાન રહો

વિશ્વમાં ઘણી બધી અજાયબીઓ છે જેમને આપણે જાણતા નથી. પરંતુ એક અજાયબી એવી છે જે બધા પાસે છે. હા, આપણું શરીર. એક નાનકડા વીર્યના ટીપામાં લાખો શુક્રાણુઓ હોય છે. એમાંથી માત્ર એક શુક્રાણુનું સ્ત્રીના અંડબીજ સાથે ફલન થાય છે અને સર્જાય છે એક માનવ!. આ માનવી ૫૦-૬૦-૮૦ કે ૧૦૦ વર્ષ સુધી પણ જીવે છે. કોઈપણ આધુનિક મશીનને ટક્કર આપે એવું આપણી શરીર ઇશ્વરે સર્જ્યું છે. મશીન થાકી જાય છે, ઘસાઈ જાય છે, પુર્જા બદલવા પડે છે. ઓઈલીંગ કરવું પડે છે પરંતુ મિનીટમાં ૬૦ થી ૧૦૦ વખત ધબકતું હૃદય - એવરેજ ૭૨ વખત પ્રતિ મીનીટ માનીએ તો કલાકમાં ૪૩૨૦ વખત અને એક દિવસમાં ૧,૦૩,૬૮૦ વખત અર્થાત્‌ એક વર્ષમાં પોણા ચાર કરોડ વખત ધબકે છે! એ પણ કોઈ આરામ, કોઈ ઓવર હાઉલીંગ કે ઓઈલીંગ કર્યા વિના! આવી અજાયબીઓ શરીરના દરેક અંગ વિશે જાણવા મળશે જો તમે જાણવાનો પ્રયત્ન કરશો તો. આવા અદ્‌ભૂત શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ, એ પણ જાણવું જોઈએ. શરીરને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક આહાર, સારી ઊંઘ અને કસરતની જરૂર પડે છે. આનાથી શરીર તંદુરસ્ત અને મન આનંદદાયી રહે છે, જેનાથી કામ કરવા માટે ઊર્જા મળી રહે છે. કસરત થકી એન્ડોર્ફીન નામનો અતઃસ્ત્રાવ કે જે કુદરતી દર્દનાશક છે - છૂટો પડે છે જે શરીરની નર્વસ સીસ્ટમ યાની ચેતાતંત્રને શાંત કરે છે. તમારૂં શરીર બીમાર છે એનો અર્થ કે તમે ઘણા સુખોથી વંચિત છો. જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા અને સુખોની અનુભૂતિ કરવા માટે પણ તમારી પાસે તંદુરસ્ત તન અને મન પણ હોવા જોઈએ. તમારી પાસે બધા જ ભૌતિક સુખ સગવડો હોય પરંતુ તમે ઘણો સમય બીમાર રહેતા હોવ તો આવા સુખ અને સાધનોનો કોઈ અર્થ નથી. તંદુરસ્ત રહેવા માટે દરેક માણસે કેટલાક નિયમો પાળવા જોઈએ. સૌથી પહેલા આવે છે તમારો આહાર. તમે કેવો ખોરાક લો છો એ સૌથી મહત્વનું છે. આજે એક તરફ આફ્રિકાના દેશોમાં અને ત્રીજો વિશ્વના દેશોમાં લોકો ગરીબી અને ભૂખમરાથી મરી રહ્યા છે ત્યારે યુરોપ અને અમેરિકામાં લોકો વધુ ખાઈને મરી રહ્યા છે. આપણે એક એવા વિચિત્ર વિશ્વમાં વસીએ છીએ જ્યાં મુખ્યત્વે બે વર્ગો છે. એક એવો વર્ગ જેની પાસે ભૂખ કરતા અનાજ વધુ છે અને બીજો વર્ગ જેની પાસે અનાજ કરતા ભુખ વધુ છે.

આજે યુરોપ, અમેરિકા અને આપણે ત્યાં ધનિક કે ઉચ્ચ મધ્યમવર્ગના લોકોમાં પાતળા થવાની ફેશન છે. પહેલાં ધરાઈને ખાધા પછી સ્થૂળ કાયાને પાતળી કરવા, ચરબી બાળવા માટે લોકો જીમમાં જાય છે કે પછી ડાયેટીંગ કરે છે. આની પાછળ અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે. જોકે સ્થૂળકાય લોકો માટે અદનાન સમી, ભૂમિ પેંડેકર કે આમીર ખાન પ્રેરણાદાયક બની ગયા છે. એમણે જે રીતે વજન ઘટાડ્યું છે એનાથી ઘણા લોકોને નવી આશા જન્મી છે અને શરીરને સુદૃઢ અને ફીટ કરવા માટે મહેનત કરવાની પ્રેરણા મળી છે. તંદુરસ્ત આહાર માટે કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ.

