Jaane-ajane - 15 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (15)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (15)

નદીમાં જોરથી ચાલતાં વહેણ સાથે જોતજોતામાં નિયતિનું દેહ ગાયબ થઈ ગયું... શું આ નિયતિનો અંત હતો?...


દરેક જન્મતા બાળક સાથે તેનું નિર્ધારિત કર્મ જોડાયેલું હોય છે અને દરેક કર્મો સાથે જોડાયેલાં માણસો સાથે જ તેનો સંબંધ જોડાય છે. નિયતિની સાથે જોડાયેલાં વ્યક્તિઓ એટલે તેનાં પિતા અને તેની મોટી બહેન સાક્ષી. ઘણાખરા અંશે રોહન પણ. એટલે જ્યાં સુધી એ દરેકના જીવનમાં આવવાનો ઉદ્દેશ પુર્ણ ના થાય તે પહેલાં નિયતિને દુનિયા છોડવાનો હક નહતો. પરંતુ તેનું જીવન મૃત્યુ તેનાં ભાગ્ય પર નિર્ધારિત હતું.

બીજી તરફ નિયતિનાં પિતા જયેશભાઈ તેની દિકરીને શોધવાનો પૂરે પુરો પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ વધતાં વરસાદી તોફાનોને કારણે તે શક્ય બનવું અઘરું હતું. જવાનોની ટીમ લોકોને પોતાનાં ઘરમાં રહેવા સૂચવી રહી હતી અને સ્થિતિ વધારે ગંભીર થતાં કોઈને પણ બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. ચિંતાથી તરબતર બનેલાં જયેશભાઈની આંખે પાણી ઝરવા લાગ્યાં. પોતાનાં થકી દરેક સંભવ પ્રયાસો પછી પણ માત્ર નિરાશા જ હાથ લાગી રહી હતી. સાક્ષીનો પ્રયત્ન પણ વિફળ થયો હતો. કપરી પરિસ્થિતિમાં સાક્ષીને રોહનનો વિચાર આવ્યો અને મદદ માંગવા તેણે ફોન કર્યો. રોહન પણ ઘરની બહાર જ હતો એટલે પહેલીવારમાં તેણે ફોન ઉપાડ્યો નહીં. ઘણાં પ્રયત્ને રોહને ફોન ઉપાડ્યો ત્યાં તો રડતી સાક્ષી એકદમ જ બોલી પડી

" રોહન... કશુંક કર... નિયતિ......" આટલું બોલતાની સાથે તો સાક્ષી ચોધાર આંસુએ રડી પડી. નિયતિનું નામ સાંભળી પહેલાં તો રોહન ના રૂંવાડા ઉભા થઈ ગયા. પણ પોતાને શાંત રાખી રોહને જવાબ આપ્યો

" શું થયું નિયતિને?... " જાણે રોહનને કશું ભાન ના હોય તેમ દર્શાવી રહ્યો. " નિયતિ ઘેર પાછી નથી આવી. આપણને મળ્યા પછી તેને કોઈએ જોઈ નથી. તે મને કશુંક કહેવા માંગતી હતી. પણ..." રોહન આ સાંભળી સફાળો બેઠો થઈ ગયો. શું કહ્યું હશે નિયતિ એ? ... મારાં વિશે? મારાં ભાઈ વિશે?... ઘણાં વિચારો દોડવા માંડ્યા. રોહનનાં પુછવા પર સાક્ષી બોલી. "


