બબલી રાખડી બાંધી ગઈ..!
અમારી કૉલેજ.. તેની આન, બાન અને શાન એટલે બબલી.
બબલીની મરચાં જેવી બોલકી, લીંબુ જેવી ખાટી-ખાટી, ચણા જેવી સ્વાદિષ્ટ, તેલની ધાર જેવી લીસ્સી, ચટણી જેવી મજેદાર.. ટૂંકમાં, કહું તો આવા વરસાદી માહોલમાં બબલી ભજીયાં થાય એવી ટેસ્ટી...
અમારી કૉલેજમાં કોઇપણ સ્પર્ધા હોય, બબલી બધાંથી પહેલી.. રમત હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ... સાઈકલની રેસ હોય કે વાર્તા લખવાની સ્પર્ધા... બબલી ઓલ-રાઉન્ડર.. અરે બાજવાની સ્પર્ધાનું કોઈ આયોજન કરતુ નથી. નહીંતર બબલી બાજવાની બાજી સંભાળી લે. કોઈની મજાલ છે કે બબલીને બાજવામાં કોઈ હરાવે. બબલીનું તીખાપણું અમને બધાને ગમે.. પણ કોઈ કહી ન શકે કે બબલી તું મને ખૂબ ગમે છે. આમ બબલી બધામાં પહેલી..
પરંતુ પ્રેમ પડવાનો એનો છેલ્લો નંબર. એની સાથેની બહેનપણીઓ તો કૉલેજના બીજા વર્ષમાં જ ઠરીઠામ થઇ ગયેલી. પરંતુ બબલી પોતે જ પોતાના પગ પર કુહાડો મારતી હોય એવું લાગ્યું.. અમારી કૉલેજના સારા સારા છોકરાઓ બબલીને આંખોથી કંકોત્રી લખીને સેન્ડ કરી.. બબલી એ કંકોત્રીને કાળોત્રી બનાવીને રીપ્લાઈ આપતી. આવા સમયે આપડે આપડા દિલની હરાજી કરવી, એ જોખમ ભર્યું લાગ્યું. છાના ખૂણે બેસીને ચકોરની જેમ પ્રેમ કરવાનું આપણને સલામત લાગ્યું.
“બબલી કો ક્યાં માલૂમ કે ચાહતા હૈ ઉસે કોઈ ચકોર... ઓ..ઓ...!”
એક વખત મહેતાસર ભણાવતા હતા. એક છોકરો ભણવાની બદલે બબલી સામે ટગર ટગર જોયા કરતો હતો. એમાં એ છોકરાનો વાંક નહોતો. કારણ કે દરોજની જેમ બબલી એ દિવસે સુંદર.. અતિ સુંદર લાગતી હતી. બબલીની નજર એ છોકરા પર પડી. એટલે બધાની વચ્ચે ક્લાસમાં એ છોકરાને કહ્યું: “એ...ય... આમ તાકી તાકીને શું મને જોયા કરે છે? તારા ઘરમાં.... વગરે વગરે..” મહેતાસર પણ અવાક બની ગયા. આ વાત વાયુ વેગે આખી કૉલેજમાં ફરી વળી... હવે તો એવું થયું કે કોઈ બબલીને તાકી તાકીને જોઈ નથી શકતું. બબલીને આવતી જોઇને કાચા હૃદયના કૉલેજીયનો પોતાનો મારગ બદલવા માંડ્યા.
બબલી સામેની તમામ સ્પર્ધામાં અમારી કૉલેજમાં બધા કોલેજીયનો એ તમામ હથિયાર હેઠા મૂકી દીધા હતા. એમાં આપડી પાંહે તો આ બે પાંચ ઈંચની બુઠ્ઠી તલવાર.. એનો શું ગજ વાગે?
