Man Mohna - 7 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૭

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મન મોહના - ૭

મન, ભરત અને નિમેશ ત્રણેય આગળ જતા એન્જિનિયરિંગમા ગયેલા. એમનું નાનું ગામ છોડીને એમને મુંબઈ ભણવા જવું પડ્યું. ભરત છ મહિનામાં અને નિમેશ વરસ પૂરું કર્યા પછી કોલેજને બાય બાય કહી જતા રહેલા પણ મન ભણતો રહ્યો. મોહનાની યાદોમાંથી છૂટવા એણે હવે એનું ભૂરું ધ્યાન ભણવામાં જ લગાવેલું અને અહીં મનની જાણ બહાર જ એની જિંદગીમાં હવે ધીરે રહીને વસંત બેઠી હતી.

નાનકડો, પાતળો મન હવે પૂરા છો ફૂટનો ગબરું જવાન બની ગયો હતો. સખત જડબાં અને દ્રઢ રીતે ભિડાયેલાં રહેતા હોઠ એનો દેખાવ આત્મવિશ્વાસથી ભર્યાં ભર્યાં જવાન જેવો બનાવતા હતાં. કોલેજની કેટલીએ છોકરીઓ સામેથી મન સાથે મનમેળ કરવા તૈયાર હતી... પણ મનનું મન કયાંય ચોંટતું ન હતું. દૂધનો દાઝેલો છાછ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી મનની હાલત હતી. એ એકલો જ હતો. એના સાથીદાર હતા એના પુસ્તકો અને પુસ્તકો..

આ બધા વચ્ચે એક વાત વિચિત્ર હતી. રોજ રાત્રે મનને એક સપનું આવતું. એક સુંદર નાની ઢીંગલી જેવી છોકરી વાંસળી વગાડતી વગાડતી એને દેખાતી. એ એને જોઈ રહેતો. એની વાંસળીની ધૂનમાં એ મગન થઈ જતો...! એ છોકરી વાંસળીને એના હોઠેથી હટાવતી અને મન એના ચહેરા સામે જ જોઈ રહેતો. સંગેમરમરની સફેદી પર આછા ગુલાબી ગુલાબનો ઢોળ ચઢાવ્યો હોય એવું એનું આખું શરીર હતું. કાચ જેવી ચમકતી બે મોટી મોટી કાળી આંખો એમાં જોતા જ મન આખી દુનિયા ભૂલી જતો. એના રેશમી ખુલ્લા વાળ હવામાં લહેરાતા રહેતા, જાણે એ પણ વાંસળીની ધુન પર નાચી રહ્યા હોય એમ લયબધ્ધ હલનચલન કરતાં રહેતા. મન એને જોઈ જ રહેતો. એ એની સાથે વાત કરવાની કોશિશ કરતો. ઘણી મથામણ કરતો છતાં કંઈ બોલી ના શકતો. પેલી છોકરી હસતી રહેતી અને મન જાગી જતો. પછીની આખી રાત જાગીને પસાર થતી. નીંદર સાથે વેર થઈ જતું. કંટાળીને એ એના બીજા દોસ્ત, પુસ્તકને યાદ કરતો... સરવાળે એ વધારે ને વધારે હોંશિયાર થતો ગયો. પુસ્તકો સાથેની મિત્રતા એને ફળી હતી. છેલ્લા વરસમાં એ ભણતો હતો ત્યારે જ એણે કેમ્પસ ઇન્ટરવ્યુંમાં સરસ દેખાવ કરતાં ન્યુયોર્કની એક મલ્ટીનેશનલ કંપની તરફથી જૉબ ઓફર આવેલી અને એણે એ સ્વીકારી લીધી. કોલેજ પૂરી થઈ કે તરત જ એ ન્યુયોર્ક ઉપડી ગયો હતો... બે વરસથી એ ત્યાં જ હતો. મમ્મીની તબિયત સારી નહતી રહેતી એટલે એ ઘણીવાર મનને એકવાર આવીને મળી જવા જણાવતી હતી પણ મનનું મન પાછા ફરવા તૈયાર ન હતું. એને એક ડર હતો ભારતની જમીન પર પગ મૂકતાં જ મોહના યાદ આવી જશે. એ ક્યાં છે? શું કરે છે? વિવેક સાથે એનું કંઇક નક્કી થયું કે નહી? વગેરે સવાલોના જવાબ જાણવા એનું મન તલપાપડ થઈ જશે. જરીક પોઝિટિવ વાત જાણવા મળશે કે એનું હૈયું ઉછળી આવશે, ફરીથી એ મોહનામય બની જશે અને પછી રસ્તામાં કોઈ અવરોધ આવશે તો... ના. એ બધું મારે ફરીથી નથી સહેવું. હું જિંદગીભર મોહનાને ચાહતો રહીશ, મનોમન પણ કોઈને એ વાતની જાણ નહિ થવા દઉં! મનોમન કોઈને ચાહવું એક વાત છે અને એ ચાહતને લઈને લોકોમાં મજાક બનીને રહી જવું બીજી, હું કોઈના મજાકનું પાત્ર હરગીજ નહિ બનું.