શાકભાજી અને ફળો ખાવા: આમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે. સફરજન માટે અંગ્રેજીમાં કહેવત છે ‘એન એપ્પલ અ ડે રીઅલી ડસ કીપ ધ ડોકટર અવે.’ રોજ એક સફરજન ખાવ તો ડૉકટર પાસે જવાની જરૂર નહીં પડે. સંશોધનથી જોણવા મળ્યું છે કે જે લોકો રોજ આહારમાં થોડા પણ ફળ ખાય છે એમને પેટના કેન્સરની શક્યતા ૩૦થી ૫૦ ટકા જેટલી ઘટી જોય છે. કેન્સરથી બચવા માટે ગાજર, શક્કરીયા, ટામેટા, પાલકની ભાજી, સલગમ, કોબીજ, ફ્લાવર અને મૂળા જરૂર ખાવા જોઈએ.

આહારમાં જરૂરી પ્રોટીન પણ હોવા જ જોઈએ. આ પ્રોટીન માંસ, માછલી અને ચીકનમાંથી મળે છે. બ્રેડ, ચોખા, બટાકા, શેકેલા વટાણામાં પણ ફાઈબર અને પ્રોટીન હોય છે. આહારની આદતો ભૂગોળ, સામાજિક અને આર્થિક સ્થિતિઓ ઉપર નિર્ભર રહે છે. એને ધર્મ સાથે જોડી ખોટા વિવાદ ઊભા ન કરવા જોઈએ. દરિયા કિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક માછલી અને ભાત હોય છે. કારણ કે એ એમને પરવડે છે. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. આખા ભારતમાં આ પ્રથા છે, ગુજરાતને છોડીને. ગુજરાતને ૧૬૦૦ કિમિ લાંબો દરિયા કિનારો મળ્યો છે. પુષ્કળ પ્રમાણમાં મત્સ્ય અને એને સંબંધિત ઉદ્યોગો વિકસી શકે એમ હોવા છતાં રાજકારણીઓએ એને ધાર્મિક અને અહંકારનો મુદ્દો બનાવી લીધો છે. પરિણામે જનતાને પણ આર્થિક નુકસાન વેઠવું પડે છે, અને ઇશ્વરે સર્જેલ સ્વાદિષ્ટ માછલીઓનો સ્વાદ ચાખવાથી વંચિત રહેવું પડે છે. (જો કે હવે મોટાભાગના હિંદુઓ પણ માંસ-માછલી ખાય છે જ. એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતની ૬૮% વસ્તી માંસાહારી છે.)

તંદુરસ્તી માટે વધારે પડતી ચરબી કે તેલયુક્ત ખોરાકથી બચવું જોઈએ. વધારે પડતી ફ્રેંચ ફ્રાઈઝ, તળેલી ચીપ્સ, કેક, બિસ્કીટ અને સોસેજનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો કે થોડી ઘણી ચરબી અને કોલેસ્ટોરેલ શરીર માટે જરૂરી છે એટલે સંપૂર્ણપણે કોલેસ્ટોરેલ વિનાના તેલની જોહેરાતથી ભરમાઈને એનો ઉપયોગ ટાળવો જોઈએ. નહિંતર કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને સ્થૂળ શરીર હોય તો હૃદયરોગનું જોખમ હોય છે. વર્જીન ઓલીવ ઓઈલ, ટુના અને મેકરેલ જેવી માછલીનું તેલ હૃદય માટે સારૂં ગણાય છે.

મીઠું ઓછું નાખવું, નહીં તો બ્લડપ્રેશર વધશે. ખાંડ મીઠું ઝેર છે. શરીરમાં એ જેટલો ફાયદો કરે છે એનાથી વધારે નુકસાન કરે છે. એમાં કેલરી વધારે હોય છે, પરંતુ એ લેવામાં આવે ત્યારે પ્રારંભમાં એનર્જી (ઉર્જા) વધારે છે, પછી ઘટાડી દે છે.

