Review of Man Vs Wild with Narendra Modi in Gujarati Film Reviews by Siddharth Chhaya books and stories PDF | આ તો મેન વર્સીઝ વાઈલ્ડ કે પછી વાઘ આવ્યો રે વાઘ?

Featured Books
Categories
Share

આ તો મેન વર્સીઝ વાઈલ્ડ કે પછી વાઘ આવ્યો રે વાઘ?

નાનપણમાં આપણે એક વાર્તા સાંભળી હતી અને કદાચ બધાને યાદ પણ હશે. એક ગોવાળિયો હતો. હજીતો એ પોતાની કિશોરવયમાં જ હતો પરંતુ પોતાના પિતાના હુકમથી કમને દરરોજ પોતાના ઘેટાં બકરા ચરાવવા જતો. એકવાર એને અણગમતા કામમાં ટાઈમપાસ કરવા મશ્કરી સુજી અને આસપાસનો વિસ્તાર પણ વળી જંગલનો હોવાથી એણે જોરથી બૂમ પાડી, “વાઘ આવ્યો રે વાઘ...જરા ધાજો રે ધાજો!” આસપાસના ખેતરોમાં ખેતી કરતા તમામ ખેડૂતો તેમનું કામ પડતું મુકીને પોતપોતાની ડાંગ લઈને ગોવાળિયા પાસે આવી ગયા અને જોયું તો એના બકરાં અને ઘેટાં આરામથી ચરતા હતા.

ખેડૂતોને જોઇને પેલો ગોવાળિયો ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે એ તો મશ્કરી કરતો હતો. આવું એણે બે-ત્રણ વાર કર્યું અને ખેડૂતો પણ દર વખતે તેની મદદે આવ્યા. એક દિવસ ખરેખર વાઘ આવ્યો અને ગોવાળિયાએ ખરેખર ગભરાઈને “વાઘ આવ્યો રે વાઘ” ની બૂમ પાડી પરંતુ મશ્કરી ગણીને એક પણ ખેડૂત એની મદદે ન આવ્યો. વાઘ પેલા ગોવાળિયાને એકાદ-બે બકરાને ખેંચી ગયો અને ગોવાળિયો તેના પિતાના સંભવિત ઠપકાના ડરથી રડતો રડતો બેસી રહ્યો!

ડિસ્કવરી ચેનલ પર સાહસિક બેયર ગ્રીલ્સ ‘મેન વર્સીઝ વાઈલ્ડ’ નામનો એક ખાસ એડવેન્ચર કાર્યક્રમની યજમાની કરે છે તેના ખાસ એપિસોડમાં ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિચર થયા હતા. લગભગ પંદર વીસ દિવસથી આ કાર્યક્રમની જોરશોરથી જાહેરાત થઇ રહી હતી. સામાન્ય ફિલ્મોમાં જેમ હોય છે તેમ આ એક કલાકના કાર્યક્રમનું ટીઝર પણ રીલીઝ થયું હતું. આ ટીઝરમાં એવા દ્રશ્યો હતા જે કોઈને પણ આ કાર્યક્રમ જોવા માટે લલચાવી દેતા હતા.

હજી ઓછું હોય એમ બે-ત્રણ દિવસથી બધી ન્યૂઝ ચેનલો પણ આ કાર્યક્રમનો જોરશોરથી પ્રચાર કરી રહી હતી. ટૂંકમાં કહીએ તો મેન વર્સીઝ વાઈલ્ડ વિથ નરેન્દ્ર મોદીએ જબરદસ્ત હાઈપ ઉભી કરી હતી. ગઈકાલે રાત્રે ભારતીય સમય અનુસાર નવ વાગ્યે આ કાર્યક્રમ પ્રસારિત થયો અને દસ વાગ્યે પૂર્ણ થયો. જેને ડિસ્કવરી ચેનલના આ પ્રકારના કાર્યક્રમો જોવાની આદત હશે કે પછી જેણે આ જ બેયર ગ્રીલ્સ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેનો એપિસોડ જોયો હશે તેને આ એક કલાકના કાર્યક્રમને જોયા બાદ મહદઅંશે નિરાશા જ પ્રાપ્ત થઇ હશે. બીજા શબ્દોમાં કહીએ તો વાઘથી ભરપુર એવા જીમ કોર્બેટના જંગલ પર આધારિત કાર્યક્રમમાં દર્શકોને પણ “વાઘ આવ્યો રે વાઘ” જેવી ફીલિંગ્સ થઇ હતી.

