‘મેરે ઘર આઇ એક નન્હી પરી, એક નન્હી પરી....’
એક મહિનાની નાનકડી નમ્રતાને પોતાના હાથમાં લઈ એના પિતા ગાતા હતા ને એની માતા એ જોઇને હરખાતી હતી. બંને ખુબ ખુશ હતા. સાચે જ પરી જેવી લાગતી હતી નમ્રતા. ગોળ ગૌરવર્ણુ મોં ને માસુમ સ્મિત. એના ખિલખિલાટ ભર્યા હાસ્યમાં એના માતા-પિતા જાણે ખોવાઈ જતાં. એના ગરીબ મા-બાપ માટે નમ્રતાનું સ્મિત જ એમનો ખજાનો હતો.
નમ્રતા જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે એના પિતા પર એના શેઠે ચોરીનું ખોટું આળ ચડાવી એમને જેલ મોકલી દીધા. એમના શેઠની બુરી નજર નમ્રતાની માતા પર હતી. પતિ વિનાની અભણ સ્ત્રી પોતાને તાબે થઈ જશે એમ એમણે માનેલું પણ જ્યારે એમ ના બન્યુ ત્યારે શેઠે એના પિતાને પાંચ વર્ષની સજા કરાવી દીધી. એની અભણ માતાએ લોકોના ઘરનાં કામ કરવા માંડ્યા. નમ્રતાને એણે શાળામાં ભણવા મુકી હતી. નમ્રતા પણ હોંશિયાર હતી સારા માર્કે પાસ થતી. એના દરેક શિક્ષકોની લાડકી હતી. પાંચ વર્ષ પુરા થતાં નમ્રતાના પિતા જેલમાંથી મુક્ત થયા પણ સમાજની નજરનો સામનો ન કરી શક્યા અને નિરાશામાં સરી પડ્યાં. નમ્રતાની માતા ખુબ મક્કમ મનોબળ વાળી હતી એણે ખુબ જ ધીરજ અને પ્રેમથી એમની સેવા કરી એમને પાછા કામ કરવા યોગ્ય બનાવ્યા. પણ એમાં ત્રણ વર્ષ લાગી ગયા. એ દરમિયાનમાં એની માતાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો. નમ્રતાની માતા બહારના કામ કરતી અને પિતાની સંભાળ લેતી. એટલે પોતાના ઘરના કામનો બોજો નમ્રતા પર આવ્યો અને પછી ભણવાની સાથે સાથે એણે નાના ભાઈ-બહેનને પણ સાચવવા પડતાં. છતાં એ બધેજ પહોંચી વળતી અને સારા માર્કે પાસ પણ થતી. તેર વર્ષની નાની ઉમરે એ આખું ઘર સંભાળી શકવાને સમર્થ થઈ ગઈ.
હવે એના પિતા કામ કરવા યોગ્ય થઈ ગયા હતા. એમણે એક કારખાનામાં નોકરી કરવી શરુ કરી. માતાને બીજાના ઘરના કામ કરવા માંથી મુક્તિ મળી. હવે નમ્રતાને એના ભાઈ બહેનનું ધ્યાન રાખવું પડતું નહોતું. એ દસમું પાસ થઈ ત્યારે એના માતા-પિતાની ખુશી સમાતી નહોતી. માતા-પિતા બંનેને એના પર ગર્વ હતો. પણ આગળ ભણવા માટે નો ખર્ચ કાઢવા જેટલું પિતા કમાતા નહોતા કારણકે હવે એના નાના ભાઈ બહેન પણ સ્કૂલે જતા. નમ્રતાએ પોતાના ભણતરનો ખર્ચો કાઢવા ટ્યુશંસ કરવા માંડ્યા. પોતાના ભાઈ-બહેનની સાથે સાથે એ આજુબાજુના બાળકોને પણ ભણાવતી અને એ બાળકોના વાલીઓ નમ્રતાના ભણતરનો ખર્ચો ઉઠાવતા. કોલેજમાં એને સ્કોલરશીપ મળી એટલે એ ખર્ચો બંધ થયો. ટ્યુશનના રુપિયા એ ભાઈ-બહેન પાછળ ખર્ચતી. પણ એના નસીબમાં શાંતિથી અભ્યાસ કરવાનું નહોતું. કારખાનામાં કામ કરતી વખતે એના પિતાને હૃદયરોગ નો હુમલો થયો અને એમને પેરેલીસીસ થઈ ગયો. આવક ઓછી થવાની સાથે ખર્ચો વધી ગયો. માતાએ ફરી લોકોના કામ શરુ કરવાનું કહ્યું પણ નમ્રતાએ ના કહી. એણે માતાને પોતાના પિતા અને ભાઈ બહેન નું ધ્યાન રાખવાનું કહ્યું. ખર્ચા બાબતમાં એણે માતાને ચિંતા ના કરવાનું કહ્યું. કોલેજની નજીકની એક ઓફિસમાં એણે પાર્ટટાઈમ કામ કરવાનું શરું કર્યુ.