* બાળકોના વિકાસમાં પ્રોટીન્સ, વિટામીન્સ, મીનરલ્સ બધાની જરૂર હોય છે. તમે જેનાથી પરહેજ કરતા હો એ વસ્તુઓ બાળકોને ખાવાથી ના રોકો. જો એમને પરેજી કરાવશો તો શક્ય છે તેઓ કુપોષણનો ભોગ બની શકે છે. અથવા એમના મગજ ઉપર પણ અસર થઈ શકે છે.

* વિટામીનની ગોળીઓ સારા અને તંદુરસ્ત ખોરાકનો વિકલ્પ નથી. જ્યાં સુધી ડાકટર લખી ન આપે ત્યાં સુધી ખાવી જોઈએ નહીં.

* ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે.

* આપણુ શરીર કોષોનું બનેલું છે અને કોષોમાં પાણી હોય છે. શરીરમાં ૭૧ ટકા પાણી હોય છે તંદુરસ્ત રહેવું હોય તો ખૂબ પાણી પીવું જોઈએ. એનાથી કબજીયાત કીડની અને બ્લડપ્રેશરની બીમારીથી બચી શકાય છે અને ચામડી સારી રહેશે.

* નિયમિતપણે ખાવું જોઈએ. નહીંતર પેટમાં એસિડ વધી જોય છે. ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવુ જોઈએ. બ્રેન્જામીન ફ્રેંકલીનના ડહાપણભર્યા શબ્દો યાદ રાખવા જોઈએ “જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો.”

* કેટલાક આહાર શાસ્ત્રીઓનું માનવું છે કે ત્રણ વખત પેટ ભરીને જમવા કરતા થોડું થોડું પાંચ-છ વખત જમવું જોઈએ. જેથી શરીરમાં ચરબી જમા ન થાય.

* સવારે નાસ્તો લેવો જ જોઈએ. જે લોકો નાસ્તો નથી કરતા તેઓ બપોરે વધુ પડતું જમી લે છે અને તંદુરસ્તી ખરાબ કરે છે.

* જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ.

* ઠાંસી ઠાંસીને ક્યારેય ન જમવું. થોડી ભૂખ બાકી રહે ત્યાં સુધી જ જમવું જોઈએ.

* તંદુરસ્ત રહેવું હોય તો બીડી, સિગારેટ ન પીવી. ફેફસાનું કે મોઢાનું કેન્સર થઈ શકે છે. સંશોધનમાં એ પણ જોણવા મળ્યું છે કે વધુ પડતા ધુમ્રપાનથી નપુંસકતા આવી શકે છે. મગજનું કેન્સર અને લ્યુકેમીયાની શક્યતા ૩૦ ટકા વધી જાય છે. હૃદયરોગનો હુમલો પણ થઈ શકે છે. ધુમ્રપાનથી માત્ર એક નાનકડો ફાયદો છે કે ચયાપચયની ક્રિયા ઝડપી થાય છે પરંતુ એની સામે નુકસાન ઘણા બધા છે. માર્લબોરો નામની પ્રખ્યાત સિગારેટ કંપનીના માલિક વેયન મેકકલેરને મરતા પહેલા કહ્યું હતું કે “તમાકુ તમને મારી નાખશે અને હું મરી રહ્યો છું એનો પુરાવો છું.”

* દારૂ પીવાથી શું ફાયદા થતા હશે એ ખબર નહીં પરંતુ એનાથી કિડની અને લિવર ચોક્કસ ખરાબ થઈ શકે છે. દારૂ પીને ડ્રાઈવીંગ કરતા ડ્રાઈવરો મગજનો કાબુ ગુમાવી દેવાથી વધુ પડતા અકસ્માત કરે છે. પોતાનું તો ઠીક પોતાની સાથે બેસેલા કે સામે આવતી ગાડીમાં બેસેલા લોકોનું જીવ જોખમમાં નાખે છે.

કસરત : નિયમિત કસરત શરીર માટે આવશ્યક છે. આનાથી શરીર સુડોળ રહે છે, ઊર્જાનું સ્તર વધે છે અને હૃદય પણ મજબૂત રહે છે. સ્ટ્રેસ (તણાવ) ઓછી થાય છે. કસરત કરવાથી માથાનો દુખાવો, પીઠનો દુખાવો, અકડાઈ જવું, સાંધાનો દુખાવો અને કબજીયાતથી છુટકારો મળે છે. સ્મરણશક્તિ વધે છે.

