Friend request in Gujarati Short Stories by KRUNAL SHAH books and stories PDF | ફ્રેન્ડ રિકવેસ્ટ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ફ્રેન્ડ રિકવેસ્ટ

અમદાવાદની પૃષ્ઠભૂમિમાં આ વાર્તા લખાઈ છે. મારી સૌપ્રથમ ટૂંકી વાર્તા માતૃભારતીના મંચ પર રજૂ કરી રહ્યો છું... આશા છે વાચકોને ગમશે. તમારો અભિપ્રાય / પ્રતિભાવ જરૂરથી આપશો.

"હેલ્લો !"
"હા બોલ! શું થયું ?"
"થયું કંઈ નથી. કેટલી વાર લાગશે?"
"હાલ ઇસ્કોન ઉતર્યો. 20 મિનિટમાં ઘેર."
"સારું."

લગ્નના 15 વર્ષ પછી પતિ-પત્નીનો સંવાદ સ્વાભાવિક રીતે ખૂબ ટૂંકો થઈ જતો હોય છે !

બસમાંથી ઉતરીને હું રીક્ષા સ્ટેન્ડ તરફ ગયો.
થોડો ભાવ-તાલ કરીને રિક્ષામાં બેઠો. થોડોક જ આગળ ગયોને સિગ્નલ આવ્યું.
મોબાઈલમાંથી નજર ઊંચી કરી કે અચાનક....

મારી બાજુમાં જ ઉભેલા બાઈક પર "એ" દેખાયો...
આ "એ" સ્કૂલમાં, ટ્યુશનમાં સાથે હતો.
સ્કૂલ પુરી થઈ ગઈ, કોલેજ આવીને ગઈ, નોકરીને 22 વર્ષ થઈ ગયા, પણ એની સાથે કંઈજ સંપર્ક નહીં.
FBમાં પણ એ ન મળ્યો.

હું ચોક્કસ ન હતો કે આ એ જ છે કે કેમ... પણ એની પણ નજર પડી...
મેં પૂછ્યું " અપરિચિત ? (એવું નામ જ રાખી લઈએ)
એણે કીધું " માસ્તર ?" (મારુ સ્કૂલનું ઉપનામ હતું)

મેં રીક્ષા છોડી દીધી ને એની બાઈક પર બેસી ગયો.
ઘર સુધીનો રસ્તો ટૂંકો હતો એટલે રસ્તામાં ઉભા રહીને ગોઠડી માંડી.
ઘેર જવાનું મોડું થશે એમ વિચારીને એણે સ્પષ્ટ કહી દીધું, "ઘેર ફોન કરી દે કે મોડું થશે."
મેં પણ એને એમ જ કહ્યું.
પણ એણે કીધું "મારા ઘેર કોઈ નથી! "
મારા આશ્ચર્યનો એણે ખુલાસો કર્યો. "જેની સાથે પ્રેમ હતો, એ અમેરિકા છે. એણે બીજે ગોઠવી દીધું પણ હું એના વગર ક્યાંય ગોઠવાઇ શકયો નહીં. મમ્મી પપ્પા ગુજરી ગયા. ભાઈ-બહેન છે નહીં એટલે એકલો જ છું"

મારી નોકરીનું મેં કીધું.
એણે તો કહી દીધું "નોકરી લીધી પણ ફાવી નહીં એટલે મૂકી દીધી. હવે તો કવિતાઓ, વાર્તાઓ લખું છું. સંમેલનોમાં જાઉં છું. રૂપિયા વધુ નથી કમાતો, પણ તાળીઓ મળી રહે છે."

મને એણે પૂછ્યું કે "તારું લખવાનું કેમનું ચાલે છે ?"

મેં કીધું કે હવે હું હિસાબ સિવાય કંઈ લખતો નથી.
ફોન નંબરની આપ-લે કરીને અમે છુટા પડ્યા.

ઘેર આવીને ફ્રેશ થઈ ગયો. જમ્યો, બેઠા, વાતો કરી... પણ કંઈક ઉચાટ જેવું લાગતું હતું.

અપરિચિતે આજે મારા ભૂતકાળને વાગોળવા માટે કારણ આપ્યું હતું. હું એક અજબ પ્રકારની બેચેની અનુભવતો હતો.

રાતે બધા સુઈ ગયા પછી, ઊંઘતી વખતે મેં FBમાં સર્ચ કર્યું "લાગણી શાહ"
28 મ્યુચુઅલ ફ્રેન્ડ સાથે એ તરત જ મળી ગઈ.

કેટલાયે વર્ષોથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મારુ દિલ કહેતું ને હાથ જાણે પાછો પડી જતો.

આજે તો મોકલી દીધી. બેચેની વધવા લાગી હતી. તરત જ એક્સેપ્ટેડનું નોટિફિકેશન આવ્યું.

એની પ્રોફાઈલમાં હજુ પણ બધું જાણે ખાલીખમ જ હતું.
મેં જ ચેટ ચાલુ કરી.

હું : "હાય"
લાગણી : "હેલ્લો"
હું :"મજામાં ?"
લાગણી : "એકદમ... તું?"
હું : "સરસ... ક્યાં છે?"
લાગણી : "અહીં જ... ગામડે.... તું?"
હું : "અમદાવાદમાં.."
લાગણી : "કેમ છે ફેમીલીમાં બધા?"
હું : "એકદમ ફાઈન... તારી ફેમિલી?"
લાગણી : "બસ હું એકલી જ મારી ફેમિલી છું..."

(હું એકદમ ચોંકી ગયો.. પછી ધ્યાન પડ્યું કે એની પ્રોફાઈલમાં ક્યાંય એના ને એના મમ્મી-પપ્પા સિવાયના ફોટો જ નહોતા.

મેં થોડાક સંકોચ સાથે પૂછ્યું, "હસબન્ડ...? "

એણે જવાબ લખ્યો...
"જે ગમતો હતો તે અમદાવાદ સેટ થઈ ગયો... હું એના સિવાય ક્યાંય ગોઠવાઈ શકું એમ નહોતી... એની ફ્રેન્ડ રિક્વેસ્ટની રાહ જોઈ... પણ આવી ત્યારે બહુ મોડું થઈ ગયું !! "

હું હજુ આઘાતમાંજ હતો. ટાઈપ કર્યું "ક્યારે આવી રિક્વેસ્ટ ?"

" બસ 2 મિનિટ પહેલા જ !!!"

---- સમાપ્ત ----