એવું નથી કે મેન વર્સીઝ વાઈલ્ડ શિર્ષક હોય એટલે નરેન્દ્ર મોદી અને બેયર ગ્રીલ્સ પ્રાણીઓનો શિકાર કરતા નજરે પડે કે એમની સાથે બથોબથ આવી જાય અથવાતો જંગલમાં ક્યાંક ફસાઈ જાય અને પછી એમાંથી બચી જાય એવી નાટકીયતા એમાં હોય, પરંતુ કાર્યક્રમનું શિર્ષક જ્યારે મેન (Men) એટલેકે બે મનુષ્યો વર્સીઝ વાઈલ્ડ (wild) એટલે જંગલ, જંગલના જાનવરો એવું હોય તો કાર્યક્રમમાં આ બંનેની ભાગીદારી ૫૦-૫૦ ટકાની હોય એવી આશા તો રાખી જ શકાયને?

પરંતુ થયું શું? બીયર ગ્રીલ્સ અને નરેન્દ્ર મોદી સમગ્ર એપિસોડમાં માત્ર વાતો કરતા જ જોવા મળ્યા. ભાલો બનાવવો કે પછી આગલે દિવસે ઓલરેડી બનાવેલા તરાપામાં બે મિનીટ (પ્રસારીત થયેલી મીનીટો) જેટલી સફરથી કશું વળ્યું નહીં!

આમ જુઓ તો બીયર ગ્રીલ્સ સામે જ્યારે નરેન્દ્ર મોદીએ હિન્દી બોલવાનું શરુ કર્યું ત્યારથી જ કાર્યક્રમની મજા મરી ગઈ હતી. આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાનની અંગ્રેજી બોલતી વખતે થોડી મર્યાદા છે, પરંતુ એટલી પણ નથી કે તેઓ સામાન્ય અંગ્રેજી પણ ન બોલે! વળી એક ટકો પણ હિન્દી ન બોલી કે સમજી શકતો ગ્રીલ્સ મોદીની સ્પષ્ટ હિન્દી સાંભળીને “wow” જેવા એક્સપ્રેશન્સ આપે ત્યારે એમ થાય કે આ બધું નાટક જ છે!

એક રીતે જોવા જઈએ તો આ નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ વધુ હતો નહીં કે જંગલમાં કુદરત સાથે વસવાટ કરતા બે વ્યક્તિઓની સફર. ફરક માત્ર એટલો હતો કે અભિનેતા અક્ષય કુમારે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ દિલ્હીમાં આવેલા ૭, લોકકલ્યાણ માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને લીધો હતો અને બેયર ગ્રીલ્સે ઉત્તરાખંડમાં આવેલા જીમ કોર્બેટના જંગલમાં.

જો બંને પક્ષે ઈચ્છાશક્તિ હોત તો ઘણું થઇ શક્યું હોત. ઉદાહરણ તરીકે જો બેયર ગ્રીલ્સ ચોખ્ખા શબ્દોમાં એમ કહી શકતો હોય કે અમારી કેમેરા ટીમે ગઈકાલે આ વાઘ અને હાથીઓનું શુટિંગ કર્યું છે તો સરખો સરવે કરીને જે દિવસે વડાપ્રધાન સાથે શુટિંગ હતું ત્યારે જ વાઘ અને હાથી જંગલમાં ક્યાં છે એ નક્કી કરીને ત્યાં શુટિંગ ન થઇ શક્યું હોત? નરેન્દ્ર મોદી પાસે તો આખી સરકારી મશીનરી હતી તો તેઓ પણ તેમાં હેલીકોપ્ટર દ્વારા મદદ કરી શક્યા હોત.