આ બધા વિચારો જ મનને ભારત આવતા રોકતા હતા, પણ આજે પપ્પાનો ફોન આવતા જ એને એની મમ્મી યાદ આવી ગયેલી. મોહનાતો પછીથી આવી, એની જિંદગીનો પહેલો પ્રેમ એની મમ્મી હતી અને છે! એક એવી સ્ત્રી જેણે કોઈ જ અપેક્ષા વગર હંમેશા પોતાની ખુશી જોઈ છે, મનની દરેક વાત એ એના કહ્યા પહેલાં જ સમજી જતી. મનના મનમાં એની મમ્મી માટે ખૂબ પ્રેમ અને આદર હતો. એટલે આ વખતે એના પપ્પાના આગ્રહને વશ થઈને એ કમને ભારત આવવા તૈયાર થયો હતો. એ ક્યારે ઊંઘી ગયેલો એને ખબર જ ન પડી. એનું વિમાન જમીન ઉપર આવીને ઉભું રહી ગયું અને ચારે બાજુ લોકોનો હિલચાલ થવા લાગી ત્યારે જ એ સફાળો જાગી ગયેલો. ભારતની ભૂમિ પર પગ મુકતાજ એનું હૈયું એક ધબકાર ચુકી ગયું. એની સાંસો ફૂલી રહી હતી. ભારતમાં પગ મુકતા જ એને સૌથી પહેલો વિચાર આવી ગયો મોહનાનો! એ ક્યાં હશે? શું કરતી હશે? કાશ એ અહીં એરપોર્ટ પર કોઈક કામે આવી હોય અને પોતાને એની એક ઝલક જોવાં મળી જાય!

જેના વિચાર માત્રથી દુર ભાગતો હતો એ મન આજે બે વરસે પાછો ફર્યો ત્યારે એનું મન મોહનાના નામનો જાપ જપી રહ્યું હતું. માણસના મનનો કોઈ ભરોશો ખરો?
મુંબઈ શહેરથી દુર આવેલા એક નાનકડાં ગામમાં બસમાંથી ઉતરીને એ ઉભો રહ્યો. બસ ચાલી ગઈ, રહી ગયો એ એકલો. બે વરસ બાદ આજે સાંજે એના ગામમાં એણે પગ મૂક્યો તો અસંખ્ય કીડીઓ જાણે એના આખા શરીરે ચટકા ભરી રહી હોય એવી બળતરા થઈ આવી..! મનની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યા, કેમ? એની તો એને પોતાને પણ ખબર ન હતી. એ સ્ટેશને ઉભો હતો. આસપાસમાં કોઈ રિક્ષા દેખાઈ નહતી રહી. મનને થયું કે ચાલી નાખું તો જલદી ઘરે પહોંચી જવાશે.. એણે થોડુક ચાલ્યું હશે કે પાછળથી આવતા એક બાઈક સવારે એને બૂમ પાડીને ઊભા રહેવાનું કહ્યું.