એ ડીસ્ટીંગ્શન સાથે ગ્રેજ્યુએટ થઈ. ટ્યુશનના બાળકોને હવે એના ભાઈબહેન પણ ભણાવી શકતા એથી સ્થિતી થોડી સારી થઈ. શહેરની એક મોટી ફર્મ માં નોકરી મેળવવા એણે બીજા શહેરમાં પરીક્ષા આપવા જવાનું હતું. ટ્રેનમાંથી નીચે ઉતરતા એને કોઇનો ધક્કો લાગ્યો અને એ પડી ગઈ. એનાથી ઉભા નહોતું થવાતું. લોકો દોડા દોડી કરતાં પણ એની સામે જોવાની કોઇને ફુરસદ નહોતી. એટલામાં એક યુવક બીજી ટ્રેનમાંથી ઉતર્યો. જેણે એને ઉભા થવામાં મદદ કરી અને એક બેંચ પર બેસાડી પાણી પાયું. વાતવાતમાં નમ્રતાએ પોતે અહી પરીક્ષા આપવા આવ્યાનું જણાવ્યું. યોગાનુયોગ એ યુવક પણ એ જ પરીક્ષા આપવા આવ્યો હતો. એનું નામ પ્રણવ હતું. હજુ પરીક્ષા શરુ થવાને વાર હતી. પ્રણવ એને નજીકના દવાખાને લઈ ગયો. એને સહારો આપી પરીક્ષાખંડ સુધી પહોચવામાં મદદ કરી. પરીક્ષા પત્યા પછી એને સ્ટેશન પર ગાડીમાં પણ બેસાડી. નમ્રતાએ દિલથી પ્રણવનો આભાર માન્યો અને ફોન નંબરની આપલે થઈ. ત્યાં સુધીમાં નમ્રતા માત્ર એટલું જાણી શકી કે પ્રણવ એના માતા-પિતાનો એકનો એક દીકરો છે. વરસ પહેલાં જ એની માતા નું મૃત્યુ થયુ છે ને એના પપ્પા સાથે એને ફાવતું ન હોવાથી એણે પોતાના શહેરથી દુર નોકરી કરવી છે..
આપેલ પરીક્ષામાં બંને પાસ થયા. પ્રણવને નમ્રતાના શહેરમાં નોકરી મળી. એક જ ઓફિસમાં કામ કરતા એ બંને એકબીજાની નજીક આવી ગયા. અચાનક જ એક દિવસ પ્રણવ ગાયબ થઈ ગયો. પ્રણવના પિતા પર એના બીઝનેસના વિરોધીઓએ હુમલો કર્યો હતો. એના પિતા એક સ્મગ્લર હતા જે વાત એણે નમ્રતાથી છુપાવી હતી. એણે નોકરી પર રજીનામું મોકલી દીધુ અને નમ્રતાની કોઇ પુછ્પરછ ના થાય માટે ફોન પણ બંધ કરાવી દીધો હતો. નમ્રતાને પોતાના નસીબ પર રડવું આવ્યું. થોડા દિવસમાં એક માર્ગ અકસ્માતમાં એની માતાનું પણ અવસાન થતા હવે એના પિતાની જવાબદારી પણ પોતાના પર આવી.