એક વખત અમારી કૉલેજમાં નિબંધ લેખનની સ્પર્ધા આવી. વિષય હતો “પ્રિયાને પત્ર” બધા માંડ્યા લખવા. મેં પણ આમાં ડૂબકી મારવાનો વિચાર કર્યો. એટલે ઉપાડી પેન અને કાગળ.. અને મહાન લેખક હું હોઉં એમ માંડ્યો લખવા. એ..ઈ.. ને રમેશ પારેખની કવિતા જેવી બબલી વિષે લખતો જાઉં... મને પણ શું ઉજમ ચડ્યો કે કૉલેજમાં એક હજાર શબ્દો લખવાનું કહેલું.. પરંતુ મેં તો દસ વીસ હજાર શબ્દો લસરકાવી માર્યા... ‘નવો પ્રેમી લખે ઘણું.’ ઘડીક બબલી મને ગાલીબના શેર જેવી લાગે તો ઘડીક ઘાયલના... રસકાબોળ બનીને મેં નિબંધ લખ્યો. સ્પર્ધામાં જમા પણ કરાવ્યો... પરિણામ આવ્યું તો બબલીનો બીજો નંબર આવ્યો... બધાનાં શ્વાસ અટકી ગયા કે પહેલો નંબરે કોણ આવ્યું? બબલીને કોઈ હરાવી ન શકે... કોણ છે એ નસીબદાર? પહેલા નંબરે મારું નામ બોલ્યા... હું ઇનામ લેવા અને બબલીનું દિલ જીતવા ઉભો થયો. મારું હૈયું બબલીની બાજુમાં ઉભા રહેવાથી વધારે ધડકવા માંડ્યું... માધુરી દીક્ષિત યાદ આવી... એનું ઓલું ગીત પણ યાદ આવ્યું...
“અરે...રે... ધક ધક કરને લગા... મોરા જિયરા ડરને લગા... સૈયા..... બૈઈયાં... છોડના....”
હું નિબંધ લખીને બબલીના પ્રેમમાં બંધાઈ ગયો. હું નિબંધ લખીને જીત્યો હતો, તો પણ બબલી સામે હારી ગયો હતો. મેં બબલી સામે જોયું... એને મારી સામે જોયું... મને હાથ વેંત માં હનીમૂનની ટીકીટો દેખાવવા લાગી... બબલી મારી સામે જૂએ એટલે મને ફરી ઐશ્વરીયા રાઈ સાંભરી... ને દિલની ઘંટડી ઉપર ગીત પણ વાગવા માંડ્યું.
“આંખો કી... ગુસ્તાખીયા માફ હો...”
પ્રિન્સીપલ સરે અમને ઇનામ આપ્યા.. અમારા બંનેના ઇનામ અલગ અલગ હતા.. પણ મને તો બબલીને સ્ટેજ પર કહેવાનું મન થતું હતું કે.. “બબુ.. આ મારું ઇનામ પણ તારું.. મારું બધું તારું..” પણ અત્યારે મારી આંખો જ બોલતી હતી.. અને એની આખો સમજતી હતી.. ઇનામ મળ્યા... એટલે બધાએ અમારું અભિવાદન કર્યું.. અરે !
આ શું? બબલી મારી પાસે આવતી હતી. બબુ જરા છેટી રહેજે... મારું દિલડું કાચું-પાકું છે. પ્રેમની ઈમારત હમણા જ ચણી છે... પણ બબલી ફરી મારી નજીક આવી... હે પ્રેમના દેવતા.. મારું રક્ષણ કરજો.. બબલીએ બધા વચ્ચે કહ્યું કે હું કૉલેજમાં બધા વચ્ચે એક વાત કહેવા માગું છું. હવે હું હોંશ ખોઈ રહ્યો હતો... બબલીએ કહ્યું કે “મારે કોઈ ભાઈ નથી.. જ્યારથી મેં આ બચુને જોયો છે ત્યારથી મને મારો ભાઈ લાગ્યો છે. હું તેને રાખડી બાંધવા માગું છું. બચુભાઈ...! તમારો હાથ લાવો...” અને બબલી મારા હાથે રાખડી બાંધી ગઈ...! માધુરી... ઐશ્વરીયા બધી છૂમંતર બની ગઈ. મારા દીલડાના લાખો ટુકડા થયા... હે પ્રેમના દેવતા... શું આ તમારો ન્યાય છે...! હું રોતો રહ્યો... સળગતો રહ્યો... પ્રેમમાં લાખો દીવાનના દિલને તૂટતા જોતો રહ્યો...!
માતૃભારતીના તમામ વાચકોને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... જય હિન્દ... જય ભારત...
લેખન: નરેન્દ્ર જોષી. (૧૦/૦૮/૨૦૧૯)