“કોણ છો ભાઈ? આ બાજુ ગામમાં કઈ તરફ જવાના? સ્ટેશન આગળ છે!” મનનો કોટ, પેન્ટવાળો પહેરવેશ જોઈ એ બાઈક સવારને થયું કે કોઈ અજાણ્યો ભૂલો પડી ગયો લાગે છે.

“મારા ગામ તરફ જાઉં છું. મને રસ્તો ખબર છે. થેંક યું!” આટલું કહી મન ચાલવા જતો તો કે પેલા બાઈક સવારે છેક નજીક આવી મનનાં ચહેરા પર બાઈકની હેડલાઈટ ફેંકી.

“આ શું કરે છે?” મને અકળાઈને એની આંખો પર હાથ ઢાંક્યો. સાંજ ઢળી જવા આવી હતી અને બાઈક સવારનો ચહેરો મનને સરખો દેખાતો ન હતો.

“બેસી જા. હું તને તારા ઘરે ઉતારી દઈશ.” પેલા બાઈક સવારે કહ્યું.

મનને થયું કે ના કહી દઉં પણ પછી હાથમાં વજનદાર બેગ સાથે ચાલવાનું એનેય કાઠું પડતું હોવાથી માની ગયો. બાઈક સવારે છેક મનના ઘર આગળ આવીને બાઈક ઊભી રાખી.

“તમને મારું ઘર ક્યાં છે એ કેવી રીતે ખબર? તમે મને ઓળખો છો?” થેંક્યું કહીને નીચે ઉતરેલા મને અચાનક યાદ આવતા આ સવાલ કરેલો.

પેલો બાઈક ચાલક કંઈ જવાબ આપ્યા વગર ત્યાંથી જતો રહ્યો. બાઈક આગળ જઈને એક ઘર પાસે અટકી હતી. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અંદર પ્રવેશી એ બાઈક સવારે ત્યાં ખુરશીમાં બેઠેલા અને ફોન તરફ જોઈને હસી રહેલાં એક શખ્સને કહ્યું,

“એ આવી ગયો. હવે બધું ઠીક થઈ જશે."

પેલા માણસના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો એની પરવા કર્યા વગર એણે ઊભા થઈને સામેવાળાને ભેટી પડતા કહ્યું,

“કોણ આવી ગયો અને શું થઈ જશે? એક મિનિટ.. મન આવી ગયો... મારો મન?”



કોઈ અજાણ્યો બાઈક સવાર પોતાને છેક ઘરે આવીને મૂકી ગયો, એને ખબર હતી કે પોતાનું ઘર ક્યાં છે, મતલબ એ પોતાને ઓળખતો હોવો જોઈએ આવું વિચારીને મન છેવટે ઘરમાં પ્રવેશ્યો હતો.

એ સાંજે મનના ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. બીમાર મમ્મી પણ પથારીમાંથી ઊભી થઈને દીકરાની આગતા સ્વાગતામાં લાગી ગઈ હતી. મનના પપ્પા આનંદભાઈ એકના એક દીકરાની પ્રગતિ જોઈને ગર્વ અનુભવતા હતાં. કોઈની મદદ વગર એક ગરીબ બાપનો દીકરો પોતાના બળે ભણીને આજે અમેરિકા જેવા દેશમાં સેટ થયો હતો, વરસે લાખો રૂપિયા કમાતો હતો, એ પણ એવો છોકરો જે આટલું નામ કાઢશે એવું કોઈ નહતું માનતું! ફક્ત પોતાને ભરોશો હતો પોતાના લોહી પર અને એ ભરોશો આજે સાચો ઠર્યો હતો.