ભાઈ અને બહેનનો અભ્યાસ પુરો થતાં એક સારું ઘર જોઈ બહેનને પરણાવવાની વાત કરતાં પિતાની આંખમાં આંસુ આવ્યા. નમ્રતા મોટી હતી એના લગ્ન અત્યાર સુધીમાં થઈ જવા જોઈતા હતા. પણ નમ્રતાએ લગ્ન કરવાની ના પાડી એ પોતાના પિતાની ચાકરી જ કરવા માગતી હતી. એની જીદ આગળ પિતાનું શું ચાલે ? આમ પણ એ શરીરથી તો લાચાર હતા. નમ્રતાએ એક સારા કુટુંબમાં સાદાઈથી બહેનનાં લગ્ન કર્યા. એના પતિને વિદેશમાં નોકરી મળી અને બંને પતિ-પત્ની વિદેશ જતા રહ્યા. નમ્રતાના પિતાની સારવારમાં ઘણા રુપિયા જતાં હતા. દીકરી પોતાને કારણે લગ્ન નથી કરી શકતી. એની મહેનતના રુપિયા પોતાની સારવારમાં ખર્ચાય જાય છે આ અહેસાસ એમને સતાવ્યા કરતો. એક દિવસ દીકરીએ ફ્રુટ કાપીને ફ્રુટ સાથે મુકેલી છરીથી એમણે આત્મહત્યા કરી લીધી. નમ્રતા બહુ જ દુ:ખી થઈ ગઈ. નમ્રતાની જવાબદારીમાં હવે ભાઈના લગ્ન જ હતા. પછી એ પોતાની મરજીની જીન્દગી જીવી શકશે.
એક ધનવાન પિતાની એકની એક સ્વરુપવાન દીકરી સાથે લગ્ન કરીને એના ભાઈએ એ જવાબદારી માંથી નમ્રતાને મુક્ત કરી ત્યારે એકાંતમાં એને પ્રણવની યાદ આવી ગઈ. ઘરની જવાબદારીઓ નીભાવવામાં પ્રણવને તો એ ભુલી જ ગઈ હતી. હવે જ્યારે એમાથી મુક્તિ મળી છે ત્યારે પ્રણવ ક્યાં હશે એ વિચારી રહી.
ભાભીને એના રૂપ અને એના રૂપિયાનું બહુ અભિમાન હતુ. એ વાતે વાતે નમ્રતાને નીચી પાડતી જેમાં મુખ્ય વિષય એ હજુ કુંવારી હોવાનો રહેતો. પણ ભાઈના સુખ માટે એ બધુ સહન કરતી. આમ પણ નાનપણ થીજ એને માથે બધુ સહન કરવાનુ જ આવ્યુ હતું. હવે મુગા રહી બધુ સહન કરવાની એને આદત પડી ગઈ હતી. પણ એક દિવસ એની ભાભીએ બસ સ્ટેંડ પર એને એના એક સહકર્મચારી સાથે વાત કરતા જોઈ અને ભાઈની ગેરહાજરીમાં એમણે નમ્રતાને ન સંભળાવવાનું સંભળાવ્યુ. એના ચારિત્ર પર શંકા કરી જે નમ્રતા સહન ન કરી શકી અને ઘરમાંથી બહાર દોડી ગઈ.
પ્રણવના પિતાનું અવસાન થતાં એમની બધી જ મિલ્કત સરકારને સોંપી પ્રણવ નમ્રતાને મળવા આવ્યો હતો. એ બહાર ઉભો ઉભો સાંભળતો હતો ને ઘરમાં જઈ વચ્ચે બોલવા જાય એ પહેલાં તો એણે નમ્રતાને બહાર દોડી જતાં જોઈ અને એ પણ એની પાછળ દોડ્યો. પ્રણવે એને બસની અડફેટે આવતી બચાવી. પ્રણવને જોતાંજ નમ્રતા એને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પહેલાં નજીકના રેસ્ટોરંટમાં નમ્રતાને લઈ જઈ પ્રણવે એને શાંત કરી. પછી એને પોતાને ઘરે લઈ ગયો. અઠવાડીયા પછી પોતાના વિષે બધું જણાવી એણે નમ્રતા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો જે નમ્રતાએ સહર્ષ સ્વીકારી લીધો.