નિયતિ એ ફોન કર્યો હતો. બહું ચિંતામાં જણાય રહી હતી. કશુંક મારાં જીવનથી જોડાયેલી વાત કહેવી હતી. પણ તેણે કહ્યું હું તમને આવીને વિસ્તારથી જણાવીશ. પણ હજું સુધી તે ઘેર આવી નથી. તેનો ફોન પણ બંધ આવે છે. તોફાનને કારણે બહાર નિકળવું શક્ય નથી. હું શું કરું.. સમજાતું નથી. " રોહનની શ્વાસમાં શ્વાસ આવ્યો અને તેણે સાક્ષીને સાંત્વના આપી શાંત કરી. રોહનને ખબર હતી કે નિયતિને શોધવાનો કોઈ ફાયદો નથી છતાં સાક્ષીનો ભરોસો જીતવા તેણે દેખાડો કરવાનું વિચાર્યું. તેની સાથે સાથે રોહનને એ પણ બતાવવું હતું કે નિયતિ આ દુનિયામાં નથી. પણ સીધી રીતે કહેવાય નહીં એટલે તેણે બીજો રસ્તો અપનાવ્યો. રોહને નિયતિની પરિસ્થિતિની એવી કડીઓ વાપરી કે જયેશભાઈને નિયતિની મૃત્યુ પર વિશ્વાસ બેસે. ઘણાં પ્રયત્ને રોહન સાક્ષીને સમજાવવામાં સફળ થયો કે નિયતિ મૃત્યુ પામી છે. પણ જયેશભાઈનું મન તે માનવા તૈયાર જ નહતું. પાંચ દિવસ વીતી ગયાં હતાં. નિયતિની શોધ હજું ચાલું જ હતી.

પોતાની બધી તાકાત અને ઓળખાણ વાપરવા છતાં નિયતિનાં કોઈ સમાચાર મળ્યા નહીં. હવે હતાશા સહન કરવી હાથની વાત નહતી. છતાં નિયતિનાં પિતાને વિશ્વાસ હતો કે નિયતિ જીવીત છે અને પાછી જરુર આવશે. તોફાન હવે શાંત પડવા લાગ્યું હતું. અને અચાનક સરકાર તરફથી સમાચાર મળ્યા કે તોફાની વાતાવરણમાં ગુમ થયેલા દરેક વ્યક્તિ કે જેની શોધ ચાલું છે અને કોઈ પણ સમાચાર નથી મળી શક્યા તેને મૃત જાહેર કરવામાં આવશે અને તેમની શોધ સરકારી કર્મચારી તરફથી અટકાવી દેવામાં આવશે. કેમકે તોફાનની તીવ્રતા ને જોતાં કોઈ પણ વ્યક્તિ જે ગુમ છે પોતાનાં ઘરથી બહાર છે તેમનું જીવવું શક્ય નથી. આ વાત સાંભળી નિયતિનાં પિતા બેધ્યાન થઈ જમીન પર ઢળી પડ્યા.

જયેશભાઈને પોતાની દીકરીનું પુરેપુરું બાળપણ જાણે એક જ ક્ષણમાં આંખો આગળ આવી ગયું. પોતાનાં નાનાં નાનાં પગલે પા પા પગલી ભરી પોતાનાં પિતા સામે આવતી નાનકડી નિયતિ દેખાયી. તેનાં દરેક નખરા, દરેક વાતો, તેની મુસ્કાન અને અજીબ અજીબ રમુજીઓ... દરેક વાત જયેશભાઈ આજે ફરી જીવી રહ્યા હતાં. બાળપણથી માંડીને છેક અત્યાર સુધીનાં દરેક અનુભવ એકસાથે જીવી રહ્યા હતાં. એટલામાં અચાનક નિયતિ રડવા લાગી. પોતાનાં પિતાને ખભે માથું ટેકવીને ભાવભીનું બનેલાં વાતાવરણ સાથે તે ખુબ રડી. આ જોઈ જયેશભાઈ બોલ્યા " નિયું બેટા શું થયું?.. કેમ રડે છે?... હવે તો તું મારી પાસે આવી ગઈ છે ને.. ગભરાઇશ નહીં. હું છુ ને તારી જોડે".