બધા જમીને પરવાર્યા પછી બેઠકખંડમાં બેઠા હતા ત્યારે મનના મમ્મી રાવિબહેને વાત છેડી,

“જો મન હવે હું તારા લગ્ન કરાવીને જ તને પાછો મોકલીશ. તું ત્યાં પરદેશમાં એકલો રહે એ મને જરાય ગમતું નથી. તારી સાથેના બધા છોકરાના ઘરે એમનાય છોકરા આવી ગયા!"

“તમે સાવ આવી વાત ના કરો, મનની મમ્મી! આજના જમાનામાં આપણે એની મરજીય જાણવી જોઈએ.” આનંદભાઈએ કહ્યું.

“તે હું એની કયાં ના કહું છું, મનના પપ્પા! એણે કોઈ પસંદ કરી રાખી હોય તો કહી દે. મને જરાય વાંધો નથી. પરદેશમાં એને રહેવાનું છે તો એને ગમે તે ખરી. વહુ આપણી, ભારતીય હોય તો સારું... પણ મારી કોઈ જબરજસ્તી નથી.”

“ઓહ..મમ્મી! મેં કોઈને પસંદ નથી કરી. સાચું કહું તો મને કોઈ છોકરીમાં રસ જ નથી. હું કુંવારો શું ખોટો છું? કોઈ ઝંઝટ નહિ... આઝાદ પરિંદા!”

“આવું તે હોતું હશે? આખી જિંદગી આમ જ રહેવાનું છે? તને કોઈ ગમતી હોય તો બોલ નહીંતર હું જાતે શોધી લાવીશ. મારા દીકરા માટે દુનિયાની સૌથી સુંદર વહુ!”

રાવિબહેન એમની જ ધૂનમાં બોલે જતાં હતા અને મનની આંખો આગળ એક છોકરીનો ચહેરો આવીને જતો રહ્યો...! મનના મનમાં એક ટીસ ઉઠી અને એ ઊભો થઈ ગયો.

“શું થયું? કેમ ઊભો થઈ ગયો દીકરા?”

“કંઈ નહિ કાકી... એને ખબર પડી ગઈ કે એનો દોસ્ત આવી ગયો છે એને લેવા...” દરવાજેથી અંદર આવતા જ ભરતે બે હાથ ફેલાવી કહ્યું. “યાદ છે આ દોસ્ત કે ભૂલી ગયો?”
મન આગળ વધ્યો અને ભરતને ગળે મળ્યો.

“તને તો જિંદગીમાં ક્યારેય નથી ભૂલ્યો ભરતા! શરૂઆતમાં તો રોજ એવું થતું કે કાશ મારો ભેરુ ભરત અહીં હોત...!"

“અને આ યાદ છે કે નહિ?” ભરતે એની પાછળ ઊભેલા નિમેશ તરફ આંગળી કરી.

“ઓહ ગોડ હું ક્યારનોય વિચારતો હતો કે એ બાઈક પર લિફ્ટ આપનાર હતો કોણ? એ નિમેશ જ હતો ને?” મને આગળ જઈને નિમેશને ગળે લગાડ્યો, “પણ તે એજ વખતે કહ્યું કેમ નહિ? ઓળખાણ તો આપવી જોઇએને!"

“હવે હું મારી શી ઓળખાણ આપુ. આપણે સાથે સ્કૂલમાં ભણતાં હતાં એટલાથી ઓળખી જાય તો ઠીક નહિંતર, જય રામજી કી!” નિમેશ લાગણીશીલ થઈને બોલ્યો હતો.

“કાકી તમારા આ છોકરાને આગવા કરીને લઈ જાઉં છું... અડધી રાતે ઘરે પાછો મૂકી જઈશ.” ભરતે કહ્યું.

“અરે...પણ એ થાકીને આવ્યો હશે. હજી એને ઘરે જપીને બેસવા તો દો.”