ચાલવું સૌથી સારી કસરત મનાય છે. સાયક્લીંગ, સ્વીમીંગ, ટેનિસ, ક્રિકેટ વગેરેથી પણ કસરત થાય છે. રોજ ઓછામાં ઓછી ૧૫-૨૦ મિનીટ કસરત અને જીમ ઇન્સ્ટ્રકટરની સલાહ અનુસાર જ કસરત કરવી અને આહાર લેવો જોઈએ. બજોરમાં મળતી વજન ઓછું કરવાની દવાઓ કે પીણા પીને જોખમ નોતરવું ન જોઈએ. સંશોધનથી જોણવા મળ્યું છે કે કોઈપણ ઉમરે કસરત કરવાથી તંદુરસ્તી વધારી શકાય છે. કસરતથી મૂડ સુધરે છે. જીવનમાં હકારાત્મકતા આવે છે. આત્મવિશ્વાસ વધે છે. સર્જનાત્મકતામાં પણ વધારો થાય છે. સેકસ લાઈફ સુધરે છે. ટુંકમાં ‘એક તંદુરસ્તી હજાર નિયામત’ એ કહેવત સાચી પડે છે. હેલ્થ જ તમારી વેલ્થ (સંપત્તિ) છે. તંદુરસ્ત રહીને જ તમે સફળતાને માણી શકો છો.

ઉર્જાવાન રહેવા માટે ઉપરોક્ત સૂચનો ઉપરાંત બીજી બાબતો પણ યાદ રાખવી જોઈએ.

* નિયમિત આહાર લેવું, કસરત કરવી અને સારી ઉંઘ ૭-૮ કલાકની ખૂબ આવશ્યક છે. ઊંઘવાના ૫-૧૦ મિનીટ અગાઉ જ પલંગમાં આડા પડી જવું જોઈએ. દિવસભરના ખરાબ અનુભવોને કે તાણ વધારનારી વાતોને યાદ ન કરવી. બની શકે તો સારી બાબતો વિચારવી. પ્રાર્થના કરવી. મનને હળવું રાખવું. સવારે એલાર્મ વાગે તો તરત ન ઉઠતા ત્રણ ચાર મિનીટ પછી જ ઉઠવું જોઈએ. વધારે પડતું ઊંઘવું ન જોઈએ. જેમ ઓછી ઊંઘ તંદુરસ્તી બગાડે છે એમ વધુ પડતી ઊંઘ પણ તંદુરસ્તી બગાડે છે. શરીર આળસુ બની જોય છે. ઇસ્લામે જે વાત ૧૪૦૦ વર્ષ અગાઉ કરી હતી એ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ પ્રયોગોથી સત્ય પુરવાર કરી છે કે બપોરે ૧૦-૧૫ મિનીટ ઊંઘ લેવાથી હાર્ટ એટેક આવતો નથી. મગજ ફ્રેશ થઈ જોય છે. તાણ ઘટે છે. સ્મરણશક્તિ વધે છે, જેનાથી નવો ઉત્સાહ અને નવી ઊર્જાનો એહસાસ થાય છે.

* છાતી સુધી શ્વાસ લેવા કરતા પેટ સુધી શ્વાસ લેવુ જોઈએ જેથી શરીરને વધારે ઓÂક્સજન મળે.

* ઉર્જાવાન રહેવા માટે દર અઠવાડિયે રજો માણવી જ જોઈએ. લાંબા વેકેશન કરતા નાનકડા સમયગાળામાં રજો લેવાથી થાક ઓછો લાગશે અને ઉર્જાવાન બન્યા રહેશો.

* હકારાત્મક વિચારો સાથે જીવો. નકારાત્મક લોકો અને વિચારોથી દૂર રહો.

* તમે થાકી જોવ તો આરામ કરો. થાક કુદરતી બાબત છે એને સ્ટેટસ સિમ્બોલ ન બનાવો કે હું શા માટે થાકી ગયો?

* ચિંતા અને તાણ છોડો. એ તમારા મનને થકવી નાખશે. મન થાકી જશે તો તન પણ થાકી જશે.

* ચાલીસી પછી ડોકટરની પાસે નિયમિત તપાસ કરાવવી જોઈએ.