પોતાનાં માં-બાપથી વધારે વ્હાલ કોઈ ના કરી શકે. તેમનાં ધ્વારા બોલાયેલા બે શબ્દો પણ પૂરતા નિવડે. પણ આજે નિયતિનાં ચહેરાં પર ડર, ભય, આશ્ચર્યતા વગેરે ખૂટવાનું નામ જ નહતાં લેતા. જયેશભાઈ નિયતિનું મોં જોતાની સાથે જ સમજી ગયા કે કોઈ તકલીફ છે જે કહીં શકવું મુશ્કેલ બનતું જાય છે. એટલે નિયતિને પોતાની હાથોમાં વળગાડી તેને ખુબ જ શાંતિથી પુછ્યું ત્યારે માત્ર નિયતિ એમ બોલી

" પપ્પા, જીવનનાં દરેક કામોમાં મેં તમારી સલાહ લીધી છે અને આશીર્વાદ પણ. એક એક કામ તમારી મરજીથી કર્યું છે. મારો પ્રેમ તમારી અને દીદી પ્રતી નિસ્વાર્થ છે. છતાં જો કોઇ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. મેં તમને અને દીદીને બચાવવાનો પુરો પ્રયત્ન કર્યો. પણ જો આ પ્રયત્ન વિફળ થાય તો મને દોષ ના આપશો ને. હું હંમેશા તમારી લાડલી બનવા માંગતી હતી. ઘણાખરા અંશે બની પણ મારાં કર્મો તમારાથી મને દૂર કરે છે પપ્પા.. મને બચાવી લો પપ્પા મને બચાવી લો.....


પાછળથી સાક્ષીનો અવાજ આવ્યો પપ્પા પપ્પા... નિયતિ ગભરાઈ અને અધીરી થઈ ને જાણે પોતાની વાત પુરી કરવાં તેનાં પપ્પાનું ધ્યાન ખેંચતાં બોલી

"પપ્પા મારી વાત સાંભળો... દરેક સારો દેખાતી વ્યક્તિ ખરેખર સારાં હોય જરુરી નથી. કોઈની પર ભરોસો કરતાં પહેલાં વિચારજો. હું તમારી સાથે ના હોવા છતાં તમારી સાથે જ છું. મને તમારા વિચારોમાં જીવન આપજો પપ્પા તમારા વિચારોમાં જીવન આપજો.... અને.... અને... દીદીને... પપ્પા દીદીને પેલાં......."


અચાનક જયેશભાઈનાં ચહેરાં પર પાણીની છાલક વાગી અને તે હોશમાં આવ્યા. તેમની સામે માત્ર સાક્ષી અને રોહન ઉભા હતાં. "પપ્પા તમે ઠીક છો?... શું થયું તમને તમે બેભાન કેવી રીતે!... " સાક્ષી હજું વાત પુરી કરે તે પહેલાં જયેશભાઈ નિયતિ ક્યાં ગઈ?... હમણાં તો વાતી કરતી હતી... નિયતિ.. નિયતિ બેટા..... કરીને બુમો પાડવા લાગ્યા.

સાક્ષીએ જેમતેમ કરી તેમને સમજાવ્યા કે નિયતિ અહીંયા નથી. તે ક્યાંય પણ ના હોઈ શકે આ દુનિયામાં. પણ જયેશભાઈ ને નિયતિનાં મૃત્યુ વીશે વિશ્વાસ જ નહતો. સાક્ષીને દુઃખી જોઈ તે હાલ તો ચુપ થઈ ગયાં પણ હજું નિયતિએ કહેલી દરેક વાતો તેમનાં મનમાં ચાલતી હતી. "જરૂર કશુંક કહેવા માંગતી હતી મારી દિકરી... પણ બોલી ના શકી..." એક પિતાનો વિશ્વાસ બોલતો હતો. છતાં કશું કોઈને પુછી શકાય તેમ નહતું એટલે તેમણે વિચાર્યું થોડાં દિવસ વિતવા દો.. મામલો શાંત થાય અને દુઃખ પણ ત્યાં સુધી રાહ જોવી પડશે. અને આમ નિયતિનાં પિતાએ આ વાતને અહીંયા જ અધુરી મુકી.


બીજી તરફ પ્રશ્ન એ હતો કે નિયતિનું શું થયું?... શું ખરેખર તે મૃત્યુ..?......


ક્રમશઃ