“એને જવા દો, મનના મમ્મી. છોકરાઓને આ ઉંમરે દોસ્તો સાથે વધારે ફાવે આટલા વખત પછી બધા મળ્યા છે એમનેય થોડી મસ્તી કરી લેવા દો. જાઓ પણ જલદી આવી જજો હોં!.” આનંદભાઈએ રજા આપી દીધી.

ત્રણે જણાં એક જ બાઈક પર બેઠાં મન, ભરત અને નિમેશની વચ્ચે ગોઠવાયો. થોડે આગળ જતા જ રોડ ઉપર એક નાનકડી ધાબા જેવી હોટલ “રામ મિલાયે” હતી ત્યાં જઈને બધા ગોઠવાયા. નાનકડા ટેબલને ફરતે ત્રણે જણાં ત્રણ ખુરશીમાં ગોઠવાયા.

“તો શું ચાલે છે યુ.એસ.માં? તું તો બહું મોટો માણસ થઈ ગયો, યારા! શૂટ, બુટ અને ટાઈ! ડોલરમાં કમાણી!” ભરતે મનનો હાથ પકડી કહ્યું.

“કંઈ ખાસ નથી દોસ્ત! ફક્ત પહેરવેશ બદલાયો છે હું તો એનો એ જ છું.” મને સહેજ હસીને કહ્યું.

“ત્યાં તો મસ્ત ઇંગ્લિશ દારૂ પીવાની ટેવ પડી હશેને... એકાદ બોટલ અમનેય ચખાડજે...” નિમેશ બોલ્યો.

“હું દારૂ નથી પીતો.” મને હસીને કહ્યું.

“લે અમેરિકા જઈનેય દારૂ નથી પીતો? ચિકન? છોકરી? આ બધાની મોજ માણી કે એમાંય નકારો જ પાડવાનો છે?” નિમેશ સવાલ પૂછીને મન સામે તાકી રહ્યો, મને નકારમાં માથું ધુણાવ્યું એ જોઈ નિમેશ બોલી પડ્યો,

“આવા વેદિયાઓ પર જ કિસ્મત મહેરબાન થાય છે! જેને જિંદગી જીવતા, માણતા જ ના આવડતું હોય એવા લલ્લુઓ પર જ. આ મોટો અન્યાય છે હો... નિયતિ તારે એનો મને જવાબ આપવો પડશે!"

“ચાલ હવે બહું થયું હો! તારા લવારા બંધ કર. મારો દોસ્ત શરીફ માણસ છે.”

“ભરતા તું તો બોલીશ જ નહિ... આ નહતો ત્યારે તને હું વ્હાલો લાગતો હતો અને હવે આ આવી ગયો એટલે નિમેશ લવારા બંધ કર! ખબર છે ને આણે તો એફ.બી. ઉપર આપણી ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારી નથી."

મનને યાદ આવ્યું એણે આ લોકોની રિકવેસ્ટ જોઈ હતી પણ સ્વીકારી ન હતી... કેમ? એની તો એને પોતાનેય ખબર ન હતી. આ ગામ, આ દોસ્તો, આ દેશ છોડીને એને ભાગી જવું હતું દૂર... ખૂબ દૂર... સ્કૂલની કોઈ યાદ એને ના આવી જાય એટલે દૂર..! કેમકે એ યાદોની સાથે એક બીજી યાદ પણ જોડાયેલી હતી, મોહનાની યાદ! જેને આ બધું છોડવા છતાંય છોડી શક્યો નહતો. આજે, આ ઘડીએ પણ એ આ લોકો સાથે બહાર આવ્યો ત્યારે એનું મન કહેતું હતું કે આ લોકો પાસેથી એના વિશે, મોહના વિશે કંઈક જાણવા જરૂર મળશે!

વાતો થતી રહી, રાત આગળ વધતી રહી અને ધીરે રહીને મને બીજા બે ચાર દોસ્તો સાથે વિવેક વિશે પૂછી લીધું. એણે ધારેલું કે વિવેક વિશે પૂછીને એ મોહના વિશે કંઇક જાણી શકશે.