હું પણ ૨૦૦૫માં જીમ કોર્બેટ જઈ આવ્યો છું અને મારી સાથે તે સમયે મારા રિસોર્ટમાં રહેલા ૯૯% એ વાઘ, હાથી કે ઇવન હરણ પણ ન જોયું હોવાની ફરિયાદ કરી હતી. એટલે એ શક્ય છે કે ગીરમાં જે રીતે સિંહને અગાઉથી જ સ્પોટ કરીને સિંહદર્શન માટે આવતા લોકોને ત્યાં લઇ જવામાં આવે છે એવું કદાચ જીમ કોર્બેટમાં શક્ય નથી. પરંતુ આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો, આ ભારતનો સહુથી શક્તિશાળી વ્યક્તિ હતો તેના માટે તો એટલી મહેનત કરી જ શકાઈ હોત! વિચારો કે ઘાંસની વચ્ચે લપાઈને બેયર ગ્રીલ્સ નરેન્દ્ર મોદીને દૂર ઉભેલા વાઘ કે હાથીનું દર્શન કરાવતો હોય એવું દ્રશ્ય જોઇને કોના રૂંવાડા ઉભા ન થઇ ગયા હોત!

બહુ મોટા ઉપાડે “તમે ભારતના સહુથી મહત્ત્વના વ્યક્તિ છો એટલે તમારી સુરક્ષા કરવી મારી જવાબદારી છે” એવું કહીને બેયર ગ્રીલ્સે ભાલો તો બનાવી દીધો પરંતુ ભલે તેનો ઉપયોગ ન થાય પણ સામે કોઈ વાઘ દેખાયો હોત તો એ ત્યારે એવું કહી શક્યો હોત કે “જુઓ મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, આ કારણસર મેં ભાલો બનાવ્યો છે!” આ જ રીતે જો બેયર ગ્રીલ્સ અને નરેન્દ્ર મોદીએ જાતે તરાપો બનાવ્યો હોત એવું દેખાડ્યું હોત તો પણ કાર્યક્રમમાં રસ જળવાઈ રહ્યો હતો.

જો આ કાર્યક્રમમાંથી કશું પોઝીટીવ લેવું જ હોય તો તે એ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના દર્શનશાસ્ત્રને વિશ્વ સમક્ષ લાવવામાં સફળ રહ્યા. ઉદાહરણ તરીકે, તેમના દાદીની વાત જેમણે અતિશય ગરીબી હોવા છતાં મોદીના કાકાને વૃક્ષ કાપવાની એટલે મનાઈ કરી કારણકે એમાં પણ જીવ હોય છે. કે પછી ભારતમાં તુલસી વિવાહ કેમ થાય છે એનું કારણ, કે પછી ભારતીયોના સંસ્કાર કોઈ જીવ હત્યાની મંજૂરી નથી આપતા આ બધું ભારતના દર્શનશાસ્ત્રની કેટલીક ઝલક હતી જે આ કાર્યક્રમ દ્વારા વિશ્વ સુધી પહોંચી જ હશે.

આ ઉપરાંત હવે જીમ કોર્બેટ માત્ર વિદેશી જ નહીં પરંતુ દેશી પ્રવાસીઓનું પણ હોટસ્પોટ બની જશે કારણકે હવે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે, બિલકુલ એવી જ રીતે જે રીતે કેદારનાથ પાસે આવેલી ગુફામાં વડાપ્રધાન મોદીએ એક રાત્રી ધ્યાન ધરવા બાદ હવે એ ગુફાઓ એકદમ હીટ થઇ ચૂકી છે. આવનારા દિવસોમાં જીમ કોર્બેટ પણ આ જ રીતે યાત્રીઓથી ભરાઈ જાય અને અહીંના સ્થાનિક અર્થતંત્રને ફાયદો થાય એ શક્ય છે.

પરંતુ, આ તો થઇ બાયપ્રોડક્ટ્સ. છેવટે એટલું કહેવું પડે કે બાયપ્રોડક્ટ્સ ભલે સારી બનશે પરંતુ મેઈન પ્રોડક્ટ એટલેકે ‘મેન વર્સીઝ વાઈલ્ડ’ કાર્યક્રમ એકંદરે નિરાશાજનક રહ્યો!

૧૩.૦૮.૨૦૧૯, મંગળવાર

અમદાવાદ