“વિવેક... એ તો કોલેજ છોડીને ભાગી ગયેલો. એને પેલી નેહા ગમતી હતી. એને ખુશ કરવા એ બિચારો જોકર જેવો થઈને ફરતો'તો... પણ નેહાને અગમ પસંદ હતો.” ભરતે માહિતી આપી.

“એ અગમિયાને આપણાં ક્લાસની સંધ્યા પસંદ આવી ગયેલી..!” નિમેશ આંખ મારીને બોલ્યો.

“મજાની વાત કરું? એ સંધ્યાને હું સારો લાગતો હતો અને મને એ વખતે તું સારો લાગતો હતો!” ભરતે રહસ્ય ખોલ્યું, “મને છોકરીઓમાં એ વખતે કોઈ રસ જ ન હતો. મારા માટે તો મારા ભાઈબંધો જ મારી જાન હતા.”

“સાલા... તો પેલી મોહનાને મારી બેન શું કામ બનાવડાવી હતી?” નિમેશ ચીઢ કરીને બોલ્યો મનનું દિલ એક ધબકારો ચૂકી ગયું. ક્યારનોય એ આ એક નામ કોઈ ઉચ્ચારે એની જ તો રાહ જોઈ રહ્યો હતો. એના માટે જ તો એ ઘરે આરામ કરવાને બદલે અહીં સુંધી લાંબો થયો હતો!

“એ મારા જીગરી મનને પસંદ હતી એટલે!” ભરતે સ્વાભાવિક રીતે જ કહ્યું હતું છતાં મનના ગાલ શરમથી લાલ થઇ ગયા, એના હોઠ પર એક હલકું સ્મિત આવી ગયું...

“એય... ભરતા આની હામે તો જો જરા. એ હજી મોહનાને ચાહે છે!” નિમેશ મનના ચહેરા સામે તાકીને બોલ્યો.

“સાચી વાત છે... હો લ્યાં! મન શું ચાલે છે ભાઈ? મોહના સાથે કોઈ કોન્ટેક્ટ ખરો?” ભરતે મન સામે જોઈને પૂછ્યું.

“ના...ના...હવે!” મનના આખા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ, “તમે લોકો અહીં રહો છો, તમે એના કોન્ટેક્ટમાં હશો મને શી ખબર."

“એતો કોલેજ પૂરી કરીને ક્યાંક ગૂમ જ થઈ ગઈ. એના તો કદાચ લગ્ન પણ થઈ ગયેલાં, કેમ નિમેશ? તું એનો ભાઈ થાય તને તો ખબર હશે ને?” ભરત હસ્યો.

“હા... હું એનો ભાઈ છું અને એના લગ્નમાંય ગયેલો. એનાં બાપાએ એમના જેવો જ એક આર્મી ઑફિસર શોધીને એની સાથે મોહનાને પરણાવેલી."

મનના હાથમાંથી એણે વાત સાંભળતા પકડી રાખેલો પાણીનો ગ્લાસ છટકી ગયો. એના કપડા ઉપર થોડું પાણી ઉડ્યું. મોહનાના લગ્ન થઈ ગયા એ જાણીને મનના મનમાં ઊંડો ઘાવ પડ્યો હતો. એને એમ લાગતું હતું કે મોહના ફક્ત એની જ છે. કોઈક ને કોઈક દિવસ એવો જરૂર આવશે જ્યારે મોહના હંમેશા માટે એની થઈ જશે! આ વિચાર તો એની હિંમત હતો, એની જિંદગી જીવવા જેવી લાગે એવું એક મહત્વનું કારણ અને આજે એની એ હિંમત જાણે કોઈ છીનવી ગયું... એ અચાનક ઉદાસ થઈ ગયો.

“બહું રાત થઈ યાર ઘરે મમ્મી ચિંતા કરતી હશે.” મન થાકેલા અવાજે બોલ્યો.

“હા.. યારા! તું થાક્યો હોઈશ. હમણાં તો રોકાવાનો ને? આપણે સવારે મળીશું.” ભરતે કહ્યું અને ઊભો થયો.
ઘરે ગયા પછી મનના જીવને ક્યાંય ચેન ન હતું. મોહના કોઈ સાથે પરણી ગઈ, એ હવે ક્યારેય એની નહિ થઇ શકે એ વિચાર જ એને મંજૂર ન હતો..! પણ શું થાય? એ જ હકિકત હતી. આખી રાત મન પથારીમાં તરફડિયા મારતો રહ્યો. છેક વહેલી સવારે એની આંખ મીંચાઇ ત્યારે એને એક સપનું આવ્યું,

સરોવરની સામે ઓટલા પર એક સુંદર જોડું બેઠું હતું. ચાંદની રાત હતી. ચાંદ એની શીતળતા આપતી રોશની ચારે બાજુ ફેલાવી રહ્યો હતો. એ ચાંદનીમાં નહાઈ રહ્યા હતા એક યુવક અને યુવતી! યુવતીનું માથું યુવકના ખભા પર ઢળેલું હતું અને બંને ખુલ્લા આકાશમાં જોઈ રહ્યા હતાં. આકાશમાં તારા પણ આજે જાણે એમને જ જોઈ વધારે ચમકી રહ્યા હતા. એ છોકરી મીઠું હસી અને છોકરાએ છોકરી તરફ જોયું... એ યુવતી હતી મોહના અને યુવક હતો મન!

મન જાગી ગયો. એનું સુંદર સપનું તૂટી ગયું. એ તડપી ઉઠ્યો. એના દિલમાં, આખા શરીરમાં એક લાય લાગી, એક જલન ઉઠી, કેમ? આ સવાલનો કોઈ જવાબ ન હતો. એનું દિલ જાણે આખી દુનિયાની પીડા એના ઉપર જ આવી પડી હોય એમ વ્યથિત થઈ ગયું અને પીડા પણ એવી કે એ કોઈને જણાવી શકે એમ ન હતો..! આખી દુનિયા એને બેકાર, નીર્થક લાગી. મોહના વગર જીવવું જાણે એના માટે શક્ય જ નહતું! પણ એ શું કરે? કોઈ જવાબ ન મળતાં એ ઓશીકામાં મોઢું છુપાવી રડી પડ્યો...! બંધ આંખોમાંથી સરી રહેલા આંસુ એનું ઓશીકું ભીંજવી રહ્યા. બાળપણમાં એણે ઘણીવાર સાંભળેલું કે પુરુષ કદી ના રડે! ઘણીવાર એણે આંખોમાં ભરાઈ આવેલા આંસુ એણે રોકી રાખેલા, પોતાનું પુરુષપણું ના લજવાય જાય એમ વિચારીને પણ આજે, અત્યારે આ ઘડીએ એ પોતાને પુરુષ પણ નહતો માનતો. એ બસ પોતાને એક નિસહાય પ્રાણી સમજી રહ્યો હતો.

એના મનમાં એક સવાલ વારંવાર ઊઠતો રહ્યો, સર્વશક્તિમાન ઈશ્વર જે બધું જ કરી શકે છે એમની પાસે એણે જીવનભર બસ એક જ પ્રાર્થના કરેલી, મોહના એની થઈ જાય! ભગવાન આગળ ઊભા રહી મોહના સિવાય એણે કોઈ શબ્દ કહ્યો ન હતો છતાં ઈશ્વરે એકદમ નિર્દય બની એની માંગણી ઠુકરાવી હતી, કેમ? એમને શું ફરક પડી જાત જો મોહના એને આપી દીધી હોત તો?

સવારે રાવિબહેને આવીને એને જગાડ્યો ત્યાં સુધીની ક્ષણો એમ જ જાત સાથે લડવામાં પસાર થઈ...! ઓશીકું એકલું સાક્ષી બની રહ્યું મનના તૂટેલા સપના અને એણે વહાવેલી વેદનાનું...!